મહાભારત, કુરુક્ષેત્ર અને ભગવદ્ગીતા
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥४-७॥
ADVERTISEMENT
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥४-८॥
આ શ્લોક ભગવદ્ગીતાનો છે અને અત્યારે બધી જગ્યાએ આવી જ પરિસ્થિતિ છે. ગીતાજી વિશે આપણે વધારે કશું જાણતા નથી એ પણ એટલું જ સાચું છે. ગીતાજીનો ઉપદેશ કેવા હેતુસર આપવામાં આવ્યો હતો, કોણે કોને આપ્યો હતો એના વિશે આપણે જાણીએ છીએ, પણ એનાથી વધુ કશું નહીં. હું કહીશ કે ભગવદ્ગીતાને જો તમે સમજી લો, જો ભગવદ્ગીતાને તમે આત્મસાત કરી લો તો જીવન જીવવાની સાચી રીત અને જીવન જીવવાની સાચી દિશા મળી જાય એ નક્કી છે. જો મારી વાત કરું તો શ્રીમદ ભગવદ્ગીતા મારા માટે બેસ્ટ મૉટિવેશનલ બૂક છે અને આ જ વાતને તમે પણ અનુભવી શકો છો, પણ એની માટે તમારે એ એક વખત વાચવાની અને એને જીવનમાં ઉતારવાની જરૂર છે.
આપણાં શાસ્ત્રોનું મૂલ્ય આપણે જ ઘટાડ્યું છે એવું કહીએ તો ચાલે. આપણે આપણાં શાસ્ત્રોને, આપણાં માયથોલૉજિકલ કૅરૅક્ટર્સ અને આપણા ઇતિહાસને સાચવવાની કોશિશ નથી કરી. આપણી પાસે હિસ્ટરી નથી એવું ન કહી શકાય. આપણી પાસે હિસ્ટરી છે, ખૂબ જ સુંદર અને વજનદાર કહેવાય એવાં પાત્રો પણ આપણી પાસે છે, પણ આપણને એનો પરિચય કરાવવા માટે જે સૂત્રધાર જોઈએ એ સૂત્રધારનો અભાવ છે અને એ અભાવ હોવાને લીધે જ આપણે આપણા ઇતિહાસનાં પાત્રોને કે પછી શાસ્ત્રોને સમજવામાં હવે માર ખાવા માંડ્યા છીએ.
બહુ વખત પહેલાં મેં એક સ્કૂલમાં ભગવદ્ગીતા શું છે એવો પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે મને જે જવાબ મળ્યો હતો એ જવાબ સાંભળીને સુસાઇડ કરવાનું મન થઈ આવ્યું હતું. સ્કૂલના ઍન્યુઅલ ફંક્શનમાં હું ગયો ત્યારે મને બે-ચાર મિનિટ માટે બોલવાનું હતું. સ્ટેજ પર જવામાં મને જરા પણ ડર લાગે નહીં, પણ માઇકમાં બોલવાની વાત આવે તો એક સ્ટુડન્ટે સામો સવાલ કર્યો હતો કે ‘કોર્ટમાં સોગન લેતી વખતે ટચ કરાવે એ બુકની વાત કરો છોને તમે?’
જરા વિચારો કે આ સાંભળ્યા પછી કેવી હાલત થઈ જાય તમારી? હું જૈન છું, મને કદાચ ભગવદ્ગીતા વિશે ન ખબર હોય તો પણ મોટું મન રાખીને માફ કરી દેવાનું મન ન થવું જોઈએ, પણ ભગવદ્ગીતા વિશે મને ન ખબર હોય એ બાબતનો મારો ધાર્મિક અને સામાજિક ગુનો જરા પણ ઓછો નથી થતો. હું કહીશ કે આપણે ત્યાંના ધાર્મિક ગ્રંથોમાંથી આ એક ગ્રંથ એવો છે કે જેમાં કોઈ એક પર્ટિક્યુલર ધર્મની કે પછી કોઈ એક પર્ટિક્યુલર સંપ્રદાયની વાત કરવામાં નથી આવી. ભગવદ્ગીતામાં નીતિની વાત કરવામાં આવી છે, આદર્શની વાત કરવામાં આવી છે, સિદ્ધાંતની વાત કરવામાં આવી છે અને એમાં આઇડિયોલૉજી વર્ણવવામાં આવી છે. આ બધી વાતો જીવનમાં ખૂબ જરૂરી છે. હું કહીશ કે જે રીતે એક ડિગ્રી આજના યંગસ્ટર્સ પાસે હોવી જોઈએ એ જ રીતે એક વખત તેણે ગીતાજી પણ વાચી હોય એ જરૂરી છે. ડ્રોઇંગ રૂમમાં આપણે વર્લ્ડના બેસ્ટ રાઇટર્સની બૂક્સ રાખીને બધા સામે શો-ઑફ કરીશું, પણ આપણને એ એરિયામાં એક શ્રીમદ ભગવદ્ગીતા રાખવામાં કે પછી આપણને જે કોઈ શાસ્ત્રમાં રસ પડતો હોય એનું એક પુસ્તક રાખવામાં શરમ આવે છે. ધર્મ એ શરમ નથી, ધર્મ એ તમારી ઓળખ છે અને ધર્મગ્રંથ એ તમારી માટે તમારું ઓર્નામેન્ટ છે. હું ધર્મે જૈન છું, પણ કર્મે પહેલાં હિન્દુસ્તાની છું, ઇન્ડિયન છું એટલે બીજા ધર્મો કે પછી એ લોકોનાં ટેમ્પલ કે ચર્ચમાં જતા મને કોઈ ખચકાટ નથી થતો. હું માઉન્ટ મૅરી ચર્ચ પણ જાઉં અને ગુરુદ્વારામાં પણ જાઉં, તો ઇચ્છા થાય તો હાજીઅલી પણ જાઉં. આ માણસાઈના ગુણ છે એવું મને લાગે છે. જૈન ધર્મનાં શાસ્ત્રોનો મેં બહુ મોટો અભ્યાસ નથી કર્યો, પણ જૈનિઝમમાં આવતા મોટા ભાગના રીતરિવાજ વિશે મને ખબર પડે ખરી. મારા બહુ ઓછા ફ્રેન્ડ્સ એવા છે જેમને પોતાના ધર્મ વિશે બહુ ખબર પડતી હોય. ઍટ લીસ્ટ, મારા જેટલી ખબર પડતી હોય. આઇ વૉન્ટ ટુ સે કે ખબર નહીં હોય તો ચાલશે, વાંધો નહીં, પણ ભગવદ્ગીતા માટે એવું ન હોવું જોઈએ. ભગવદ્ગીતાની ખાસિયત એ છે કે એ એક ભગવાનની વાતચીતમાંથી સર્જાયો છે, પણ એમાં ધર્મ વિશે જૂજ વાત થઈ છે, બાકી એમાં વાત તો કર્મની છે, જે કરવા માટે આપણે જન્મ લીધો છે.
તમને વિચાર આવી શકે કે આજે અચાનક જ ભગવદ્ગીતાની વાત શું કામ શરૂ થઈ છે તો તમને કહેવાનું કે આ સવાલ બહુ રિઝનેબલી તમને મનમાં આવ્યો છે. આ માટેનું એક કારણ છે અને એ કારણ ૬૦ વર્ષના એક અંકલ છે.
* * *
લૉકડાઉન શરૂ થયું એના થોડાં અઠવાડિયાં પહેલાં એક ટ્રાફિક-સિગ્નલ પર મારી કાર ઊભી રહી. હું જસ્ટ મ્યુઝિક સાંભળતો હતો ત્યાં એક અંકલે આવીને વિન્ડો પર નૉક કર્યું. મેં વિન્ડોનો ગ્લાસ નીચે કર્યો. અંકલની એજ ૬૦ વર્ષની હતી. ખાસ કોઈ એવા સારાં કપડાં નહોતાં પહેર્યાં અને તેમના ખભા પર એક થેલો લટકતો હતો. મારું વૉલેટ લેવા માટે મેં ડેશબોર્ડ તરફ હાથ કર્યો, પણ હજી ત્યાં સુધી હાથ પહોંચે એ પહેલાં તો તે અંકલે પોતાના થેલામાંથી બે બુક કાઢી અને મારી સામે લંબાવી. મેં જોયું તો બન્ને ભગવદ્ગીતા હતી. અંકલ સહેજ ઝુક્યા અને વિન્ડો પાસે આવ્યા. નજીક આવીને તેમણે હિન્દીમાં જ મને કહ્યું કે લઈ લે, આ તારી માટે ગિફ્ટ છે. મેં તેમને કીધું કે મારી પાસે છે અને મેં એ વાચી છે અને જ્યારે પણ એવું લાગે ત્યારે હું એ વાચું છું.
અંકલે કહ્યું કે વાંધો નહીં, કોઈને ગિફ્ટ આપજે. મને બહુ સારું ફીલ થયું. એક અજાણ્યો માણસ તમને આવીને મળે છે, મળીને તમને બુક ગિફ્ટ આપે છે. આ વાત જ કેટલી ખુશી આપે એવી છે. આ ખુશી એ સમયે ડબલ થઈ જાય છે જે સમયે ગિફ્ટમાં આપેલી એ બુક ભગવદ્ગીતા નીકળે છે. મેં એક બુક લઈ લીધી એટલે તેમણે સામેથી જ કહ્યું કે આ બીજી પણ તારે જ રાખવાની છે. આ બન્ને ગિફ્ટ આપજે.
અંકલ ઇન્ટરેસ્ટિંગ હતા, પણ વધારે ઇન્ટરેસ્ટિંગ કામ તે કરી રહ્યા હતા. મને લાગ્યું કે તે ઓળખી ગયા હશે એટલે બુક આપવા માટે પાસે આવ્યા હશે, પણ એવું નહોતું. મેં વાત કરી તો ખબર પડી કે તે ૫૦ યંગસ્ટર્સને આ ગીતાજી ગિફ્ટ આપવા માગતા હતા અને એની માટે સવારથી રસ્તા પર ઊભા હતા, પણ યંગસ્ટર્સ તેમને મળતા નહોતા. કેટલાક એવા યંગસ્ટર્સ પણ મળ્યા જેમણે ગીતાજી લેવાની ના પણ પાડી. અંકલ દર મહિને ૫૦ ભગવદ્ગીતા યંગસ્ટર્સને ગિફ્ટ આપે છે એ પણ મને તેમની પાસેથી જ ખબર પડી અને મને એ પણ ખબર પડી કે તે ક્યારેય કોઈને ગિફ્ટમાં બીજી કોઈ આઇટમ આપતા નથી. ન તો બૂકે, ન તો ચૉકલેટ. નથિંગ. ગિફ્ટમાં ખાલી બુક જ આપવાની અને એ પણ ભગવદ્ગીતા.
આવા અનેક લોકો છે જે આવું કામ કરે છે. હું કહીશ કે આજે આપણે ત્યાં ભગવદ્ગીતા આવી વ્યક્તિઓ દ્વારા જીવી રહી છે. તે અંકલને મળ્યા પછી મેં પણ નક્કી કર્યું છે કે હું પણ મારી રીતે આ કામ કરીશ અને આ જ વાત તમારે પણ નક્કી કરવાની છે. ભગવદ્ગીતાને હું મૅનેજમેન્ટ ક્લાસ પણ કહું છું અને સેલ્ફ મૅનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ પણ કહું છું. તમે એને ધર્મગ્રંથની નજરથી જોતા હો તો પ્લીઝ એ વાત મનમાંથી કાઢી નાખો, કારણ કે એ વાતે જ તમને આટલી ઉમદા બુકથી દૂર રાખવાનું કામ કર્યું છે.