નિષ્ફળતા મળવી જોઈએ અને એ સમયસર મળવી જોઈએ
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અત્યારે ચારે બાજુએ પરીક્ષાનો માહોલ છે એવા સમયે બધા પેરન્ટ્સ એક જ વાત લઈને બેસી ગયા છે. માર્ક્સ અને રૅન્ક, પણ ના; જીવનમાં દરેક તબક્કે પાસ થવું જરૂરી નથી હોતું, નાપાસ થવું કે પછી નિષ્ફળ થવું પણ જરૂરી છે જીવનમાં. મારી અંગત વાત કહું તો હું અનેક વખત ઑડિશનમાં રિજેક્ટ થયો છું અને રિજેક્ટ થયા પછી મેં વધારે ફોર્સ સાથે ઉપર આવવાની અને ઍક્ટિંગમાં નામ બનાવવાની કોશિશ કરી છે જે આજે પણ ચાલુ જ છે. સફળતાનું મૂલ્ય ત્યારે જ તમને સમજાય જ્યારે તમે નિષ્ફળતા જોઈ હોય અને નિષ્ફળતાની કડવાશ અનુભવી હોય. મિત્રો, જીવનમાં ક્યારેય કોઈ સફળ વ્યક્તિની વાતો નથી થતી, વાતો નિષ્ફળ વ્યક્તિની જ થાય અને નિષ્ફળતાની જ ચર્ચા થાય. સફળતાને કોઈ ઉતાર-ચડાવ નથી હોતા અને નિષ્ફળતા ક્યારેય એકધારી નથી હોતી. વાત નિષ્ફળતાની જ થાય અને ચર્ચા પણ નિષ્ફળતાની જ હોય. પોસ્ટમૉર્ટમ પણ નિષ્ફળતાનું જ હોય અને ભૂમિકાઓ પણ નિષ્ફળતાની જ બાંધવામાં આવતી હોય છે.
સફળ થવું જરૂરી છે, પણ માત્ર સફળતાની જ અપેક્ષા રાખશો તો જરા વિચારો કે તમારા સંતાનને નિષ્ફળતાની ખબર જ નહીં પડે અને જ્યારે તેને નિષ્ફળતા વિશે કોઈ જાતનો અંદાજ ન હોય ત્યારે તેને નિષ્ફળતા જોવાનો વખત આવશે તો બહુ વસમું લાગશે અને બની શકે કે એ સમયે તેનામાં એ નિષ્ફળતા જોવાની ક્ષમતા પણ ન હોય, શક્તિ પણ ન હોય. નિષ્ફળતા મળવી જોઈએ અને એ સમયસર મળવી જોઈએ. એકધારી સફળતા જોનારાઓને જ્યારે પણ નિષ્ફળતા મળી છે ત્યારે એ પરિણામ કરતાં પણ વધારે જોખમી રીતે તૂટ્યા છે અને એનાં પરિણામ ખરેખર માઠાં પણ આવ્યાં છે. બની શકે કે તમારું બાળક દર વખતની જેમ આ વખતે સારું રિઝલ્ટ ન લાવે અને એ પણ બની શકે કે એ પાસ પણ ન થાય, તો શું થઈ ગયું, પાસ થવું જરૂરી છે, પણ અનિવાર્ય નથી. પાસ થવું જોઈએ એવી ઇચ્છા રાખવી એ વાજબી હોઈ શકે, પણ એની આવશ્યકતા ન હોવી જોઈએ અને એને માટે ફરજ ન પાડવી જોઈએ; કોઈએ પણ અને કોઈને પણ. જો આ હકીકત હોય તો પછી આ વાસ્તવિકતાને કોઈ હિસાબે અને કોઈ કાળે કોરાણે ન મૂકી શકાય. તમારા સંતાનને પાસ થવા માટે જરૂરી તમામ માર્ગદર્શન આપો, વાંધો નહીં. હું તો ત્યાં સુધી કહીશ કે દીકરી સાસરે જાય ત્યારે તેને તમામ સાચી શિખામણ આપો, વાંધો નહીં; પણ એવી ફરજ ન પાડો કે આમ જ થવું જોઈએ. ના, જરાય ન ચાલે. આપણે ગાર્ડિયન છીએ, પ્રિન્સિપાલ નથી અને પ્રિન્સિપાલ બનવાની જરૂર પણ નથી. નિષ્ફળ જશે તો તેને ખબર પડવાની જ છે કે તેણે શું ભૂલ કરી છે, પણ એ નિષ્ફળતા કરતાં પણ તેને તમારા કોપની બીક વધારે ન લાગવી જોઈએ અને તેને તમારો ભય ન દેખાવો જોઈએ. જે સમયે બાળકને પોતાની નિષ્ફળતા કરતાં તમારા કોપનો ભય વધુ લાગવા માંડે એ સમયે માનવું કે તમે પારિવારિક ફરજ નિભાવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયા છો.