મૂવી, સિરિયલ અને વેબ-સિરીઝ જોવાની લાય એ સ્તરે આપણી અંદર જાગી ગઈ છે કે આપણે દિવસમાં ૧૩પ મિનિટ એ બધાને આપીએ છીએ
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હમણાં જ એક સર્વે આવ્યો. મોબાઇલ ઑપરેટર કંપની દ્વારા આપવામાં આવેલા એ આંકડા મુજબ જ જો સીધું નિદાન કરવું હોય તો કહેવું પડે કે ખરેખર જગતમાં આપણાથી વધારે નવરુંધૂપ બીજું કોઈ નથી! હા, આ સત્ય છે અને આ સત્ય સાથે તમે પણ સહમત થશો, જો તમે એ આંકડા વાંચશો તો.
એ આંકડાઓ મુજબ, વૉટ્સઍપ કે પછી એ પ્રકારના ચૅટબૉક્સનો દુનિયામાં સૌથી વધારે ઉપયોગ જો કોઈ કરતું હોય તો એ ઇન્ડિયા છે. આપણે દિવસમાં ૧૪૨ મિનિટ એટલે કે સવાબે કલાકથી વધારે સમય આ ચૅટબૉક્સ પર પડ્યાપાથર્યા રહીએ છીએ. આ જ સર્વેમાં આંકડા આવ્યા છે કે ડિજિટલ પ્લૅટફૉર્મનો મૅક્સિમમ ઉપયોગ દુનિયામાં સૌથી વધારે આપણે કરતા થઈ ગયા છીએ.
ADVERTISEMENT
મૂવી, સિરિયલ અને વેબ-સિરીઝ જોવાની લાય એ સ્તરે આપણી અંદર જાગી ગઈ છે કે આપણે દિવસમાં ૧૩પ મિનિટ એ બધાને આપીએ છીએ. તમે હિસાબ કરતા જજો, હું વાત આગળ વધારું છું. સોશ્યલ મીડિયાની બાબતમાં પણ આપણે દુનિયાને પાછળ પાડી ચૂક્યા છીએ. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર જેવાં માધ્યમો પર આપણે દિવસના ૯૨ મિનિટ રહીએ છીએ અને આપણે મોબાઇલ કૉલ્સ પર દિવસમાં ૭૦ મિનિટથી વધારે સમય ફાળવીએ છીએ. જરા વિચાર કરો કે આ બધું જાગ્રત અવસ્થામાં થઈ રહ્યું છે અને માણસ પાસે જાગ્રત અવસ્થાના રોકડા ૧૨થી ૧૪ કલાક હોય છે. ઉંમર અને અવસ્થા મુજબ આ આંકડામાં ફેરફાર આવી શકે છે એટલે આપણે એની ચર્ચામાં અત્યારે પડતા નથી, પણ આપણો જે મુખ્ય વિષય છે એને આગળ ધપાવીએ.
આ પણ વાંચો : તમે અને અમેરિકન : જો અમેરિકન જેવા થવું હોય તો કામથી કામ રાખતાં શીખવું પડશે
વિચારવાનું એ છે કે જાગ્રત અવસ્થામાંથી આપણે કેટલા કલાક આ બધાં કામમાં આપી દઈએ છીએ, જે કામ ખરેખર તો સાવ જ અર્થહીન છે. સાયકિયાટ્રિસ્ટ અને ન્યુરો-ફિઝિશ્યનનું માનવું છે કે આ બધાં કામમાં આપેલો સમય તમારા બાકીના કલાકો પર પણ અસર પહોંચાડતો જ હોય છે અને એ કલાકો દરમ્યાન કરવામાં આવનારા પ્રોડક્ટિવ કામને પણ ડૅમેજ કરતું હોય છે.
કબૂલ, તમે હોશિયાર છો અને મોબાઇલનો ઉપયોગ તમે સ્માર્ટફોનની જેમ કરી રહ્યા છો, પણ જરા વાત વિચારજો, આ સ્માર્ટફોન કેટલી વાહિયાત રીતે તમારો સમય બીજી દિશામાં ખેંચી જાય છે.
જો કોઈ ઑર્થોડોક્સને જઈને આ વાત કહેવામાં આવે તો ચોક્કસ એવું તારણ કાઢીને આપે કે આ યુરોપ અને અમેરિકાનું કાવતરું છે જેથી આપણે આ બધામાં વ્યસ્ત રહીએ અને એ લોકો વિકાસની દિશામાં આગળ વધતા રહે. ભલે આવી દલીલ પર હસવું આવે, પણ એમાં તથ્ય તો ચોક્કસ છે જ. અમેરિકા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોના મોબાઇલના વપરાશ એક વખત ચેક કરશો તો તમને ખરેખર સમજાશે કે એ લોકો આ બધાં ઇક્વિપમેન્ટ્સ પર લગીરેય સમય નથી ફાળવતા. આ મશીનને એ લોકો કોર્ડલેસ ફોનની જેમ જ ઉપયોગ કરે છે અને જરૂર લાગે ત્યાં કે પછી જે યાદ આવે તેને ફોન કરીને વાત કરે છે. પેલા ચૅટબૉક્સ કે સોશ્યલ મીડિયા પર પથારી પાથરીને નથી બેસતા અને એટલે જ તેમનો વિકાસ આજે પણ હરણફાળ ભરી રહ્યો છે.
સુધરવાનો સમય આવ્યો છે, સુધરવામાં જેટલું મોડું કરીશું એટલો પસ્તાવો આપણે જ કરવાનો આવશે.