સંયુક્ત રાષ્ટ્ર અને ખાદ્ય એવં કૃષિ સંગઠન દ્વારા ૨૦૨૩ના વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે જાણીએ ભારતના આ સુપરફૂડનો ઇતિહાસ અને એના ગુણો
મળો મિલેટ્સને
પ્રતીકાત્મક તસવીર
શિયાળાની સીઝનમાં બાજરીનો રોટલો અને ઓળો ખાવાની મજા જ કંઈક ઓર હોય છે, પણ આ વખતે બાજરીની વાત કરવાનો હેતુ કંઈક જુદો છે. સંયુક્ત રાષ્ટ્ર અને ખાદ્ય એવં કૃષિ સંગઠન દ્વારા ૨૦૨૩ના વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે જાણીએ ભારતના આ સુપરફૂડનો ઇતિહાસ અને એના ગુણો
બાજરીનાં વિવિધ નામો સંસ્કૃતમાં વર્જારી, ઉર્દૂમાં ફારી, તામિલમાં કુમ્બુ, તેલુગુમાં સજ્જા, આફ્રિકામાં મહાન્ગુ.
ADVERTISEMENT
૨૦૨૧માં ભારતે બાજરીને સ્માર્ટ અને સુપરફૂડ તરીકે કન્સિડર કરવામાં આવે એ બાબતે સંયુક્ત રાષ્ટ્રને પ્રસ્તાવ મોકલ્યો હતો. એ પ્રસ્તાવ પર અભ્યાસ કર્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર તેમ જ ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા ૨૦૨૩ના વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે ઊજવવાની જાહેરાત કરવામાં આવી છે અને આ આખા વર્ષની થીમ છે મિલેટ માઇન્ડફુલનેસ. મતલબ કે આ ધાન્યને ઓળખવું અને એના ભરપૂર ઉપયોગો, ગુણો અને ઉત્પાદનો વિશે જાણવું.
ભારત એક વૈવિધ્યસભર દેશ છે અને અહીં અનેક પ્રકારનાં અનાજ, ધાન્ય અને કડધાન્ય ઊગે છે એ બધામાંથી બાજરીની જ કેમ પસંદગી કરવામાં આવી એ સવાલ થાય એ સ્વાભાવિક છે. હજી ૧૦૦ વર્ષ પહેલાં સુધી બાજરી અને બાજરી જેવાં અન્ય મિલેટ્સ કુળનાં ધાન્ય જ ભારતનો મુખ્ય ખોરાક હતો. ઘઉં અને મેંદાનો વધુપડતો ઉપયોગ તો પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરને કારણે ભારતમાં થવાનું શરૂ થયું. હવે તો આપણે બાજરી, જુવાર, નાચણી, કોદરી જેવાં મિલેટ્સને ઇગ્નોર કરી રહ્યા છીએ ત્યારે ફરી એક વાર વિશ્વને આ ચીજોના સુપરગુણોથી વાકેફ કરવાનું બહુ જરૂરી થઈ ગયું છે.
ભારતમાં વિવિધ આબોહવાને અનુકૂળ આવે એ પ્રકારની મિલેટ્સ વપરાતી આવી છે અને એ બધામાં બાજરી સૌથી વધુ વપરાય છે. બાજરી લગભગ ૧૩૧ દેશોમાં ઉગાડવામાં આવે છે, પરંતુ ભારતની બરોબરી દૂર-દૂર સુધી કોઈ કરી શકે એમ નથી. આપણને લાગતું હશે કે બાજરી તો મુખ્યત્વે સૌરાષ્ટ્રનો ખોરાક છે, પણ ના, એવું જરાય નથી. એશિયા અને આફ્રિકામાં આશરે ૬૦ કરોડ લોકો માટે બાજરી તેમનો રોજિંદો ખોરાક છે. બાજરીનું ૧૭૦ લાખ ટનથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે જે એશિયાના કુલ ઉત્પાદનના ૮૦ ટકા બરાબર છે. હાલમાં ૨૦૨૩ને બાજરી વર્ષ ઘોષિત કરવા પાછળ બે કારણો છે. બાજરીના સુપરફૂડ તરીકેના ગુણો વિશ્વભરમાં પહોંચે અને બીજું, ભારત એનું સૌથી મોટું ઉત્પાદક છે ત્યારે બાજરી અને બાજરીની પ્રોડક્ટ્સનું મૂલ્ય વધે. કૃષિ ક્ષેત્રે પાકના રોટેશન તરીકે પણ બાજરીનો ઉપયોગ કરવામાં આવે તેમ જ એનું યોગ્ય પ્રોસેસિંગ અને વપરાશ યોગ્ય રીતે થાય એ પણ એક હેતુ ખરો.
યજુર્વેદમાં ઉલ્લેખ છે મિલેટ્સનો
બાજરીના સુપરફૂડ સમાન ગુણો તેમ જ પરંપરાગત ઉપયોગો વિશે વાત કરતાં પહેલાં જરાક જાણી લઈએ આ ધાન્યનો ઇતિહાસ. આ અનાજના પ્રારંભિક પુરાવા સિંધુ સંસ્કૃતિમાં મળી આવ્યા છે અને એ ખોરાક માટે ઊછરેલા પ્રથમ છોડમાંનો એક હતો. બાજરી માવજત વિના જંગલમાં પણ ઊગી નીકળી શકે છે, પરંતુ સિંધુ સંસ્કૃતિમાં બાજરીની ખેતી થતી હોવાના પુરાવાઓ પણ મળ્યા છે. બાજરી એવો પાક છે જે બહુ ઓછી માવજતે અને ઓછા પાણીએ ઊગી જાય છે અને એટલે જ રણપ્રદેશોમાં એનો પાક ખૂબ સારી માત્રામાં ઊતરે છે. ભારતમાં પહેલી વાર બાજરી ઈસવીસન પૂર્વે ૧૫૦૦ની આસપાસમાં ઉગાડવામાં આવી હોવાનો ઇતિહાસમાં ઉલ્લેખ જોવા મળે છે. જોકે આફ્રિકામાં તો એનાથીયે પહેલાં બાજરી ઊગતી હતી. ૪૫૦૦ વર્ષ પહેલાં આફ્રિકાના માલીમાં બાજરી ઊગતી હોવાનું મનાય છે. આફ્રિકાના જે પ્રદેશોની આબોહવા વધતેઓછે અંશે આપણા રાજસ્થાન જેવી છે ત્યાં બાજરી બહુ સારી ઊગે છે.
આયુર્વેદમાં બાજરીના ગુણ
પૌરાણિક શાસ્ત્ર આયુર્વેદના આહારશાસ્ત્રનો મહાગ્રંથ ગણાતા આર્યભિષક ગ્રંથમાં બાજરીના ગુણ કંઈક આ રીતે વર્ણવાયા છે. બાજરી ઉષ્ણ ગુણ ધરાવતી હોવાથી પિત્તવર્ધક અને કફનાશક છે. કફ ખોતરી નાખવાનો ગુણ ધણાવતી હોવાથી શિયાળામાં એનું સેવન છૂટથી કરવાનું કહેવાય છે. બાજરી પચવામાં ખૂબ હલકી છે અને ગરમ તાસીરને કારણે ઠંડા પ્રદેશોમાં તેમ જ ઠંડીની સીઝનમાં ખાવાથી શરીરને ઉષ્મા મળે છે. બાજરી ખૂબ બળપ્રદ છે એમ જણાવતાં આયુર્વેદ નિષ્ણાત ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘બાજરી બળ વધારે છે. દેશી બાજરી સુપાચ્ય છે. જે બાજરી સ્વાદમાં મીઠી લાગે એ દેશી છે. જે કડછો સ્વાદ ધરાવતી હોય એવી બાજરી હાઇબ્રિડ છે, જે એટલી ગુણકારી નથી. ’
ઇતિહાસમાં કેવા ઉલ્લેખો છે?
ઈસવીસન પૂર્વે ૩૨૨-૧૮૫ વચ્ચે ભારતમાં મૌર્ય રાજવંશનો દબદબો હતો અને એ વખતે ઠંડીની ઋતુમાં બાજરો ખાવામાં આવતો હતો. એ સમયે બાજરાના મોટા દાણામાંથી મદિરા બનાવવામાં આવતી હતી.
બાજરા વિશે એક કચ્છની લોકકથા છે. કચ્છના લાખા ફુલાણીનું લશ્કર અંધારામાં કોઈ પ્રદેશમાં આવી ચડ્યું. અંધારામાં ભૂલું પડેલું લશ્કર આફતમાં આવ્યું. ઘોડા સાથે માણસ પણ કોણ જાણે મરવા માંડ્યા. એ સમયે ત્યાં બાજરો ઊગેલો જોયો. હજી એ જમાનામાં બાજરાને કોઈ ઓળખતું નહીં. બાજરો એટલો ‘ગરીબડો’ અને સરળતાવાળો છે કે એને કોઈ જ ખાતર કે લાડકોડ જોતાં નથી. લાખા ફુલાણીનું લશ્કર બાજરાને ઓળખતું નહોતું પણ ભૂખમરો વેઠવાને બદલે આ દાણા ખાઈને જીવવાનું નક્કી કર્યું. સૈનિકોએ ડરતાં-ડરતાં આ બાજરો ખાધો અને બધામાં અદ્ભુત બળ આવ્યું અને પછી ઠંડા પ્રદેશમાંથી એ બાજરાનું બિયારણ કચ્છ લેતા આવ્યા. આંકડાશાસ્ત્રના પિતામહ ગણાય એવા પાયથાગોરસે ૨૫૦૦ વર્ષ પહેલાં બાજરાનાં પોષકતત્ત્વોની પ્રશંસા કરેલી.
સૌરાષ્ટ્ર અને રાજસ્થાન
બાજરો ગઈ કાલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને પંજાબના અમુક ભાગ તેમ જ પૂર્વ ભારતનું ધાન્ય હતું. જોકે બાજરો આજે પણ સૌરાષ્ટ્રનાં ૮૦ ટકા ઘરોમાં ખવાય છે. પ૦ ટકા ઘરોમાં નિયમિત ખવાય છે. ભારતમાં ઊગતા બાજરામાંથી લગભગ ૮૦ ટકા ઉત્પાદન માત્ર રાજસ્થાનમાં થાય છે. અહીંની જમીન ઓછી ફળદ્રુપ છે અને હવામાન શુષ્ક. રેતાળ જમીન અને શુષ્ક ઋતુમાં બાજરી સારી રીતે ઊગે છે. (બાજરી વર્ષ નિમિત્તે આપણે હવે નિયમિત પણે બાજરી તેમ જ આવાં મિલેટ્સ વિશેની અલક-મલકની વાતો કરતાં રહીશું.)
શું તમે આ જાણો છો?
સૌરાષ્ટ્રમાં અમુક ખેડૂતો બાજરો ઉગાડવાના જ સ્પેશ્યલિસ્ટ હતા, જેને બાજરિયા અટક મળી હતી. જોકે પછીથી બાજરિયા અટક ધરાવનારા લેઉવા પટેલ થઈ ગયા.
શરૂમાં બાજરાનું નામ પડ્યું નહોતું પણ રજપૂતોએ બાજરો ખાધા ભેગો પચી ગયો અને તરત ભૂખ લાગી એટલે શરૂમાં તેનું નામ ‘જ્યોં બા જ્યોં’ પડ્યું. મતલબ કે જેવો પેટમાં ગયો એવો જ પચી ગયો. આવા વિશેષણનો અપભ્રંશ થઈને એનું નામ કાળક્રમે બાજરો પડયું.
બાજરા માટે કેટલીયે કહેવત હતી ગાંધીજીના આશ્રમમાં એટલે જ કહેવાતું કે ભાઈ બાજરા જેવો સીધોસરળ થા, કોઈને ભારે ન પડ.
બાજરામાં જીવાત ન પડે અને લાંબો ટકે એટલે એને ચૂલાની છાણાની રાખ લગાવવામાં આવતી તેથી બાજરો ટકતો એ પરથી બાજરાની કહેવત પડી કે : બાજરો રાખથી સારો રહીને ટકે અને બાવો ભભૂત લગાવવાથી શોભે. છાણાની રાખને પણ બાજરો આભૂષણ માને છે.
આજે ભારતમાં ૯૪.૩ લાખ હેક્ટરમાં બાજરાની ખેતી થાય છે એ ખેતી વધુ થાય એટલે કે બાજરાના ગુણો જાણી વધુ બાજરો ખવાય તો જમીનની પૌષ્ટિકતા જળવાશે અને વિલાયતી ખાતરથી જમીન નહીં બગડે.