તમે ટ્રેનમાં બેસો છો, કારણ કે ટ્રેન બનાવનારાથી લઈને એને ચલાવનારા અને એમાં પ્રવાસ કરનારા પર તમે ભરોસો રાખ્યો છે.
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
પ્રતિકાત્મક તસવીર (સૌજન્ય : આઈ-સ્ટૉક)
આ દુનિયા વિશ્વાસ પર કાયમ છે, એક હજાર ને એક ટકા. ભલે તમે ગમે એટલા બુદ્ધિમાન હો અને તર્કબદ્ધ વિચારતા હો તો પણ તમેય એક ક્ષણ વિશ્વાસ કર્યા વિના જીવી નથી શકતા. રાતે તમે એ વિશ્વાસ સાથે સૂઓ છો કે આવતી કાલે ફરી આંખો ખૂલશે. તમે સવારે ઊઠતાવેંત હાથમાં ચાનો કપ એ વિશ્વાસ સાથે લો છો કે પોતે સુરક્ષિત છે. એ વિશ્વાસ સાથે તમે ઘરનો દરવાજો દૂધવાળા માટે સવારે ખોલો છો કે એ તમને દૂધ આપવા જ આવ્યો છે, મારવા નહીં. તમે ઘરની બહાર નીકળીને લિફ્ટમાં એ વિશ્વાસ સાથે પ્રવેશો છો કે આ લિફ્ટમાં કોઈ ટેક્નિકલ ખામી નથી. તમે જે પણ સાધન વાપરો છો, તમે જે પણ આહાર-વિહાર કરો છો એમાં ઊંડે ઊંડે સુરક્ષિતતાનો ભરોસો છે. નહીં તો તમે એક ડગલું પણ આગળ વધી શકો એમ નથી.
તમે જે ઘરની નીચે ઊતરીને ગાડીમાં બેસો છો કે રિક્ષા પકડો છો એમાંય તમારો તમારી જાત પરનો અને એ ડ્રાઇવર પરનો વિશ્વાસ છે. તમે ટ્રેનમાં બેસો છો, કારણ કે ટ્રેન બનાવનારાથી લઈને એને ચલાવનારા અને એમાં પ્રવાસ કરનારા પર તમે ભરોસો રાખ્યો છે. આ વિશ્વાસ શ્વાસ કરતાં પણ વિશેષ રીતે આપણા જીવનમાં જોડાયેલો છે અને એટલે જ એનું નામ વિશ્વાસ છે સાહેબ. જોકે કેટલીક જગ્યાએ તમારે નાછૂટકે ભરોસો રાખવો પડે તો કેટલીક જગ્યાએ ભરોસો એ જ સંબંધનો પાયો હોય. અને જ્યારે વિશ્વાસના પાયા પર સંબંધ ચણાયો હોય ત્યારે યાદ રાખજો કે જ્યારે તમારા પર કોઈ ભરોસો કરે ત્યારે એ ભરોસાને જાળવી રાખવાની, એ ભરોસાની ગરિમા જાળવવાની જવાબદારી બહુ મહત્ત્વની હોય એ વાત ક્યારેય ભુલાય નહીં. કારણ કે સંબંધોમાં જ્યારે નાનીસરખી બાબતમાં પણ વિશ્વાસ તૂટે છેને ત્યારે સંબંધોની નીવ, એનો પાયો હચમચી ઊઠે છે અને પરસ્પર આદરમાં ઓછપ આવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ગુજરાતી છીએ ત્યારે વીતેલા વર્ષમાં શું કર્યું એનું સરવૈયું તો માંડવું જ રહ્યું
દરેક સંબંધોમાં આ વાત લાગુ પડે છે. જોજો તમે, જ્યારે પુત્ર પોતાના પિતાને જૂઠું બોલતાં પકડે છે ત્યારે ક્યાંક ને ક્યાંક પિતા પુત્રના હૃદયમાં પોતાને માટેનો આદર ગુમાવે છે. નાનું હોય કે મોટું, જૂઠાણું જુઠાણું જ રહે છે. ધારો કે સમય, પરિસ્થિતિ અને સંજોગો અનુસાર કદાચ ક્યારેક તમારે અસત્યનો આશરો લેવા પડતો હોય તો પણ ઍટ લીસ્ટ એનો મનમાં વસવસો હોવો જોઈએ. હમણા જ એક પંક્તિ વાંચી, ‘કુછ લોગ બડી બેશર્મી સે આંખોં મેં આંખે ડાલ કે જૂઠ બોલતે હૈં.’
આ પણ વાંચો : કર્મયોગી નરેન્દ્ર મોદી : માને વિદાય આપ્યા પછી તરત જ ભારત માની સેવાનો આરંભ
ખાસ કરીને પતિ-પત્નીના સંબંધમાં ક્યારેક નાહકની રામાયણ ટાળવા પતિદેવો જૂઠનો સહારો લઈ લેતા હોય છે. એ સમયે તે ભૂલી જાય છે કે તમારી જીવનસંગિની તમારા પર પારાવાર ભરોસો કરી રહી છે એ ભુલાય નહીં, કારણ કે ઈશ્વરે તેમને સાચું અને ખોટું સમજવાની સિક્સ સેન્સ આપી જ છે, પણ એને કોરાણે મૂકીને પણ તે તમારા પર વિશ્વાસ મૂકી રહી છે. તમારા જૂઠના ફાંકામાં આ વિશ્વાસ તોડ્યો તો તમારા સંબંધને બહુ મોટો ઘસરકો પહોંચાડશે. તમારી વચ્ચેની હૂંફમાં કચાશ લાવશે અને બની શકે સંબંધને એ કાયમી ઘા આપીને પણ જાય. ભરોસો તોડનારાને એની ગંભીરતા નથી સમજાતી, પરંતુ અસત્યનો વધુ પડતો પ્રયોગ આખરે તો સંબંધોની ઘોર ખોદવાનું જ કામ કરે છે. સાથે રહીને પણ દૂર થઈ જવું કે ખરેખર સંબંધો પર પૂર્ણવિરામ મૂકવું છે એ માટેની તૈયારી કરીને જ ભરોસાને દાવ પર મૂકવાનું વિચારજો. બાકી પ્રામાણિકતા એ વ્યક્તિનો અંગત મામલો જ ગણાય.