એક સમય હતો કે ગુજરાતની સામે જોવા માટે એક પણ ઉદ્યોગપતિ રાજી નહોતો અને આજે એ સમય છે કે ગુજરાતથી જ તેમને શરૂઆત કરવી છે.
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે ગુજરાતના ગિફ્ટ સિટીમાં ફિલ્મ અવૉર્ડ્સ ફંક્શન થયું અને આખું બૉલીવુડ ગુજરાત પહોંચી ગયું. ક્યારેય ધાર્યું ન હોય એ સ્તર પર ફંક્શન થયું અને એ ફંક્શનમાં ગુજરાતને ખાસ પ્રાધાન્ય પણ આપવામાં આવ્યું. ગુજરાતી કલાકારોને પણ ખાસ માન આપવામાં આવ્યું તો ગુજરાતના કલ્ચરથી લઈને ગુજરાતના મ્યુઝિકને પણ વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું. વાત અહીં જ પૂરી નથી થતી. વાત અહીંથી આગળ વધે છે. આ જ વર્ષનું બીજું એક ફિલ્મ ફંક્શન પણ ગઈ કાલે ગુજરાતમાં ફાઇનલ થઈ ગયું તો સાથોસાથ ત્રણ પ્રોડ્યુસરે ઍરપોર્ટથી હોટેલ સુધી પહોંચતાં સુધીમાં જ પોતાની ફિલ્મનું શૂટિંગ પણ ગુજરાતમાં કરવાનું સત્તાવાર જાહેર કરી દીધું. મુંબઈએ સમજવાની અને સ્વીકારવાની જરૂર છે કે હવે ગુજરાત એને ટક્કર આપવા માંડ્યું છે.
સુરતમાં ડાયમન્ડ બુર્સ પછી ડાયમન્ડના વેપારીઓએ પણ બિસ્તરા-પોટલાં બાંધવાનું શરૂ કરી દીધું છે તો અનેક એવા કલાકારો છે જેમણે ગુજરાતમાં પોતાની પ્રૉપર્ટી લેવાનું ચાલુ કરી દીધું છે. બૉલીવુડમાં કામ કરવાનો અર્થ હવે એવો બિલકુલ નથી રહેવાનો કે તમે મુંબઈમાં જ રહેતા હોવા જોઈએ. ના, આ ભ્રમણા હવે તૂટવાની છે અને એ તોડવાનું કામ ગુજરાત કરી રહ્યું છે. ગુજરાતના વિકાસની યાત્રા અવિરતપણે આગળ વધી રહી છે અને એમાં ક્યાંય કોઈ રુકાવટ આવવાની નથી એવું સ્પષ્ટ દેખાય છે. જો તમે છેલ્લાં પાંચ-સાત વર્ષથી ગુજરાત ન ગયા હો તો જઈને એક વખત ગુજરાત જોઈ આવો, ગુજરાતના હાઇવે જોઈ આવો. તમને સમજાશે કે વિકાસની યાત્રા કેવી હોય અને એ કઈ રીતે આગળ વધતી જાય? ગુજરાતને જોયા પછી કહેવું જ પડે કે ખરેખર નવા ભારતનું એ પ્રતિનિધિ છે અને આ પ્રતિનિધિની નકલ કરવામાં જ સાર છે.
ADVERTISEMENT
ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં તો હજી ગુજરાત આગળ નીકળવાનું છે. હજી તો નવી કેટલીયે શરૂઆત આ રાજ્ય જોવાનું છે. બુલેટ ટ્રેન રસ્તામાં છે. એ શરૂ થશે ત્યારે તો મુંબઈએ હાઈ બ્લડ-પ્રેશર સાથે ગુજરાતની વિકાસયાત્રાને જોવી પડશે. ઇન્ટરનૅશનલ ઍરપોર્ટની પણ ભરમાર ઊભી થઈ ગઈ છે. રાજકોટ અને સુરતમાં ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ શરૂ થાય છે અને આવતા મહિનાથી આ બન્ને સેન્ટર પર ડાયરેક્ટ ઇન્ટરનૅશનલ ફ્લાઇટ લેન્ડ થવાની શરૂ થવાની છે. જરા વિચાર તો કરો ગુજરાતના પ્રોગ્રેસનો. એક સમય હતો કે આપણે જ હતા જે એવું કહેતા હતા કે ત્યાં નથી જવું, વારંવાર જતી લાઇટ અને વારંવાર પાણીના ધાંધિયાઓ સહન નથી કરવા અને આજે? આજે એવું વાતાવરણ છે કે સાઇક્લોન આવવાનું હોય એ દિવસે પણ ઇલેક્ટ્રિસિટી જતી નથી અને ભરઉનાળે ડૅમ ખાલી થાય તો પણ પાણીની તંગી વર્તાતી નથી. જો તમે સેવા કરવા માગતા હો, જો તમે કામ કરવા માગતા હો અને જો તમે ઉપયોગી બનવા માગતા હો તો અને તો જ આ પ્રકારનું રિઝલ્ટ તમારા વિસ્તારને મળે અને આજનું ગુજરાત એ જ વાતનું પ્રતીક છે.
એક સમય હતો કે ગુજરાતની સામે જોવા માટે એક પણ ઉદ્યોગપતિ રાજી નહોતો અને આજે એ સમય છે કે ગુજરાતથી જ તેમને શરૂઆત કરવી છે. ગુજરાતની આ તાકાત, ગુજરાતની આ ક્ષમતા રાતોરાત ઊભી નથી થઈ. એ માટે બે દશકનો ભોગ આપવામાં આવ્યો છે અને એ ભોગ કોણે આપ્યો છે એ તમે જાણો છો? કાશ, મહારાષ્ટ્ર પાસે પણ એક મોદી હોત.

