જ્યારે ધર્મ પર સંકટ આવશે, જ્યારે ધર્મ જોખમમાં મુકાશે અને ઘોર કળિયુગ દેખાશે ત્યારે હું આવીશ.
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
પ્રતીકાત્મક તસવીર
યદા યદા હી ધર્મસ્ય...
સૌથી પહેલી વાત. કોઈ પણ વાત માટે રાહ જોઈને બેસી રહેવું જરા પણ યોગ્ય નથી. વાતનો આરંભ જે શ્લોકથી કર્યો એ શ્રીમદ ભગવદ્ગીતામાં કહેવાયો છે અને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા એ અર્જુન સાથેની વાતચીતમાંનો એક સંવાદ છે, પણ એની સાથોસાથ એ પણ એટલું જ સાચું કે આ જ ભગવાન શ્રીકૃષ્ણએ કર્મને પાળવાનું અને કર્મના સિદ્ધાંતની સાથે ચાલવાનું પણ કહ્યું છે. જ્યારે ધર્મ પર સંકટ આવશે, જ્યારે ધર્મ જોખમમાં મુકાશે અને ઘોર કળિયુગ દેખાશે ત્યારે હું આવીશ. આ વાતની પાછળ એક વણકહી વાત પણ છુપાયેલી, કહેવાયેલી છે. કહેવાયું છે કે હું આવીશ; પણ તું તારું કર્મ નહીં રોકતો, તું તારી ફરજ નહીં ચૂકતો અને તું તારો ધર્મ નહીં ભૂલતો. તારો ધર્મ એક જ છે, કર્મ કરતો રહે અને કર્મની સાથે આગળ વધતો રહે.
કર્મની આ થિયરી એ જ ભગવદ્ગીતામાં કહેવાઈ છે જેમાં કહેવાયું છે કે હું આવીશ, જરાય ચિંતા નહીં કર. કૃષ્ણએ કહેલી આ વાત મને હંમેશાં સુયોગ્ય રીતે જોવાની આદત રહી છે. જો તું કર્મ કરીશ અને એ પછી પણ જરૂર પડશે તો હું આવીશ. આ એનો ભાવાર્થ છે. કર્મ તમારા હાથમાં છે, તમે એ જ કરી શકો અને તમારે એ જ કરવાનું હોય. જો કર્મ તમે ભૂલ્યા, જો કર્મ તમે ચૂક્યા તો મારું આવવાનું પણ રદ થઈ શકે છે.
કંઈ મેળવવું હોય, કંઈ કરવું હોય અને કંઈ પામવું હોય તો એના માટે કર્મ કરવું પડશે અને જો તમે કર્મ કરશો તો જ ફળની અપેક્ષા રાખી શકશો. પછી ભલે એ હજાર હાથવાળાના આવવાની વાત પણ હોય અને તેને અહીં બોલાવવાની ભાવના પણ હોય. ધર્મ જોખમમાં મુકાય ત્યારે પણ તમારે તો તમારું કર્મ કરવાનું છે. નઠારી કાંડ થાય કે પછી દિલ્હીમાં જ્યોતિ રેપકેસ જેવું સંકટ આવે, એ સમયે તમારે રસ્તા પર આવવું પડે અને જો તમે રસ્તા પર ન આવો તો હું શાનો ઉપરથી નીચે આવું અને એવું તમે ધારી કે માની કઈ રીતે શકો?!
કર્મ કર, યુદ્ધ કર.
બહુ સરળ આ વાત છે અને બહુ સરળ આ ભાવના છે અને આ ભાવનાને આ જ ભાવાર્થ સાથે સમજવાની જરૂર છે. જે સમયે આ ભાવના સમજવામાં થાપ ખાઈ ગયા, જે સમયે આ ભાવનાને સમજવામાં માત ખાઈ ગયા એ સમયે તમે વાજબીપણે દગાનો શિકાર બનવાના છો. ઉપરથી હજાર હાથવાળો આવશે નહીં અને તમને છેતરાયાનો અનુભવ થશે, પણ જો એવો કોઈ અનુભવ ન કરવો હોય તો, જો તમને એવી કોઈ છેતરપિંડી સહન ન કરવી હોય તો કર્મના સિદ્ધાંતને ક્યારેય ભૂલતા નહીં. જો એ સિદ્ધાંતને ભૂલશો નહીં તો બની શકે કે ક્યારેય તમારે એ હજાર હાથવાળાની રાહ પણ ન જોવી પડે અને એવું પણ બની શકે કે ક્યારેય તમને એની ગેરહાજરીનો અણસાર પણ ન આવે. લાગે કે એ આજુબાજુમાં જ છે અને શ્રીમદ ભગવદ્ગીતામાં કહ્યા મુજબ કળિયુગમાં આવી પણ ગયો છે.