નાનું મંત્રીમંડળ હોવાથી સૌથી મોટામાં મોટો ફાયદો એ થાય કે દરેકની કામગીરી પર વ્યક્તિગત નજર રહી શકે તો સાથોસાથ નાનું મંત્રીમંડળ હોવાનો એક ફાયદો એ પણ થાય કે ભૂલ પણ સરળતા અને સહેલાઈથી પકડાય
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
ગુજરાતનું પ્રધાનમંડળ (તસવીર સૌજન્ય : ગુજરાતી મિડ-ડે)
એક વત્તા સોળ. કુલ સત્તર વિધાનસભ્યોનું મંત્રીમંડળ. પ્રચંડ બહુમતી અને એ પ્રચંડ બહુમતીના અગિયાર ટકાનું મંત્રીમંડળ અને એમાં પણ પાછા ઑલમોસ્ટ પચાસ ટકા પહેલી વાર જીવનમાં મંત્રી બન્યા હોય એવો સમય.
ગુજરાત ખરેખર અનેક બાબતોમાં ઉદાહરણ સ્થાપવાનું કામ કરે છે અને આ જ રીતે કામ થાય. તમે તમારી બીબાઢાળ માનસિકતા તોડવા માગતા હો તો તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ રહી અને ગુજરાત સરકારે એની શરૂઆત કરી છે, જે ખરા અર્થમાં વાજબી શરૂઆત છે. નાનું મંત્રીમંડળ હોવાથી સૌથી મોટામાં મોટો ફાયદો એ થાય કે દરેકની કામગીરી પર વ્યક્તિગત નજર રહી શકે તો સાથોસાથ નાનું મંત્રીમંડળ હોવાનો એક ફાયદો એ પણ થાય કે ભૂલ પણ સરળતા અને સહેલાઈથી પકડાય. નાના મંત્રીમંડળ પાસે કામનો પણ ઢગલો રહે, જે ઢગલાને પહોંચી વળવા માટે તમે લાલ ગાડીમાં ફરવાને બદલે ઑફિસમાં બેસીને કામ કરવા વિશે વિચારતા થઈ જાઓ અને આજના સમયમાં તમારા કામ માટે વિચારવું જ રહ્યું.
ADVERTISEMENT
ખાસ તો એવા સમયે જ્યારે તમારી પાસેથી ભરપૂર એક્સપેક્ટેશન રાખવામાં આવતી હોય અને તમે પ્રચંડ બહુમતી સાથે જીત્યા હો. એક વાત યાદ રાખજો, કોઈને કંઈ પણ લાગે સાહેબ, પણ આવનારાં પાંચ વર્ષ હવે ગુજરાત સરકાર માટે જરા પણ સહેલાં કે સરળ નથી. એનું કારણ પણ છે. જે વિશ્વાસ તમારા પર મૂકવામાં આવ્યો છે એ વિશ્વાસને હવે તમારે સાર્થક કરવાનો છે. આ વખતે તમને ૧પ૬ બેઠક મળી, પણ અગાઉ આ જ પ્રજાએ તમને ૯૯ પર ઊભા રાખી દીધા હતા. કહેવાનો ભાવાર્થ એ જ કે આ વખતે તમને હોલસેલ મોઢે વોટ આપ્યા છે અને આ જ માત્રામાં તમને વોટ જોઈતા હોય તો તમારે એ બાબતમાં સજાગ પણ રહેવું પડશે અને સજાગ રહેવાનું કામ આ મંત્રીમંડળે કરવાનું આવશે. અફકોર્સ, બાકીના વિધાનસભ્યોની પણ આ જવાબદારી છે જ, પણ મંત્રીમંડળે ગ્રાઉન્ડ પર કામ કરવાનું છે અને તેમની પાસે જે માગણી આવે એ માગણીને તાત્કાલિક જવાબ પણ આપવાનો છે. હા હશે તો હા કહેવાની પણ તેણે જ તસ્દી લેવાની છે અને ના કહેવાની હશે તો એ નકારમાં પણ સમય કાઢવાની માનસિકતા નથી ચાલવાની.
આ પણ વાંચો: રાજ કરવું ઉત્તમ છે, પણ રાજ હાથમાં રાખવા માટે નીતિ બદલવી એ હીન પ્રકૃતિ
કામ કરવું પડશે અને કામ કરી શકે, બધાનાં કામો પર નજર રહી શકે અને એમાં ક્યાંય કોઈ જાતની ભૂલ ન રહે એનું પોસ્ટમૉર્ટમ પણ થઈ શકે એને માટે જ નાનું મંત્રીમંડળ રાખવામાં આવ્યું હશે એવું ધારી શકાય છે. ચાણક્ય પણ કહી ચૂક્યા છે કે જરૂરિયાત કરતાં ઓછી વ્યક્તિ હશે તો દરેક પાસેથી શ્રેષ્ઠ કામ લઈ શકાશે અને એ કામ પર નજર રાખવાની પ્રક્રિયા પણ થઈ શકશે. મોટાં મંત્રીમંડળોનો આજ સુધીનો અનુભવ એવો રહ્યો છે કે કામચોરીની માનસિકતા વધી છે. કામચોરીની પણ અને કોઈની નજર નથી એવી ધારણા વચ્ચે ભ્રષ્ટાચારની માત્રા પણ. નાનું મંત્રીમંડળ પેલા નાના કુટુંબ જેવું છે. નાનું કુટુંબ, સુખી કુટુંબ. એવું જ નાના મંત્રીમંડળનું છે. મંત્રીમંડળ નાનું હશે તો રિપ્લેસમેન્ટની બીક રહેશે અને જાહેરજીવનમાં ઇનસિક્યૉરિટી આવશ્યક છે. ઇનસિક્યૉરિટી વચ્ચે વ્યક્તિ તન કે મનને આળસની દિશામાં ધકેલતી નથી. આશા રાખીએ ગુજરાતનું નાનું મંત્રીમંડળ પણ આ જ વાત દર્શાવે.