Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મસ્તમજાની ગુલાબી ઠંડી અને સાથે યોગના આવા અભ્યાસો હોય, પછી બીજું જોઈએ શું?

મસ્તમજાની ગુલાબી ઠંડી અને સાથે યોગના આવા અભ્યાસો હોય, પછી બીજું જોઈએ શું?

Published : 23 November, 2022 12:42 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

આમ તો મુંબઈમાં ઠંડીનો કોઈ ખાસ ચાર્મ નથી હોતો એ પછીયે હમણાં થોડા દિવસોથી હવામાનનો પારો સહેજ નીચો ગયો હોય એવો અનુભવ થઈ રહ્યો છે ત્યારે યોગમાં શું કરવાથી તન, મન અને ધનથી તમે વિન્ટરને માણી શકશો એ જાણી લો આજે

મસ્તમજાની ગુલાબી ઠંડી અને સાથે યોગના આવા અભ્યાસો હોય, પછી બીજું જોઈએ શું?

રોજેરોજ યોગ

મસ્તમજાની ગુલાબી ઠંડી અને સાથે યોગના આવા અભ્યાસો હોય, પછી બીજું જોઈએ શું?


અભ્યાસ કહે છે કે શિયાળાપ્રેમી લોકો પ્રામાણિક, વિશ્વસનીય અને સંવેદનશીલ હોય છે. તેમનામાં બેઝિક ઍટિકેટ્સ ઠૂંસી-ઠૂંસીને ભરી હોય છે


દરેકની એક ફેવરિટ સીઝન હોય છે અને કદાચ તમને ખબર નહીં હોય, પણ સાઇકોલૉજી સ્ટડીઝ એવા પણ થયા છે જેમાં તમને કઈ ઋતુ વધુ ગમે છે એના બેઝ પર તમારું વ્યક્તિત્વ કેવું હશે એ નક્કી થાય. તમારી પર્સનાલિટીનું નિદાન આ સીઝનની ચૉઇસ કરી શકે છે. મજાની વાત એ છે કે પર્સન્ટેજ વાઇઝ હવે શિયાળો ગમતો હોય એવા લોકોનું પ્રમાણ વધારે હોય છે અને અભ્યાસ કહે છે કે જેમને પણ શિયાળો ગમતો હોય એ લોકો બહુ સારા શ્રોતા હોય છે અને સમજવા માટે સાંભળતા હોય છે. આર્ગ્યુમેન્ટ કરવા કે એક કાનથી સાંભળીને બીજા કાનેથી સાંભળેલી વાતને ઉડાડી દેવા માટે નહીં, પણ સમજવા માટે સાંભળવાનો ગુણ શિયાળાને પ્રેમ કરતા લોકોમાં હોય છે. બીજું, શિયાળાના પ્રેમમાં હોય એવા લોકો મોટા ભાગે પ્રામાણિક, વિશ્વસનીય અને સંવેદનશીલ સ્વભાવના હોય છે.




રામનિવાસ બંસલ

તેમનામાં બેઝિક ઍટિકેટ્સ ઠૂંસી-ઠૂંસીને ભરી હોય છે અને લાગણીશીલ અને કરુણાશીલ પણ એટલા જ હોય છે. વેલ, તમારી પણ વિન્ટર જો ફેવરિટ સીઝન હોય તો કૉન્ગ્રેચ્યુલેશન, તમારી પર્સનાલિટી તો એક નંબર છે જ, પણ હવે આ પ્રિય વિન્ટરને સુખપૂર્વક બીમાર પડ્યા વિના મોજથી વિતાવવી હોય તો યોગ તમને એમાં કઈ રીતે મદદરૂપ થઈ શકે એ માટેના કેટલાક અભ્યાસો આજે જોઈ લઈએ. ઍરફોર્સમાંથી નિવૃત્ત થયેલા અને છેલ્લાં ૧૫ વર્ષથી યોગશિક્ષક તરીકે સક્રિય રામનિવાસ બંસલ આ દિશામાં કેટલીક મહત્ત્વની પ્રૅક્ટિસ આપણી સાથે શૅર કરે છે. એમાંથી તમે જે કરી શકતા હો એ આજથી જ શરૂ કરી દો જેથી શરદી, ખાંસી, તાવ, ડ્રાય સ્કિન, મંદ પાચન, આળસ, કંટાળો, મેન્ટલ ડલનેસ, ઍસિડિટી જેવી શિયાળા ફ્રેન્ડ્લી તકલીફોથી બચી શકાય. 


સૂર્યનમસ્કાર 

કુલ સાત આસનો આ બાર સ્ટેપના સૂર્યનમસ્કારમાં છે, જે તમને યોગ અને કસરત એમ બન્નેના લાભ આપશે. ઝડપથી કરશો તો બૉડી વૉર્મઅપ થઈ જશે અને સાથે બૉડીને સ્ટ્રેચિંગ પણ મળશે. ફિઝિકલ અને સ્પિરિચ્યુઅલ સ્તરે પણ જાગૃતિ સાથે થતા સૂર્યનમસ્કારના અઢળક લાભ છે. જો તમારું શરીર બરાબર કામ કરતું હોય, ઘૂંટણ કે સાંધાના મેજર દુખાવા ન હોય તો આ અભ્યાસ કરી શકાય. તમારી સવાર કમસે કમ ૧૦ સૂર્યનમસ્કારથી પડવી જોઈએ. હેલ્ધી હોય તેમને તો રોજના મિનિમમ ૨૭ સૂર્યનમસ્કાર કરવાની સલાહ છે. 

પ્રાણાયામ

સૂર્યભેદી પ્રાણાયામ : આ અભ્યાસ માટે જમણી નાસિકાથી શ્વાસ લઈને ડાબી બાજુથી છોડો. આ પણ શરીરમાં ગરમાટો વધારવા માટે સરસ પ્રૅક્ટિસ છે. ડાબી બાજુથી ઉચ્છ્વાસ છોડવાથી ગરમીનો અતિરેક નહીં થાય.

ભસ્ત્રિકા પ્રાણાયામ : ઊંડા શ્વાસ લેવા અને ધીમે-ધીમે એની ઝડપ વધારતા જવી. આ ભસ્ત્રિકા પ્રાણાયામથી પણ શરીરમાં ઇન્સ્ટન્ટ હીટ વધે છે. થોડી ટ્રેઇનિંગ પછી એક મિનિટમાં તમે લગભગ ૧૨૦ જેટલા શ્વાસ લેતા હો છો. પ્રાણાયામની વ્યાખ્યામાં જ મહર્ષિ પતંજલિએ ગતિવિચ્છેદ શબ્દનો ઉપયોગ કર્યો છે. તમે શ્વસન ધીમું પાડો અથવા તો એની ગતિ વધારો ત્યારે એની મૂળ ગતિમાં બ્રેક લાગે છે. ભસ્ત્રિકા પ્રાણાયામ તમારાં ફેફસાંની ક્ષમતા વધારવા, એને મજબૂતી આપવા, ફેફસાંની હવાને ગ્રહણ કરવાની ક્ષમતા વધારવામાં ખૂબ જ ઉપયોગી છે. ભસ્ત્રિકા શરીરમાં ઑક્સિજનનું પ્રમાણ વધારીને હાઇપર વેન્ટિલેશન મોડમાં લઈ જાય છે, પરંતુ એનાથી તમારા શરીરનાં બીજાં પૅરામીટર્સ જરાય ડિસ્ટર્બ નથી થતાં. જેમ કે હાઇપર વેન્ટિલેશન પછી પણ તમારા પલ્સ રેટમાં કોઈ ફરક નથી પડતો. બહુ જ સુંદર અને ઉપયોગી અભ્યાસ છે આ.  

ઉજ્જયી પ્રાણાયામ અને અગ્નિસાર ક્રિયા:  ગળાથી શ્વાસ લેવાનો હોય છે ઉજ્જયીમાં, જેમાં તમને સાપના ફૂંફાડા એટલે કે હિસિંગ જેવો સાઉન્ડ આવે જ્યારે શ્વાસ લો અને છોડો ત્યારે. જ્યારે અગ્નિસારમાં શ્વાસને પૂરો અંદર ભરીને એક ફોર્સ સાથે બહાર છોડવાનો હોય અને પછી પેટને અંદર ખેંચીને શ્વાસ રોકેલી અવસ્થામાં હોય ત્યારે અંદર-બહાર કરવાનો હોય છે. 
આ બન્ને યોગિક અભ્યાસ શરીરને ટૉક્સિન્સ ફ્રી કરવામાં, ગરમાટો વધારવામાં, પાચન મજબૂત કરવામાં, જઠરાગ્નિ જગાડવામાં ઇન્સ્ટન્ટ રિઝલ્ટ 
આપે છે.

મંત્ર ચેન્ટિંગ બહુ પાવરફુલ

યોગમાં અઢળક પ્રકારનાં સંશોધનો કરનારા વિદ્વાન મુનિ શ્રી જિનચંદ્રવિજયજી મહારાજ કહે છે, ‘અમુક પ્રકારના મંત્રોનું જોરથી ઉચ્ચારણ કરવાથી પણ શરીરમાં ઊર્જાનું પ્રમાણ વધે છે. કેટલાક યોગીઓનો અનુભવ કહે છે કે અમુક પ્રકારના બીજ મંત્ર જેમ કે હ્રીં અથવા તો ઓમને અમુક પ્રકારે રટણ કરવાથી ભયંકર ઠંડીમાં લોકોને પરસેવો થઈ જતો હોય છે એટલી હીટ શરીરમાં પેદા થતી હોય છે.’

તમારું નાક બંધ રહે છે?

ઘણા લોકોની વિન્ટરમાં અને સામાન્ય દિવસોમાં પણ એક નાસિકા બંધ રહેતી હોય છે. યોગમાં આ નાસિકા ઓપન કરવાના આમ તો ઘણા અભ્યાસ છે, પરંતુ એમાં સૌથી સિમ્પલ, ટ્રાયડ ઍન્ડ ટેસ્ટેડ કોઈ અભ્યાસ હોય તો એ છે અર્ધ-હલાસન. તસવીરમાં એની ઝલક જોઈ લો અને પછી પદ્ધતિ વાંચો. જમીન પર ચત્તા સૂઈને બન્ને પગને ૯૦ ડિગ્રી પર ઉપર ઉઠાવો. ધારો કે પગ ન ઊઠતા હોય તો દીવાલનો, ખુરસીનો કે તમારા જીવનસાથીનો સપોર્ટ લઈને પણ આ અભ્યાસ તમે કરી શકો છો. લગભગ પાંચેક મિનિટમાં તમારી નાસિકા ખૂલી જશે. માત્ર નોસ્ટ્રલ ઓપનિંગ સિવાય પણ એના બીજા અઢળક લાભ છે, જેના વિશે આપણે ભૂતકાળમાં વાત કરી ચૂક્યા છીએ આ કૉલમમાં.

મુદ્રા પણ પાવરફુલ

લિંગ મુદ્રા 

થોડી વાર કરો અને તમને પસીનો થવા માંડે એટલી પાવરફુલ યોગમુદ્રા છે, જે શરીરમાં ગરમાટો પેદા કરી શકે. તમારી હાથની આંગળીઓને એકબીજામાં ઇન્ટરલૉક કરો અને જમણા હાથના અંગૂઠાને ઉપર ખેંચાયેલો રાખો. ડાબા હાથની તર્જની આંગળી અને અંગૂઠો જમણા હાથની ફરતે અને એકબીજાની ટીપને ટચ કરતા હશે. 

સૂર્ય મુદ્રા 

શરીરમાં ગરમી વધારવા, આળસ ભગાડવા, પાચન સુધારવા માટે તમે અનામિકાને અંગૂઠાના મૂળ ભાગ પર રાખીને ઉપર અંગૂઠાથી અનામિકાને કવર કરતા હો એમ રાખો.

વરુણ મુદ્રા 

શિયાળામાં હવામાં ડ્રાયનેસ વધી જાય જેની આપણા જેવા મુંબઈકરોને તરત જ અસર દેખાવાની શરૂ થાય. એ માટે કનિષ્ઠિકા એટલે કે છેલ્લી આંગળીને અંગૂઠાના ટેરવા સાથે ટચ કરવાથી બૉડીમાં પાણીતત્ત્વ જળવાઈ રહેશે. 

પ્રાણ મુદ્રા

 

હર મર્ઝ કી દવા જેવી આ મુદ્રામાં છેલ્લી બે આંગળીના ટેરવાને અંગૂઠાની ટીપથી ટચ કરવાના હોય છે. આ કરવાથી શરીર ઊર્જાવાન બનશે

Whatsapp-channel Whatsapp-channel

23 November, 2022 12:42 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK