આપણે ત્યાંની એક પણ કંપનીને મારવાનું કામ એની હરીફ, પ્રતિસ્પર્ધીએ નથી કર્યું પણ આ કંપનીએ જાતે જ સુસાઇડ કર્યું છે.
પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
ગુજરાતના એક બહુ જાણીતા માર્કેટિંગ કન્સલ્ટન્ટની સાથે એમ જ વાત ચાલતી હતી એ દરમ્યાન એક સરસ વાત તેમણે કહી. આપણે ત્યાંની એક પણ કંપનીને મારવાનું કામ એની હરીફ, પ્રતિસ્પર્ધીએ નથી કર્યું પણ આ કંપનીએ જાતે જ સુસાઇડ કર્યું છે. આચારસંહિતાને કારણે આપણે એ કંપનીઓનાં નામ નહીં લઈએ, પણ જો તમે થોડા પણ ગૂગલ-સૅવી હો તો એ કંપનીઓને જાતે શોધી શકશો. એક સમયે ઇન્ડિયા પર રાજ કરતી એ કંપનીઓને ખરા અર્થમાં ખતમ કરવાનું કામ કોઈ ત્રાહિતે નથી કર્યું, પણ એ કંપનીઓ માત્ર ને માત્ર પોતાની પૉલિસી દ્વારા જ ખતમ થઈ અને આજે નવી જનરેશનમાં કોઈને એમનું નામ સુધ્ધાં ખબર નથી. ચેન્જ અનિવાર્ય છે અને એ પણ વાજબી સ્તર પર. જો ચેન્જ થવાની તૈયારી ન રાખો તો તમે જ તમારા ખાતમાના સાથી બની જાઓ છો.
ચેન્જ માટેની આ તૈયારી અમેરિકનો બહુ સારી રીતે જાણે છે અને સુપેરે પાળી પણ શકે છે. અમેરિકનોની એક માનસિકતા ખરેખર સૌકોઈએ ઓળખવાની અને જાણવાની બેહદ જરૂર છે.
અમેરિકન ક્યારેય કોઈના પ્રેમમાં નથી પડતા - પછી એ વ્યક્તિ હોય, વસ્તુ હોય કે આઇડિયા હોય. તેઓ સહજ રીતે જ વસ્તુ, વ્યક્તિ કે આઇડિયાથી પર થઈ શકે છે. જોકે આપણે એ કાર્ય કરવામાં ઊણા ઊતરીએ છીએ અને એ જ કારણ છે કે આપણે જાતે જ આપણા વિચારોનો ખાતમો બોલાવી દઈએ છીએ. સામા પક્ષે અમેરિકનો એવા નથી. કહ્યું એમ ઝાટકીને વ્યક્તિ કે વિચારોથી તેમને દૂર થતાં આવડે છે અને એટલે જ એક તબક્કો એવો આવીને ઊભો રહે છે કે વ્યક્તિ હોય કે વિચાર, એ વટવૃક્ષ બનતાં અટકતા નથી અને કરવાનું એ જ હોય. ટેકઓવરની પ્રક્રિયા પેઇનફુલ હોય છે, પણ એ પેઇનફુલ પ્રોસેસ પછીયે પ્રોડક્ટ ખતમ નથી થઈ જતી એ પણ એનો મોટો પ્લસ પૉઇન્ટ છે અને એ પ્લસ પૉઇન્ટને પણ સમજવો અનિવાર્ય છે. પાર્લે સૉફ્ટ ડ્રિન્ક્સે કોકા કોલા પાસે ટેકઓવર થયા પછી શરૂઆતમાં તો એ કોઈને પાર્લેની અમુક પ્રોડક્ટ્સને કન્ટિન્યુ કરવાનું મન નહોતું, પણ એ પ્રોડક્ટ્સની તાકાત હતી જેણે એને ટકાવી દીધી. તમે જુઓ. વિદેશી વિચારધારા વચ્ચે અમુક પ્રોડક્ટ્સ એ લોકોના વિચારો મુજબ બની હતી એમનું મરણ થયું, પણ જે પ્રોડક્ટ્સ ભારતીય વિચારધારાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન થઈ હતી એ વટવૃક્ષ બની ગઈ.
સંતાન હોય કે વિચાર, એને દૂધ પીતાં કરવાને બદલે બહેતર છે કે એ બીજાના ઘરને ઉજાળે અને એ જ માનસિકતા અમેરિકનોના લોહીમાં છે. તેઓ ક્યારેય જાતે જ સુસાઇડના રસ્તા પર નથી આવતા, પણ પોતાની પ્રોડક્ટ્સ બીજાના હાથમાં સોંપવી પડે તો પ્રીમિયમ લઈને એનાથી હાથ દૂર કરે છે અને પછી તરત જ નવા વિચાર પર લાગીને એ દિશામાં નવું ખેડાણ કરવામાં વ્યસ્ત થઈ જાય છે. એટલું જ નહીં, એ વિચારને નવેસરથી સક્ષમ બનાવીને દુનિયાની સામે એ રજૂ પણ કરી દે છે. રજૂ કરવાની આ જે માનસિકતા છે એ એક વાત સૂચવે છે...
વિચારો હોય કે વસ્તુ, પ્રેમમાં પડ્યા વિના એનો વિકાશ કરતા જવો અને આગળ વધતા જવું.