સચોટ નિર્ણયો લેવા હોય, આત્મસ્ફુરણા વધારવી હોય કે પછી આત્મવિશ્વાસ મજબૂત કરવો હોય તો પહેરો
નરેન્દ્ર મોદી
શિવજીનાં આંસુમાંથી પેદા થયેલું મનાતું આ ફળ પૌરાણિક કાળથી સ્પિરિચ્યુઅલ મહાત્મ્ય ધરાવતું આવ્યું જ છે, પણ હવે એને મૉડર્ન મેડિકલ સાયન્સનું બૅકઅપ પણ મળ્યું છે. અનેક અભ્યાસોમાં રુદ્રાક્ષથી એકાગ્રતા વધતી હોવાના, ડિપ્રેશન, સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાયટી પર કાબૂ આવતો હોવાના નિષ્કર્ષ નીકળ્યાં છે. રુદ્રાક્ષની બાયો ઇલેક્ટ્રોમૅગ્નેટિક પ્રૉપર્ટીનો ઊંડો અભ્યાસ કરીને નોંધાયું છે કે નકારાત્મક ઊર્જાને ખાળવામાં અને પૉઝિટિવ સ્પંદનો પેદા કરી શકવાની અદ્ભુત ઍનર્જી રુદ્રાક્ષમાં છે. આજે મહાશિવરાત્રિ નિમિત્તે જાણીએ રુદ્રાક્ષ વિશેનું જાણવા જેવું
પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતાં તમામ રત્નોમાંથી રુદ્રાક્ષ સર્વશ્રેષ્ઠ રત્ન મનાય છે. એકમુખીથી લઈને ૨૧ મુખી રુદ્રાક્ષના અલગ-અલગ ઉપયોગો અને ફાયદાઓ વિશે આપણે અનેક વાર સાંભળી ચૂક્યા છીએ. યોગસાધના, ધ્યાન, યંત્રસાધના, સાત ચક્રોની જાગૃતિ થકી કુંડલિની શક્તિ જાગ્રત કરવા માટે રુદ્રાક્ષનો આધ્યાત્મિક ઉપયોગ પૌરાણિક સમયથી થતો આવ્યો છે. આ કોઈ ફળ કે રત્ન માત્ર નથી, એ એનર્જીનો પુંજ છે જે શિવનો જ એક અંશ હોવાનું મનાય છે. સમગ્ર જીવસૃષ્ટિનાં વિશિષ્ટ સ્પંદનો એકમેક સાથે તાદાત્મ્ય અનુભવે છે અને રુદ્રાક્ષ શિવનાં સ્પંદનો સાથે એકાકાર થવાનું ઉત્તમ અને ઋષિમુનિઓના મતે એકમાત્ર માધ્યમ છે. રુદ્રાક્ષની મહત્તા દેવી ભાગવત, શિવપુરાણ, રુદ્રાક્ષ જબાલા ઉપનિષદ જેવા અનેક પ્રાચીન ગ્રંથોમાં વિસ્તૃત રીતે કરવામાં આવી છે. આ ગ્રંથોમાં કહેવાયું છે કે રુદ્રાક્ષ ધારણ કરવાથી તન-મનની ઊર્જા સંતુલિત કરી શકાય છે. પણ આપણે છીએ દરેક વાતનો પુરાવો માગવાવાળા. શું ખરેખર રુદ્રાક્ષથી થતા ફાયદાના જે દાવા કરવામાં આવે છે એ થાય છે ખરા? છેલ્લા ત્રણ દાયકાથી રુદ્રાક્ષ પર અઢળક સંશોધનો થયાં છે. સંશોધકોએ ફળના બંધારણને પણ સમજવા માટે અનેક પ્રયોગો કર્યા છે. એલિઓકાર્પસ ગૅનિટ્રસ જેવું અટપટું વૈજ્ઞાનિક નામ ધરાવતા આ ફળમાં ૫૦ ટકા કાર્બન, ૧૮ ટકા હાઇડ્રોજન, ૧ ટકા નાઇટ્રોજન અને ૩૧ ટકા ઑક્સિજન છે. એમાં ઍલ્યુમિનિયમ, ક્લોરિન, કૉપર, કોબાલ્ટ, નિકલ, આયર્ન, મૅગ્નેશિયન અને મૅન્ગેનીઝ જેવાં મિનરલ્સનું અદ્ભુત કૉમ્બિનેશન છે જે શરીરમાં ઇલેક્ટ્રોમૅગ્નેટિક તરંગો પેદા કરે છે. એ તરંગો શરીરના દરેક કોષ અને ચેતા કોષ પર અસર કરે છે. કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઑક્સિજનનું જે કૉમ્બિનેશન બન્યું છે એ યુનિક એનર્જી ફ્રીક્વન્સી પેદા કરે છે. બનારસની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીના નિષ્ણાત ડૉ. સુહાસ રૉયના નેતૃત્વ હેઠળ થયેલા અભ્યાસમાં નોંધાયું હતું કે વિદ્યુતચુંબકીય તરંગોને કારણે શરીરની એનર્જી પર પૉઝિટિવ અસર થાય છે.
ADVERTISEMENT
રુદ્રાક્ષનું પૌરાણિક મહત્ત્વ
ધરમપુરના રુદ્રાક્ષ નિષ્ણાત અને શિવકથાકાર બટુકભાઈ વ્યાસે રુદ્રાક્ષની અસરો પર ઊંડો અભ્યાસ કર્યો છે. વર્ષોથી મહાશિવપુરાણની કથાને બહુ જ મર્મથી ખૂબ રસળ શબ્દોમાં સમજાવવા માટે જાણીતા બટુકભાઈ વ્યાસ કહે છે, ‘રુદ્ર એ શિવનું જ એક નામ છે અને અક્ષ એટલે આંખમાંથી નીકળતાં અશ્રુ. રુદ્રાક્ષ શંકરની આંખના અશ્રુમાંથી પેદા થયા છે. શિવની આંખમાંથી નીકળેલી વૈશ્વિક કરુણારૂપી પ્રૉપર્ટી એટલે રુદ્રાક્ષ. લોકો માને છે કે આ શૈવપંથી લોકો માટે છે, પણ ના એવું નથી. રુદ્રાક્ષ એ તમામ સનાતનીઓ માટે છે. જ્યારે રુદ્રાક્ષનું સર્જન થયું ત્યારે એ જોઈને પાર્વતીજી ખૂબ જ ખુશ થઈ ગયા. ખૂબ જ જિજ્ઞાસા સાથે પાર્વતીજી એ ફળ લઈને ભોલેનાથ પાસે ગયા અને કહ્યું કે આ તો મને બહુ જ ગમે છે ત્યારે શિવજીએ કહ્યું કે એને વૈષ્ણવોમાં વહેંચી દો. કહેવાનો મતલબ એ કે રુદ્રાક્ષ એ તમામ માટે છે જે શિવભક્તો છે. પાર્વતીજીનું મન મોહી લીધેલું હોવાથી રુદ્રાક્ષ માતારાણીના ભક્તો માટે પણ છે અને શિવે એને વૈષ્ણવોને વહેંચી દેવા માટે આપેલું એટલે એ વૈષ્ણવો માટે પણ છે. એક આડવાત, સંસારના સૌપ્રથમ શ્રેષ્ઠ વૈષ્ણવ મહાદેવ છે. શિવસંકલ્પ સૂત્રના અંતે આવે છે ‘તન્મે મનઃ શિવસંકલ્પમ અસ્તુ.’ મતલબ કે શિવ એ કલ્યાણતત્ત્વ છે. અને હે ભગવાન શિવ, મારું જીવન કલ્યાણકારી સંકલ્પોમાં રચ્યુંપચ્યું રહે એવું બનાવો. શિવનો કૃપાપાત્ર પદાર્થ એ રુદ્રાક્ષ છે. એ આપણને શિવ સાથે જોડવાનું કામ કરે છે. રુદ્રાક્ષના ત્રણ રીતે તમારા પર પ્રભાવ પાડી શકે છે. એક તો દર્શન માત્રથી એ અસર કરી શકે છે. સ્પર્શથી એ ડાયરેક્ટ શિવ સાથેના જોડાણમાં
મદદરૂપ થાય છે અને રુદ્રાક્ષની માળાના જાપથી નકારાત્મક ભાવનાઓથી મુક્ત થવાય છે. આત્મસ્ફૂરણા વધે છે. વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. વિચારવાની ક્ષમતા દૃઢ બનતી હોવાથી સચોટ નિર્ણયો લેવાની ક્ષમતા રુદ્રાક્ષના ધારણ કરવાથી વધે છે.’
હીલિંગ પ્રૉપર્ટી
જો તન અને મનથી સ્વસ્થ રહેવું હોય, સદા કલ્યાણમય વિચારો તમારા મગજમાં રહે એવું ઇચ્છતા હો તો રુદ્રાક્ષ શરીર પર ધારણ કરવો જ જોઈએ એવું જણાવતાં બટુકભાઈ વ્યાસ કહે છે, ‘આજે દુનિયામાં જે પીડા, દુખ અને સમસ્યાઓ છે એનું કારણ સબકન્શિયસ માઇન્ડ છે. આપણે ઈર્ષા, ઘૃણા, દેખાદેખી, અહંકાર અને એના જેવા દુર્ભાવોને કારણે પીડાઈએ છીએ. રુદ્રાક્ષ એ સબકૉન્શિયસ માઇન્ડને ઝંકૃત કરે છે. ચેતનવંતું અને હકારાત્મક સ્પંદનોથી ઝંકૃત થયેલું મન હીલિંગનું કામ કરે છે અને તનની સમસ્યાઓ પણ દૂર કરે છે. આજકાલ આપણે મોબાઇલની દુનિયામાં વ્યસ્ત થઈ ગયા હોવાથી એકાગ્રતાનો સ્પૅન ૭ સેકન્ડ જેટલો જ રહ્યો છે. મનોરંજન માટે મૂવી જોવા જાઓ ત્યારે પણ મન એકાગ્ર નથી થઈ શકતું. રુદ્રાક્ષના સ્પર્શ અને સતત સ્પર્શથી મન શાંત, એકાગ્ર થાય છે. તમે જે કામ કરતા હો એમાં એકાત્મભાવ કેળવી શકો એ જ તો છે ધ્યાનનો ખરો અર્થ. ટૂંકમાં શરીર સાથે રુદ્રાક્ષ સતત સ્પર્શ કરે તો એ ધીમે-ધીમે કરીને તન અને મનની રક્ષા કરે છે.
૧૦૮ રુદ્રાક્ષની માળા કેમ?
રુદ્રાક્ષની માળા પહેરવાની હોય તો એમાં પણ ૧૦૮ મણકા જોઈએ અને જો એનાથી જાપ કરવાના હોય તો એમાં પણ. બટુકભાઈ કહે છે, ‘આર્યભટ્ટના સમય પહેલાંથી એટલે કે વૈદિક ગણિતના સમયથી ભારત પાસે બ્રહ્માંડનું જ્ઞાન છે. બ્રહ્માંડની ભૂમિતિને જોતાં ૨૭ નક્ષત્રોને ચાર વાર ગુણવાથી એક અત્યંત પાવરફુલ આંકડો મળે છે એ છે ૧૦૮.’
મહાશિવરાત્રિમાં કરો શિવકર્મ
આપણે ત્યાં મોટા ભાગનાં પર્વો દિવસે આવતાં હોય, પણ ચાર પર્વો છે એ રાત્રિના આવે છે એમ જણાવતાં બટુકભાઈ કહે છે, ‘ચાર પર્વો છે એ રાતના ઊજવાય છે. એક કાળરાત્રિ, બીજું મોહરાત્રિ, ત્રીજું શિવરાત્રિ અને ચોથું નવરાત્રિ. કાળરાત્રિ એટલે કે દિવાળીનું પર્વ. મોહરાત્રિ એટલે માયાનું મોહક સ્વરૂપ લઈને સૃષ્ટિને બચાવનારા વિષ્ણુ ભગવાનનો કૃષ્ણાવતાર એટલે જે જન્માષ્ટમી પણ રાત્રિપર્વ છે. શિવપુરાણ અનુસાર બ્રહ્મા અને વિષ્ણુના અહંકાર ટકરાયા ત્યારે એમાંથી પ્રગટ થયા શિવજી. જ્યારે બ્રહ્મા અને વિષ્ણુ બન્નેમાં ‘અહમ પ્રભુ’નો ભાવ જન્મ્યો અને બન્નેએ પોતપોતાનાં બ્રહ્માસ્ત્રો છોડ્યાં ત્યારે બન્ને શસ્ત્રો જેમાં સમાઈ ગયાં ત્યારે શિવલિંગની ઉત્પત્તિ થઈ.’
કેટલીક માન્યતાઓ અનુસાર શિવ અને પાર્વતીના વિવાહ મહાશિવરાત્રિની રાતે થયા છે. એ નિમિત્તે દેવતાઓ અને ભૂતો બધાં જ એકત્ર થયાં છે અને ઉત્સવનો માહોલ સર્જાય છે. આ રાત્રિએ આ સમગ્ર સૃષ્ટિને ચલાવનારા દેવોની ઊર્જા ચરમ હકારાત્મકતા પર હોય છે. આવા ઊર્જાવાન સમયે જો ધ્યાન, ધર્મ, જાપ, ભજનભક્તિ કરવામાં આવે તો એ શિવમાં એકાકાર થવાની સંભાવનાઓ વધી જાય છે. બટુકભાઈ કહે છે, ‘એ સમયે ઊર્જા વધુ ચેતનવંતી હોય છે એટલે મહાશિવરાત્રિની રાત્રિએ શિવનું પૂજન, અર્ચન, ધ્યાન કરવાથી આખા વર્ષનું ફળ આપનારું કહેવાય છે. આજની ભાષામાં કહો તો આ સમયે ભગવાન ઑન ઍર તમારી સાથે જીવંત તાદાત્મ્ય અનુભવાય એવી ઊર્જા ધરાવે છે. તમે આ દિવસોમાં એવું કોઈ પણ કરો કે જેનાથી શંકર પ્રસન્ન થાય. દાન-ધરમ કરવા એનો મતલબ એ જરાય નથી કે કોઈકને પૈસાની મદદ જ કરવી. કોઈક દુખિયારાના મનના સંતાપને સાંભળવા તેને સમય આપો એ પણ સદ્પ્રવૃત્તિ જ છે. કોઈના સુખમાં સુખી અને કોઈના દુઃખમાં દુખી થવું એનાથી પણ પ્રભુ પ્રસન્ન થાય છે. આનંદમાં આવીને કોઈ નાચતું હોય તો તેની સાથે નાચી લેવું એ પણ એક પ્રકારનું આનંદનું દાન જ છે. મહાશિવરાત્રિની રાતે ધ્યાનનું મહત્ત્વ છે. ધ્યાન એટલે પદ્માસન કરીને એકાગ્ર થવું એવું જ નથી. ધ્યાનનો મતલબ કે ચિત્તને શિવમાં એકાકાર કરવું. ચિત્તને શિવમાં એકાકાર કરી દેવું. એ નાચવાથી પણ થાય, એ ભક્તિભાવપૂર્વક ભજન કરવાથી પણ થાય, શાસ્ત્રોક્ત શ્લોકો અને જાપથી પણ થાય.’
અસલી રુદ્રાક્ષ
આજકાલ રુદ્રાક્ષના નામે નકલી ઠળિયાની કોતરણી કરેલાં ફળોના માર્કેટે ધૂમ મચાવી છે. વધુ વિટંબણા એ છે કે લોકો ચમત્કારની પાછળ દોડે છે. અસલીની પરખ કરવી અઘરી છે. જે રુદ્રાક્ષમાંથી કુદરતી રીતે જ પર્ણદંડ આરપાર નીકળી ગયો હોય એ અસલી અને શ્રેષ્ઠ રુદ્રાક્ષ કહેવાય. ગોળાકાર અને સ્પષ્ટ મુખ ધરાવતો સ્વયંછિદ્ર રુદ્રાક્ષ શુદ્ધ અને સિદ્ધ હોવો જોઈએ. રુદ્રાક્ષના રત્નને શિવશ્લોકો અને વિધિ દ્વારા સિદ્ધ કરેલો હોય તો જ એમાંથી ઊર્જા સંચારિત થાય છે.

