ખોલવામાં આવતું ફેક અકાઉન્ટ કોઈ સદુપયોગ માટે હોતું જ નથી
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
પ્રતીકાત્મક તસવીર
આ જગતમાં સાડાત્રણ અબજ છોકરીઓ છે અને સોશ્યલ મીડિયાની વિવિધ સાઇટ પર જે અકાઉન્ટ છે એનો હિસાબ માંડીને એક જ નામ ધરાવતાં અકાઉન્ટ મર્જ કરી જો ફીમેલ પૉપ્યુલેશન ચેક કરવામાં આવે તો કહી શકાય કે સોશ્યલ મીડિયા પર સવાપાંચ અબજ ફીમેલ અકાઉન્ટ છે. કહેવાનો સીધો ભાવાર્થ એટલો કે જગતભરમાં ફેક અકાઉન્ટનો ત્રાસ ફેલાયેલો છે અને આ ત્રાસ અકલ્પનીય છે. કઈ રીતે આ ત્રાસ છે એ જાણવું જરૂરી છે એટલે પહેલાં એની વાત કરીએ.
ખોલવામાં આવતું ફેક અકાઉન્ટ કોઈ સદુપયોગ માટે હોતું જ નથી. પછી એ છોકરાનું હોય કે છોકરીનું. એ અકાઉન્ટ થકી ખોટું કામ કરવાની જ ભાવના હોય છે. કાં તો કોઈને ટ્રૅપમાં લેવા છે અને કાં તો કોઈના પર નજર રાખવી છે. કાં તો કોઈને સેક્સ-સ્કૅમમાં ફસાવવા છે અને કાં તો કોઈની પાસેથી એવી વાતો કઢાવવી છે જે બ્લૅકમેઇલ કરવામાં ઉપયોગી બને. ફેક અકાઉન્ટનો મારો બહુ મોટા પાયે થઈ રહ્યો છે અને એ દિવસે-દિવસે વધી રહ્યો છે. આ ફેક અકાઉન્ટની બાબતમાં જો સંવિધાન બને અને એવો કોઈ રસ્તો કાઢવામાં આવે જેને લીધે ફેક અકાઉન્ટ વિનાનું સોશ્યલ મીડિયા થઈ જાય તો ખરેખર ભારત આખા જગત પર ઉપકાર કરશે. અત્યારે ફેક અકાઉન્ટ માટે કાયદાના આધારે પગલાં લઈ શકાય છે, પણ લેવામાં આવતાં એ પગલાંઓમાં કોઈ નક્કરતા હોતી નથી અને નક્કરતા આવે એ માટે પાયાથી જ કામ કરવાની આવશ્યકતા છે.
ADVERTISEMENT
આ કામ કેવી રીતે થઈ શકે એ માટે બહુ સહજ કહેવાય એવો વિચાર એક એક્સપર્ટે આપ્યો છે, જે તમારી સાથે શૅર કરું.
જો સોશ્યલ મીડિયા પર આધાર કાર્ડને જૉઇન્ટ કરવામાં આવે તો ફેક અકાઉન્ટનું જે બોટિંગ છે એ બોટિંગ બંધ થઈ શકે. જે મિત્રએ આ વાત કહી એ જ મિત્રએ મૅટ્રિમોનિયલ વેબસાઇટને આ જ સજેશન આપ્યું હતું અને એનો ઉપયોગ પણ લગ્ન-મેળાપ કરાવનારી એ પ્રકારની વેબસાઇટ કંપનીઓેએ કર્યો પણ ખરો. જેનો સૌથી મોટો ફાયદો એ થયો કે ફ્રી રજિસ્ટ્રેશન આપતી એ કંપનીની વેબસાઇટ પર જઈને ખોટાં કારનામાં કરવા માગતા લોકોએ ખોલેલાં અકાઉન્ટ તરત જ બંધ થવા માડ્યાં તો એ પણ ખબર પડી કે ઑફિશ્યલ અકાઉન્ટ ખોલ્યા પછી પણ સેંકડો લોકો એવા હતા જેમણે બીજા નામે પણ ફેક અકાઉન્ટ ખોલ્યાં હતાં.
સોશ્યલ મીડિયા જીવનમાંથી હવે દૂર કરી શકાય એમ નથી. ધીમે-ધીમે એ મક્કમતા સાથે આપણા જીવનમાં પોતાનું સ્થાન બનાવી ચૂક્યું છે એટલે એને નકારી શકાશે નહીં. ચોવટનો ઓટલો હોય તો પણ એ જીવનમાં જરૂરી છે અને વિકાસનો રસ્તો હોય તો પણ એ જીવનનો અનિવાર્ય ભાગ છે. જો સોશ્યલ મીડિયાની અનિવાર્યતા હોય તો આપણા માટે સૌથી અગત્યનું કંઈ હોય તો એ છે ફેક અકાઉન્ટ દૂર થાય એ રસ્તો શોધવો અને પછી એ રસ્તાને સંવિધાન સાથે જોડી દેવો, જેથી નાહકનું કોઈ હેરાન ન થાય. તમે માનશો નહીં, પણ સોશ્યલ મીડિયા પર ચાલતી આવી જ અવળચંડાઈને કારણે આપણા જ દેશમાં દરરોજ આઠથી વધુ લોકો આત્મહત્યા કરે છે. શું એ આંકડો વધે પછી આપણે જાગીશું?