અમદાવાદના કિસ્સાની તો જ્યારે ખબર પડી ત્યારે ખરેખર રૂંવાડાં ઊભાં થઈ ગયાં હતાં
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
એક નહીં, બબ્બે કિસ્સા એવા જોવા મળ્યા છે જેમાં તમારે નાછૂટકે, ભારે હૈયે કહેવું પડે કે આ સંતાન કહેવાય જ નહીં, આ અસૂરથી પણ બદતર જીવ છે. અમદાવાદના કિસ્સાની તો જ્યારે ખબર પડી ત્યારે ખરેખર રૂંવાડાં ઊભાં થઈ ગયાં હતાં. સહેજ માંડીને વાત કરું. એક કપલ છે. બન્નેએ દીકરાઓને બહુ સારું ભણાવ્યા અને દીકરાઓ અમેરિકા સેટલ થયા. વાત અહીં પૂરી નથી થતી. અમેરિકા ગયા પછી એક પણ વખત દીકરાઓએ માબાપ સામે જોવાની તસ્દી લીધી નહીં. માના અંતિમ દિવસો ચાલતા હતા એ દરમ્યાન તેમની ઇચ્છા હતી કે એક વાર દીકરાઓ રૂબરૂ મળે, પણ અમેરિકન બની ગયેલા એ દીકરાઓ પાસે એવો સમય ક્યાં હતો?
બાપ દીકરાઓને આજીજી કરતો રહ્યો, પણ દીકરાઓએ ગણકાર્યું નહીં અને મહિનાઓ પસાર થતા ગયા. થોડા સમય પહેલાં દીકરાઓએ ટેક્નિકલ કારણસર ઇન્ડિયા આવવું પડ્યું ત્યારે તેમને ખબર પડી કે બા તો ગુજરી ગયાં અને બાપુજી પણ ગુજરી ગયા છે! જે સંતાનોએ માની અંતિમ ઇચ્છા પૂરી કરવાની તસ્દી લીધી નહીં એ સંતાનોને જાણ કરવાની દરકાર પિતાએ કરી નહીં, એટલું જ નહીં, પિતાએ પોતાના મોતના સમાચાર પણ દીકરાઓને આપવા નહીં એવી તાકીદ કરી. આ તાકીદ કરી એ માણસ માબાપની સેવા કરવા માટે વર્ષોથી ઘરમાં જ રહેતો હતો, સર્વન્ટ હતો. મરતી વખતે બાપે અડધોઅડધ મિલકત દાનમાં આપી, તો અમુક મિલકત પેલા સર્વન્ટને આપવાનું કર્યું, પણ એ ભાઈએ સ્પષ્ટતા સાથે ના પાડી દીધી કે પોતે કશું લેશે નહીં અને એ પછી પણ માલિકે તેને અમુક કૅશ અને સોનું તો આપ્યાં જ. મુદ્દો એ છે કે હવે પેલાં સંતાનો રોષે ભરાયાં છે અને પેલા સર્વન્ટ સામે કોર્ટે ચડ્યા છે તો સાથોસાથ એ સંસ્થાઓ સામે પણ કોર્ટમાં ચડ્યા છે જેને પિતાએ દાન આપ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: યાદ રહે, મલ્ટિ-ટાસ્કિંગ શીખવાનો બેસ્ટ સોર્સ જો કોઈ હોય તો એ મમ્મીઓ છે
જે માબાપે આખી જિંદગી સંતાનોને સુખ આપ્યું એ જ સંતાનો સ્વાર્થી બનીને માત્ર પોતાના પૂરતું જોવાનું શરૂ કરે અને એ જ રીતે વર્તે એ આપણું ભારત નહીં. ના, જરા પણ નહીં. આ એ દેશ છે જ્યાં શ્રવણનો જન્મ થયો હતો અને આ દેશ છે જ્યાં પિતાના વચન કાજે શ્રીરામ કશું જ બોલ્યા વિના વનવાસે નીકળી ગયા હતા. આ દેશ છે સાહેબ, જ્યાં માના આદેશ પર પાંચ ભાઈઓએ અર્ધાંગિની સુધ્ધાં એક ગણીને આખું જીવન પસાર કર્યું. આ દેશમાં, આ દેશની સંસ્કૃતિ અને આ દેશની ધરોહરમાં આવા કપાતર ક્યારેય પાકે નહીં, ક્યારેય આવા રાક્ષસ હોય નહીં અને એ પછી પણ આ રાક્ષસો જોવા મળે છે, જે માબાપને રીતસર પગલૂછણિયું માનીને આગળ વધી જવાની માનસિકતા ધરાવે છે. સમય આવી ગયો છે કે આવાં સંતાનોને ખરેખર એ સ્તરે સજા મળવી જોઈએ જેને લીધે આ દેશમાં એવા દાખલા બેસે કે અન્ય કોઈ આવી બેદરકારી દાખવવાની ભૂલ ન કરે. આપણે રાજકોટમાં બનેલા કિસ્સા વિશે હજી વાત કરી નથી, એ વાત સાથે આ જ ટૉપિકને આવતી કાલે આપણે ફરી આગળ વધારીશું, પણ હા, એટલું કહેવાનું કે સમય આવી ગયો છે નરાધમ કપાતરોને તેના સાત જન્મ યાદ દેવડાવવાનો.