ગીતકાર હતા લાલજી પાંડે જેમણે ‘અનજાન’ નામે ફિલ્મોમાં ગીતો લખ્યાં. ફિલ્મી દુનિયામાં લાંબો સમય સંઘર્ષ કર્યા બાદ તેમને ઇન્ડસ્ટ્રીના લોકો જાણતા થયા
લાલજી પાંડે જેમણે ‘અનજાન’ નામે ફિલ્મોમાં ગીતો લખ્યાં
આપ સૌને આ સદાબહાર ગીતો તો યાદ જ હશે. ‘બિના બદરા કે બિજુરિયા કૈસે ચમકે’ (બંધન), ‘આપ કે હસીન રૂખ પે આજ નયા નૂર હૈ’ (બહારેં ફિર ભી આયેગી), ‘ખઈ કે પાન બનારસવાલા’ (ડૉન), ‘ઓ સાથી રે તેરે બિના ભી કયા જીના’ (મુકદ્દર કા સિકંદર), ‘આઇ ઍમ અ ડિસ્કો ડાન્સર’ (ડિસ્કો ડાન્સર), ‘છૂ કર મેરે મન કો કિયા તુને કયા ઇશારા’ (યારાના). મોટા ભાગના સંગીતપ્રેમીઓને આ ફિલ્મોના સંગીતકારનાં નામ ખબર હશે, પણ મારો પ્રશ્ન એ છે કે આના ગીતકાર કોણ છે તો બહુ ઓછા સંગીતપ્રેમીઓ જવાબ આપી શકશે. શેક્સપિયરની જુલિયટ પ્રેમના નશામાં ભલે રોમિયોને એમ કહે કે ‘What’s in a name? વાસ્તવિકતા એ છે કે નામનું મહત્ત્વ જરૂર છે.
આ અને આવાં બીજાં અનેક લોકપ્રિય ગીતોના ગીતકાર હતા લાલજી પાંડે જેમણે ‘અનજાન’ નામે ફિલ્મોમાં ગીતો લખ્યાં. ફિલ્મી દુનિયામાં લાંબો સમય સંઘર્ષ કર્યા બાદ તેમને ઇન્ડસ્ટ્રીના લોકો જાણતા થયા, પરંતુ બહારની દુનિયા માટે તો તેઓ ‘અનજાન’ જ રહ્યા. અફસોસની વાત એ છે કે આપણે ત્યાં ફિલ્મી ગીતોના અનેક કાર્યક્રમો થાય છે જેમાં જાણીતા ગીતકારોના કાર્યક્રમ સિવાય ગીતકારનું નામ ભાગ્યે જ લેવાય છે. (અમારી સંસ્થા ‘સંકેત’માં વર્ષોથી દરેક કાર્યક્રમોમાં અમે અચૂક ગીતકારોનો ઉલ્લેખ કરીએ છીએ.)
ADVERTISEMENT
વિવિધ ભારતી પણ શરૂઆતનાં વર્ષોમાં કેવળ ફિલ્મનું નામ, ગાયક કલાકાર અને સંગીતકારનું નામ જાહેર કરતી હતી. જ્યારે શૌકત આઝમી રેડિયો પર અનાઉન્સર તરીકે નોકરી કરતાં હતાં ત્યારે તેમણે મુદ્દો ઉઠાવ્યો કે ગીતની રજૂઆત કરતી વખતે ગીતકારને પણ યાદ કરવા જોઈએ. તેમનું સૂચન માન્ય રખાયું અને ત્યારથી આ પ્રથા શરૂ થઈ (કોઈએ ટકોર કરી હતી કે પતિ કૈફી આઝમી ગીતકાર હતા એટલે આવું સૂચન કર્યું.) એ છતાં આજે પણ ગીતકારોને જોઈતી પ્રસિદ્ધિ મળતી નથી એટલે થયું કે એવા એક ગીતકાર, જેને યોગ્ય શ્રેય મળ્યું નથી, એના જીવન અને કવન વિશે થોડી વાત કરવી જોઈએ.
૧૯૩૦ની ૧૩ સપ્ટેમ્બરે લાલજી પાંડેનો જન્મ વારાણસી નજીક આવેલ ઉમરગાવમાં થયો હતો. નાનપણથી તે કવિતાકર્મ કરતા. કૉલેજકાળમાં કવિસંમેલનોમાં તેમની વાહ વાહ થતી. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં એમકૉમ કરી બૅન્કમાં નોકરી શરૂ કરી. એક કાર્યક્રમ નિમિત્તે બનારસ આવેલા ગાયક કલાકાર મુકેશ સાથે તેમની મુલાકાત થઈ. તેમની કવિતાઓ સાંભળી મુકેશે મુંબઈ આવવાની સલાહ આપી, પરંતુ તેમને બનારસ છોડવાનો વિચાર જ પીડા આપતો હતો.
કમનસીબે યુવાનીમાં તેમને દમની બીમારી થઈ. લાંબો સમય સારવાર કરી પણ ફરક ન પડ્યો એટલે ડૉક્ટરોએ સલાહ આપી કે બનારસ છોડી દરિયાકિનારા નજીકના સ્થળે વસવાટ કરો તો ફાયદો થશે. નછૂટકે ૧૯૫૩માં અનજાન મુંબઈ આવ્યા. મુકેશે તેમની મુલાકાત પ્રેમનાથ સાથે કરાવી. એ સમયે તેઓ ‘ગોલકોંડા કા કૈદી’ બનાવી રહ્યા હતા. તેમણે ફિલ્મનાં ગીતો લખવાનું કહ્યું અને આમ તે ગીતકાર બન્યા. આ કામ માટે તેમને ૫૦૦ રૂપિયા મળ્યા. એ વખતે મજબૂરીથી બનારસ છોડી મુંબઈ આવેલા લાલજી પાંડે ઉર્ફ અનજાનને ખબર નહોતી કે ફિલ્મી દુનિયા તેમની આકરી કસોટી લેવાની હતી.
સાહિર લુધિયાનવી, શૈલેન્દ્ર, મજરૂહ સુલતાનપુરી, શકીલ બદાયુની, હસરત જયપુરી, ભરત વ્યાસ, કવિ પ્રદીપ અને બીજા નામી ગીતકારો સામે અનજાન જેવા નવા ગીતકારે ઘણો સંઘર્ષ કરવો પડતો. છૂટક-છૂટક કામ મળતું, પણ જોઈતી સફળતા નહોતી મળતી. એક દિવસ મુકેશે રાજ કપૂર સાથે મુલાકાત કરવી. તેમની કવિતાઓ સાંભળી રાજ કપૂર કહે, ‘તમારી કવિતામાં દમ છે, પણ હજી ઘણું કામ કરવું પડશે. મને લાગે છે ઓછાંમાં ઓછાં ૧૫ વર્ષ મહેનત કર્યા બાદ તમારું નામ થશે.’
નાસીપાસ થયા વિના તે પ્રયત્નો કરતા રહ્યા. લો બજેટની ફિલ્મોમાં કામ મળતું અને તેમનું ગુજરાન ચાલતું. ૧૯૬૩માં પંડિત રવિશંકરના સંગીત નિર્દેશનમાં ફિલ્મ ‘ગોદાન’માં તેમનાં લખેલાં પુરબીભાષી ગીતો ‘હિયા જરત રહત દિન રૈન’ (મુકેશ), ‘હોરી ખેલત નંદલાલ’ (મોહમ્મદ રફી), ‘પીપરા કે પતવા સરીખે ડોલે મનવા’ (મોહમ્મદ રફી) અત્યંત લોકપ્રિય થયાં. મુશ્કેલી એ હતી કે ‘માઇબાપ’, ‘ફૌલાદ’, ‘પંચરતન’, ‘રુસ્તમ કૌન’, ‘એક રાત’, ‘ટારઝન ઔર કિંગકૉન્ગ’ જેવી અનેક ‘બી’ ગ્રેડની ફિલ્મોમાં તેમનાં છૂટાંછવાયાં ગીતો લોકપ્રિય થતાં, પણ ફિલ્મો ફ્લૉપ જતી એટલે તેમના કામની જોઈએ એટલી નોંધ ન લેવાતી.
સતત સંઘર્ષ કરતા અનજાન પર એક દિવસ પિતાનો પત્ર આવ્યો, ‘નાની બહેનની ગોદભરાઈ છે. ૧૫૦૦ રૂપિયાની જરૂર છે તો જલદીથી મનીઑર્ડર કરજે.’ પહેલી વાર પિતાએ પુત્ર પાસે કંઈ માગ્યું, પણ અહીં તો હાથ એટલો ખેંચમાં હતો કે વાત ન પૂછો. અનજાનના મોટા ભાઈ ગોપાલજી મુંબઈમાં કામ કરતા અને સારું એવું કમાતા, પણ તેમને પૈસાનો ઘમંડ હતો. કદાચ એટલે જ પિતાએ તેમને પત્ર નહીં લખ્યો હોય. ખુદ્દાર અનજાન ભાઈ પાસે ન ગયા. તેમને દિલદાર સંગીતકાર ઓ. પી. નૈયર યાદ આવ્યા. આ પૂરો કિસ્સો નૈયરસાબે મારી સાથે શૅર કર્યો હતો. એ તેમના શબ્દોમાં પ્રસ્તુત છે :
‘અનજાન મારી પાસે આવીને કહે કે મેં એક ગીત લખ્યું છે, તમને કામ આવશે. મેં કહ્યું, ‘હું મોટા ભાગે ઉર્દૂ શાયરો સાથે કામ કરું છું. બીજું, તમે સરળ અને સાલસ સ્વભાવના છો અને હું છું આખાબોલો. મારાથી કંઈ બોલાઈ જાય તો તમને દુઃખ થાય એટલે આપણે સાથે કામ ન કરીએ એ જ સારું છે.’ અનજાન કહે, ‘તમે આ ગીત સાંભળો તો ખરા’. મને એ ગીત ખૂબ ગમ્યું. મેં કહ્યું કે જ્યારે મને જરૂર હશે ત્યારે તમને બોલાવીશ. આ સાંભળી તેમણે પોતાની મુશ્કેલી જણાવી. મેં ૧૫૦૦ રૂપિયા આપ્યા તો કહે, ‘ના, મારે દાન નથી જોઈતું. તમે જ્યારે આ ગીત રેકૉર્ડ કરાવશો ત્યારે જ પૈસા લઈશ.’ મને તેની ખુદ્દારી પર માન થયું. મેં બીજે દિવસે મારા પૈસે એ ગીતનું મોહમ્મદ રફી પાસે રેકૉર્ડિંગ કરાવ્યું. પાછળથી એ ગીત મેં ‘બહારેં ફિર ભી આયેગી’માં ઉમેર્યું. આ ગીત હતું ‘આપ કે હસીન રૂખ પે આજ નયા નૂર હૈ, મેરા દિલ મચલ ગયા તો મેરા કયા કુસૂર હૈ’.
સતત સંઘર્ષ કરતા અનજાનના નસીબ આડેનું પાંદડું ખસ્યું જ્યારે તેમને કલ્યાણજી આણંદજી સાથે કામ કરવાનો મોકો મળ્યો. અમિતાભ બચ્ચન અભિનિત ફિલ્મ ‘દો અનજાને’માં તેમનું લખેલું ‘લૂકછીપ લૂકછીપ જાવ ના, ઐસે છૂપ છૂપ મુઝે સતાવ ના’ (કિશોરકુમાર) લોકપ્રિય થયું. ત્યાર બાદ તે અમિતાભ બચ્ચનના ફેવરિટ બની ગયા. ‘ખૂન પસીને કી જો મિલેગી તો ખાએંગે’ (ખૂન પસીના), ‘ખઈ કે પાન બનારસ વાલા’ (ડૉન), ‘તેરે જૈસા યાર કહાં, કહાં ઐસા યારાના’ (યારાના ), ‘રોતે હુએ આતે હૈ સબ, હસતા હુઆ જો જાયેગા’ (મુકદ્દર કા સિકંદર) અને બીજાં અનેક લોકપ્રિય ગીતો આપનાર અનજાન હવે કલ્યાણજી આણંદજી ઉપરાંત આર. ડી. બર્મન, લક્ષ્મીકાન્ત પ્યારેલાલ, બપ્પી લહેરી, રાજેશ રોશન જેવા સંગીતકારો સાથે કામ કરતા હતા.
રાજ કપૂરની ભવિષ્યવાણી સાચી ઠરી. લગભગ ૧૫ વર્ષના સંઘર્ષ બાદ અનજાન હવે ચાલની રૂમ છોડીને જુહુના કિંગ્સ અપાર્ટમેન્ટના મોટા ફ્લૅટમાં રહેતા હતા. દરેક સફળતા માટે કિંમત ચૂકવવી પડે છે. રઝળપાટ અને સંઘર્ષના દિવસોમાં તેમણે ભાગ્યે જ બનારસમાં રહેતા પરિવારની મુલાકાત લીધી હતી. એની પાછળનું સાચું કારણ શું હતું એની કોઈને ખબર નહોતી. ફ્લૅટમાં આવ્યા બાદ પણ તે ઇચ્છતા નહોતા કે પરિવાર કે પુત્ર મુંબઈ આવે. તેમની આવી માનસિકતા પાછળની હકીકત શું હતી એ વાત આવતા રવિવારે.

