ઇન્ડિયામાંથી વૉટ્સઍપનો ડેટા હૅક થયો અને એ ડેટા ચાઇનાએ ચોર્યો હોવાનું કહેવાય છે
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
આમ તો આ કોઈ નવી વાત નથી, પણ એમ છતાં ત્રણેક દિવસ પહેલાં ફરી આવું બન્યું એટલે આપણે એની ચર્ચા કરવાની છે, ડેટા ચોરી. ઇન્ડિયામાંથી વૉટ્સઍપનો ડેટા હૅક થયો અને એ ડેટા ચાઇનાએ ચોર્યો હોવાનું કહેવાય છે. વૉટ્સઍપ કંપનીએ આ બાબતમાં કોઈ ખુલાસો કે સધિયારો હજી સુધી આપ્યો નથી એ સહેજ તમારી જાણ ખાતર, પણ આપણે એ બધામાં પડવું નથી. આપણે તો વાત કરવી છે, ડેટા ચોરી પછી શરૂ થયેલા બૂમબરાડાની.
વૉટ્સઍપની ડેટા ચોરીની વાત આવી એ દિવસે મને હસવું આવતું હતું, આજે પણ મને હસવું આવે છે અને ભવિષ્યમાં જ્યારે આ જ વાત ફરીથી થશે ત્યારે પણ મને હસવું આવશે કે આ તે કેવી નૌટંકી છે કે આપણે ડેટાની ચોરી માટે બૂમબરાડા પાડીએ છીએ? ખરેખર એક વાર જાતને પૂછજો કે આ બૂમબરાડા કેટલા અંશે વાજબી છે?
ADVERTISEMENT
સવારે કેટલા વાગ્યે જાગ્યાથી માંડીને કોને મળ્યા, શું ખાધું, ફીલિંગ લોન્લી, ફીલિંગ હૅપી અને ફીલિંગ બ્લેસ્ડ જેવા વગર કારણના સ્ટેટસ અપલોડ કરનારાઓને એવું લાગે છે કે એના ડેટાની ચોરી થાય છે. શું આ વાજબી કહેવાય? તમે તમારી જાતને ખુલ્લી કરો અને પછી એમ કહો કે હું ખુલ્લો થયો એ બધા જુએ છે તો શું તમારી આ ફરિયાદ વાજબી ગણાય ખરી? જાતને જાહેરમાં નગ્ન કરો તો દુનિયા એ જોણું જુએ જ.
કેટલા એવા છે જેણે વૉટ્સઍપ જ નહીં, સોશ્યલ મીડિયાના પ્લૅટફૉર્મ પર જઈને પોતાનું અકાઉન્ટ ઓપન કરી એના સેટિંગ્સમાં જઈને એ સેટિંગ્સ ચેક કર્યાં હોય. હાર્ડલી એકથી બે ટકા લોકો અને મોટું મન રાખીને કહેવું હોય તો મૅક્સિમમ પાંચ ટકા લોકો. તમારું બધું ખુલ્લું જ પડ્યું હોય છે ભાઈ અને એ પછી પણ તમે ફરિયાદ કરો છો કે મારા ડેટાનો, મારા ફોટોગ્રાફ્સનો ઉપયોગ થાય છે!
આપણે પોતે જ જાતને ટ્રાન્સપરન્ટ દેખાડવાનું શરૂ કરી દઈએ છીએ અને એ પછી આપણે જ કહીએ છીએ કે મને લોકો આરપાર કેમ જુએ છે અને એવી રીતે જોવાનો હક કોઈને નથી. ના, ભૂલ છે તમારી. તમે જે કામ તમારી ઇચ્છાએ કરતા હો એ કામમાં તમે અનાયાસ જ એ પરવાનગી બધાને આપી દેતા હો છો. આ મૂક પરમિશન પછી તમે કોઈ હિસાબે કોઈને રોકી નથી શકતા. એ વાજબી પણ નથી. હું વિના સંકોચ એવું કહી શકું કે મારા વિશે કોઈ અમુક વાત ન જાણે તો હું એવી વાતો શૅર કરવાનું અવૉઇડ કરું છું અને એવી વાતોની ચર્ચા પણ હું આ પ્રકારના સોશ્યલ મીડિયા પર પસાર નથી થવા દેતો. મારી કરીઅરને લગતી માહિતી તમને ફેસબુક પર મળશે, પણ મારી પર્સનલ લાઇફ વિશે કે પછી અંગત કહેવાય એવી વાતો વિશે તમને સોશ્યલ મીડિયા પર નહીં મળે.
જુઓ, એક વાત યાદ રાખજો કે જાહેરમાં કેટલું કહેવું, શું કહેવું અને કેવું કહેવું એની આચારસંહિતા આપણે જ નક્કી કરવાની છે. આચારસંહિતા વિના રહીશું તો ચોરી કરવાનો પ્રયાસ કર્યા વિના પણ બધું ખુલ્લું થવાનું જ છે તો પછી જાતને એક લક્ષ્મણરેખા આપવાનું કામ શું કામ નહીં કરવાનું?!