સુપ્રીમ કોર્ટે ૨૦૧૪માં આપેલા ચુકાદાને પગલે સમાજમાં કિન્નરોને સન્માન અપાવવા ૨૦૧૫માં થઈ અખાડાની સ્થાપના, પણ સનાતન ધર્મના ૧૩ મુખ્ય અખાડાઓથી એને અલગ જ માનવામાં આવે છે
કિન્નર અખાડા
બૉલીવુડની ઍક્ટ્રેસ મમતા કુલકર્ણી હવે સંન્યાસિની બની ચૂકી છે અને તેને કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બનાવવામાં આવી છે. તેને મહામંડલેશ્વર તરીકે યામાઈ મમતાનંદગિરિ નામ આપવામાં આવ્યું છે. મહામંડલેશ્વર બન્યા બાદ ભગવાં વસ્ત્રો અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરેલી મમતા કુલકર્ણી જોવા મળી હતી. મમતા જેમાં જોડાઈ છે એ કિન્નર અખાડાની સ્થાપના ૨૦૧૫માં કરવામાં આવી હતી અને સનાતન ધર્મના ૧૩ મુખ્ય અખાડાથી આ અખાડો અલગ છે. આ અખાડાની આચાર્યા મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી છે.
સનાતન ધર્મના ૧૩ અખાડા છે, પણ એમાં કિન્નર અખાડો સૌથી નવો છે અને હજી સુધી એને માન્યતા આપવામાં આવી નથી. હાલમાં આ અખાડો શ્રી પંચદશનામ જૂના અખાડાને આધીન છે. આ અખાડાની સ્થાપનાની કહાણી પણ ઘણી રોચક છે. સમાજમાં કિન્નરોને સમાનતાનો દરજ્જો નહોતો અને લોકો તેમની સાથે સારો વ્યવહાર કરતા નહોતા. જોકે ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટના એક ચુકાદાએ તેમનું જીવન બદલી નાખ્યું હતું. કિન્નર અખાડાની સ્થાપનાની વાત આ ચુકાદા બાદ શરૂ થાય છે. આ ચુકાદાએ કિન્નર સમાજને એનો અધિકાર આપ્યો હતો. આ ચુકાદા બાદ કિન્નરોએ સમાજમાં સન્માન મળે એ માટે અખાડો સ્થાપવાનું વિચાર્યું હતું. ૨૦૧૫માં મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ નિર્ણય લીધો કે તે સનાતન ધર્મ સાથે જોડાઈને કિન્નર અખાડાનું નિર્માણ કરશે અને આદિ શંકરાચાર્યના પદચિહ્ન પર ચાલીને સનાતન ધર્મનો પરચમ લહેરાવશે. ૨૦૧૫ની ૧૩ ઑક્ટોબરે કિન્નર અખાડાની સ્થાપના થઈ હતી. કિન્નર અખાડાએ ૨૦૧૬માં હરિગિરિ મહારાજની કૃપાથી ઉજ્જૈનમાં પહેલા કુંભમેળામાં ભાગ લીધો અને ૨૦૧૯માં જૂના અખાડા સાથે મળીને પ્રયાગરાજના અર્ધકુંભમાં ભાગ લીધો હતો. ૨૦૨૧ના હરિદ્વારના કુંભમાં પણ તેઓ સામેલ થયા હતા. સંતોએ સન્માન આપ્યું એટલે તેમને લોકો પણ સન્માન આપવા માંડ્યા હતા. કિન્નર અખાડો શૈવ સંપ્રદાય સાથે સંકળાયેલો છે. તેમના ઈષ્ટદેવ અર્ધનારીશ્વર અને માતા બહુચરા છે. તેમની પૂજા બાદ કિન્નર સંત કોઈ કાર્ય કરે છે.
ADVERTISEMENT
કિન્નરો દ્વારા બનાવવામાં આવેલા આ અખાડામાં લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર વિષયોની ચર્ચાને પ્રોત્સાહન આપવામાં આવે છે.
અખાડાઓની શરૂઆત આદિ શંકરાચાર્યએ કરી હતી. એવું કહેવાય છે કે હિન્દુ ધર્મના રક્ષણ માટે તેમણે યુદ્ધકળામાં કુશળ ઋષિઓનાં સંગઠન બનાવ્યાં હતાં. કુંભમેળામાં ભાગ લેનારા કુલ ૧૩ અખાડા છે અને એનાં અલગ-અલગ નામ છે. તેઓ ભારતના અલગ-અલગ પ્રાંતમાંથી છે. ૭ અખાડા શૈવ સંપ્રદાયના છે, જેના અનુયાયી ભગવાન શિવની આરાધના કરે છે. ૩ અખાડા વૈષ્ણવ સંપ્રદાયના છે જેના અનુયાયી વિષ્ણુ અને તેમના અવતારની પૂજા કરે છે. ઉદાસીન સંપ્રદાયમાં ૩ અખાડા છે અને તેઓ ‘ૐ’ની પૂજા કરે છે.
શ્રી પંચદશનામ અથવા જૂના અખાડાને શૈવ સંપ્રદાયનો સૌથી મોટો અખાડો માનવામાં આવે છે. એની સ્થાપના ઈસવી સન ૧૧૪૫માં ઉત્તરાખંડના કર્ણપ્રયાગમાં થઈ હતી. આ અખાડો ખાસ કરીને નાગા સાધુઓ માટે જાણીતો છે. આ અખાડામાં સૌથી વધુ સંખ્યામાં નાગા સાધુઓ જોવા મળે છે. એમાં લગભગ પાંચ લાખ નાગા સાધુઓ અને મહામંડલેશ્વર સંન્યાસી છે. જૂના અખાડાની શોભાયાત્રા મહારાજાઓના શાન અને ભવ્યતા જેવી છે. એમાં અનેક પ્રકારના વૈભવ દેખાય છે, જેમાં સુવર્ણરથનો પણ સમાવેશ છે. આ અખાડાની શોભાયાત્રામાં એક હાથી પણ ભાગ લે છે.
કયા કયા છે ૧૩ અખાડા?
જૂના અખાડા (શૈવ)
જૂનો અખાડો પહેલાં ભૈરવ અખાડા તરીકે ઓળખાતો હતો. તેમના ઈષ્ટદેવ ભૈરવ હતા. ભૈરવ ભગવાન શિવજીનું જ રૂપ છે. હાલમાં આ અખાડાના ઈષ્ટદેવ ભગવાન દત્તાત્રેય છે જે રુદ્રાવતાર છે. આ અખાડા અંતર્ગત આહવાન, અખલિયા તેમ જ બ્રહ્મચારી પણ છે.
નિરંજની અખાડો (શૈવ)
નિરંજની અખાડાની સ્થાપના ૧૯૦૪માં ગુજરાતના માંડવીમાં થઈ હતી. જોકે એક પ્રાચીન તાંબાના શિલાલેખ પર નિરંજની અખાડાની સ્થાપના વિક્રમ સંવત ૯૬૦ અંકિત થઈ છે. આ અખાડાના ઈષ્ટદેવ ભગવાન કાર્તિકેય છે જે દેવતાઓના સેનાપતિ છે. નિરંજની અખાડાના સાધુ શૈવ છે અને તેઓ જટા રાખે છે.
મહાનિર્વાણી અખાડો (શૈવ)
નિર્વાણી અખાડાનું કેન્દ્ર હિમાચલ પ્રદેશમાં છે. આ અખાડાની અન્ય શાખાઓ પ્રયાગ, ઓમકારેશ્વર, કાશી, ત્ર્યંબકેશ્વર, કુરુક્ષેત્ર, ઉજ્જૈન તેમ જ ઉદયપુરમાં છે. ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં ભસ્મ ચડાવનાર મહંત નિર્વાણી અખાડા સાથે જ સંબંધ રાખે છે.
આહ્વાન અખાડો (શૈવ)
આ અખાડો જૂના અખાડા સાથે મિશ્રિત છે. આ અખાડાની સ્થાપના ઈસવી સન ૫૪૭માં થઈ હતી, પરંતુ જાદુનાથ સરકાર એને ૧૫૪૭નો સમય બતાવે છે. આ અખાડાનું કેન્દ્ર દશાશ્વમેધ ઘાટ, કાશીમાં છે. આ અખાડાના સંન્યાસી ભગવાન શ્રીગણેશ તેમ જ દત્તાત્રેયને પોતાના ઈષ્ટદેવ માને છે.
અટલ અખાડો (શૈવ)
આ અખાડાના ઈષ્ટદેવ ભગવાન શ્રીગણેશ છે. તેમના શસ્ત્ર-ભાલાને સૂર્યપ્રકાશના નામથી ઓળખવામાં આવે છે. આ અખાડાની સ્પાથના ગોંડવાનામાં ઈ. સ. ૬૪૭માં થઈ હતી. એનું કેન્દ્ર પણ કાશીમાં છે. આ અખાડાનો સંબંધ નિર્વાણી અખાડા સાથે છે.
આનંદ અખાડો (શૈવ)
આ અખાડો વિક્રમ સંવત ૮૫૬માં બરારમાં બન્યો હતો, જ્યારે સરકારના જણાવ્યા અનુસાર વિક્રમ સંવત ૯૧૨ છે. તેમના ઈષ્ટદેવ સૂર્ય છે.
અગ્નિ અખાડો (શૈવ)
અગ્નિ અખાડાની સ્થાપના ૧૯૫૭માં થઈ હતી. જોકે આ અખાડાના સંત એને યોગ્ય નથી માનતા. એનું કેન્દ્ર ગિરનારના પર્વત પર છે. આ અખાડાના સાધુ નર્મદા-ખણ્ડી, ઉત્તરા-ખણ્ડી
તેમ જ નૈસ્ટિક બ્રહ્મચારીમાં વિભાજિત છે.
દિગંબર અખાડો (વૈષ્ણવ)
આ અખાડાની સ્થાપના અયોધ્યામાં થઈ હતી. જોકે આ અખાડો લગભગ ૨૬૦ વર્ષ જૂનો છે. ૧૯૦૫માં અહીંના મહંત પોતાની પરંપરામાં અગિયારમા હતા. દિગંબર નિમ્બાર્કી અખાડાને શ્યામ દિગંબર અને રામાનંદીમાં આ જ અખાડો રામ દિગંબર અખાડો કહેવાય છે.
નિર્વાણી અખાડો (વૈષ્ણવ)
એની સ્થાપના અભયરામદાસજી નામના સંતે કરી હતી. આરંભથી જ એ અયોધ્યાનો સૌથી શક્તિશાળી અખાડો રહ્યો છે. હનુમાનગઢી પર આ અખાડાનો અધિકાર છે. આ અખાડાના સાધુઓ ચાર વિભાગ હરદ્વારી, વસંતિયા, ઉજ્જૈનિયા તેમ જ સાગરિયા છે.
નિર્મોહી અખાડો (વૈષ્ણવ)
આ અખાડાની સ્થાપના ૧૮મી સદીના આરંભમાં ગોવિંદદાસ નામના સંતે કરી હતી, જેઓ જયપુરથી અયોધ્યા ગયા હતા. નિર્મોહી શબ્દનો અર્થ છે મોહ વગરનો.
નિર્મલ અખાડો (સિખ)
આ અખાડાની સ્થાપના સિખ ગુરુ ગોવિંદસિંહના સહયોગી વીરસિંહે કરી હતી. તેઓ સફેદ કપડાં પહેરતા હતા અને તેમના ધ્વજનો રંગ પીળો કે વસંતી રહેતો હતો અને ઊન કે રુદ્રાક્ષની માળા તેઓ હાથમાં રાખતા હતા.
બડા ઉદાસીન અખાડા (સિખ)
આ અખાડાનું સ્થાન કીડગંજ, પ્રયાગરાજમાં છે. એ ઉદાસીનો નાનાશાહી અખાડો છે. આ અખાડામાં ચાર પંગતમાં ચાર મહંત આ ક્રમમાં થાય છે; અલમસ્તજીનો પંક્તિનો, ગોવિંદસાહબજીના પંક્તિનો, બાલુહસનાજીની પંક્તિનો, ભગત ભગવાનજીની પરંપરાનો.
નવો ઉદાસીન અખાડો (સિખ)
૧૯૦૨માં ઉદાસીન સાધુઓમાં મતભેદ થવાને કારણે મહાત્મા સુરદાસજીની પ્રેરણાથી એક અલગ સંગઠન બનાવાયું હતું, જેનું નામ ઉદાસીન પંચાયતી અખાડા નામ રાખવામાં આવ્યું હતું. આ અખાડામાં માત્ર સંગતસાહબની પરંપરાના સાધુ જ હોય છે.