વડા પ્રધાન નરેન્દ્ર મોદી કર્મયોગી છે અને એ જ કારણે તેઓ કર્મને સૌથી આગળ મૂકે છે
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
હીરાબાની ચિતા સામે શોકમગ્ન વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર સૌજન્ય ગુજરાતી મિડ-ડે)
ઘણા એવું કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદી કઈ રીતે તેમનાં મધરના અવસાન બાદ તરત જ પોતાના કામ પર લાગી શક્યા. સ્વાભાવિક રીતે મનમાં આવેલો આ વિચાર વાજબી છે અને યોગ્ય પણ છે. તમે કેવી રીતે ધારી શકો કે જે માના પેટે તમે જન્મ લીધો હોય એ માને કાયમી વિદાય આપી ગણતરીના કલાકમાં જ તમે ફરીથી કામે લાગો. હા, આ વિચાર મનમાં આવી શકે, મનમાં જન્મી શકે અને જો તમે કર્મયોગી ન હોત તો તમને આ પ્રકારની વર્તણૂકમાં ક્યાંક ને ક્યાંક નિષ્ઠુરતા પણ લાગે, કહ્યું એમ, જો તમે કર્મયોગી ન હોત તો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કર્મયોગી છે અને એ જ કારણે તેઓ કર્મને સૌથી આગળ મૂકે છે. બીજી વાત, જો કોઈ એવું ધારતું હોય, એવું માનતું હોય કે નરેન્દ્રભાઈએ પોતાની માતાના અવસાન પછી શોક પાળીને બે-ચાર દિવસ ઘરે રહેવાની જરૂર હતી તો એ તમામ વ્યક્તિઓને કહેવાનું કે નરેન્દ્રભાઈએ આ પગલું માત્ર અને માત્ર મા માટે જ લીધું હતું. હા, એ માટે જેને હીરાબા પોતે ભારત મા કહેતાં.
ભારત મા. મારી, તમારી, આપણા સૌની ભારત મા.
ADVERTISEMENT
હીરાબાએ પોતાના સપૂત એવા દીકરાને ભારત માને હવાલે કર્યા હતા. એવા સમયે એ દીકરો કેવી રીતે પોતાની માને ભૂલી શકે. એક માની વિદાય વખતે પણ તેમને બીજી મા પ્રત્યેની પોતાની તમામ ફરજ હતી તો સાથોસાથ એ પણ યાદ હતું કે હીરાબાએ જ તેમને ભારત મા તરફની એક પણ જવાબદારી તે ન ચૂકે એના સંસ્કાર આપ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ પહેલાં સગી માને અગ્નિસંસ્કાર આપી તરત જ એ જ માએ શીખવેલા સંસ્કારની દિશામાં આગળ પગલું ભર્યું હતું. સાહેબ, બહુ અઘરું કામ છે. પાડોશમાં પણ કોઈનું મોત થયું હોય એવા સમયે ૨૪-૪૮ કલાક આપણે કામ નથી કરી શકતા.
આ પણ વાંચો : નો રેઝોલ્યુશન, બસ એ જ રેઝોલ્યુશન : જાતને આ જ વચન આપીને તમારા ૨૦૨૩ને વધાવો
જ્યારે આ તો ઝડપથી જગતને દેખાડ્યું એ માને વિદાય આપવાની વાત હતી. અદ્ભુત અને ઉત્કૃષ્ટ દૃષ્ટાંત નરેન્દ્રભાઈએ જગતને આપ્યું છે. નરેન્દ્રભાઈએ સૌને સમજાવ્યું છે કે કર્મથી આગળ કશું હોતું નથી. કર્મ જ ધર્મ છે અને કર્મને જો શ્રેષ્ઠતમ સ્થાન આપવું હોય તો આ સામે રાખીને ચાલવું પડશે.
નરેન્દ્રભાઈ હૅટ્સ ઑફ. અમે તમારા જેવા થઈ નહીં શકીએ, પણ તમે લીધેલા કર્મની આ ભેખને જીવનમાં ક્યારેય ભૂલી પણ નહીં શકીએ.