શિવાજી મહારાજના મહારાષ્ટ્રના પહેલા મંદિરમાં પહોંચ્યું મિડ-ડે : ગયા સોમવારે જ જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે એવા આ જાજરમાન મંદિરની મુલાકાતનો પ્રત્યક્ષ અનુભવ જાણી લો
ગ્રે કલરના પથ્થરોથી બનેલા મંદિરના બહારથી બહુ જ સુંદર દીદાર કરો.
હિન્દુત્વને મજબૂત કરનારા અને મરાઠા શાસનની સ્થાપના સાથે મોગલ શાસનને ધૂળ ચટાડનારા પ્રખર યોદ્ધા શિવાજી રાજે ભોસલે ઉર્ફ છત્રપતિ શિવાજી મહારાજનું મહારાષ્ટ્રમાં પહેલવહેલું ભવ્ય મંદિર બન્યું છે. ‘પરાક્રમ હા તલવારીત નાહી, તર મનાચ્યા નિર્ધારાત અસતો’ એવું કહેનારા છત્રપતિ શિવાજી મહારાજના શૌર્યની વાતો માત્ર તેમની જન્મજયંતી પૂરતી મર્યાદિત ન રહે અને તેમનું મૂર્તિમંત સ્વરૂપ લોકોને દરરોજ એ પરાક્રમ અને સ્વરાજ્ય પ્રત્યેની નિષ્ઠાની યાદ અપાવતું રહે એ ધ્યેય સાથે નિર્મિત થયેલા આ યુનિક મંદિરનું ઉદ્ઘાટન ગયા સોમવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હાથે કરવામાં આવ્યું છે. થાણે જિલ્લાના ભિવંડી તાલુકામાં કલ્યાણ-ભિવંડી રોડ પર અંતરિયાળ ભાગમાં આવેલા આ મંદિરની વિશેષતાને વાચકો સુધી લાવવા અમે એની પ્રત્યક્ષ મુલાકાત લીધી એનો આંખે દેખ્યો અહેવાલ અહીં પ્રસ્તુત છે.
૮૦ ફીટ જમીનની નીચેથી નીકળતી કૃષ્ણશિલામાંથી બનેલી છત્રપતિ શિવાજી મહારાજની પાંચ ટનની મૂર્તિ જુઓ, જાણે તેઓ પ્રત્યક્ષ હાજર હોય.
ADVERTISEMENT
અંતરિયાળ વિસ્તારમાં
સામાન્ય રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટનો જ ઉપયોગ કરીને આવી ટૂરિસ્ટ પ્લેસ પર પહોંચવાનો આગ્રહ એટલા માટે રાખીએ છીએ જેથી બધા લોકો સ્થળનો અંદાજ પામી શકે. બોરીવલીથી થાણે ડેપો જવા માટે AC બસમાં ગયા પછી ભિવંડી નાકા પાસે ઊતરીને ત્યાંથી શૅર-રિક્ષા કરીને ભિવંડી બસ ડેપો પર પહોંચ્યા. બસ ડેપો પરથી ત્રણસો રૂપિયામાં શિવાજી શક્તિપીઠ પહોંચવા માટેની પ્રાઇવેટ રિક્ષા મળી જશે. બોરીવલીથી શિવાજી મંદિર પહોંચવામાં ટ્રાફિકને કારણે અમને લગભગ ચારથી પાંચ કલાકનો સમય લાગ્યો અને એમાંય ઉનાળાની ગરમી, હવાની વચ્ચે ઊડતી ધૂળ અને ખરાબ રસ્તાએ પ્રવાસને કલ્પના કરતાં વધુ દુષ્કર બનાવી દીધો હતો. જોકે શિવાજી મહારાજના મંદિરને દૂરથી જોતાં જ જાણે કે બધો જ થાક ઊતરી ગયો, કારણ કે દૂરથી પણ પહાડીઓની વચ્ચે કિલ્લેબંધ લુક સાથેનું સુંદર મંદિર જાજરમાન લાગે છે.
આ છે મંદિરનું જાજરમાન પ્રવેશદ્વાર અને મંદિરની બહારનો વ્યુ.
પબ્લિક ટ્રાન્સપોર્ટ સાથે કદાચ અહીં પહોંચવું અઘરું લાગે, પરંતુ તમે જો તમારું પ્રાઇવેટ વાહન લઈને જાઓ અથવા તો સીધી જ કૅબ કરીને જાઓ તો એને સરળતાથી લોકેટ કરી શકો. અફકોર્સ, ઍડ્વેન્ચર રાઇડનો અનુભવ કરાવતા ભિવંડી રોડના રસ્તાઓનો કોઈ ઇલાજ નથી. કલ્યાણથી લગભગ ચાલીસ કિલોમીટરના અંતરે અને ભિવંડી રેલવે-સ્ટેશનથી લગભગ ૨૫ કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે.
સંપૂર્ણ ફોટોજેનિક
મંદિરના પ્રવેશદ્વારથી જ તમે જાણે કે શિવાજી મહારાજના કાળમાં પ્રવેશવાના હો એવો કિલ્લાનો લુક, જાજરમાન દરવાજો, એના પર પણ રાજમુદ્રા, ઢાલ, તલવાર અને ઉપર લહેરાતો મરાઠાઓની ભવ્ય ગાથાઓની શાખ પૂરતો લાલ ઝંડો. મંદિરની બહાર વિશાળ હાથી-ઘોડા સાથે સૈન્ય જાણે તમારું સ્વાગત કરતું હોય એવો પણ અનુભવ થશે. મંદિરના મુખ્ય ગેટની ઊંચાઈ ૩૬ ફીટની છે અને મંદિરના શિખરની ઊંચાઈ ૫૬ ફીટ છે. મંદિરની ફરતે નવ બાય છ ફીટનાં લગભગ ૩૬ મ્યુરલ આર્ટની યુનિક કલાત્મક ઝાંખી જોવા મળશે જે શિવાજી મહારાજના શૌર્ય અને રાષ્ટ્રભક્તિના વિવિધ પ્રસંગોનું વર્ણન કરે છે. મંદિરના પ્રાંગણમાં શિવાજી મહારાજના સમયની બે તોપ મૂકવામાં આવી છે, જે પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ભગવાનના મંદિરમાં જઈએ ત્યારે ઘંટનાથ અને મંત્રોચ્ચાર સાથે ઠેર-ઠેર જપ કરતા ભક્તોનો કાફલો દેખાવાનું સામાન્ય છે, પરંતુ જ્યારે વીર યોદ્ધાના મંદિરમાં જઈએ ત્યારે? ત્યારે વાતાવરણમાં ભક્તિ નહીં પણ પારાવાર આદરભાવ સાથે શૌર્ય અને વીરતાની વાઇબ્સનો અનુભવ થશે. અમે શુક્રવારે જ્યારે આ મંદિરની મુલાકાત લીધી ત્યારે એના ઉદ્ઘાટનને માત્ર ચાર જ દિવસ થયા હતા અને આગળ જણાવ્યું એમ ખાસ્સું અંતરિયાળ વિસ્તારમાં મંદિર છે અને છતાં સારાએવા પ્રમાણમાં વિઝિટર્સ જોવા મળ્યા. આ મંદિરની ખાસિયત એ છે કે ચારેય બાજુ એક સરસ વ્યુ છે એટલે તમે ગમે ત્યાં ઊભા રહો, એક બહુ જ સુંદર ફોટો મળશે એની ગૅરન્ટી.
શિવાજી મહારાજના સમયનાં હથિયારો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યાં છે.
નિર્માણ પાછળ દૃઢ નિશ્ચય
શિવ ક્રાન્તિ પ્રતિષ્ઠાન નામના ટ્રસ્ટ દ્વારા આ મંદિરનું નિર્માણ થયું છે. એનો પાયો નખાયો ત્યારે એના ખાત મુહૂર્તમાં એકનાથ શિંદે પણ હાજર હતા. મંદિર માટે જમીન આપવાથી લઈને એના નિર્માણખર્ચમાં પણ ૬૦ ટકા જેટલું યોગદાન આપનારા આ ટ્રસ્ટના પ્રમુખ રાજુ ચૌધરી કહે છે, ‘શિવાજી મહારાજના જીવનથી બાળપણથી જ અમે ખૂબ પ્રભાવિત રહ્યા છીએ. હિન્દુત્વને બચાવવામાં તેમણે ખૂબ મોટી ભૂમિકા ભજવી છે. આજે જે મહારાષ્ટ્ર આપણે જોઈએ છીએ એ શિવાજી મહારાજ ન હોત તો કદાચ સાવ જુદું હોત. જોકે અત્યારે લોકો માત્ર તેમને જન્મજયંતીના દિવસે યાદ કરે એને બદલે દરરોજ તેમના પ્રત્યેનો પ્રેમ અને આદર પ્રગટ કરી શકાય એવું કોઈ સ્થાન હોય એ વિશે વિચાર આવ્યો અને આ મંદિરની પરિકલ્પના કરી. મહારાજની સ્થાપના તેમના સ્ટેટસ મુજબ થાય એ માટે કિલ્લાની થીમ સાથે તેમના મહેલ જેવું મંદિર નિર્માણ કરવાનું નક્કી કર્યું. બહુ બધા પડકારો મંદિરના નિર્માણમાં આવ્યા છે. ૨૦૧૮માં મંદિરનું બાંધકામ શરૂ કર્યું એ પછી તરત જ કોવિડ આવ્યો. એ દરમ્યાન પણ ધીમી ગતિએ કામ ચાલું હતું. ફન્ડની તકલીફ પડી એમાં પણ ધીમે-ધીમે રસ્તો નીકળતો ગયો.’
શિવાજી મહારાજના સમયની તોપને મંદિરના પ્રાંગણમાં બનાવેલા ગાર્ડનમાં પ્રદર્શનમાં મૂકવામાં આવી છે.
ભારતમાં કર્ણાટકમાં છત્રપતિ શિવાજી મહારાજનું એક મંદિર છે. મહારાષ્ટ્રના પહેલવહેલા મંદિરનિર્માણમાં કૉન્ટ્રૅક્ટર રહી ચૂકેલા શિવક્રાન્તિ પ્રસ્થાન ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રીકાંત ગાયકર કહે છે, ‘અમારો ઉદ્દેશ હતો કે મંદિર ખૂબ જ ટકાઉ અને આવનારાં સેંકડો વર્ષ સુધી ટકેલું રહે એવી રીતે એનું નિર્માણ થાય. પંદર ફીટ ઊંડા પાયા સાથે એનું નિર્માણ થયું છે. તમને એક યાદગાર પ્રસંગ કહું કે મંદિરનો પાયો બનાવી રહ્યા હતા ત્યારે આમ તો આખા મંદિરના અન્ય ભાગમાંથી પથ્થર નીકળ્યા, પણ મંદિરના ગર્ભગૃહમાં જ્યાં છત્રપતિ શિવાજી મહારાજની સ્થાપના થવાની હતી ત્યાંથી પાણીનો ઝરો નીકળ્યો. આ અમારા માટે જાણે કે શુભ શુકન થયાં હોય એવી ઘટના હતી.’
મંદિરની ૩૬ મ્યુરલ આર્ટની યુનિક કલાત્મક ઝાંકી જોવા મળશે.
અનેક રીતે ખાસ
મંદિરમાં બિરાજમાન છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ લગભગ પાંચ ટનની છે જે ખરેખર મન મોહી લે એવી છે. અયોધ્યામાં બિરાજમાન રામલલાની મૂર્તિ બનાવનારા મૈસૂરના મૂર્તિકાર અરુણ યોગીરાજે આ મૂર્તિનું નિર્માણ કર્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે અયોધ્યાના ભગવાન રામની મૂર્તિ બનાવતા પહેલાં છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ બનાવવાનો ઑર્ડર ૨૦૧૮માં તેમને આપવામાં આવ્યો હતો, પરંતુ ભગવાન શ્રી રામની મૂર્તિના નિર્માણની અગ્રતાને કારણે શિવાજી મહારાજની મૂર્તિનું કામ લંબાઈ ગયું. અહીં ઉલ્લેખનીય છે કે ઇન્ડિયા ગેટ પર મૂકવામાં આવેલી બાવીસ ફીટની નેતાજી સુભાષચંદ્ર બોઝની મૂર્તિ અને બાર ફીટની કેદારનાથમાં સ્થાપિત કરાયેલી આદિ શંકરાચાર્યની મૂર્તિ પણ અરુણ યોગીરાજે જ બનાવી છે.
મંદિરની અંદરનું ગોલ્ડન કાર્વિંગ અને ઝુમ્મર, સ્તંભ વગેરે રાજમહેલની પ્રતીતિ કરાવે છે.
વિશાલ વિજયકુમાર પાટીલ નામના આર્કિટેક્ટના માર્ગદર્શન હેઠળ છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લાની જ આબેહૂબ પ્રતિકૃતિ આ મંદિરરૂપે બનાવવામાં આવી છે. લગભગ દોઢ એકરના ક્ષેત્રફળમાં મંદિરનો કિલ્લેબંધીવાળો વિસ્તાર છે. એ સિવાય પણ અઢી એકર જેટલી જમીન મંદિરની આસપાસ છે જ્યાં હવે આવનારા સમયમાં હોટેલ્સ, સ્કૂલ, ફૂડકોર્ટ વગેરે બનાવવાનું પ્લાનિંગ છે. આવનારા સમયમાં આ સ્થળને ટૂરિસ્ટ સ્પૉટ બનાવવાની દિશામાં રાજ્યસરકાર પણ પૂરો સહયોગ આપશે એવી જાહેરાત પણ થઈ ચૂકી છે.
મંદિરની બહાર દિવ્યજ્યોતિ સ્તંભ અને એ સિવાય કિલ્લાના લુકને વધારતું આર્કિટેક્ચર જુઓ.
સાડાઆઠ કરોડના ખર્ચ સાથે નિર્માણ થયેલા મંદિરમાં છેલ્લા ચાર દિવસમાં લગભગ ચારથી પાંચ લાખ મુલાકાતીઓ આવી ચૂક્યા છે અને પચીસ લાખ રૂપિયા જેટલું ડોનેશન પણ મંદિરના ટ્રસ્ટને મળ્યું છે. ટ્રસ્ટના અગ્રણીઓ સરકારને અહીંના રસ્તાઓ બહેતર કરવાની દિશામાં વહેલી તકે કામ હાથ ધરે એવી વિનવણી અનેક વાર કરી ચૂક્યા છે. નબળા વાહનવ્યવહાર અને રસ્તાને કારણે અત્યારની સ્થિતિ જોતાં અહીં પહોંચવું થોડુંક તકલીફદાયી છે છતાં એક વાર આ મંદિરની મુલાકાત ચોક્કસ લેવા જેવી છે.

