Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > કૃષ્ણ અને ધી આર્ટ ઑફ ડિટૅચમેન્ટ

કૃષ્ણ અને ધી આર્ટ ઑફ ડિટૅચમેન્ટ

17 September, 2023 01:30 PM IST | Mumbai
Dr. Nimit Oza | feedbackgmd@mid-day.com

આમ તો પંદર દિવસ પહેલાં આ વિષય પર વાત કરવી હતી, પણ પછી નક્કી કર્યું કે વાત કૃષ્ણ-જન્મોત્સવ સાથે જોડાઈ જાય એના કરતાં ઉત્તમ કે આ વિષય પર થોડી મોડી વાત કરવી

પ્રતીકાત્મક તસવીર

ધ લિટરેચર લાઉન્જ

પ્રતીકાત્મક તસવીર


લગાવ. આસક્તિ. માયા કે અનુરાગ. આપણે એને ગમે તે નામ આપીએ, હકીકત એ છે કે અટૅચમેન્ટ આપણાં સર્વ દુ:ખોનું મૂળ છે. જિંદગી જીવવાની મૅન્યુઅલ કહી શકાય એવાં તમામ પુસ્તકો, ધર્મગ્રંથો કે આધ્યાત્મિક સંપ્રદાય અંતે તો એક જ વાત છે, ‘અનાસક્તિ ભાવ.’ એ બુદ્ધનો ઉપદેશ હોય કે લાઓત્સેએ લખેલું ‘તાઓ-તે-ચિંગ’ cmi, માર્ક્સ ઓરેલિયસે લખેલું ‘મેડિટેશન્સ’ હોય કે એપિક્ટેટસનું ‘Enchiridion – એનકાઇરિડિયોન’ હોય, દરેક ફિલોસૉફી કે આધ્યાત્મિક વિચારધારા છેવટે તો આ ‘ડિટૅચમેન્ટ’ નામના પ્રયાગસ્થળ પર જ સંગમ પામતી હોય છે. સવાલ એ છે કે આ ડિટૅચમેન્ટ વિશે કોની પાસેથી અધિકૃત માહિતી મળે?


જવાબ છે : જગતના સૌથી મોટા ફિલોસૉફર, પ્રેમી, પથદર્શક, મિત્ર, સારથિ અને આપણા પોતાના ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી.



ડિટૅચમેન્ટ એટલે શું? દુન્યવી ચીજોનો ત્યાગ કરીને ક્યાંક એકાંતવાસમાં ચાલ્યા જવું? સાંસારિક જીવન છોડીને સાધુ કે સંન્યાસી બની જવું? પ્રિયજનો, મિત્રો અને કુટુંબીજનો પ્રત્યેની માયા સંકેલીને લાગણીવિહીન બની જવું? લોકોને પ્રેમ કરવાને બદલે તેમના તરફનો લગાવ સંકોરી લઈને શું આ જગતથી વિમુખ થઈ જવું?


જવાબ છે ના. ડિટૅચમેન્ટ એટલે આમાંનું કશું જ નહીં.

આ પૃથ્વી પર અવતાર લઈને જ્યાં ખુદ કૃષ્ણ આટલું બધું ઇવેન્ટફુલ જીવ્યા હોય તેઓ આપણને સંન્યાસ લેવાની સલાહ શું કામ આપે? અનાસક્તિ એટલે વૈરાગ્ય નહીં. અનાસક્તિ એટલે નૉન-અટૅચમેન્ટ. કશુંક ભોગવવું અને છતાંય એના પ્રત્યેનો મોહ ન રાખવો, કોઈને પ્રેમ કરવો અને છતાંય એને પામવાની ઇચ્છા ન રાખવી. ટૂંકમાં, આપણા જીવનમાં પ્રવેશની દરેક વસ્તુ, વ્યક્તિ, લાગણી, પરિસ્થિતિ કે મનોભાવ સાથે તટસ્થતાપૂર્વકનું તાદાત્મ્ય રાખવું, એક ‘એસ્થેટિક ડિસ્ટન્સ’ જાળવવું. આ જગતની મોટા ભાગની સમસ્યાઓનો એકમાત્ર ઉપાય અંતર છે.


મારા જીવનમાં આવેલા આધ્યાત્મિક સંકટ દરમિયાન જે વાક્યે મને ઉગાર્યો એ જ વાક્ય તમારી સાથે શૅર કરું છું. Do not get identified by what you are not. જે આપણે નથી એવી બધી જ ઓળખ ખંખેરી નાખવાથી આ જગતનાં તમામ દુઃખ, પીડા અને યાતનાઓ ખરી પડે છે. એ વ્યક્તિ હોય કે વસ્તુ, શરીર હોય કે સંપત્તિ, પદવી હોય કે વ્યવસાય - જ્યાં સુધી આપણે પોતાની જાતને ચૈતન્ય સિવાય બીજા કશાયથી પણ ઓળખવાનો પ્રયત્ન કરીશું ત્યાં સુધી યાતના અનિવાર્ય છે.

ડિટૅચમેન્ટ એટલે કોઈ લાગણી, પરિસ્થિતિ, વ્યક્તિ કે વિચાર આપણા પર હાવી ન થાય કે આપણને નિયંત્રણ ન કરે એટલું અંતર રાખવાની અવસ્થા. એ પ્રેમ હોય કે પદાર્થ, આ જગતમાં આપણે એક પણ વસ્તુના માલિક નથી, ફક્ત ઉપભોક્તા છીએ. જે રીતે જન્મ અને મૃત્યુ જેવી ઘટનાઓ અનૈચ્છિક અને અનિયંત્રિત હોય છે એ જ રીતે આપણા જીવનના દરેક તબક્કે બનતી ઘટનાઓ પણ આપણા નિયંત્રણની બહાર હોય છે. એ પ્રિયજન હોય કે સુખ, આજે જે મળ્યું છે એ કોઈ પણ તબક્કે છીનવાઈ શકે છે એવી તૈયારી સાથે એને ચાહવાની આવડત એટલે અનાસક્તિ.

આપણી અંદર રહેલા ચૈતન્યના બીજ સિવાય એની આસપાસ વિકસેલું કશું જ આપણો હિસ્સો નથી અને આપણાથી પર છે એ સમજણ એટલે આત્મસાક્ષાત્કાર અને એ તબક્કા સુધી પહોંચવા માટેની લાંબી, કપરી અને જટિલ આધ્યાત્મિક મુસાફરીમાં જે પથદર્શક આપણી સતત સાથે રહે છે એ કૃષ્ણ છે. જીવનની દરેક નિરાશા અને નિષ્ફળતામાં સૌથી મોટી પ્રેરણા બની શકે એવો સંદેશ એટલે ભગવદ્ગીતા.

આપણી અંદર રહેલી કૉન્શિયસનેસ કે જીવનઊર્જાનું મુખ્ય કામ આ સુંદર પૃથ્વી પર એક સાક્ષી બનવાનું છે. એ અવેરનેસ એટલે અનાસક્તિ. એ વિચાર હોય, લાગણી કે વ્યક્તિ, જીવનમાં પ્રવેશેલા કશાયને પણ પકડી રાખવાની વૃત્તિ પીડાને આમંત્રણ આપે છે.

રેલવે-સ્ટેશન પર શાંતચિત્તે બેઠેલી આપણી ચેતના સામેથી અનેક રેલગાડીઓ પસાર થાય છે. જીવનના પ્લૅટફૉર્મ પર કેટલીક ગાડીઓ અનેક સમય માટે રોકાય છે તો કેટલીક વર્ષો સુધી. આપણી કૉન્શિયસનેસના સ્ટેશન પરથી વિદાય લેતી દરેક ટ્રેનને પૂરી સમજણ, સ્વીકૃતિ અને સ્વેચ્છાથી ગુડબાય કહેવાની કળા એટલે ડિટૅચમેન્ટ. આ કળા કેળવવા માટેની સૌથી પ્રાથમિક અને મહત્ત્વની જરૂરિયાત એટલે મેડિટેશન.

આપણે સ્થાયી થઈએ છીએ એ જ ક્ષણે આપણી આસપાસ પથરાયેલી જાત સિવાયની તમામ ક્ષણભંગુર અને અલ્પજીવી બાબતો પ્રત્યે સભાન બનીએ છીએ. એ સભાનતા જ પરમતત્ત્વ સુધી પહોંચવામાં મદદ કરે છે. મનમાં ઉદ્ભવતા વિચારો કે લાગણીઓ આપણને કોઈ પણ જાતની હાનિ પહોંચાડ્યા વગર આપણા ચૈતન્યના કાંઠેથી પસાર થઈ જાય છે. જરૂર હોય છે માત્ર એમને ઑબ્ઝર્વ કરવાની. એ સારી હોય કે ખરાબ, દરેક લાગણી છેવટે તો આપણા માનસ પરથી પસાર થઈ જ જશે એવી પરિપક્વતા એટલે અનાસક્તિ.

રાધાને અનહદ પ્રેમ કરવો અને છતાં તેને પામવા કે મળવા માટે પાછા ન ફરવું એ હતું પ્રેમ પ્રત્યેનું ડિટૅચમેન્ટ. ફળની ચિંતા છોડીને ફક્ત કર્મ પર ધ્યાન આપવાની અર્જુનને આપેલી સલાહ એટલે પરિણામ પ્રત્યેનું ડિટૅચમેન્ટ. વૃંદાવન છોડ્યા પછી નંદ-યશોદા પાસે એક વાર પણ પાછા ફરવાને બદલે ધર્મના રસ્તે આગળ વધવું એ હતું પ્રિયજન પ્રત્યેનું ડિટૅચમેન્ટ.

આપણે એ જ ગુમાવી શકીએ જેને પકડી રાખવાનો પ્રયત્ન કરીએ. ડિટૅચમેન્ટને સૌથી સુંદર રીતે રજૂ કરતી એક ઝેન કહેવત છે - ‘જીવનની દરેક પરિસ્થિતિમાં તમારી સામે રહેલાં વૃક્ષોને યાદ રાખવાં’. કોઈ પણ જાતના આમંત્રણ વગર ડાળીઓ પર બેસતાં પંખીઓને વૃક્ષ આવકારે છે, એમને માળો બાંધવાની મંજૂરી આપે છે અને છતાં ક્યારેય એમને ઊડતાં અટકાવતાં નથી.

Whatsapp-channel Whatsapp-channel

17 September, 2023 01:30 PM IST | Mumbai | Dr. Nimit Oza

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK