દરેક કુળનું રક્ષણ કરનારી દેવી એટલે એની કુળદેવી, પરંતુ આજના મૉડર્ન યુગમાં જ્યારે ઘણા પરિવાર પોતાની કુળદેવી કોણ છે એ પણ નથી જાણતા ત્યારે કુળદેવી કોને માનવામાં આવે છે? એ કોઈ અવતારી સ્ત્રી છે કે સ્વયંસિદ્ધા? મારાં કુળદેવી કયાં છે એની મને કેમ ખબર પડે?
ખોડીયાર માતા
વંશપરંપરાથી કુળની ઇષ્ટદેવી તરીકે પૂજાતી દેવી એટલે કુળદેવી. હિન્દુ ધર્મમાં સર્વોચ્ચ સ્થાને મા આદ્યશક્તિ છે જેમાંથી ત્રિદેવ - બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પ્રાગટ્ય થયું છે. ત્રિદેવ પછી બીજા બધા દેવતાઓ આવે. આદ્યશક્તિના રૂપ સમી ત્રિદેવની પત્નીઓ એટલે કે સરસ્વતી, લક્ષ્મી અને પાર્વતી પણ મુખ્ય દેવીઓમાં ગણાય. બાકી બધી દેવીઓને પાર્વતીનાં જ રૂપ માનવામાં આવે છે. કથા મુજબ દક્ષની પુત્રી સતીએ દક્ષની મરજી વિરુદ્ધ શિવ સાથે લગ્ન કર્યાં. પોતે કરેલા મહાયજ્ઞમાં નારાજ દક્ષે શિવ અને સતીને આમંત્રણ આપ્યું નહોતું. શિવે સતીને યજ્ઞમાં જતાં રોકી, પણ તે માની નહોતી. પિતાના યજ્ઞસ્થળે પહોંચી ત્યારે દક્ષે શિવનું અપમાન કર્યું, તેમને માટે અપશબ્દો કહ્યા. સતી પોતાના પતિનું અપમાન સહન ન કરી શકી અને એ યજ્ઞકુંડમાં જ તેણે પોતાની આહુતિ આપી દીધી. અગ્નિની જ્વાળામાં લપેટાયેલી સતીના દેહને લઈને શિવે વિહ્વળ થઈ તાંડવ કર્યું. એ સમયે સતીના દેહના ભાગ જે સ્થળોએ પડ્યા એ ૫૧ સ્થળો શક્તિપીઠ ગણાય છે. આ ૫૧ માતાજીઓ સતીના એટલે કે પાર્વતીના જ અંશ છે છતાં તેમનાં જુદા-જુદા નામ, તેમની અલગ-અલગ લાક્ષણિકતાઓ તથા પ્રાંત પ્રમાણે અલગ-અલગ રિવાજ હોય છે. આ ૫૧ માતાજીઓની પૂજા દેવી તરીકે તો થાય જ છે, પરંતુ આ માતાજીઓની પૂજા કુળદેવી તરીકે પણ થાય છે.
કુળદેવી અને સુરધન
ગુજરાતમાં આ ૫૧ શક્તિપીઠમાંનો મહત્ત્વનો શક્તિપીઠ એટલે અંબાજી. એવું કહેવાય છે કે સતીનું હૃદય આ સ્થળે વિરાજમાન છે. સમાજમાં જેમને ખબર નથી કે તેમનાં કુળદેવી કોણ છે એ બધા લોકો પણ અંબામાને પોતાનાં કુળદેવી માનીને પૂજા કરતા જોવા મળે છે. કુળદેવી માટે કહેવાય છે કે તે કુળનાં રક્ષક હોય છે. તમારી જે પણ તકલીફ હોય એને તે દૂર કરે છે. પરંપરા મુજબ કુળદેવીમાં શ્રદ્ધા રાખીને દીવો કરનારને કુળદેવી ફળે છે. એ વિશે વાત કરતાં લોકસાહિત્યકાર ડૉ. રાઘવજી માધડ કહે છે, ‘નિયમ અનુસાર નૈવેદ્ય કરવાનાં હોય, નવરાત્રિમાં તેની પૂજા-અર્ચના કરવાની હોય, છેડાછેડી છોડવાનાં કે બાળકના મુંડન જેવાં કાર્યો કુળદેવી પાસે જઈને કરવાનાં હોય. સમગ્ર ભારતમાં કુળદેવતા અને કુળદેવીનું ચલણ છે, પરંતુ ગુજરાતમાં કુળદેવીનું ચલણ વધુ જોવા મળે છે. આપણી જેટલી જ્ઞાતિ છે એના કુળદેવતા નથી. કુળદેવીઓ જ છે. સુરધન કે સુરાપુરાની પૂજા-અર્ચના પણ આપણે ત્યાં લોકો કરે છે, પરંતુ સુરધન એટલે તમારા કુળમાં જન્મેલા કોઈ પરાક્રમી પુરુષને સુરધન કહેવાય. જેમણે કોઈ ધિંગાણા વખતે કુળની રક્ષા કરી હોય. આમ સુરધન એ પુરુષ છે જે તમારા ઘર કે ખાનદાનમાં જન્મેલી વ્યક્તિ છે. જ્યારે કુળદેવી તમારા પરિવારમાં જન્મેલી નથી. તે તમારા કુળનું રક્ષણ કરનારી હોય છે.’
ADVERTISEMENT
ડૉ. રાઘવજી માધડ અને ડૉ. તીર્થંકર રોહડિયા
કુળદેવતા નહીં, દેવી જ
આપણે ત્યાં કુળદેવીની જ પૂજા થાય છે, કુળદેવતાની કેમ નહીં? આનો જવાબ આપતાં ધ સાઇબર ઝીલ નામની પોતાની યુટ્યુબ ચૅનલ દ્વારા ખાસ્સાં પૉપ્યુલર બનેલાં સ્વરયોગી - ઝીલ પટેલ કહે છે, ‘કોઈ પણ દેવી-દેવતાની પૂજા પાછળ એ પ્રદેશના લોકો અને એની સંસ્કૃતિ ખૂબ મહત્ત્વનાં છે. ગુજરાતમાં વર્ષોથી લોકો શક્તિ આરાધના કરતા જણાય છે. અહીંના લોકો સ્ત્રીશક્તિને માને છે અને કેટલાંય વર્ષોથી સ્ત્રીશક્તિને જ પૂજે છે એટલે જ્યારે કુળની વાત આવે ત્યારે પણ કુળદેવતા કરતાં કુળદેવીની પૂજા અહીં વધુ થાય છે. બને કે ગુજરાતમાં પણ કુળદેવતા હોય, પણ એ જાણીતા નથી. કુળદેવીઓ વધુ જાણીતી છે. પહેલાં એવું હતું કે એક જ્ઞાતિના લોકો એક જ ગામમાં રહેતા. એ જ ગામમાં તેમના પૂર્વજોને કોઈ શક્તિનો પરચો થયો હોય અને તેમણે એ જગ્યાએ માતાનું સ્થાપન કર્યું હોય અને તેઓ માનતા હોય કે આ માતા આપણા કુળનું રક્ષણ કરશે અને એ આ રીતે કુળદેવીને પૂજવાની પરંપરા શરૂ થઈ હશે એમ માની શકાય.’
જન્મેલાં કે સ્વયંસિદ્ધા
આ કુળદેવીઓ છે કોણ? શું તે રામ અને કૃષ્ણની જેમ ક્યારેય જન્મી હતી કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની જેમ સ્વયં પ્રગટ થઈ છે અને દેવી તરીકે પૂજાય છે? એ વિશે વાત કરતાં પદ્મશ્રી લોકસાહિત્યકાર જોરાવરસિંહ જાદવ બાપુ કહે છે, ‘દરેક કુળદેવીનો જન્મ નથી થયો. જેમ કે રાંદલ મા છે એ સૂર્યનાં પત્ની કહેવાયાં. તેમણે જન્મ લીધો અને પછી કુળદેવી થયાં એવું નથી. બાકી ખોડિયાર મા અને તેમની બહેનો ચારણને ત્યાં જન્મ્યાં હતાં. આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, જાનબાઈ એટલે કે ખોડિયાર મળી કુલ ૭ બહેનો હતી જે આજે જુદા-જુદા કુળની કુળદેવી તરીકે પૂજાય છે. આમ, કુળદેવી તરીકે બન્ને સ્વરૂપો છે. જેમણે જન્મ લીધો હતો અને દેવી તરીકે પૂજાયાં એ અને જેમણે જન્મ નથી લીધો એ સ્વયં દેવી છે.’
મારાં કુળદેવી કોણ?
આમ તો કુળદેવી પરંપરાથી ખબર પડે. દાદાએ પિતાને કીધું હોય અને પિતા પુત્રને કહે કે આપણાં કુળદેવી આ છે અને તેમનું મંદિર આ જગ્યાએ છે. આમ, પરંપરાગત રીતે કુળદેવીનું પૂજન ચાલતું રહે છે. તેમની માન્યતા અકબંધ રહે છે, પરંતુ આજે પણ ઘણી જ્ઞાતિઓ એવી છે જે વિસ્થાપિત થઈ જવાને લીધે કે ઘરમાં કુળદેવી-પૂજનનું ચલણ ન હોવાને લીધે જાણતી નથી કે તેમના કુટુંબની કુળદેવી કોણ, તો આ માહિતી કઈ રીતે મળે? જેનો જવાબ આપતાં જોરાવરસિંહ જાદવ બાપુ કહે છે, ‘આ માહિતી બારોટના ચોપડે મળે. પહેલાંના સમયમાં જ્ઞાતિ વિશેની માહિતી બારોટ સમાજના લોકો પોતાના ચોપડે રાખતા. થતું એવું કે આ સમાજના લોકો જ્યારે ગામેગામ ફરતા ત્યારે ગામમાં યજમાનને જાણ થતી કે આજે બારોટ આપણે ગામ પધાર્યા છે તો તેઓ તેમને માનપૂર્વક ઘરે લઈ જતા. તેમને જમાડતા, સાચવતા અને એ સમયે ઘરે-ઘરે જઈને બારોટો જ્ઞાતિવિષયક માહિતી પોતાના ચોપડે અંકિત કરતા. રાતે ડાયરામાં તેઓ જુદી-જુદી જ્ઞાતિના વડવાઓનો ઇતિહાસ લોકોને પ્રસ્તુત પણ કરતા. આમ, દરેક જ્ઞાતિનો ઇતિહાસ સાચવવાની જવાબદારી તેમની હતી. આજે પણ વ્યક્તિએ પોતાની જ્ઞાતિની માહિતી કે કુળદેવી વિશે જાણવું હોય તો બારોટના ચોપડે મળે. જોકે હવે તેમના સમાજમાંથી પણ લોકો બીજી નોકરીઓ અને કામધંધામાં લાગી ગયા હોવાથી ધીમે-ધીમે તેમની પરંપરા પણ બદલાવા લાગી છે.’
થાપાનાં કુળદેવી
આમ તો કુળદેવી એક જ હોય, પરંતુ ઘણી વાર ઘણાં કુટુંબોમાં બે કુળદેવીઓને પણ પૂજવાની પરંપરા છે. એ વિશે વાત કરતાં ચારણી સાહિત્યના સંશોધક અને એ વિષય પર જ ૮ પુસ્તકો લખનાર ડૉ. તીર્થંકર રોહડિયા કહે છે, ‘નિયમ મુજબ તો વ્યક્તિની એક જ કુળદેવી હોય. પરંપરાગત રીતે તેનું પૂજન થતું હોય, પણ ક્યારેક એવું થાય છે કે બીજી કોઈ દેવીનો પરચો મળ્યો હોય કે તેની કૃપાથી ઘરમાં કશું સારું થયું હોય તો લોકો કુળદેવીની સાથે એ બીજી દેવીની પૂજા કરતા થઈ જાય છે અને તેને થાપાની કુળદેવી કહે છે.
પૂજા બંધ કરીએ ત્યારે શું?
આજકાલ મૉડર્ન યુગમાં એવું પણ છે કે લોકો પોતપોતાના સંપ્રદાયો સાથે જોડાઈ જાય ત્યારે તેમના ધર્મગુરુઓ કુળદેવીની પૂજાની ના પાડે અને કહે કે એક જ ભગવાનને પૂજો. બીજાને પૂજવાની જરૂર નથી. આમ ઘણા લોકો કુળદેવીની પૂજા છોડી દે છે. આવી પરિસ્થિતિમાં શું થાય? કુળદેવી નારાજ થાય કે ઘરનું ધનોતપનોત નીકળી જાય એવી વાતો ડરને જન્મ આપે છે. ધર્મ અને ડરને જો જુદા-જુદા રાખીએ અને વાત કરીએ તો એક વખત કુળદેવીની પૂજા બંધ કર્યા પછી શું થાય એ વિશે સમજાવતાં ડૉ. તીર્થંકર રોહડિયા કહે છે, ‘જ્યારથી જ્ઞાતિઓ આવી ત્યારથી કુળદેવીઓ આવી એમ માનીએ તો કોઈ ને કોઈ કારણસર જ્યારે કુળમાં કુળદેવીની પૂજા બંધ થઈ હોય કે તેમનાં નૈવેદ્ય ન થતાં હોય એવી પરિસ્થિતિ તો ઘણી વાર જન્મે છે, છતાં આજે પણ કુળદેવીઓની પરંપરા જળવાઈ રહી છે. એનું કારણ એ છે કે ધર્મગુરુઓના કહેવાથી કે બીજા કારણસર લોકો કુળદેવીને પધરાવી દે છે અને તેમની પૂજા-અર્ચના બંધ કરી દે છે, પછી તેના ૫૦-૧૦૦-૨૦૦ વર્ષ પછી ફરી કુળદેવી જાગ્રત થાય છે. કુળના કોઈ પણ વ્યક્તિના સપનામાં આવીને તેને કહે છે કે મારી સ્થાપના ફરીથી કર અને આમ આ પરંપરા જળવાઈ રહી છે.’
ઇષ્ટદેવ કે કુળદેવી?
જ્યારે વ્યક્તિ કોઈ સંપ્રદાય સાથે જોડાયેલી હોય, કોઈ એક ભગવાનને માનતી હોય ત્યારે તેમની સાથે કુળદેવીની પણ પૂજા એની સ્પિરિચ્યુઅલ જર્ની કે એની ભક્તિમાં નુકસાન કરે કે ફાયદો? એનો જવાબ આપતાં ઝીલ પટેલ કહે છે, ‘મૉડર્ન સમયે જો એમ માનવામાં આવે કે દરેક ભગવાન એક જ છે. અંતે આપણે એક હાયર એનર્જીને ભજીએ છીએ, એના શરણે જવાનું છે તો એ યોગ્ય વાત છે, પણ આ એનર્જીને માણસે જુદા-જુદા ફૉર્મમાં ઢાળી છે. હનુમાન, રામ, કૃષ્ણ કે માતાજી બધાં એક જ એનર્જીનાં જુદાં-જુદાં રૂપ છે. હવે, કુળદેવી છે એની સ્થાપના અને એનું કનેક્શન તમારાં જીન્સ સાથે છે. એ કુળ જેમાં તમે જન્મ લીધો એ કુળનાં જીન્સ સાથે એ સંકળાયેલી છે. એટલે જ્યારે તમે તેની આરાધના કરો છો ત્યારે તમને તમારી સાધનામાં મદદ મળે છે. લોકો કહે છે કે કુળદેવી હજારાહજૂર છે એનો અર્થ જ એ કે એ એનર્જી તમારા પર જલદી કામ કરે છે. આમ, ઉદાહરણ તરીકે તમે કૃષ્ણને ભજતા હો છતાં સાથે તમારાં કુળદેવી કનકાઈ માતાજી હોય તો તમે બન્નેની પૂજા-અર્ચના કે ભક્તિ સાથે કરી શકો છો. એ નડતરરૂપ નથી, ઊલટું, તમને એ તમારા માર્ગમાં આગળ વધવા માટે મદદરૂપ જ થશે.’
સામાજિક જરૂરિયાત
સૌરાષ્ટ્રમાં કુળદેવીની પરંપરા સંસ્કૃતિ સાથે એટલી જોડાયેલી છે કે એક રીતે જોવા જઈએ તો એ ધાર્મિક પરંપરા નહીં, પરંતુ સમાજિક પરંપરા પણ ગણી શકાય, કારણકે જૈન ધર્મમાં કુળદેવીની પૂજા નિષેધ છે, પરંતુ સૌરાષ્ટ્રના મોટા ભાગના જૈનોની પોતાની કુળદેવી હોય જ છે. તેમના મંદિરે તેઓ દર્શન કરવા જાય છે. નૈવેદ્ય પણ ધરે છે અને બાકીની પરંપરાને પણ અનુસરે છે. જેની પાછળ ઊંડો સાંસ્કૃતિક વારસો જ જવાબદાર ગણી શકાય. હિન્દુ ધર્મમાં ત્રિદેવ અને તેમની દેવીઓ છે, બીજા અઢળક દેવતાઓ છે છતાં સમાજ તરીકે કુળદેવી-પરંપરા કેમ શરૂ થઈ હશે? શું લોકોને આ દેવતા કે દેવીઓ ઓછાં પડતાં હશે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. રાઘવજી માધડ કહે છે, ‘માણસની માનસિકતા મુજબ આપણને દરેક વસ્તુને આપણી બનાવી લેવી હોય છે. જેને પર્સનલ ટચ પણ કહી શકાય. ત્રિદેવ અને દેવીઓ વ્યાપક છે. તેઓ બધાનાં છે. કુળદેવી એ વ્યાપક નથી. કુળદેવી માટે તે અમારી પોતાની છે જેવો ભાવ આવે છે. ઈશ્વર કે દૈવી તત્ત્વથી આ નિકટતાનો ભાવ, પોતાપણુંની જરૂરિયાત પૂરી કરવા જ કદાચ કુળદેવી પરંપરાની શરૂઆત થઈ હોય. જે લોકો કુળદેવીમાં ખૂબ શ્રદ્ધા રાખે છે તેમને બીજા દેવતાઓ કરતાં કુળદેવી સાથે વધુ નિકટતા અનુભવાય છે. આમ પણ આપણે એક સમાજ તરીકે ભગવાનને મોટા ભાગે એક ટેકણ સ્વરૂપે લઈએ છીએ. જે કામ આપણાથી ન થાય એ કામ ભગવાન ભરોસે છોડી દઈએ છીએ. આ ટેકણ જેટલું વધુ નજીકનું એટલું એ સબળ હોઈ શકે એમ સમજી શકાય.’
કેમ ચારણના ઘરે જન્મે દેવીઓ
લોકસાહિત્યમાં જણાવ્યા અનુસાર ચારણ જ્ઞાતિમાં આજ સુધી ૯ લાખ દેવીઓએ જન્મ લીધો છે. ખોડિયાર માતાજી અને તેમની બહેનો તો કુળદેવીઓ છે જ, પરંતુ તેમના સિવાય પણ મોગલ, સોનલ, નાગબાઈ, શેણબાઈ જેવી અનેક સ્ત્રીઓએ દેવી સ્વરૂપે ચારણ સમાજમાં જન્મ લીધો છે, પરંતુ માતાજીઓ કેમ આ જ જ્ઞાતિમાં જન્મે છે? આનો જવાબ આપતાં ડૉ. તીર્થંકર રોહડિયા કહે છે, ‘આ બાબતે એક લોકકથા છે. પૃથુરાજે પૃથ્વી વસાવી ત્યારે તેઓ શિવજી પાસે ગયા. ચારણો એ સમયે શિવજીના અષ્ટગણમાંનાં એક હતાં. પૃથુરાજે શિવજી પાસે સંસ્કૃતિ, સાહિત્ય અને સંસ્કારના જતન માટે ચારણોની માગણી કરી. શિવજીએ આ માગણી સ્વીકારી લીધી, પરંતુ ચારણોને શિવજીને છોડીને જવું નહોતું. ચારણો પહેલેથી શક્તિને ભજતાં. તેઓ પાર્વતી પાસે જાય છે અને કહે છે કે માતા, અમને પૃથ્વી પર નથી જવું. માતા કહે છે કે આ તો ભગવાનનો આદેશ છે. આ બાબતે હવે હું કાંઈ ન કરી શકું. ત્યારે ચારણો ભાવુક થઈને કહે છે કે અમને તમારાં દર્શન કરવાં હોય, તમને મળવું હોય તો અમે શું કરીશું? ત્યારે માતા તેમને આશીર્વાદ આપે છે કે થોડા-થોડા સમયે હું તમારે ત્યાં જન્મ લેતી રહીશ. આમ, આ કથા અનુસાર સમયાંતરે પાર્વતી મા તેમને ત્યાં જન્મ લીધા કરે છે.’
તો શું આજની તારીખે પણ ચારણ સમાજમાં દેવી જન્મ લે છે? આનો જવાબ આપતાં ડૉ. તીર્થંકર રોહડિયા કહે છે, ‘હા, આજે પણ આ સમાજમાં માતાજી જન્મ લે છે. એ જન્મે જ માતાજી હોય છે એટલે તેમની પૂજા જન્મથી કરવામાં આવે છે. તેમની પાસે એ દિવ્યતા હોય છે. તેઓ લગ્ન નથી કરતાં. આ દેવીઓ સમાજ સુધારણાનાં કાર્યો પણ કરી રહી છે.’
કેમ દેવીના મંદિરે જ આવે માતા?
માતા આવવી કે માતા ચડવી જેવી વાતોને સાયન્સ તો સાયકોલૉજિકલ તકલીફ ગણે છે, જ્યારે અમુક લેભાગુ તાંત્રિકો આ બાબતે ભોળી પ્રજાને લૂંટતા જોવા મળે છે. જો એ સાયકોલૉજિકલ પ્રૉબ્લેમ હોય તો કેમ ફક્ત માતાના મંદિરે કે મઢે જ લોકોને માતા આવે છે? કેમ કોઈ કૃષ્ણમંદિરે કે રામમંદિરે કે કોઈ દેરાસરે લોકોની માનસિક હાલત બગડતી નથી? એનું શું કારણ? આ વાત સમજાવતાં ઝીલ પટેલ કહે છે, ‘ભલે ભગવાન બધા એક છે, પણ મંદિરો બધાં એક નથી. મંદિરોમાં અને એની શક્તિઓમાં ઘણો ફરક હોય છે. જો તમે સાધક ન હો તો પણ દરેક મંદિરનાં વાઇબ્રેશન કે એનર્જી કેટલી એકબીજાથી જુદી છે એ સમજી શકો. એક શિવમંદિરની અને એક કૃષ્ણમંદિરની એનર્જી જુદી હોય છે. એક માતાના મંદિરની અને એક સાંઈના મંદિરની એનર્જી જુદી હોય છે, કારણ કે પ્રાણપ્રતિષ્ઠા કરતી વખતે એ મૂર્તિની નીચે યંત્ર રાખવામાં આવે છે. એ યંત્રમાં એનર્જી હોય છે. અમુક અતિસંવેદનશીલ વ્યક્તિઓના આજ્ઞાચક્ર પર આ એનર્જી કામ કરી જાય છે અને એટલે માતા આવે છે. આ બાબતને કેટલાક તાંત્રિક લોકો ખોટી રીતે લે છે અને લોકોને ડરાવે છે. હકીકતમાં એમાં ડરવાનું નથી હોતું. આપણે ત્યાં આ ખૂબ સહજ બાબતો છે. એને સમજીને સ્વીકારવાની હોય છે.’