વેજ અને નૉન-વેજમાંથી સારું શું?
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હા, તમે જ આ વાતનો જવાબ આપો, કારણ કે યુપીમાં આ સવાલ વિશે બહુ માથાંપચ્ચીઓ ચાલી રહી છે અને ડૉક્ટરોથી માંડીને અનેક ધાર્મિક સંત-મહાત્માઓ આ મુદ્દે આમને-સામને આવી ગયા છે. પ્રશ્ન હજી યુપી પૂરતો જ રહ્યો હોવાથી એની ચર્ચા આપણા સુધી પહોંચી નથી, પણ ત્યાં તો, યુપીમાં તો ન્યુઝપેપરનાં પાનાંઓનાં પાનાં ભરીને એના વિશે લખાય છે, છપાય છે અને વંચાય છે.
વેજ અને નૉન-વેજમાંથી સારું શું?
ADVERTISEMENT
જવાબ આપતાં પહેલાં તમને કહેવાનું કે ત્યાં યોગીજીએ અમુક કસાઈવાડાઓ બંધ કરાવ્યા હોવાથી આ મુદ્દો સળગ્યો છે. સત્તાવાર લાઇસન્સ ધરાવતા કસાઈવાડાઓને કશું થયું નથી એ તમારી જાણ ખાતર, પણ એ બધા કસાઈવાડાઓ બંધ થયા જે ઇલ્લીગલ હતા, તો એ બધી જગ્યાએ પણ નૉન-વેજની મનાઈ થઈ ગઈ, જે કોઈ ધાર્મિક સ્થાનના ૫૦૦ મીટરના પરિઘમાં એ વેપાર કરતા હતા. આપણે ત્યાં તો જો ભૂલથી પણ આવું કરવામાં આવે તો તરત જ રૅલીઓ નીકળવા માંડે અને વિરોધ શરૂ થઈ જાય, પણ યોગીના યુપીમાં એવો કોઈ અવકાશ યોગીજીએ રહેવા નથી દીધો અને એ જ તેમની જીત છે. નૉન-વેજ સામે વિરોધ કોઈ નથી, પણ ભારતીય ધાર્મિક આસ્થાના ભોગે તો એ નહીં જ ચલાવી લેવામાં આવે. આ સીધી અને સાદી વાત સાથે યોગીજીએ એ દિશામાં કામ કર્યું અને એ કામનું અદ્ભુત પરિણામ પણ આવ્યું. હવે તમને મંદિરમાં જતાં પહેલાં એવી કોઈ ચીજ જોવા નથી મળતી જે જુગુપ્સા પ્રેરક હોય. તમને એવું પણ કશું જોવા નથી મળતું જે તમારી ધાર્મિક લાગણી દુભાવે. અરે, પહેલી વાર, પહેલી વાર ચૈત્ર નવરાત્રિ દરમ્યાન નવ દિવસ સુધી કસાઈવાડાઓ બંધ રહ્યા હોય એવું યુપીમાં જ નહીં, દેશમાં બન્યું અને એ પણ યોગીજીના કારણે, તેમના પ્રતાપે. આપણે તો મહાવીર જયંતી કે જન્માષ્ટમી દરમ્યાન એક દિવસ આ કાર્ય કરવું હોય તો પણ વિરોધનો સામનો કરવો પડે છે.
હવે આવીએ જે સવાલથી શરૂઆત થઈ હતી એ મુદ્દા પર. સિંહ-વાઘ જેવા થવું હોય તો શું ખાવું જોઈએ?
વેજ. હા વેજ ફૂડ ખાવું જોઈએ. આ વાંચીને તમને નવાઈ લાગે તો તમારે બીજું કશું કરવાની જરૂર નથી. જરા વિચારવાની અને યાદ કરવાની તસ્દી લેવાની છે કે અદમ્ય તાકાત ધરાવતાં સિંહ, વાઘ કે પછી કોઈ પણ હિંસક પ્રાણીઓના ખોરાક યાદ કરી લેવાના અને એ પછી એ યાદ કરી લેવાનું કે ખોરાક બનેલાં એ પ્રાણીઓનો ખોરાક શું છે? સિંહ-વાઘ હરણ ખાય છે, પણ જે હરણમાંથી તેને તાકાત મળે છે એ હરણ તો ઘાસ જ ખાય છે. તમે જોયું ક્યારેય કે સિંહે આજે વાઘને માર્યો હોય કે પછી વાઘે દીપડાનો શિકાર કરીને એનું ભોજન કર્યું હોય? ના, એ ક્યારેય ભોજન નહીં બને અને એનું કારણ છે, તાકાત આપવાનું કામ વેજિટેરિયન ફૂડ કરે છે અને એટલે તો આજે પણ જગતમાં સૌથી તાકાતવર જો કોઈ હોય તો એ હાથી છે. હાથીનો ખોરાક શું છે, કરો યાદ અને એ યાદ કરીને તમે જ વિચારો સિંહ-વાઘ જેવા તાકાતવાન થવા માટે શું ખાવું જોઈએ?