મનોજ મુન્તશિરે ત્રણેક દિવસ પહેલાં લાંબુંલચક ટ્વીટ કરી લખ્યું કે ‘આદિપુરુષ’માં મેં ચાર હજાર લાઇનના ડાયલૉગ્સ લખ્યા અને લોકોએ મને દસ લાઇનમાં દોષિત ગણી લીધો, મને અસનાતની કહી દીધો? આ ખોટું કહેવાય, આવું ન થવું જોઈએ.
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
પ્રભાસ
આવું મનોજભાઈ મુન્તશિરભાઈ શુક્લા કરી રહ્યા છે. તેમણે ત્રણેક દિવસ પહેલાં લાંબુંલચક ટ્વીટ કરી લખ્યું કે ‘આદિપુરુષ’માં મેં ચાર હજાર લાઇનના ડાયલૉગ્સ લખ્યા અને લોકોએ મને દસ લાઇનમાં દોષિત ગણી લીધો, મને અસનાતની કહી દીધો? આ ખોટું કહેવાય, આવું ન થવું જોઈએ.
સુજ્ઞ વાચક, જાણજે તું કે આ ભાઈ કહેવા શું માગે છે અને પોતાની વાતને કેવી રીતે સાચી પુરવાર કરવાની કોશિશ કરે છે. કોણ આ બાળકને સમજાવવા જાય કે અલ્યા આખી જિંદગી ચામડીનાં જૂતાં પહેરાવ્યા પછી પણ જો એકાદ ભૂલ થાય તો તમારું માન કોડીનું થઈ જાય. ભૂલ ન થાય, ભૂલથી પણ ભૂલ ન થાય એ ધ્યાન રાખવું એનું નામ જ જવાબદારી અને તમારે એ જ રીતે રહેવાનું હોય. વાત અહીં જાહેર જીવનની કે ખાનગી જીવનની પણ નથી આવતી. તમે જ્યાં પણ હો, તમારાથી ભૂલ ન થવી જોઈએ. આ એક બહુ સિમ્પલ અને સરળ વાત છે. મનોજકુમાર મુન્તશિરકુમાર કેવી રીતે એ વીસરી શકે કે જ્યારે તમે સારું કામ કર્યું ત્યારે તમને આભ પર પહોંચાડવાનું કામ પણ આ જ તમારા ચાહકોએ કર્યું હતું અને એ સમયે તમે આભ પર ચડી પણ ગયા હતા. હવે તમે ભૂલ કરી છે તો તમને તમારા ચાહકો ગડદાપાટું ઝીંકે છે તો એ તેમનો હક છે. તમારે એ સહન કરવાં પડે અને મોઢામાંથી ઊંહકારો ન નીકળે એનું ધ્યાન પણ રાખવું પડે. કબૂલ કરો કે તમે ભૂલ કરી છે અને એ પણ સ્વીકાર્ય રાખો કે આવી ભૂલ જીવનમાં ક્યારેય નહીં થાય. મનોજભાઈ મુન્તશિરભાઈએ તો એવી વાત કરી દીધી કે કાલે તને જમવાનું આપ્યું હતું તો આજે મેં પાટું માર્યું એમાં રાડો શાની પાડે છે?
એક વાત યાદ રાખજો, લેખન બહુ જવાબદારીભરી પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા કરતી વખતે તમારે સંપૂર્ણ સભાનતા રાખવી પડતી હોય છે. જો એ સભાનતા તમે ચૂકો તો તમારે એનું પરિણામ ભોગવવાની તૈયારી પણ રાખવી પડે. આજે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે જે રામાયણ સંપૂર્ણપણે આઉટડેટેડ ગણાવા લાગી હતી લોકો એની દુહાઈ આપવા માંડ્યા છે અને એ પણ થોડી અમસ્તી લાઇનો માટે. જરા વિચાર કરો કે એ થોડી લાઇનનો પ્રભાવ કેવો આકરો હશે કે માણસ બાકીની સારી અને સાચી વાતો સાંભળવા કે એની આડશમાં પેલી ભદ્દી લાઇનો ભૂલવા રાજી નથી.
આવું શું કામ થયું ખબર છે?
ઝેર. ઝેરનું એક ટીપું પણ હોય તો ઘાતક જ. પેલી લાઇનો એવી ઘાતક છે કે એની અસર સહેજ પણ ઘટતી નથી, ઓસરતી નથી પણ ભલું થજો મનોજભાઈ મુન્તશિરભાઈનું કે તેણે એ લાઇનો લખી અને એ લાઇનોના કારણે હિન્દુત્વના નામે ખોટેખોટી રીતે ચરવા નીકળેલી પ્રજા ખુલ્લી પડવાની શરૂ થઈ. આવા તો બહુ બધા હજી આગળ આવવાના છે જે હિન્દુત્વના નામની, સનાતન ધર્મના નામની ઝંડી પકડીને ભગવો ભેખ ધરશે પણ હવે એવું નહીં ચાલે. સુજ્ઞ વાચક તેમને ઓળખી લેશે અને સુજ્ઞ દર્શક તેમને ચોક્કસ જગ્યાએ લાત ફટકારશે. એવી જ રીતે જેવી આ વખતે ફટકારી છે.