અત્યારે રિલીઝ થયેલી ‘બ્રહ્માસ્ત્ર’ તો બાળકોની ફિલ્મ ‘મકડી’ કરતાં પણ ઊતરતી કક્ષાની છે
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
રણબીર કપૂર ફિલ્મ બ્રહ્માસ્ત્ર પાર્ટ 1 શિવા
હા, વિશાલ ભારદ્વાજની ‘મકડી’ની જ વાત કરીએ છીએ આપણે, જે બાળકોની હૉરર-કૉમેડી ફિલ્મ હતી અને ક્રિટિક્સથી માંડીને બાળકો અને તેમના પેરન્ટ્સ સુધ્ધાંએ વખાણ કર્યાં હતાં. અત્યારે રિલીઝ થયેલી ‘બ્રહ્માસ્ત્ર’ તો બાળકોની ફિલ્મ ‘મકડી’ કરતાં પણ ઊતરતી કક્ષાની છે. બહેતર રિઝલ્ટ આવ્યું હોત, જો વિશાલ ભારદ્વાજની એ ફિલ્મ જોઈને ‘બ્રહ્માસ્ત્ર’ બનાવવાનો પ્રયાસ કર્યો હોત, પણ ખેર, હશે, હવે શું થાય? કશું નહીં. પેઇડ ઑડિયન્સના સહારે ફિલ્મ આગળ વધતી જાય છે અને એવી જ રીતે આગળ વધારવામાં આવશે એ પણ એટલું જ સાચું છે. બાકી ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મ તરીકે એક એવો હથોડો છે જે પેલા સુપરપાવર ધરાવતા થોરના હથોડા કરતાં પણ વધારે ખતરનાક છે.
બૉક્સ-ઑફિસના આંકડાઓને સફળતાના આંકડા ધારી ન શકાય. ક્યારેય નહીં. અનેક ફિલ્મો એવી છે જે ફિલ્મોએ બૉક્સ-ઑફિસ પર તગડો બિઝનેસ કર્યો હોય, પણ એમ છતાં એ ફિલ્મો મસ્તક પર મૂકીને સામૈયું કાઢવાલાયક ન જ બની હોય. સામા પક્ષે અનેક ફિલ્મો એવી છે જે ફિલ્મોનો બિઝનેસ પ્રમાણસરનો થયો હોય અને એ પછી પણ એ ફિલ્મોની મહાનતાને તમે જરા પણ વીસરી ન શકો. ‘બ્રહ્માસ્ત્ર’ તો ઍવરેજ પણ નથી અને એમ છતાં એક વર્ગ એવો છે કે તે એને પરાણે ઍવરેજ ફિલ્મ તરીકે ઓળખાવવા માટે તનતોડ મહેનત કરે છે તો ગઈ કાલે કહ્યું એમ, શું આઠ વર્ષ અને સાડાચારસો કરોડના ખર્ચ પછી ઍવરેજ ફિલ્મ તમે આપો તો એ વાજબી કહેવાય ખરું?
ADVERTISEMENT
જો એવું જ હોય તો આપણો વનેચંદ પણ આઠ વર્ષે મેટ્રિક પાસ કરે તો આપણે ગામમાં સામૈયું કાઢવું જોઈએ. સામૈયું નીકળે છે, પણ એ સામૈયામાં હાસ્યરસ ઝળકતો હોય છે એટલે જો ‘બ્રહ્માસ્ત્ર’નું પણ સામૈયું કાઢવું હોય તો એ હાસ્યપ્રચુર જ હોવું જોઈએ અને અત્યારે એવો જ માહોલ સર્જાયો છે. આ ફિલ્મનાં જેકોઈ વખાણ કરે છે એ સૌની પસંદગી અને વિચારધારા પર બહુ મોટો સંદેહ ઊભો કરવાનો હક સૌકોઈને મળી ગયો છે. દેશના અનેક જાણીતા વિવેચકોથી માંડીને ચડ્ડી-બનિયનધારી વિવેચકો કરણ જોહર કૅમ્પનાં વખાણ કરવાની સોપારી લઈને મંડી પડ્યા છે, પણ ‘બ્રહ્માસ્ત્ર’ને સાચી રીતે મૂલવવાનું કામ બહુ ઓછા મર્દોએ કર્યું છે. એવી જ રીતે જે રીતે ‘કશ્મીર ફાઇલ્સ’ને મૂલવવાનું કામ બહુ ઓછા મર્દોએ કર્યું હતું.
કેટલીક વખતે એવો ઘાટ સર્જાઈ જતો હોય છે કે ફિલ્મને વખોડી કાઢવામાં ડર લાગતો હોય કે ક્યાંક એવું તો નહીં લાગેને કે મને ફિલ્મ ઓળખતાં નથી આવડતી. અનેક એવા લોકો પણ આ ફિલ્મને વખાણે છે જેઓ પોતે આ પ્રકારની મોટી અવઢવમાં જીવે છે, પણ ક્યારેય ભૂલવું નહીં કે વિવેચનનો પણ એક નિયમ છે. તમે સારી ફિલ્મને વખાણવાનું ચૂકી જાઓ તો એ માફીને પાત્ર છે, પણ ખરાબ ફિલ્મને વખાણવી એ મહાપાપ છે. ‘બ્રહ્માસ્ત્ર’ને વખાણવાનું પાપ ભૂલથી પણ ન કરવું. કોઈની મહેનતની કમાણીનો વેડફાટ તમારા આ ખોટા ઓપિનિયનને કારણે ન થવો જોઈએ. ચાપલૂસીમાં ઍટ લીસ્ટ આટલી ખુદ્દારી તો રાખીએ.