એનું નામ છે કુમકુમાદિ ઑઇલ. જ્યારથી બ્યુટી માર્કેટમાં સીરમની બોલબાલા વધી છે ત્યારથી ઘણી આયુર્વેદિક ફાર્મસીઓ હવે એ બનાવતી થઈ ગઈ છે. ઘણા પેશન્ટ્સનો સવાલ હતો કે શું આ સ્કિન માટે સારું છે? તો ચાલો આજે જાણીએ હકીકત શું છે એ
પૌરાણિક વિઝડમ
ચહેરા પર ચમક અને કુમાશ લાવી દેશે આ આયુર્વેદિક તેલ
આયુર્વેદમાં સ્કિનની ચમક વધારવા માટે નહીં, પરંતુ ચહેરાની કાંતિ નિખારવા માટે ઘણા પ્રયોગો છે. અલબત્ત, એમાં બહારથી ચીજો લગાવીને ઇન્સ્ટન્ટ ગ્લોની ચપેટમાં આવવાને બદલે શરીરને અંદરથી શુદ્ધ અને સ્વસ્થ કરીને કુદરતી કાંતિને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, પણ ફાસ્ટમ ફાસ્ટ જિંદગીમાં હવે ઇન્સ્ટન્ટ રિઝલ્ટની બોલબાલા વધી ગઈ છે એ તો સ્વીકારવું જ પડશે. મિડલ-એજ મહિલા પેશન્ટ્સ તરફથી વારંવાર પુછાતું આવ્યું છે કે ચહેરા પર લગાવવા માટે આવતા કુમકુમાદિ તેલમાં શું ખરેખર આયુર્વેદિક હર્બ્સ હોય છે? એ વપરાય કે નહીં? કેટલાકે જાત પ્રયોગ કર્યા એમાંથી અમુકને ફાયદો થયો ને અમુકની તકલીફ વધી. આ બધું જોઈને મને લાગે છે કે આજે આ વાત કરીશું તો ઘણી બહેનોને ફાયદો થશે.
આ તેલ છે શું? | સૌથી પહેલાં તો જોઈએ કે આ તેલ વર્ણ્ય હર્બ્સના એક્સ્ટ્રૅક્ટનું મિશ્રણ છે. એમાં તેલનો બેઝ એટલા માટે લેવામાં આવ્યો છે જેથી એ ચહેરાની કોમળ ત્વચાની અંદર સહેલાઈથી ઊતરી જઈ શકે. આ તેલ મુખ્યત્વે કેસરમાંથી બને છે. આ તેલ વિશે આયુર્વેદના અષ્ટાંગ હૃદય ગ્રંથમાં ઉલ્લેખ છે. એ મુજબ કેસર ઉપરાંત પણ એમાં શ્વેતચંદન, દારુ હરિદ્રા, જેઠીમધ, રક્તચંદન, મંજિષ્ઠા, નીલકંદ જેવાં દ્રવ્યો છે અને રોઝવૉટર અને તલના તેલની અંદર એની ભાવના આપીને બનાવવામાં આવે છે. કુમકુમાદિ તેલમાં વપરાતાં તમામ દ્રવ્યો કાં તો ત્વચાને ચોખ્ખી કરીને વાન ઉઘાડનારાં છે કાં પછી ત્વચાને પોષણ આપનારાં છે. આયુર્વેદમાં આઇડિયલી આ તેલ બનાવતી વખતે બકરીના દૂધનો પણ ઉપયોગ થાય છે. અલબત્ત, હાલમાં બનાવતી ફાર્મસીઓમાં આ તેલ બનાવતી વખતે આયુર્વેદના કેટલા સિદ્ધાંતોનું ધ્યાન રાખવામાં આવ્યું હશે એ સંશોધનનો વિષય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : કેમ વડીલોને જ વધુ કબજિયાત થાય છે?
કેવા ફાયદાની અપેક્ષા? | જો શાસ્ત્રોક્ત વિધિથી કુમકુમાદિ તેલ બનાવાયું હોય તો એનાથી ત્વચા પરના ડાઘા દૂર થઈ શકે છે. સ્કિન-ટોન અનઈવન હોય તો એ એકસરખો થઈ શકે છે.
પિગ્મેન્ટેશનની શરૂઆત હોય તો કાબૂમાં આવી શકે છે. ચહેરાના ત્વચાના કોષો રીજનરેટ થવાનું પ્રમાણ સુધરતાં ચહેરા પર કુમાશ આવે છે. ત્વચા પર એજિંગની સાઇન રૂપે કરચલીઓ પડવાનું શરૂ થયું હોય તો એમાં પણ આ તેલના નિયમિત ઉપયોગથી ફાયદો થઈ શકે છે.
કઈ રીતે વાપરવું? | આમ તો આ તેલ તમામ સ્કિન ટાઇપના લોકોને અનુકૂળ આવે એવું છે, પણ જો ઓવરઑઇલી સ્કિન હોય તો ધ્યાન રાખવું જરૂરી છે. વધુ ઑઇલી ત્વચા હોય તો દિવસે એનો વપરાશ કરવાનું ટાળવું. રાતે સૂતાં પહેલાં ચહેરાને ધોઈને બરાબર કોરો કરી લેવો. બેથી ત્રણ ટીપાં તેલના લઈને હથેળીમાં મસળીને પછી એ હાથથી ચહેરા પર મસાજ કરવો. ચહેરા અને ગળાના ભાગમાં ઈવનલી એ તેલ લગાવવું. ચારથી પાંચ મિનિટ મસાજ કરવાથી તેલ અંદર ઊતરશે અને ત્વચા પરનું ઍક્સેસ ઑઇલ દેખાતું બંધ થશે. ડ્રાય અને ડૅમેજ્ડ સ્કિન હોય તો આખી રાત આ તેલ રહે તો સરસ રિઝલ્ટ આપે છે, પણ જો તમારી ઑઇલી સ્કિન હોય તો આ તેલ મસાજ કર્યા પછી બે-ત્રણ કલાક બાદ ધોઈ નાખવું જરૂરી છે.
ચહેરા પર પોર્સ હોય તો કુમકુમાદિ તેલનો બાફ પણ લઈ શકાય. વરાળ નીકળતા ગરમ પાણીમાં બે ટીપાં આ તેલ નાખીને એની સ્ટીમ ચહેરા પર લેવાથી પોર્સ ખૂલશે અને એની અંદર ભરાયેલો કચરો સાફ થશે.
ત્વચા પરના ડાઘા કે ટોન કરેક્શનમાં અસર દેખાય એ માટે લગભગ ત્રણેક મહિના લગાતાર પ્રયોગ જરૂરી છે.
ઉબટનમાં પણ વપરાય | ચણાના લોટમાં ચપટીક હળદર અને ચંદન મિક્સ કરીને ગુલાબ જળમાં પેસ્ટ બનાવવી અને એમાં આ તેલનાં બે ટીપાં નાખીને એ ઉબટનથી નાહવાથી આખા શરીરની ત્વચા મુલાયમ અને ઊજળી થાય છે.