ગયા અઠવાડિયે આપણે ગાંધીજીની મુંબઈની મુલાકાતો વિશેની વાત કરેલી. વકીલાત કરવાના આશયથી મુંબઈ આવ્યા એ વખતના તેમના અનુભવો જાણીએ. આ તેમની ‘મોહનદાસ’ તરીકેની છેલ્લી મુલાકાત હતી. એ પછી તેઓ જ્યારે આવ્યા ત્યારે ‘વીઆઇપી’ બની ચૂક્યા હતા
ચલ મન મુંબઈનગરી
૪ સપ્ટેમ્બર ૧૮૮૮ના સાંજે પાંચ વાગ્યે પી. ઍન્ડ ઓ. કંપનીની એસ. એસ. ક્લાઇડ નામની સ્ટીમરમાં વિલાયત જવા મોહનદાસે મુંબઈ છોડ્યું.
રાજકોટ ગયા પછી મોહનદાસ ગાંધીને ઘણાએ સલાહ આપેલી કે મુંબઈ જઈ વકીલાત કરવી જોઈએ. એટલે ટ્રેન રસ્તે ગાંધીજી ૧૮૯૧ના નવેમ્બરની ૧૫ તારીખે મુંબઈ આવ્યા અને બ્રીફ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા. એ વખતે તેઓ ગિરગામ વિસ્તારમાં ઘર ભાડે રાખીને રહેલા અને રસોઈ માટે રવિશંકર નામનો રસોઇઓ રાખેલો. થોડા વખત પછી મમીબાઈનો કેસ મળ્યો. બ્રીફ્ના ૩૦ રૂપિયા મળ્યા. આ કેસ સ્મૉલ કૉઝ કોર્ટમાં ચાલવાનો હતો. ધોબી તળાવથી ક્રૉફર્ડ માર્કેટ જતા રસ્તા પર આવેલી આ કોર્ટમાં એ વખતે ૨૫ હજાર રૂપિયા કરતાં ઓછી રકમના સિવિલ કેસ ચાલતા. સાક્ષીની ઊલટતપાસ કરવા બૅરિસ્ટર મોહનદાસ ગાંધી ઊભા થયા. ‘પણ પગ ધ્રૂજે, માથું ફરે. મને લાગે કે કોર્ટ ફરે છે. સવાલ પૂછવાનું સૂઝે જ નહીં. જજ હસ્યો હશે. વકીલોને તો ગમ્મત પડી જ હશે... હું નાઠો.’ આ કિસ્સો બૉમ્બે હાઈ કોર્ટમાં બનેલો એમ કેટલાક લખે છે. મોહનદાસ નિયમિત રીતે બૉમ્બે હાઈ કોર્ટમાં જતા ખરા પણ ત્યાં તેમને એક પણ કેસ મળ્યો નહોતો. મમીબાઈનો કેસ સ્મૉલ કૉઝ કોર્ટમાં જ ચાલ્યો હતો, બૉમ્બે હાઈ કોર્ટમાં નહીં.
ADVERTISEMENT
મોહનદાસ ગાંધી
એક સ્કૂલમાં અંગ્રેજીના શિક્ષકની જગ્યા માટે અરજી કરી. ઇન્ટરવ્યુ આપવા ગયા. પણ મોહનદાસ ગ્રૅજ્યુએટ નહોતા એટલે એ નોકરી મળી નહીં. આ વખતના મુંબઈના વસવાટ વિશે તેઓ લખે છે : ‘ગિરગામમાં મકાન હતું છતાં હું જવલ્લે જ ગાડીભાડું ખરચતો. ટ્રામમાં પણ ભાગ્યે જ બેસતો. ગિરગામથી ઘણે ભાગે નિયમસર ચાલીને જતો. એમાં ખાસી ૪૫ મિનિટ લાગતી. ને ઘેર પાછો તો અચૂક ચાલીને જ આવતો. દિવસના તડકો લાગે એ સહન કરવાની શક્તિ મેં કેળવી લીધી હતી.’ છએક મહિના પછી મોહનદાસે રાજકોટ જવાનું નક્કી કર્યું અને ૧૮૯૨ના સપ્ટેમ્બરની ૧૫મીએ રાજકોટ પાછા ગયા.
વિલાયત જઈને બૅરિસ્ટર થયા હતા છતાં મોહનદાસની વકીલાત ન મુંબઈમાં જામી, ન રાજકોટમાં જામી. ત્યાં અણધારી રીતે છેક દક્ષિણ આફ્રિકાથી એક ઑફર ભાઈ મારફત આવી. દાદા અબદુલ્લા મૂળ પોરબંદરના. દક્ષિણ આફ્રિકામાં બહોળો ધંધો.
મોહનદાસ ગાંધીના નિકટના મિત્ર ડૉ. પ્રાણજીવન મહેતા
તેમની પેઢીની ત્રાન્સવાલ, નાતાલ અને પોર્ટુગીઝ ઈસ્ટ આફ્રિકામાં પંદર શાખા હતી; જે અનેક ચીજવસ્તુનો વેપાર કરતી. દક્ષિણ આફ્રિકામાં પોતાની માલિકીનાં વહાણ ધરાવનારી આ પહેલી હિન્દી પેઢી હતી. એ કંપનીના ચાલી રહેલા એક કોર્ટકેસમાં મદદ કરવા દક્ષિણ આફ્રિકા આવવા એ પેઢીએ આમંત્રણ આપ્યું. દાદા અબદુલ્લાના ભાઈ શેઠ અબ્દુલ કરીમ ઝવેરી સાથે મુલાકાત ગોઠવાઈ. આવવા-જવાનું સ્ટીમરનું ફર્સ્ટ ક્લાસનું ભાડું, રહેવાનો અને ખાધાખોરાકીનો ખર્ચ અને ૧૦૫ પાઉન્ડનો પગાર. એ વખતે મોહનદાસને કહેવાયેલું કે ‘તમારું કામ એક વર્ષથી વધારે નહીં પડે.’ મોહનદાસ સમજતા હતા કે આ કાંઈ વકીલાતનું કામ નથી, નોકરી છે. છતાં જવા તૈયાર થયા અને ૧૮૯૩ના એપ્રિલની ૨૨મીએ રાજકોટથી મુંબઈ આવવા નીકળ્યા.
૨૪મી એપ્રિલે એસ. એસ. સફારી નામની સ્ટીમર દ્વારા મુંબઈથી દક્ષિણ આફ્રિકા જવા નીકળ્યા.
મોહનદાસ તરીકેની તેમની મુંબઈની આ છેલ્લી મુલાકાત. એકાદ વરસ માટે ગયેલા મોહનદાસ લગભગ ૨૧ વરસ સુધી દક્ષિણ આફ્રિકામાં રહ્યા. ત્યાંના રાજકારણમાં, જાહેર જીવનમાં અને બીજી અનેક પ્રવૃત્તિઓમાં પડ્યા. જેલમાં પણ ગયા. અને છેવટે ૧૯૧૫ના જાન્યુઆરીની નવમી તારીખે તેઓ મુંબઈ પાછા ફર્યા. પણ ત્યારે ‘મોહનદાસ’ નહીં, આજની ભાષામાં કહીએ તો એક ‘વીઆઇપી’ તરીકે મુંબઈ આવ્યા હતા. પણ એની વાત હવે પછી.