Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મહારાષ્ટ્રમાં જોવા જેવી થવાની : લોકસભા ટીઝર હતું, વિધાનસભા અસલી પિક્ચર છે

મહારાષ્ટ્રમાં જોવા જેવી થવાની : લોકસભા ટીઝર હતું, વિધાનસભા અસલી પિક્ચર છે

23 June, 2024 12:35 PM IST | Mumbai
Raj Goswami

મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં BJPએ માંડ-માંડ સરકાર તો બનાવી લીધેલી, પણ લોકસભાની ચૂંટણીમાંથી જે સંકેતો મળ્યા છે એ સારા નથી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


તાજેતરમાં લોકસભાની ચૂંટણીમાં બહેતર પ્રદર્શન કરનાર શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે પૂરા આત્મવિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટી (BJP) સામે વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યું છે. બુધવારે શિવસેનાના સ્થાપનાદિવસે આયોજિત એક કાર્યક્રમમાં ઉદ્ધવે સૂચક રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લલકાર કરીને કહ્યું હતું, ‘મોદીજી, મૈં આપકો મહારાષ્ટ્ર વિધાનસભા ચુનાવ કે લિએ આમંત્રિત કરતા હૂં. યે લડાઈ મેરે ઔર આપકે બીચ હોગી.’


એક રીતે ઉદ્ધવે આ સભામાં શિવસેનાના એકનાથ શિંદે જૂથ સાથે હાથ મિલાવવાની અને નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)માં જોડાવાની અટકળો પર પણ પાણી ફેરવ્યું છે. શરદ પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) અને કૉન્ગ્રેસ સાથેની યુતિમાં રહીને વિધાનસભાની ચૂંટણી લડવાનો મક્કમ નિર્ધાર જાહેર કરતાં તેમણે કહ્યું હતું કે ‘BJPને મારો સંદેશ છે કે મારા મૂળ ચૂંટણીચિહ્‍નનો ઉપયોગ કર્યા વગર ચૂંટણી જીતી બતાવે. મને ગર્વ છે કે અમે બીજા કોઈની તસવીરનો ઉપયોગ નથી કર્યો. અમે કદી કોઈની તસવીરનો ઉપયોગ નહીં કરીએ, ખાસ કરીને વડા પ્રધાન મોદીની.’



એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં બળવો થયો એ પછી ચૂંટણીપંચે અવિભાજિત શિવસેનાનું નામ અને પ્રતીક એને આપી દીધું હતું. નવા પ્રતીક સાથે લોકસભાની ચૂંટણી લડનાર ઉદ્ધવસેનાને ૯ બેઠકો મળી છે, જ્યારે શિંદે જૂથને ૭ બેઠકો મળી છે. એ જ પ્રમાણે કૉન્ગ્રેસને ૧૩, NCP (શરદચંદ્ર પવાર)ને ૮ અને BJPને ૯ બેઠકો મળી છે. ટૂંકમાં મહારાષ્ટ્રની ૪૮ લોકસભા બેઠકોમાંથી વિરોધ પક્ષોના ગઠબંધન INDIAને ૩૦ અને NDAને ૧૭ બેઠકો મળી છે.


હિન્દુ મતોનો આત્મવિશ્વાસ

લોકસભામાં પછડાટ મળી હોવા છતાં BJPએ પણ આત્મવિશ્વાસ સાથે વિધાનસભાની ચૂંટણીમાં ઊતરવાનો નિર્ધાર કર્યો છે. મંગળવારે BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને ગૃહપ્રધાન અમિત શાહ સાથેની એક બેઠકમાં એવો નિર્ણય લેવાયો હતો કે રાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં BJPના નેતૃત્વમાં કોઈ ફેરબદલ નહીં થાય. BJPએ મહારાષ્ટ્રની ચૂંટણીઓ માટે ચૂંટણી પ્રભારી તરીકે ભૂપેન્દ્ર યાદવ અને સહપ્રભારી તરીકે અશ્વિની વૈષ્ણવને જવાબદારી સોંપી છે.


લોકસભામાં રકાસ થયા બાદ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સરકારમાંથી રાજીનામું આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ શીર્ષ નેતૃત્વએ નેતૃત્વ-પરિવર્તનનો ઇનકાર કરી દીધો છે. બેઠકમાં ઉપસ્થિત કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે ‘કોઈ બદલાવ નહીં થાય. અમારે મહારાષ્ટ્રમાં એક મજબૂત મહાયુતિ-NDAની સરકાર લાવવી છે.’

આ વિશ્વાસનું કારણ કદાચ શિંદેસેના છે જેણે લોકસભામાં ૭ બેઠકો મેળવીને NDAમાં એનું સ્થાન મજબૂત કર્યું છે. એનો અર્થ એ થયો કે હિન્દુ મતો BJP અને શિંદેસેના સાથે રહ્યા છે અને BJP ઇચ્છે છે કે વિધાનસભાની ચૂંટણીમાં એ મતો વધુ એકજૂથ થાય.

ટૂંકમાં, BJP એકનાથ શિંદેવાળી શિવસેના અને અજિત પવારના નેતૃત્વવાળી NCP સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડશે. બીજી તરફ શરદ પવારે કહ્યું છે કે રાજ્યની ચૂંટણીમાં મહા વિકાસ આઘાડી સત્તામાં વાપસી કરશે.

INDIAનો ઉત્સાહ ચરમસીમાએ

મહારાષ્ટ્રની ચૂંટણી નિર્ણાયક બનવા જઈ રહી છે. લોકસભામાં બહેતર પ્રદર્શનથી INDIAનો ઉત્સાહ ચરમસીમા પર છે, જ્યારે મહાયુતિને સરકારવિરોધી લહેરનો સામનો કરવો પડે એમ છે. ચૂંટણીઓમાં સામાન્ય રીતે વિપક્ષ આક્રમક ભૂમિકામાં હોય છે અને સત્તાપક્ષ બચાવની ભૂમિકામાં હોય છે. લોકસભામાં જે રીતે BJPને (અને બ્રૅન્ડ મોદીને) પછડાટ મળી છે એ જોતાં રાજ્યમાં સરકારના કામકાજ અને જનતાના પાયાના પ્રશ્નો પર ચૂંટણી લડાશે. એટલા માટે જ ઉદ્ધવ ઠાકરેએ ‘આ મારી અને તમારી વચ્ચેની લડાઈ છે’ એવું કહ્યું છે.

લોકસભાનાં પરિણામો પર નજર કરીએ તો મહાયુતિના વોટ-શૅરમાં ૭.૩ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે મહા વિકાસ આઘાડીના વોટ-શૅરમાં ૧૦.૫ ટકાનો વધારો થયો છે. ૨૦૧૯ની સરખામણીમાં BJPનો વોટ-શૅર નોંધપાત્ર રીતે ઘટ્યો છે અને BJPની બેઠકો બે આંકડામાંથી ઘટીને એક થઈ ગઈ છે.

વિધાનસભા બેઠકોની સ્થિતિ

મહારાષ્ટ્રમાં BJP માટે એના સહયોગી પક્ષોનું પ્રદર્શન એના કરતાં વધુ ચિંતાજનક છે. મહારાષ્ટ્રમાં એક લોકસભા બેઠકમાં ૬ વિધાનસભા બેઠકો આવે છે. લોકસભાની ચૂંટણીમાં મહા વિકાસ આઘાડી કુલ ૨૮૮ વિધાનસભા બેઠકોમાંથી ૧૫૪ બેઠકો પર આગળ હતી, જ્યારે મહાયુતિ ૧૨૩ બેઠકો પર આગળ હતી.

રાજ્ય વિધાનસભામાં બહુમતીનો આંકડો ૧૪૫ બેઠકો છે. આ રીતે ગણતરી માંડીએ તો મહા વિકાસ આઘાડીએ બહુમતી કરતાં ૧૧ વધુ બેઠકો મેળવી કહેવાય. જો સાંગલીની અપક્ષ લોકસભા બેઠકને મહાવિકાસ આઘાડીમાં ઉમેરવામાં આવે તો મહાયુતિ પર એની લીડ વધીને ૩૧ બેઠકો થઈ જાય છે. જો વિધાનસભામાં મતદાનની પૅટર્ન આવી જ રહે તો મહાયુતિની સરકાર માટે મુશ્કેલી કહેવાય.

લોકોનું મન જાણવામાં નિષ્ફળ

મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં BJPએ માંડ-માંડ સરકાર તો બનાવી લીધી, પણ લોકસભાની ચૂંટણીમાંથી જે સંકેતો મળ્યા છે એ સારા નથી. BJPએ ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાનની ખુરસીમાંથી અને શિવસેનામાંથી ચાલતી તો પકડાવી દીધી હતી, પરંતુ એ લોકોનું મન જાણવામાં નિષ્ફળ રહી હતી જે હજી પણ ઉદ્ધવની સાથે છે.

NCPના કિસ્સામાં પણ એવું જ થયું છે. BJPએ ત્યાં પણ સફળ રીતે ભંગાણ પાડ્યું હતું અને અજિત પવારને ઠેકડો મરાવી દીધો હતો, પરંતુ લાગે છે કે એ NCPના વફાદાર મતદારોનો પ્રેમ જીતી શકી નથી.

શિંદે-અજિત ભારરૂપ?

BJPએ શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુળેને હરાવવા માટે અજિત પવારનાં પત્ની સુનેત્રા પવારને બારામતીથી મેદાનમાં ઉતાર્યાં હતાં, પણ એમાંય શરદ પવારનો જ હાથ ઉપર રહ્યો હતો. સુપ્રિયા સુળેએ પોતાની બેઠક જાળવી રાખી હતી અને બળવાખોર ભત્રીજા અજિત પવાર માત્ર એક જ બેઠકથી BJPને મદદરૂપ પુરવાર થયા હતા. BJPમાં કાર્યકરોના સ્તરે હવે સવાલો પુછાવા લાગ્યા છે કે શિંદેસેના અને અજિત પવાર BJPને જ ભારે તો નથી પડી રહ્યાને?

સુનેત્રા પર સુળેની જબરદસ્ત જીતે સાબિત કર્યું છે કે NCPના તંત્રમાં તેમની પકડ એટલી મજબૂત નથી જેટલી તેમના ૮૩ વર્ષના કાકાની છે. આ ઉપરાંત ૨૦૧૯માં તેમના પુત્ર પાર્થની માવળ બેઠક પરથી હાર થઈ એ પછી અજિત પવાર માટે આ બીજી શરમજનક હાર છે.

NDAની સૌથી મોટી ભૂલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તો લોકસભામાં ખરાબ પ્રદર્શન માટે અજિત પવાર સાથેના જોડાણને જ જવાબદાર માન્યું છે. સંઘના મુખપત્ર ‘ઑર્ગેનાઇઝર’માં એક લેખમાં વિચારક રતન શારદાએ અજિત પવારને NDAમાં લાવવાને સૌથી મોટી ભૂલ ગણાવી હતી. અજિત પવાર સામે ખુદ મોદીએ ભ્રષ્ટાચારના આરોપ કર્યા હતા.

રતન શારદા લખે છે, ‘ભાંડુઓ (અ​જિત અને સુપ્રિયા) વચ્ચેની ટસલથી આગામી બે-ત્રણ વર્ષમાં શરદ પવાર ખતમ થઈ જવાના હતા. તો પછી આવું ગાંડું પગલું ભરવાની શી જરૂર હતી? આનાથી તો BJPના એ વફાદાર કાર્યકરોને જ દુઃખ થયું જેઓ વર્ષોથી NCPની વિચારધારા સામે લડતા હતા. મહારાષ્ટ્રમાં એક નંબરનો પક્ષ બનવાના વર્ષોના સંઘર્ષ પછી BJP હવે કોઈ વજૂદ વગરનો પક્ષ બનીને રહી ગઈ છે.’

અજિત પવારને જાકારો

અજિત પવારને વર્ષોથી તેમના વિધાનસભા મતવિસ્તાર બારામતીમાં મોટી સંખ્યામાં લઘુમતીઓ, દલિત અને મહિલા મતદારોનો ટેકો હતો; પણ લોકસભાની ચૂંટણીમાં તેમણે પીઠ ફેરવી લીધી હતી. અજિત પવારને પાછા લેવામાં શરદ પવારને કોઈ વાંધો હોવો ન જોઈએ, પણ વિધાનસભાની ચૂંટણી પહેલાં આવું કશું થવાની શક્યતા નથી.

શિંદે અને અજિત બન્ને સાથે અધિકાંશ સંસદસભ્યો અને વિધાયકો હોવા છતાં મહાયુતિ ગઠબંધન BJPને ભારે પડ્યું છે, જેમાં ઉમેદવારોની ખરાબ પસંદગી થઈ અને સ્થાનિક આગેવાનો વચ્ચે ટસલ થઈ.

તોડફોડથી જનતા નારાજ

દેખીતી રીતે જ લોકસભાની ૪૮ બેઠકો કબજે કરવા માટે BJPએ ચૂંટણી પહેલાં જે આક્રમકતાથી તોડફોડ અને જોડતોડની રાજનીતિ કરી હતી એનાથી મતદારો કેટલા નારાજ હતા એ પરિણામોથી સ્પષ્ટ થઈ ગયું છે અને એ જ કારણથી BJP હવે બૅકફૂટ પર આવી ગઈ છે. એમાં પાછું ઉદ્ધવસેના અને શરદ પવાર બન્નેએ એવું કહ્યું છે કે પરિણામો પછી ઘણા બળવાખોર વિધાયકો ઘરવાપસી કરવા ઇચ્છુક છે. એ કારણથી જ મહાયુતિએ નેતૃત્વ-પરિવર્તન ટાળ્યું છે, કારણ કે એની પ્રાથમિકતા અત્યારે વિધાનસભાની ચૂંટણીઓ સુધી જોડતોડને મહફૂઝ રાખવાની છે.

ઉદ્ધવ અને સિનિયર પવાર બન્ને પોતપોતાનાં દળોમાં વિરાસતની લડાઈના પહેલા રાઉન્ડમાં વિજેતા સાબિત થયા છે. મરાઠા આંદોલન અને કૃષિ-સંકટને કારણે મરાઠવાડા તેમ જ વિદર્ભમાં ભારે નુકસાન સહન કરનાર BJP અત્યારે દીવાલસરસી જડાઈ ગઈ છે અને વિધાનસભાની ચૂંટણીઓમાં એના બન્ને સહયોગીઓ મહત્તમ બેઠકો માગવાના છે.

BJP ડબલ ભીંસમાં

શિંદેસેનાએ તો કુલ ૨૮૮ બેઠકોમાંથી ૧૦૦ બેઠકોની માગણી કરી પણ દીધી છે. પોતાના દમ પર ૧૫૨ બેઠકો જીતવાનું સપનું જોતી BJPએ ઓછામાં ઓછી ૨૦૦ બેઠકો પર ચૂંટણી લડવી પડે અને બન્ને સહયોગીઓ માટે ૪૦-૪૦ બેઠકો છોડવી પડે.

ટૂંકમાં, BJP બેય રીતે ભીંસમાં છે. એક તરફ એ એના સહયોગીઓના દબાવમાં હશે અને બીજી તરફ એના પર ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની ભીંસ હશે, જે બન્ને તેમનાં દળો પર વિરાસત સાબિત કરવા માટે વિધાનસભાની ચૂંટણીના બીજા રાઉન્ડમાં પૂરી તાકાત લગાવી દેશે. એમાં BJPનો ખો નીકળી જાય તો નવાઈ નહીં.

આઘાડી ગઠબંધન પણ ટિકિટોના મામલે અસ્પૃશ્ય નથી. લોકસભામાં ઉદ્ધવસેના વધુમાં વધુ બેઠકો પર લડી હતી, પણ એનો સ્ટ્રાઇક-રેટ ઓછો નોંધાયો છે. બીજી બાજુ સૌથી વધુ બેઠકો સાથે કૉન્ગ્રેસનું કદ મોટું થયું છે એટલે એ વિધાનસભામાં વધુ બેઠકો માગે એવું બને. BJP તો મનોમન પ્રાર્થના કરતી હશે કે ગમેએમ કરીને મહાયુતિ તૂટી જાય.

મહારાષ્ટ્રની રાજનીતિમાં છેલ્લા એક વર્ષથી હિન્દી ફિલ્મ જેવો ડ્રામા ચાલતો હતો અને લોકસભાનાં પરિણામોએ એમાં વધુ ઊથલપાથલનાં પરિબળો ઉમેર્યાં છે. ચાર-છ મહિના પછી એમાં અણધાર્યો ક્લાઇમૅકસ આવે તો નવાઈ નહીં.

લાસ્ટ લાઇન

રાજનીતિને નૈતિકતા સાથે કોઈ સંબંધ નથી. - નિકોલો મૅકિયાવેલી

Whatsapp-channel Whatsapp-channel

23 June, 2024 12:35 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK