વર્લ્ડ બૅન્કે એવી આગાહી કરી કે આવતાં પાંચ વર્ષમાં એવી ભીષણ ગરમી પડવાની છે કે હિન્દુસ્તાનમાં રહેવું અઘરું થઈ જશે
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
હમણાં જ વર્લ્ડ બૅન્કે એવી આગાહી કરી કે આવતાં પાંચ વર્ષમાં એવી ભીષણ ગરમી પડવાની છે કે હિન્દુસ્તાનમાં રહેવું અઘરું થઈ જશે. પહેલી વાત તો એ કે વર્લ્ડ બૅન્કને આવી આગાહી કરવાની જરૂર શું પડી એ વાત સમજાતી નથી. આપણે ત્યાં એચડીએફસી કે આઇસીઆઇસીઆઇ બૅન્ક રિલેટેડ જ વાતો કરે છે, એ ક્યારેય હવામાન ખાતાની કામગીરીમાં ચંચુપાત કરતી નથી. બીજી વાત એ કે વર્લ્ડ બૅન્કે કરેલી આ આગાહીને આપણે હળવાશથી લેવાની જરૂર નથી. એવું માનવું કે આ આપણા ભલા માટે છે, આપણી આંખો ખોલવા માટે છે; તો પછી આંખો ખોલીએ અને સંવિધાનમાં એવી જોગવાઈ કરીએ જેથી વર્લ્ડ બૅન્કની જે આગાહી છે એ આગાહી હકીકત ન બને. પ્રત્યેક વ્યક્તિના જન્મ સાથે જો એક ઝાડ ઉગાડવાની પ્રથા શરૂ કરવામાં આવે એવો કાયદો બનાવવામાં આવે તો આ સૃષ્ટિ અને આપણો દેશ ક્ષેમકુશળ રહી શકે છે, પણ આવું કહેવાથી નથી થવાનું. આવું કરવું હશે તો, કહ્યું એમ, આ વાતને આપણે ત્યાં કાયદાનું રૂપ આપવું પડશે. હું તો આગળ વધીને એ કહેવા પણ તૈયાર છું કે પ્રત્યેક ઇલેક્ટ્રિક આઇટમ સાથે પણ આવો જ નિયમ બનાવવો જોઈએ, પણ એ વધારેપડતું અઘરું બની જતું હોય તો પ્રત્યેક જન્મ સાથે તો આ વાત જોડી જ શકાય છે અને એમાં પણ વાજબી સ્તરના સુધારા સાથે.
સૌથી પહેલાં તો એવો નિયમ બનવો જોઈએ કે પ્રત્યેક વ્યક્તિદીઠ આપણે એક ઝાડ ઉગાડીએ અને એને માટે પણ સ્પષ્ટતા સાથે એવું હોવું જોઈએ કે દરેક ઝાડને જે-તે વ્યક્તિનું નામ અને એનો આધાર કાર્ડ નંબર આપવામાં આવે, જેથી ગણતરી કે ઓળખ કરવાની પ્રક્રિયા સહજ બની જાય.
ADVERTISEMENT
કોઈએ એવી દલીલ નહીં કરવાની કે અમારી પાસે તો ખેતર છે, વાડી છે, ફાર્મહાઉસ છે. ખેતર-વાડી તમારું પ્રોફેશન છે. ફાર્મહાઉસ તમારો શોખ છે. શોખ અને ધંધાદારી ભાવ વિના જ આ કામ કરવાનું છે અને આ કામ કરવા માટે સૌકોઈની સામે સંવિધાનની તલવાર ઊભી કરવી આવશ્યક છે.
આ પણ વાંચો: બને સંવિધાન: સોશ્યલ મીડિયા પર ફેક અકાઉન્ટ ખોલતાં અટકાવવા માટે કાયદો જરૂરી બને છે
હા, સંવિધાનની તલવાર. આપણે ત્યાં કાયદાને બહુ ગંભીરતાથી ફૉલો કરવામાં નથી આવતા, પણ તમે વિદેશ જઈને જુઓ તો તમને ખબર પડે કે કાયદાનું મહત્ત્વ શું છે અને કેટલું છે? કાયદાની વાત ત્યાં આવે ત્યારે તે હાથપગ જોડવા પણ તૈયાર થઈ જાય છે, જ્યારે આપણે ત્યાં કાયદો તોડીને હાથપગ જોડવાની નીતિ કામ કરે છે. કાયદાનું રક્ષણ થાય એ જેટલું જરૂરી છે એટલું જ જરૂરી એ પણ છે કે સૃષ્ટિની રક્ષા થાય અને આપણે પ્રત્યેક જીવદીઠ એક ઝાડનો કાયદો પણ એટલે જ બનાવવો. મફતમાં મળતું, નિઃશુલ્ક મળી જતું કંઈ પણ આપણને તકલીફ નથી આપતું અને ધીમે-ધીમે એને આપણે હક માનતા થઈ જઈએ છીએ, પછી એ ઑક્સિજન હોય કે પર્યાવરણ. જરા વિચારો કે તમને ઑક્સિજન ખરીદવાની આવશ્યકતા ઊભી થતી હોત તો આપણે કેવી ગંભીરતા સાથે એક-એક શ્વાસ લેતા હોત. શ્વાસ લેવાની આ જે આઝાદી છે એ પર્યાવરણને કારણે છે અને એટલે જ આપણે એની રક્ષા કરવાની છે. અત્યારે એ નથી કરતા એટલે આપણે એને કાયદાની રાહે લઈ જવાનું કામ કરવું જોઈએ એવું મને અંગત રીતે લાગે છે.