ટ્વેલ્થની પરીક્ષા આપવાનું માંડી વાળીને પપ્પાના ગિફ્ટના બિઝનેસમાં જોડાયેલા જયેશ ગાલા ચલણી નોટોના કલેક્શનમાં એવા ઊંડા ડૂબ્યા કે તેમણે કાગજી મુદ્રાના નિષ્ણાત બનીને એને લગતાં પુસ્તકો લખી નાખ્યાં અને માનદ ડૉક્ટરેટ પણ પામ્યા.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર શશિકાન્ત દાસ સાથે જયેશ ગાલા.
ટ્વેલ્થ ફેલ હીરોઝ આજકાલ ચર્ચામાં છે ત્યારે વરલીમાં રહેતા ડૉ. જયેશ ગાલાની જિંદગી પણ કંઈક આવી જ છે. ટ્વેલ્થની પરીક્ષા આપવાનું માંડી વાળીને પપ્પાના ગિફ્ટના બિઝનેસમાં જોડાયેલા જયેશ ગાલા ચલણી નોટોના કલેક્શનમાં એવા ઊંડા ડૂબ્યા કે તેમણે કાગજી મુદ્રાના નિષ્ણાત બનીને એને લગતાં પુસ્તકો લખી નાખ્યાં અને માનદ ડૉક્ટરેટ પણ પામ્યા. જીવનમાં અનેક ચડતીપડતી જોઈને જાતઅનુભવે આ જ્ઞાન હાંસલ કરવાની તેમની કથા પ્રેરણાદાયી છે.
થોડા સમય પહેલાં આવેલી ‘12th ફેલ’ના મનોજ શર્માની વાત હોય કે કાયમ જેમના દાખલા દેવાય છે એવા કૉલેજ ડ્રૉપ આઉટ અતિધનાઢ્ય માઇક્રોસૉફ્ટના બિલ ગેટ્સની વાત હોય, સ્કૂલની પરીક્ષાઓમાં નાપાસ થનાર લોકો માટે પ્રેરણાસ્રોત બની ચૂક્યા છે. ધગશ હોય તો લોકો શું ન કરી શકે? જેમને જ્ઞાન મેળવવું જ છે તેમને કોઈ પણ ઉંમર રોકી નથી શકતી. આવું જ જીવન જીવ્યા છે વરલીમાં રહેતા પંચાવન વર્ષના ડૉ. જયેશ ગાલા.
ADVERTISEMENT
નવ-દસ વર્ષની ઉંમરથી જ પપ્પાના નૉવેલ્ટી આઇટમના બિઝનેસમાં કામ કરતા થઈ ગયેલા જયેશભાઈ બિઝનેસમાં એવા ખૂંપી ગયેલા કે બારમાની પરીક્ષા આપવાનોય સમય ન રહ્યો. જોકે પારિવારિક ધંધાની સાથે તેમણે પોતાની સમજ મુજબ સિક્કાઓ અને ચલણી નોટો એકઠી કરવાનું શરૂ કર્યું ત્યારે તેમને ખબર પણ નહોતી કે એક નવી જ કરીઅર તેમની રાહ જોઈ રહી છે. જે જમાનામાં ઇન્ટરનેટ એટલું હાથવગું નહોતું ત્યારે તેમણે પ્રદર્શનો અને નિષ્ણાતો પાસેથી ચલણી નોટોના કલેક્શનની આંટીઘૂંટીઓને સમજીને એ જ્ઞાનને પુસ્તકરૂપે પ્રકાશિત કરવા સુધીની યાત્રા કરી. આ અભ્યાસ એટલો કામનો પુરવાર થયો કે મહારાષ્ટ્ર રાજ્ય તરફથી તેમને ‘મહારાષ્ટ્ર રત્ન’ અને ‘રાષ્ટ્રીય અભિમાન પુરસ્કાર’ એનાયત થયો અને સાથે ઑનરરી ડૉક્ટરેટની પદવીનું સન્માન પણ. જયેશભાઈની જિંદગી પરથી જાણીએ કે ચલણી મુદ્રાના કલેક્શન (નોટાફિલી) જેવો અનોખો શોખ જીવનમાં કેવો રંગ લાવે છે.
એક સિક્કાથી થઈ શરૂઆત
જયેશ ગાલા પોતાના નોટ પ્રત્યેના પ્રેમનો પટારો ખોલતાં વાત માંડે છે, ‘પપ્પાની તબિયત ઠીક નહોતી એટલે નવ–દસ વર્ષથી જ પપ્પાના ગિફ્ટ નૉવેલ્ટી બિઝનેસમાં ધ્યાન આપતો. ત્યારે દુકાનમાં જે કોઈ નોટમાં કશુંક નવું કે નવાઈભર્યું લાગે એને મારી બચત કે કલેક્શનરૂપે ભેગું કરતો. ૧૯૮૬માં સુંદરબાઈ હૉલ ખાતે ચલણી નોટોનું જીવનનું પહેલું પ્રદર્શન જોયું તો અંજાઈ ગયો. આ પહેલાં મેં ક્યારેય કલેક્શનના નામે કશું ખરીદ્યું નહોતું. ત્યારે પહેલી વાર મારી પાસે હાજર પાંચ રૂપિયાનો અકબરી દામ લીધો. એ તાંબાનો સિક્કો હતો. પહેલાંના જમાનામાં કોઈ પણ સિક્કા પર નંબર ન જોવા મળતા, ફક્ત એના વજનથી જ નક્કી થતું કે એ એક પૈસો છે કે અડધો છે. દસેક ગ્રામ પર અડધો દામ થતો.’
કલેક્શન કરવાનું ક્લિક ક્યારે થયું?
અન્ય સંગ્રહકર્તાઓની જેમ જ જયેશભાઈ માટેય શરૂઆતમાં આ કામ સરળ નહોતું. આ વાત આગળ વધારતાં જયેશભાઈ કહે છે, ‘મેં એક-બે સિક્કા ખરીદ્યા એટલે ઘરના લોકોએ ટોકેલો કે આમાં પૈસા ન વેડફાય. ક્લેક્શન પર બ્રેક લાગી. ૨૦૦૬માં અલગ ન થયો ત્યાં સુધી બીજી કોઈ ખરીદી ન કરી. લગભગ વીસ વર્ષ માત્ર દુકાનમાં આવતી નોટ્સ અને સિક્કાઓનું કલેક્શન કર્યું. ૨૦૦૬માં પંચમઢી ફરવા ગયેલો ત્યાં એક ટ્રાઇબના લોકો અમુક ઍન્ટિક સિક્કા વેચતા હતા. આવી જગ્યાએથી લોકો બ્રિટિશના જમાનાના સિક્કા ખરીદે. ઘણી વાર વસ્તુઓ જૂની હોવા છતાંય એની કિંમત નથી હોતી, કારણ કે લોકોને એનું મૂલ્ય જ ખબર નથી હોતું. એ માણસ સાથે વાતોએ વળગ્યો ત્યારે મારો રસ જોઈ તેણે મને ઔરંગઝેબના સિક્કા એવું કહીને બતાવ્યા કે તેની પાસેથી સૌ બ્રિટિશ સિક્કા જ લે છે, આ માલ તેને માથે પડ્યો છે. તેને વધુ ખ્યાલ નહોતો એટલે એ સિક્કા નકલી હોવાનું લોકોને લાગતું. મેં એ સિક્કા ૨૦૦ રૂપિયામાં લીધેલા. એનો અભ્યાસ કરતાં સમજાયું કે આવા પચાસ હજારથી વધુ સિક્કાઓની વરાઇટી જોવા મળે છે.’
કલેક્શન અને સ્ટૉક
જેમ-જેમ આ વિશે વધુ જાણતો થયો એમ મને સમજાયું કે મારી પાસે જે હતું એ સ્ટૉક હતો, કલેક્શન નહીં એવું જણાવી જયેશભાઈ કહે છે, ‘ભારતીય એક રૂપિયાની નોટની જ અત્યાર સુધી ૬૫ વરાઇટી જોવા મળે છે. આ રેન્જ એક રૂપિયાની નોટનું કલેક્શન કહી શકાય. રસપ્રદ વાત એ છે કે એક રૂપિયાની નોટ આપણી એકમાત્ર કરન્સી નોટ છે જેના પર ‘ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા’ લખેલું હોય છે, બાકી બધી નોટ્સ ‘પ્રૉમિસરી નોટ્સ’ છે. એટલે કે એના પર ‘આઇ પ્રૉમિસ ટુ પે ધ બૅરિયર રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા’ લખેલું હોય છે. મારી પાસે ચાલીસ હજાર નોટ્સના સ્ટૉકમાં કલેક્ટેબલ નોટ્સ ખરેખર ૩૯ જ નીકળી.’
તકલીફોમાં આવી તક
૨૦૦૮માં મારી આર્થિક સ્થિતિ ખરાબ થવાથી અમુક કલેક્શન વેચવા કાઢેલું. કલેક્શન વેચવાના કડવા અનુભવ વિશે જયેશભાઈ કહે છે, ‘જે નોટના મેં બે હજાર ચૂકવેલા એના કોઈ પાંચસોય આપવા તૈયાર નહોતું. એ કાનપુર સર્કલની ૧૦૦ રૂપિયાની નોટ હતી (પ્રીફિક્સ - u). અંતે એક પ્રદર્શનમાં એક જાણકાર ભાઈને નોટ વિશે સમજાવતાં તેમને એની અગત્ય સમજાઈ તો તેમણે એ ચાર હજાર રૂપિયામાં ખરીદી. મને ત્યારે એટલું સમજાયું કે શોખીન અને જાણકાર લોકો જ એની વૅલ્યુ સમજી પૈસા ખર્ચે છે, બાકીના માટે એનું કોઈ મૂલ્ય નથી. હું સાચા ટ્રૅક પર હતો. નોટાફિલી કલેક્શનને એક બિઝનેસ તરીકે જોવાનું વિચારબીજ કદાચ આવા અનુભવોથી આવેલું છે. એ જમાનામાં ઇન્ટરનેટની સુવિધા સાઇબર કૅફેથી લેવી પડતી ત્યારે કોઈ પણ વસ્તુનો અભ્યાસ સરળ નહોતો. નોટાફિલી એવો શોખ છે જેનાં પુસ્તકો જલ્દી મળતાં નથી અને મળે છે એ બહુ જ મોંઘાં હોય છે. હું બૅન્કમાંથી બે હજારની નોટના છૂટા લઈ આવતો. એમાં કલેક્ટેબલ નોટ તારવીને અલગ કરતો. એમાં શું વિશેષ છે એની નોટબુકમાં નોંધ કરું. આ સિવાય બસ ડેપો જઈને ત્યાંથી નોટ્સ ભેગી કરું ને એમાંથી પણ કલેક્ટેબલ નોટ્સના આંકડાઓ નોંધું. મારા નાનાએ મને ‘સ્ટાન્ડર્ડ ગાઇડ ટુ સાઉથ એશિયન કૉઇન્સ ઍન્ડ પેપર મની’ નામનું એક પુસ્તક ભેટમાં આપ્યું હતું, જેમાં કરન્સી કૅટેગરાઇઝેશનની ઊંડાણમાં સમજ હતી. એક પ્રદર્શનમાં શ્રી કિશોર ઝુનઝુનવાલા સાથે પરિચયમાં આવ્યો જેમને મારું ફૅન્સી નોટ્સનું કલેક્શન અને અભ્યાસ એટલાં ગમ્યાં કે તેમણે મને બુક લખવા સુઝાવ આપ્યો એટલું જ નહીં, તેમના પુસ્તકમાં સહલેખક બનવાનો મોકો મળ્યો. સહલેખન મારા જીવનનો ટર્નિંગ પૉઇન્ટ હતો. એ દરમિયાન હું યાદગાર તારીખો, ઍનિવર્સરી, હિસ્ટોરિક ઇવેન્ટ્સ, લકી નંબર્સ, ફેથ નંબર્સ વગેરેના ઊંડા પરિચયમાં આવ્યો જે મારા આગામી પુસ્તકમાં પણ મહત્ત્વનાં બની રહ્યાં.’
ટર્નિંગ પૉઇન્ટ
આવા નોખા પુસ્તકનો પ્રતિસાદ નોખો જ હોય એવું જણાવતાં જયેશભાઈ કહે છે, ‘મારું પુસ્તક છેક અમેરિકા સુધી ગયું અને લોકોએ બિરદાવ્યું. આ પછી ‘ફૅન્સી નંબર્સ પાવર ઍન્ડ મિસ્ટિક’ નામનું મારું ઇન્ડિવિડ્યુઅલ પુસ્તક ૨૦૧૨માં કર્યું. એના રિસર્ચ દરમિયાન પ્રેસ્ટિજ ગ્રુપના કો-ફાઉન્ડર અને મૅનેજિંગ ડિરેક્ટર ડૉ. રિઝવાન રઝાકને મળ્યો, જેમણે નોટાફિલીના મારા પુસ્તકમાં મને ઘણી મદદ કરી. એ બહુ અભ્યાસુ અને અનુભવી નોટાફિલિસ્ટ પણ છે અને બૅન્ગલોરમાં તેમનું પ્રાઇવેટ બૅન્ક નોટ મ્યુઝિયમ છે. તેમના લીધે મારા પુસ્તકના લખાણમાં મને એક અલગ જ વેગ મળ્યો. અંતે મારા જન્મદિવસ (૧૨-૧૨-૧૨) જે એ વર્ષની રૅર તારીખ હતી ત્યારે પુણેમાં એનું ઉદ્ઘાટન કર્યું. આખા વિશ્વમાં નોટાફિલીનાં પુસ્તકોમાંનું આ એક અલગ જ પુસ્તક માનવામાં આવે છે અને કિંમત પણ પરવડે એવી છે.’
ને અંતે ડૉક્ટરેટ હાંસલ કર્યું
પુસ્તકોને નોટાફિલિસ્ટ સર્કલમાં સારોએવો પ્રતિસાદ મળતાં એની થીસિસ રજૂ કરી PhDની ડિગ્રી મેળવવાનો સુઝાવ તેમને લોકો પાસેથી મળ્યો. જોકે જયેશભાઈ કહે છે, ‘તપાસ કરતાં ખબર પડી કે એ માટે તો ગ્રૅજ્યુએશન કમ્પ્લીટ જોઈએ ને હું બારમી ડ્રૉપઆઉટ. ૪૨ વર્ષે ભણું તો ભણવા પર ધ્યાન આપું કે બિઝનેસ પર? વિચાર માંડી વાળ્યો. પણ ૨૦૨૨માં મહારાષ્ટ્રમાં ડૉ. શ્રીકાંત શિંદે ફાઉન્ડેશન દ્વારા લેવાયેલા ઇનિશ્યટિવમાં ‘ન્યુમિસ્મેટિક્સ’માં માનદ ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત થઈ.’
ચલણી નોટોના સંગ્રહમાં કરીઅર
આજના યુથને ગમા-અણગમાએ પણ ડૉક્ટર અને એન્જિનિયર બનવાની રેટ-રેસમાં હોમવામાં આવે છે ત્યારે નોટાફિલીને એક સ્વતંત્ર ધંધા તરીકે જોઈ શકાય. આ વિશે ભારપૂર્વક સમજાવતાં જયેશભાઈ કહે છે, ‘હું ૨૦૦૬થી આ જ ધંધામાં છું. દીકરા કુશલનેય આમાં એટલો રસ પડ્યો કે ટેક્નૉલૉજીમાં બૅચલર અને બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ કર્યા પછીય આ જ ધંધાને પોતાની મુખ્ય કરીઅર બનાવી છે. મારા કરતાંય એક સ્ટેપ આગળ વધીને તેણે કાલબાદેવીમાં અમારી ઑફિસ સંભાળવા ઉપરાંત ‘કલેક્ટિબલ્સ ખઝાના’ નામનું પ્લૅટફૉર્મ તથા ઍપ્લિકેશન ઊભાં કર્યાં છે જે ઑનલાઇન અને ઑફલાઇન લોકોને કલેક્શન ભેગું કરવા, કન્સલ્ટેશન આપવાનું કામ કરે છે. આ બિઝનેસમાં મોટા-મોટા ઇન્વેસ્ટર્સ અને કલેક્ટર્સ કાયમના ક્લાયન્ટ બની શકે છે. બર્થ-ડે, ઍનિવર્સરી જેવા કોઈ સારા પ્રસંગે ગિફ્ટ આપી શકાય એવું કલેક્શન પણ કરી શકાય. દસ રૂપિયાની નોટ ૫૦,૦૦૦માં વેચાય છે એવુંય બને છે. ટૂંકમાં એટલું કહીશ કે જે લોકો જાણે છે અને શોખીન છે તે તમારા કૉન્ટૅક્ટમાં આવ્યા વગર નહીં રહે. આજે ભારતમાં લગભગ વીસથી પચીસ હજાર લોકો જ આ બિઝનેસ કરે છે અને સારું કમાઈ લે છે.’
જયેશભાઈનું કલેક્શન - ફૅન્સી નંબર એટલે?
જે નોટ્સમાં એક જ રીતના કે એક સીક્વન્સમાં આંકડાઓ (જેમ કે 111111 કે 123456) આવે તો એને ‘ફૅન્સી નબંર’ કહે છે. પણ ફૅન્સી નોટ્સમાં આ સિવાય ઘણુંબધું છે.
સૉલિડ નંબર નોટ્સ
જ્યારે સિરિયલ નંબર પરના તમામ અંકો એક જ સમાન હોય. જેમ કે 11111 અથવા 22222 ત્યારે એને ‘સૉલિડ નંબર’ નોટ્સ કહે છે.
સુપર સૉલિડ નંબર નોટ્સ
પ્રીફિક્સ તેમ જ સિરિયલ નંબરમાં સમાન અંક હોય છે. જેમ કે ‘55 555555’ નંબર દર્શાવતી નોટ. આ નોટની ખાસિયત છે કે ૧૦ કરોડ નોટ્સમાંથી એકાદ આવી નોટ મળી આવશે.
અલ્ટિમેટ નોટ્સ
પ્રીફિક્સ અને સિરિયલ નંબરો જેવા જ દેખાય. જેમ કે જો ઇનસેટ લેટર અને પ્રીફિક્સમાં ‘B’ હોય તો એ નંબર ૮ જેવો દેખાય છે અને સિરિયલ નંબરમાં તમામ આઠનો સમાવેશ થતો હોય તો આવી નોટને ‘અલ્ટિમેટ નોટ’ કહેવાય.
ટ્વિન નોટ્સ
પ્રીફિક્સ, સિરિયલ નંબર અને ઇનસેટ લેટરની દૃષ્ટિએ પણ સમાન હોય. ડિઝાઇનમાં નાના-નાના તફાવત તથા છાપવામાં આવેલા વર્ષમાં ફરક હોઈ શકે.
રડાર નોટ્સ
ડાબેથી જમણે અથવા જમણેથી ડાબે વાંચો, સિક્યૉરિટી નંબરની કિંમત બિલકુલ બદલાતી નથી. આ પ્રકારની યુનિક નોટ્સને ‘રડાર નોટ્સ’ કહેવાય.
રોટેટર નોટ્સ
તમે ગમે તે રીતે નોટને ફેરવતા રહો, સિક્યૉરિટી નંબરની કિંમત બદલાતી નથી. આ પ્રકારની ખાસ નંબરવાળી નોટોને રોટેટર નોટ્સ કહેવાય છે. ભાગ્યે જ તમને આવી નોંધોની જોડી એકસાથે મળશે.
રડાર, રોટેટર, રિફ્લેક્ટની (એકમાં ૩) કૉમ્બિનેશન નોટ
આ ત્રણેયનું કૉમ્બિનેશન ફૅન્સી નોટનો રાજા ગણાય છે. એ બધા તર્કમાં બંધ બેસે. ઉદાહરણ તરીકે, જો પ્રીફિક્સ ‘B’ છે તો એ નંબર 8 જેવો દેખાય. સિક્યૉરિટી કોડ ‘80B 000808’ ડાબેથી જમણે વાંચી શકાય છે, એને ગમે તે રીતે ફેરવીએ કે મિરર ઇમેજ તરીકે જોઈએ, એનું મૂલ્ય બદલાતું નથી.
રિફલેક્ટ અથવા મિરર ઇમેજ નોટ્સ
બે નોટ્સનો એક સેટ જ્યારે એકબીજાને અડીને મૂકવામાં આવે ત્યારે સિક્યૉરિટી નંબરની મિરર ઇમેજ બનાવે છે. ઉદાહરણ તરીકે, જો એક નોટમાં સિક્યૉરિટી કોડ ?99M 000999’ હોય અને બીજીમાં ?66W 000666’ નંબર હોય. અરીસામાં તપાસતાં પણ આ ચકાસી શકાય.
પવિત્ર ફૅન્સી નંબર્સ
ઘણા સંગ્રાહકો 786 (બિસ્મિલ્લાહ હિર્રહમાન નિર્રહીમ), 214 (રામ), 541 (સાંઈ) નંબરને પવિત્ર માનતા હોવાથી એનું કલેક્શન કરે છે.
ડૉ. જયેશ ગાલાનાં પુસ્તકો
1) અ સ્ટાન્ડર્ડ ગાઇડ ટુ ઇન્ડિયન પેપર મની (૨૦૧૧માં પ્રકાશિત): ૧૯૪૭થી ૨૦૧૧ સુધી જારી કરાયેલી નોટોના પ્રકારો, વિવિધ હસ્તાક્ષરકર્તાઓ અને અંદાજિત બજાર મૂલ્યના વિશ્લેષણનું પુસ્તક છે.
2) ફૅન્સી નંબર્સ પાવર ઍન્ડ મિસ્ટિક (૨૦૧૨માં પ્રકાશિત): ફૅન્સી નંબર્સમાં રહેલા દરેક પ્રકારનાં સંભવિત સંયોજનો પરની જટિલ વિગતો દર્શાવતું આખા વિશ્વમાં આ રીતનું એકમાત્ર પુસ્તક છે.
3) રિપબ્લિક ઇન્ડિયાના પેપર મની (૧૯૪૭-૨૦૧૭): આ સંદર્ભ માર્ગદર્શિકા મૂળે તો ૨૦૧૧માં છપાયેલા પુસ્તકની સીક્વલ છે અને ૨૦૧૭ સુધીની વિગતો આવરી લે છે.

