મેટ્રિક થયા ત્યારે ગાંધીજીએ મુંબઈ જવાનું બે વખત ટાળ્યું. એ વખતે મેટ્રિકની પરીક્ષા ફક્ત મુંબઈ અને અમદાવાદમાં જ લેવાતી.
ચલ મન મુંબઈનગરી
હરિશ્ચન્દ્ર નાટકના કર્તા રણછોડભાઈ ઉદયરામ, આ હરિશ્ચન્દ્ર નાટક ગાંધીજીએ રાજકોટમાં જોયેલું.
‘મુંબઈએ મને ક્યારેય નિરાશ કર્યો નથી.’ – આ શબ્દો છે આવતા અઠવાડિયે જેમનો જન્મદિવસ છે તે મહાત્મા ગાંધીના. ૧૮૮૭માં જેનો પહેલો ભાગ પ્રગટ થયેલો એ ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ના નાયક નવીનચંદ્રે મુંબઈમાં અભ્યાસ કર્યા પછી ‘અનુભવાર્થી’ બનવાના ઇરાદાથી મુંબઈ છોડ્યું. મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિક્યુલેશનની પરીક્ષા ૧૮૮૭માં પાસ કર્યા પછી બીજા વર્ષે, ૧૮૮૮માં ગ્રેટ બ્રિટન જઈ કાયદાના વિદ્યાર્થી બનવા માટે મોહનદાસ ગાંધીએ મુંબઈ છોડ્યું. એ જમાનામાં પોરબંદર અને મુંબઈ વચ્ચે સીધો ટ્રેન-વ્યવહાર નહીં એટલે મોહનદાસ પોરબંદરથી રાજકોટ ગયા. ૧૮૮૮ના ઑગસ્ટની ૧૦ તારીખે રાજકોટથી ટ્રેનમાં બેઠા અને ૧૨ તારીખે મુંબઈ પહોંચ્યા. મુંબઈની તેમની આ પહેલી મુલાકાત.