છ વર્ષની ઉંમરથી જિમ્નૅસ્ટિક્સમાં ઍક્ટિવ થયેલો મન કોઠારી તાજેતરમાં નૅશનલ ટુર્નામેન્ટમાં ઑલરાઉન્ડર અન્ડર-17 કૅટેગરીમાં ગોલ્ડ જીત્યો છે. હવે એશિયન ગેમ માટેની તૈયારી કરી રહેલા મનનો ફાઇનલ ટાર્ગેટ ઑલિમ્પિક્સ છે.
મન કોઠારી
છ વર્ષની ઉંમરથી જિમ્નૅસ્ટિક્સમાં ઍક્ટિવ થયેલો મન કોઠારી તાજેતરમાં નૅશનલ ટુર્નામેન્ટમાં ઑલરાઉન્ડર અન્ડર-17 કૅટેગરીમાં ગોલ્ડ જીત્યો છે. હવે એશિયન ગેમ માટેની તૈયારી કરી રહેલા મનનો ફાઇનલ ટાર્ગેટ ઑલિમ્પિક્સ છે. જોકે આ સ્ટેજ પર પહોંચવા માટે કેટલીયે બર્થ-ડે પાર્ટી અને કેટલાંય વેકેશન તેણે સૅક્રિફાઇસ કર્યાં છે પણ ધ્યેયપ્રાપ્તિ માટે આટલો સૅક્રિફાઇસ તો કરવો જ પડે
‘એક ગોલ્ડ મેડલ સુધી પહોંચવા માટે એક સ્પોર્ટ્સ પર્સને કયા સ્તર પર સૅક્રિફાઇસ કરવો પડતો હોય છે એની નૉર્મલ લાઇફ જીવતા લોકો કલ્પના પણ ન કરી શકે. છ વર્ષથી લઈને આજ સુધીમાં જિમ્નૅસ્ટિક્સની મારી ટ્રેઇનિંગ માટે કેટલી બર્થ-ડે પાર્ટી મેં મિસ કરી હશે. કેટલાંય વેકેશન, કેટલાય ફ્રેન્ડ્સ સાથેનાં હૅન્ગઆઉટ્સ, કેટલાંય ફૅમિલી-ફંક્શન્સ હું નથી અટેન્ડ કરી શક્યો એનો કોઈ હિસાબકિતાબ જ નથી.’
ADVERTISEMENT
તાજેતરમાં જિમ્નૅસ્ટિક્સમાં ‘જુનિયર નૅશનલ ચૅમ્પિયન ઇન ધ મેન્સ આર્ટિસ્ટિક જિમ્નૅસ્ટિક્સ ઑલરાઉન્ડ કૉમ્પિટિશન’નું ટાઇટલ જીતનારો ૧૭ વર્ષનો અંધેરીનો મન કોઠારી આ શબ્દો કહે છે ત્યારે તેના શબ્દોમાં કૉન્ફિડન્સ છે. જો તમારી મહેનત કરવાની તૈયારી હોય તો જ સ્પોર્ટ્સમાં ગોલ સેટ કરવા એવું દૃઢતા સાથે માનતો મન ગયા અઠવાડિયે સુરતમાં યોજાયેલી ઑલ એજ ગ્રુપ નૅશનલ જિમ્નૅસ્ટિક્સ ચૅમ્પિયનશિપમાં એક ગોલ્ડ અને એક સિલ્વર અને એક બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. જિમ્નૅસ્ટિક્સમાં ભારતનું ઑલિમ્પિક્સમાં પ્રતિનિધિત્વ કરવાનો ગોલ ધરાવતો આ યુવાન ૨૦૨૮ માટે અત્યારે પણ આઠ કલાકની ટ્રેઇનિંગ કરે છે. સ્કૂલમાં ભણવામાં વધારે સમય જતો હતો એટલે તેણે હોમ સ્કૂલિંગનો ઑપ્શન સ્વીકારી લીધો. નૅશનલ અને ઇન્ટરનૅશનલ લેવલના કોચ પાસે જિમ્નૅસ્ટિક્સની ટ્રેઇનિંગ લઈ ચૂકેલો મન કોઠારીની વિનર તરીકેની જર્નીમાં શું ખાસ છે અને કઈ રીતે તે તૈયારીઓ કરી રહ્યો છે એ વિષય પર ચર્ચા કરીએ.
શરૂઆત કેવી રીતે?
છ વર્ષની ઉંમરે હું જ્યારે સિંગાપોરમાં રહેતો હતો ત્યારે જિમ્નૅસ્ટિક્સની ટ્રેઇનિંગ શરૂ થઈ હતી એમ જણાવીને મન આગળ કહે છે, ‘હતું એમાં એવું કે મને નાનપણથી જ ઊછળકૂદનો જબરો શોખ હતો. મારી ઍક્ટિવનેસ જોઈને મારી સ્કૂલના ટીચરે મારા પેરન્ટ્સને સજેસ્ટ કર્યું કે તમે આને જિમ્નૅસ્ટિક્સમાં મુકો. મારા પપ્પાની જૉબ સિંગાપોરમાં હતી એટલે અમે ત્યારે બધા જ સિંગાપોર રહેતા. છ વર્ષની ઉંમરે આ રીતે ટ્રેઇનિંગ શરૂ થઈ. થોડાક જ ટાઇમમાં લોકલ લેવલની કૉમ્પિટિશનમાં હું જીતવા માંડ્યો. એટલે પછી આ સ્પોર્ટ્સને સિરિયસલી લેવાનું શરૂ કર્યું. આ જ કારણ હતું કે હું અને મમ્મી ઇન્ડિયા રિટર્ન થઈ ગયાં.’
મન મારવું પડે
આજે પણ દરરોજની સાતથી આઠ કલાક જિમ્નૅસ્ટિક્સની ટ્રેઇનિંગમાં પસાર કરતા મન પાસે બીજી ઍક્ટિવિટી માટે સમય જ નથી હોતો. તે કહે છે, ‘મારે ઑલરાઉન્ડર બનવું છે જેમાં ફિઝિકલ ટ્રેઇનિંગ, મેન્ટલ ટ્રેઇનિંગ, ડાયટ પૅટર્ન અને ફોકસ્ડ રહેવું જરૂરી છે. જિમ્નૅસ્ટિક્સમાં અલગ-અલગ છ ઇવેન્ટ હોય છે. મોટા ભાગે લોકો એક યા બે વસ્તુમાં પાવરફુલ હોય. મારે છયે છમાં અવ્વલ થવું છે. આ વખતે મને ઑલરાઉન્ડ કૅટેગરીમાં જ ગોલ્ડ મેડલ મળ્યો. બીજી કૅટેગરીમાં સિલ્વર અને બ્રૉન્ઝ પણ મળ્યા. લગભગ ૮૦થી ૯૦ પાર્ટિસિપન્ટ્સ ભારતભરમાંથી હતા. મોટા ભાગે આ સ્પોર્ટ્સમાં ઉત્તર પ્રદેશના છોકરાઓ જ બાજી મારતા હોય છે. ગુજરાતીઓ નજીવા પ્રમાણમાં છે. મને જેમાં ગોલ્ડ મેડલ મળ્યો એમાં મારો ઑપોનન્ટ માત્ર ૦.૨ સ્કોરથી પાછળ હતો. આવી ટફ કૉમ્પિટિશન હોય. હું ફિલ્મો નથી જોતો. સોશ્યલ મીડિયા પર નહીં બરાબર ઍક્ટિવ છું. હા, એક વાર મૅચ થઈ ગયા પછી શીખવાના ભાગરૂપે એનું રેકૉર્ડિંગ જોતો હોઉં છું પણ એ તો પાર્ટ ઑફ ટ્રેઇનિંગ છે. ઊંઘ આઠ કલાક મળે, ડાયટ બૅલૅન્સ્ડ હોય અને વર્કઆઉટ પ્રૉપર થાય એ જ મારો દિવસનો ગોલ હોય છે જે મને મારા અંતિમ ગોલ માટે મદદ કરે છે. સ્પોર્ટ્સમાં કમિટમેન્ટ વિના ક્યારેય સિદ્ધિ નથી મળતી.’
મારો ગોલ સાફ છે
૨૦૨૩માં ‘ખેલો ઇન્ડિયા’ યુથ ગેમ્સમાં ઇન્ટરનૅશનલ અને નૅશનલ લેવલ પર સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ જીતી ચૂકેલો મન કોઠારી પોતાના ગોલ્સ વિશે આગળ કહે છે, ‘૨૦૨૮ના ઑલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ મારો હાઇએસ્ટ ગોલ છે જેમાં હું મારા દેશ માટે મેડલ જીતું. અને સ્વાભાવિક છે કે જ્યારે આપણો ગોલ હાઈ હોય તો એના માટે પ્રૅક્ટિસ પણ ઊંચા દરજ્જાની જ કરવાની હોય. મારે મારા દેશને રેપ્રિઝેન્ટ કરવો હતો એટલે જ અમે સિંગાપોર છોડીને ભારત આવ્યાં. આજે પણ મારા પપ્પા સિંગાપોરમાં કામ કરે છે અને આજે પણ અમારું ઘર ત્યાં પણ છે જ. ભણવા સાથે ટ્રેઇનિંગ અઘરી થતી હતી એટલે ટેન્થ સુધી નૉર્મલ સ્કૂલિંગ કરીને હવે મેં હોમ સ્કૂલિંગ શરૂ કર્યું છે. મેં યુકેમાં ઑલિમ્પિક્સ માટે ટ્રેઇનિંગ આપનારા કોચ પાસે બે મહિનાની ટ્રેઇનિંગ લીધી હતી. મારો ગોલ ક્લિયર છે અને મારા કોચિસને પણ ખબર છે કે હું જ્યારે સ્પોર્ટ્સની વાત આવે ત્યારે થાકતો નથી. હું જ્યારે સ્પોર્ટ્સની વાત આવે ત્યારે ઘડિયાળ નથી જોતો. મારી મહેનત અને મારું ડેડિકેશન જ મને ઑલિમ્પિક્સમાં લઈ જશે અને મેડલ સુધી પહોંચાડશે એની મને ખાતરી છે.’