કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના પ્રેસિડન્ટ મહેશ કે. શાહ વાગોળે છે આ અનોખા ફિલ્મસર્જક સાથેનાં સંસ્મરણો. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીની સ્વાધ્યાય પ્રવૃત્તિ વિશે શ્યામબાબુને વાકેફ કરવા મહેશભાઈ તેમને મળ્યા હતા
‘અંતર્નાદ’ ફિલ્મના શૂટિંગ દરમ્યાન શ્યામ બેનેગલ સાથે મહેશ શાહ.
કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના પ્રેસિડન્ટ મહેશ કે. શાહ વાગોળે છે આ અનોખા ફિલ્મસર્જક સાથેનાં સંસ્મરણો. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીની સ્વાધ્યાય પ્રવૃિત્ત વિશે શ્યામબાબુને વાકેફ કરવા મહેશભાઈ તેમને મળ્યા હતા, પછી મળતા રહ્યા અને આ મુલાકાતોમાંથી સર્જન થયું ૧૯૯૧માં આવેલી ફિલ્મ ‘અંતર્નાદ’નું. સ્વાધ્યાયની પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કરવા માટેની મુલાકાતો અને ફિલ્મના નિર્માણ વખતના સાથને પગલે શ્યામ બેનેગલ સાથે જે સંબંધ બંધાયો એને મહેશભાઈ શિલાલેખ જેવો માને છે, જે ક્યારેય ભૂંસાશે નહીં
પૃથ્વી સે પહલે સત ભી નહીં થા
ADVERTISEMENT
અસત ભી નહીં થા
અંતરિક્ષ ભી નહીં થા
આકાશ ભી નહીં થા
નહીં થી મૃત્યુ
થી અમરતા ભી નહીં
‘ભારત એક ખોજ’નું આ શીર્ષકગીત વર્ષો પછી પણ એ ધારાવાહિકને નજર સમક્ષ ઊભું કરી જાય છે અને સાથે નજર સામે તરવરે છે એક વિરલ ફિલ્મકાર શ્યામ બેનેગલ, જેઓ પોતાના કાર્ય દ્વારા અમરત્વ પામી ગયા છે. ‘અંકુર’ અને ‘મંથન’ જેવી ફિલ્મો દ્વારા ભારતીય પૅરૅલલ સિનેમાજગતમાં એક નવો ચીલો ચાતરનાર, એક નવી કેડી કંડારનાર શ્યામ બેનેગલે ૨૩ ડિસેમ્બરે આ દુનિયામાંથી વિદાય લીધી. આજે તેમની અનેક ફિલ્મો વિશે ઉલ્લેખ થઈ રહ્યા છે ત્યારે એક જુદા જ વિષય સાથે ૧૯૯૧માં બનેલી ફિલ્મ ‘અંતર્નાદ’ના નિર્માણમાં અથથી ઇતિ સુધી તેમની સાથે જોડાયેલા સ્વાધ્યાયી અને હાલમાં કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના પ્રેસિડન્ટ એવા મહેશ કે. શાહ શ્યામ બેનેગલ સાથેનાં પોતાનાં સંસ્મરણોને યાદ કરે છે ત્યારે કહે છે કે વ્યક્તિ દેહરૂપે વિલીન થઈ જાય છે, પરંતુ વ્યક્તિત્વ અને વિચાર કદી મટતાં નથી; આજે શ્યામ બેનેગલ આપણી વચ્ચે નથી પરંતુ તેમના વિચારોની સુગંધ હજી પણ મહેકી રહી છે.
મહેશભાઈના શબ્દોમાં જ વાંચીએ શ્યામ બેનેગલ પ્રત્યેના તેમના ભાવ...
લગભગ સવાત્રણ દાયકા પહેલાં પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી-દાદાએ હાકલ કરી કે સ્વાધ્યાય દ્વારા સમાજમાં જે ઉત્કૃષ્ટ પરિવર્તન થઈ રહ્યું છે એની જાણ સમાજ પર પ્રભાવ ધરાવતા લોકોને પણ થવી જોઈએ. એ આપણી સાથે જોડાય એવા આશયથી નહીં, પરંતુ સ્વાધ્યાય કેન્દ્ર દ્વારા જેકોઈ પ્રવૃત્તિઓ ચાલી રહી છે એની જાણ જનસમુદાયને પણ થવી જોઈએ અને ત્યારે મને અચાનક વિચાર આવ્યો શ્યામબાબુને મળવાનો. આમ તો તેમની સાથે કોઈ ઓળખાણ નહોતી, પણ તેમની ફિલ્મો ‘અંકુર’ અને ‘મંથન’ વગેરે જોઈ હતી અને એક વાત સમજાઈ હતી કે સમાજમાં જે પરિવર્તન આવી રહ્યાં છે એને ફિલ્મના માધ્યમથી ચિત્રાંકિત કરવાનો અનેરો પ્રયાસ આ ફિલ્મકાર કરી રહ્યા છે. ફોન પર તેમને મેં એટલી જ વાત કરી કે લોકોના વિચારોમાં આમૂલ પરિવર્તન લાવી શકે એવી પ્રવૃત્તિ સ્વાધ્યાય દ્વારા થઈ રહી છે અને એ વિશે હું વાત કરવા ઇચ્છું છું અને મારા આશ્ચર્ય વચ્ચે તેમણે વધુ કોઈ સવાલ કર્યા વિના મને મુલાકાતનો સમય ફાળવી આપ્યો.
મારે માટે પ્રથમ મુલાકાત થોડી અઘરી રહી, કારણ કે મને સિગારેટના ધુમાડાની ઍલર્જી અને શ્યામબાબુ ચેઇન-સ્મોકર હતા. જોકે મારા જીવનની ખાસ કહી શકાય એવી એ ક્ષણો હતી. મુલાકાત દરમ્યાન તેમની સાથે સુનીલ શાનબાગ પણ હાજર હતા, જેમણે આગળ જતાં શમા ઝૈદી સાથે મળીને ‘અંતર્નાદ’ માટે સ્ક્રીનપ્લે લખ્યો.
ભક્તિનો અર્થ અને વ્યાખ્યા
‘આપણે સૌ એક પિતાનાં સંતાન છીએ’ - સ્વાધ્યાયના આ સિદ્ધાંત અને એ સિદ્ધાંત, એ વિચાર પર ચાલતી પ્રવૃત્તિઓ ક્યાંથી શરૂ થઈ અને આજે કયા સ્તરે કામ કરી રહી છે એની રૂપરેખા મુલાકાત દરમ્યાન શ્યામબાબુ સમક્ષ મૂકી: ભક્તિ એટલે ફક્ત ભજન-કીર્તન નહીં, પરંતુ ભક્તિ એટલે ભગવાન માટે કશુંક કરવું; ભક્તિ એટલે અર્ઘ્ય અર્પણ કરવું નહીં, બલકે ભગવાનનાં કાર્યો માટે પોતાનો સમય અર્પણ કરવો. આ ઉપરાંત સ્વાધ્યાય દ્વારા શરૂ કરાયેલા ભક્તિફેરીના મહાયજ્ઞ વિશે, એની સામે આવેલી સમસ્યાઓ વિશે વાતો થઈ. કઈ રીતે આદિવાસીઓ, માછીમારો સ્વીકારી જ શકતા નહોતા કે આ શિક્ષિત લોકો કોઈ સ્વાર્થ વિના ફક્ત ‘આપણે સૌ એક પિતાનાં સંતાન છીએ’ એ ભાવ સાથે ભગવાનનાં કાર્ય કરવાના હેતુ અને ભાગરૂપે તેમના સુધી પહોંચે છે. એ લોકો શંકાશીલ નજરે જોતા, પરંતુ ધીમે-ધીમે લોકોના વલણમાં આવેલો બદલાવ, મત્સ્યગંધા, યોગેશ્વર કૃષિ જેવી પ્રયોગાત્મક પ્રવૃત્તિઓનો ખ્યાલ શ્યામબાબુ સમક્ષ મૂક્યો અને એ પણ એકધારા રસ સાથે એ વિશે સાંભળતા રહ્યા અને અંતે તેમણે એક જ પ્રશ્ન કર્યો કે આ પ્રવૃત્તિઓ કોણ ચલાવી રહ્યું છે. વ્યક્તિને જ્યારે વિચાર ગમે તો જ એ વિચાર ક્યાંથી આવ્યો એ જાણવાની ઇચ્છા સળવળે. તેમને આ વિચાર ક્યાંક સ્પર્શ્યો અને તેમણે તરત જ કહ્યું કે આપણે આ પ્રવૃત્તિઓ અને ભક્તિ દ્વારા આવેલા આ પરિવર્તનને જોવા જઈએ. ત્યાંથી મારી તેમની સાથેની સફર શરૂ થઈ અને આ વિરલ વ્યક્તિના વ્યક્તિત્વનાં જુદાં-જુદાં પાસાંનો હું સાક્ષી બન્યો.
હું તેમની પાસે ફિલ્મ બનાવવાના આશયથી ગયો જ નહોતો, પરંતુ સમાજમાં આવતા પરિવર્તનને સમજતા એક માણસને ભક્તિ દ્વારા પણ કઈ રીતે લોકોમાં પરિવર્તનનું મોજું ફરી વળ્યું છે એનાથી વાકેફ કરવાનો મારો આશય હતો. તેમણે પણ ખૂબ રસપૂર્વક એ વિશે વધુ જાણવાની તૈયારી બતાવી. લગભગ ૬૦ દિવસ અમે સાથે ફર્યા અને એ દરમ્યાન આ સફળ ફિલ્મકાર સાથે એક સહજ, સરળ, વિચારશીલ વ્યક્તિ શ્યામ બેનેગલને નજીકથી જાણવાનો અવસર પ્રાપ્ત થયો.
દીવ-દમણથી આરંભ
સૌથી પહેલાં હું તેમને દીવ-દમણ લઈ ગયો. ત્યાં માછીમારોને અમે મળ્યા. શ્યામબાબુએ માછીમારો સાથે વાતચીત કરી. સ્વાધ્યાય અને એને કારણે તેમના જીવનમાં આવેલાં પરિવર્તનો વિશે ચર્ચા કરી. વેરાવળમાં પણ સ્વાધ્યાયનું મોટું કેન્દ્ર હતું એની પણ મુલાકાત લીધી. ત્યાં આજુબાજુનાં ગામથી આવતા લોકો સાથે પણ પ્રશ્નો-ચર્ચાઓ દ્વારા ભક્તિને કારણે વ્યક્તિ અને એ દ્વારા સમાજમાં કઈ રીતે એક પરિવર્તન શક્ય બને છે એ જાણવાનો તેમનો પ્રયાસ રહ્યો. ફક્ત કોઈના કહેવાથી નહીં પરંતુ એ વિષયના મૂળ સુધી જઈ સત્ય અને તથ્ય બન્ને જાણવાનો તેમનો આગ્રહ અને આતુરતા બન્ને રહ્યાં.
પરિવર્તનના મોજાને જોવાની ઉત્સુકતા
પુણે પાસે નાંદરક નામનું એક ગામ છે. આ ગામમાં લગભગ ૨૦૦ વર્ષ પહેલાં બે તડીપાર થયેલા અપરાધીઓના વંશજ રહેતા. ગામના પૂજારી પાસે મુહૂર્ત જોવડાવી મારામારીથી લઈને હત્યા સુધીનાં કામ કરતા લોકો અહીં રહેતા. ત્યાં ભક્તિના માર્ગે ચાલીને જે પરિવર્તન થઈ રહ્યું હતું એની વાત કરી તો એ જોવાની ઇચ્છા શ્યામબાબુએ દર્શાવી. મેં કહ્યું પણ કે સાડાત્રણ કલાકનો રસ્તો છે અને રસ્તો પણ બહુ ખરાબ છે છતાં તેમણે કહ્યું, ‘મહેશ, વી વિલ ગો.’ તેમણે ગામ જોયું, લોકો સાથે બેઠા, ફર્યા, તેમને પ્રશ્નો કર્યા, ચર્ચાઓ કરી. વણાંકબારા ગામમાં માછીમારોની મુલાકાત દરમ્યાન કઈ રીતે ભાવફેરી દ્વારા પહેલાં બાળકોમાં અને એ પછી સ્ત્રીઓમાં ભક્તિનાં બીજ રોપાયાં અને એ પછી આખા ગામમાં જે પરિવર્તનનું મોજું ફરી વળ્યું એ લોકો સાથે રહીને તેમના જીવનને નજીકથી જોઈને જાણ્યું અને એ દિવસે તેમણે મને કહ્યું કે આપણે આ વિષય પર એક ફિલ્મ બનાવી શકીએ અને ત્યાંથી ‘અંતર્નાદ’ની શરૂઆત થઈ. એ પછી તો તેમણે વધુ ઊંડાણપૂર્વક સ્વાધ્યાય પ્રવૃત્તિઓનો અભ્યાસ કર્યો.
ઉત્કૃષ્ટ વિચારધારાથી સમાજને ઉત્કૃષ્ટ બનાવવાનો પ્રયાસ
શ્યામબાબુ સમાજપરિવર્તનના મોભી માણસ હતા. હું સ્વાધ્યાય પરિવાર સાથે કઈ રીતે જોડાયો એ વિશે પણ વિસ્તૃત ચર્ચા થઈ. ભક્તિમાર્ગે સમાજમાં પરિવર્તન લાવવાના આશયને નજીકથી સમજવાનો પ્રયત્ન તેમણે કર્યો. આ ફિલ્મ પણ પાંડુરંગ શાસ્ત્રીને પ્રોજેક્ટ કરવા નહીં પરંતુ ભક્તિમાર્ગે કઈ રીતે ક્રાન્તિ લાવી શકાય અને ઉત્કૃષ્ટ વિચારધારા દ્વારા સમાજને કઈ રીતે ઉત્કૃષ્ટ બનાવી શકાય એ વાત લોકો સુધી પહોંચાડવા બનાવવાની હતી. કોઈના કહેવાથી નહીં, પરંતુ તેમણે સ્વયં જે જોયું-અનુભવ્યું એને સદૃષ્ટાંત લોકો સમક્ષ તેમણે આ ફિલ્મના માધ્યમ સુધી પહોંચાડ્યું. શબાના આઝમી, કુલભૂષણ ખરબંદા, ઓમ પુરી, ઇલા અરુણ, દીના પાઠક, અનંત નાગ જેવા ઉત્તમ કલાકારોને લઈને તેમણે ‘અંતર્નાદ’ ફિલ્મ બનાવી. આ ફિલ્મના નિર્માણ માટે સ્વાધ્યાયીઓ સાથે મળીને રોકાણ કર્યું અને એટલે સારા હેતુથી બનેલી ફિલ્મની કંપનીનું નામ ‘સુહેતુ ફિલ્મ્સ’ રાખ્યું.
બૌદ્ધિક અને વૈચારિક પરિપક્વતા
આ ફિલ્મ દરમ્યાન શ્યામબાબુના વ્યક્તિત્વનો એક જુદો જ રંગ હું જોઈ શક્યો. વિષયને જોવાની, સમજવાની અને સ્વીકારવાની અદ્ભુત શક્તિ તેમનામાં હતી. લોકો માને છે કે તેઓ નાસ્તિક હતા અને કદાચ એવી તેમની અંગત વિચારસરણી રહી હોય તો પણ તેઓ એને લઈને જટિલ નહોતા. ઈશ્વરમાં શ્રદ્ધા અને ભક્તિ દ્વારા પણ પરિવર્તન શક્ય છે એ જાણવા અને સમજવા તેમણે ખૂબ રસ દાખવ્યો હતો. તેમની સાથે કામ કરતાં શમા ઝૈદીએ એક વખત ચોખ્ખું કહ્યું હતું કે હું ઈશ્વરમાં માનતી નથી, પરંતુ તમે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા સાથે જે કાર્ય કરી રહ્યા છો અને એ દ્વારા જે પરિણામ લાવવામાં સફળ રહ્યા છો એને હું માનું છું. જોકે શ્યામબાબુએ ક્યારેય એવાં સ્ટેટમેન્ટ આપ્યાં નથી. હા, જે પરિવર્તનની વાત થાય છે એ ખરેખર થઈ રહ્યું છે, કઈ રીતે શક્ય બન્યું છે એ જાણવાની ઉત્કંઠા અને એ માટે એના મૂળ સુધી જવાની, સંશોધન કરવાની તૈયારી તેમની બૌદ્ધિક અને વૈચારિક પરિપક્વતાની નિશાની ગણાય.
અંતર્નાદ નામ ગમી ગયું
શ્યામબાબુ પોતે દિગ્દર્શક હતા, પરંતુ ક્યારેય એવો આગ્રહ નહોતો રાખ્યો કે હું કહું એમ જ કાર્ય થવું જોઈએ. તેઓ કલાકારો સાથે સ્ક્રિપ્ટ અને સંવાદો વિશે ચર્ચા કરતા. જુદા-જુદા વિચાર ધરાવતા લોકો સાથે મળે એટલે મતભેદ થવાની શક્યતા રહે, પરંતુ તેઓ ખૂબ સરસ રીતે તર્ક સાથે સૌને સમજાવતા. મારી પાસેથી પણ નિર્માણકાર્ય દરમ્યાન ફિલ્મ સ્વાધ્યાયના સિદ્ધાંતોને યોગ્ય રીતે રજૂ કરી શકે એ માટે સલાહ લેતા અને જે સૂચનો યોગ્ય લાગ્યાં એનો અમલ પણ કર્યો. ફિલ્મના શીર્ષક માટે પણ તેમણે કહ્યું કે તમે જે સૂચન કરો એ મને ગમશે, એ નામ હું રાખીશ અને એ માટે ૧૦૦ રૂપિયા પણ આપીશ. કોઈકે ‘નિનાદ’ સૂચવ્યું અને ત્યારે મેં ‘અંતર્નાદ’ એવું નામ સૂચવ્યું અને તેમણે તરત જ નક્કી કરી લીધું.
ખરા ડાઉન ટુ અર્થ માણસ
શ્યામ બેનેગલે ઘણીખરી વાસ્તવલક્ષી ફિલ્મો બનાવી છે. ઈશ્વરના અસ્તિત્વને સાબિત કરતા વિષયને લઈને ફિલ્મ બનાવવી એ વાત કદાચ ઇર્રેશનલ લાગે, પરંતુ આ માણસે એ હિંમત બતાવી અને ‘અંતર્નાદ’ ફિલ્મ બનાવી અને ભક્તિ દ્વારા વાસ્તવમાં આવેલી આ ક્રાન્તિની વાત આમ વિશાળ જનસમુદાય સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. સફળતા વ્યક્તિને જમીનથી થોડી ઊંચે લઈ જાય છે, પણ શ્યામબાબુ કાયમ ‘ડાઉન ટુ અર્થ’ રહ્યા. જેટલું સફળ એટલું જ સરળ અને સહજ તેમનું વ્યક્તિત્વ રહ્યું. પરિસ્થિતિ અને પરિવર્તનની સમજ અને એનો સ્વીકાર તેમના સ્વભાવની ખૂબી રહી છે. રૂઢિચુસ્ત કે ફક્ત સ્વના વિચારને કેન્દ્રમાં ન રાખતાં દરેકના વિચારને માનપૂર્વક સાંભળવું, એમાં ઊંડા ઊતરવું અને યોગ્ય લાગે તો એનો સહજસ્વીકાર કરવાનો વિશેષ ગુણ તેમણે કેળવ્યો હતો.
શ્યામ બેનેગલ સાથેનાં સંસ્મરણો શિલાલેખ સમાન
શ્યામ બેનેગલ સાથેની સફરને ૩૦ વર્ષ થઈ ગયાં અને આજે પણ આંખ બંધ કરતાં તેમની સાથે દીવના દરિયાકિનારે બેઠો હોઉં એવું લાગે છે. આજે શ્યામબાબુ નથી, જાણે જીવનની એક કડી પૂરી થઈ. આજે તેમના અંતરંગ વ્યક્તિત્વનાં પાસાંઓને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. કેટલીક વ્યક્તિઓની છાપ ધૂળમાં પડેલાં પગલાં જેવી હોય છે, જ્યારે કેટલીક વ્યક્તિઓની છાપ શિલાલેખ જેવી હોય છે... એક વખત છપાઈ ગયા પછી ક્યારેય ભૂંસાતી નથી. શ્યામબાબુ સાથેનો મારો સંબંધ શિલાલેખ જેવો રહ્યો, જે ક્યારેય ભૂંસાશે નહીં.
(આલેખન: અનીતા ભાનુશાલી)

