અહિંસા તેમનો જીવનમંત્ર છે અને આ મંત્રને આજે પણ તેઓ ચુસ્ત રીતે વળગેલા રહ્યા છે
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
ભિવંડીમાં જૈનોએ કાઢેલી રૅલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
સમેતશિખરજી જવું એ જૈનો માટે ઉત્સવથી પણ વિશેષ છે. મોક્ષધામથી પણ વેંત ઊંચું ધામ જો કોઈ હોય તો એ સમેતશિખરજી છે અને આ તીર્થસ્થાનને સ્ટેટ ગવર્નમેન્ટ ટૂરિઝમ સ્પૉટ તરીકે પ્રમોટ કરે એ વાત હાસ્યાસ્પદ તો છે જ, પણ સાથોસાથ આ વાત ધર્મની દૃષ્ટિએ પણ બહુ નિમ્ન સ્તરની છે. જે તીર્થસ્થાન માટે તમારે ગર્વ લેવો જોઈએ, જે તીર્થસ્થાનને કારણે તમારે અહોભાવ દર્શાવવો જોઈએ એ તીર્થસ્થાનને તમે કેવી રીતે ટૂરિસ્ટ સ્પૉટ ગણી શકો. ના, ના અને ના, જરાય નહીં. આ કોઈ ફરવાનું સ્થળ છે જ નહીં અને એવો વિચાર કરવો એ પણ મહાપાપ છે. જૈનો આજે સમેતશિખરજી માટે જે રીતે રસ્તા પર આવ્યા છે એ જ દર્શાવે છે કે તમે કોઈની આસ્થા સાથે ચેડાં કરો છો અને જગતમાં જો કોઈ સૌથી પાપનો રસ્તો હોય તો એ વ્યક્તિની ધાર્મિક લાગણી દૂભવવાનો છે. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે અત્યારે જૈનો બે કારણસર રસ્તા પર આવ્યા છે. એક તો સમેતશિખરજી અને બીજું કારણ છે શત્રુંજય તીર્થધામ એટલે કે પાલિતાણા. બન્નેના મુદ્દા જુદા છે, પણ બન્નેમાં વાત તો એક જ છે, તીર્થધામ બચાવો, તીર્થધામને કશું ન થવું જોઈએ.
આ પણ વાંચો : કર્મયોગી નરેન્દ્ર મોદી : માને વિદાય આપ્યા પછી તરત જ ભારત માની સેવાનો આરંભ
ADVERTISEMENT
શત્રુંજય ગિરિમાળા વિશે ફરી ક્યારેક વાત કરીશું, પણ અત્યારે વાત કરીશું આપણે ઝારખંડની. સમેતશિખરજીની વાત નીકળે અને જૈનોની આંખોમાં અહોભાવ પથરાઈ જાય. અનેક જૈનો મેં એવા જોયા છે જેઓ સમેતશિખરજી જઈને આવ્યા પછી રીતસર હર્ષનાં આંસુઓ સાથે ત્યાંના અનુભવની વાત કરતા હોય છે. જૈનોના ચોવીસમાંથી વીસ તીર્થંકર આ સમેતશિખરજીમાં નિર્વાણ પામ્યા છે, એ ભૂમિને તમે આજે ટૂરિસ્ટ તરીકે પ્રમોટ કરવાનું ચાલુ કરો તો ખરેખર કોઈને પણ દુઃખ પહોંચે, જ્યારે આ તો જૈન છે ભાઈ.
આ પણ વાંચો : સંબંધ અને વિશ્વાસ : એક વાર પ્રેમ વિના સંબંધ ટકી શકે, પણ વિશ્વાસ વિના તો નહીં જ
જૈનો હંમેશાં ગમ ખાઈને ચૂપ રહેવામાં માનતા આવ્યા છે. જૈનોને ક્યારેય તમે ઉશ્કેરી ન શકો. અહિંસા તેમનો જીવનમંત્ર છે અને આ મંત્રને આજે પણ તેઓ ચુસ્ત રીતે વળગેલા રહ્યા છે. મન, વચન અને કાયાથી પણ કોઈનું અહિત ન થાય એ માટે તેઓ હંમેશાં સજાગ રહે છે અને તેમની આ જ સજાગતાએ તેમને સૌકોઈથી વેંત ઊંચા કર્યા છે અને એ પછી પણ આ જૈનો આજે વીફર્યા છે. વીફર્યા છે અને રસ્તા પર આવ્યા છે. ભલું થજો કે આ જૈનો સાથે બન્યું છે. જો બીજી કોઈ કમ્યુનિટી સાથે આવું બન્યું હોત તો ખરેખર દેશભરમાં અત્યારે તોફાન મચી ગયાં હોત, પણ જૈનોએ એવાં કોઈ પગલાં નથી ભર્યાં. જાતને તકલીફ આપીને, મૂક રૅલીઓ સાથે જૈનોએ પોતાનો ભાવ દુનિયા સમક્ષ મૂક્યો છે અને આ ભાવની કદર કરવી એ રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની પ્રાથમિક ફરજમાં આવે છે. ગુજરાત સરકાર અને ઝારખંડ સરકારે વહેલી તકે જૈનોને મળીને તેમની જે માગ છે એ માગનો નિકાલ કરવો જોઈએ અને જો એમાં વધારે સમય પસાર થાય તો કેન્દ્ર સરકારે દરમ્યાનગીરી કરીને પણ એનો નિવેડો લાવવો જોઈએ. અન્યથા જૈનોનું વેદનાસભર હૃદય સૌકોઈને હેરાન કરી શકે છે. કારણ કે વાત ધાર્મિક લાગણીની છે અને કહ્યું એમ, જગતમાં જો કોઈ સૌથી પાપનો રસ્તો હોય તો એ વ્યક્તિની ધાર્મિક લાગણી દૂભવવાનો છે. વાત તો અહીં આખી એક કમ્યુનિટીની છે, એવી કમ્યુનિટીની, જે આપવા માટે હૃદયની સાથોસાથ પોતાની તિજોરી પણ હંમેશાં ખુલ્લી રાખીને બેઠા હોય છે.