Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > BharOS ભારતની નવી સ્વતંત્રતા

BharOS ભારતની નવી સ્વતંત્રતા

Published : 29 January, 2023 01:41 PM | Modified : 29 January, 2023 01:51 PM | IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

વિશ્વમાં લગભગ ૨.૮ બિલ્યન જેટલા લોકો ઍન્ડ્રૉઇડ ઑપરેટિંગ સિસ્ટમ વાપરે છે અને એક બિલ્યન યુઝર્સ iOS. ભારતમાં જ આશરે ૧૦૦ કરોડ લોકો સ્માર્ટફોન વાપરે છે ત્યારે ગર્વભેર કહેવું પડે કે આ નવી ઑપરેટિંગ સિસ્ટમથી ભારત હવે આત્મનિર્ભર બની ચૂક્યું છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ક્યારેક એવું જણાય કે ‘આત્મનિર્ભરતા’ અને ‘ભારત’ આ બંને શબ્દો દરેક ભાષાની ડિક્શનરીમાં હવે સમાનાર્થી તરીકે દર્શાવવામાં આવશે. ભારત જે ઝડપથી એક પછી એક ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે એ જોતાં જણાય છે કે વિશ્વ આત્મનિર્ભર શબ્દનો અર્થ ભારત તરીકે કરવા માંડશે! આખા વિશ્વમાં જે મોબાઇલ ટેક્નૉલૉજીમાં આજ સુધી માત્ર બે જ કંપનીઓનું એકહથ્થુ શાસન હતું એ ટેક્નૉલૉજીમાં પણ ભારત હવે આત્મનિર્ભર બની રહ્યું છે. જી હા, OS આ શૉર્ટ ફૉર્મનો અર્થ હવે દરેક મોબાઇલ-યુઝર્સને ખબર છે જ. ‘ઑપરેટિંગ સિસ્ટમ’ જેમાં હાલ વિશ્વમાં સૌથી જાણીતી અને સૌથી વપરાતી બે સિસ્ટમ છે : ઍન્ડ્રૉઇડ અને iOS.


સુપ્રીમ અને ગૂગલ



યાદ છે હમણાં થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટ અને ગૂગલના કોઈક કેસ વિશે આપણે અખબારોમાં અને સમાચારોમાં ખૂબ વાંચ્યું અને સાંભળ્યું હતું. લૉન્ગ કટ શૉર્ટ કહાની કંઈક એવી હતી કે સુપ્રીમ કોર્ટે ગૂગલને એની ઍન્ડ્રૉઇડ ઑપરેટિંગ સિસ્ટમની મોનોપૉલી ઘટાડવા માટે કહ્યું છે. ભારતના સંદર્ભમાં વાત કરીએ તો ભારતનો દરેક મોબાઇલ-યુઝર જે ફોન વાપરે છે એનું સિસ્ટમ સૉફ્ટવેર ગૂગલ દ્વારા પ્રોવાઇડ કરવામાં આવ્યું હોય છે, જેને આપણે ઍન્ડ્રૉઇડ તરીકે ઓળખીએ છીએ. જોકે ગૂગલ મોબાઇલ કંપનીઓને આ ઑપરેટિંગ સિસ્ટમ એક પૂર્વશરત સાથે આપે છે. દરેક મોબાઇલમાં ગૂગલની ઍપ્લિકેશન્સ બાય ડિફૉલ્ટ હોવી જોઈએ અને યુઝર ચાહે તો પણ ડિલીટ નહીં કરી શકે. જેમ કે ગૂગલ ક્રોમ, યુટ્યુબ વગેરે.


ક્યારેય મોબાઇલ વાપરતી વખતે આ બાબતે આપણું ધ્યાન પણ નહીં ગયું હશે કે આપણે નવો મોબાઇલ ખરીદીએ છીએ એમાં પ્રી-ઇન્સ્ટૉલ ઍપ્લિકેશન્સ શા માટે અને કઈ રીતે હોય છે? એ ગૂગલની દાદાગીરીનું પરિણામ છે. તમે જાણે-અજાણે એની જ ઍપ્લિકેશન્સ વાપરવા માટે મજબૂર થઈ ચૂક્યા છો છતાં એ વિશે તમને ખબર પણ નથી. આથી ભારતના કૉમ્પિટિશન કમિશને ગૂગલ પર ૧,૩૩૭ કરોડ રૂપિયાના દંડનો દાવો ઠોકી દીધો. ગૂગલ આ માટે દલીલ કરતાં કહે છે કે ડેટા પ્રાઇવસી માટે આ ખૂબ મહત્ત્વની બાબત છે. જો ગૂગલ પોતાની ઍપ્લિકેશન્સ વાપરવા યુઝર્સને મજબૂર નહીં કરે તો ઘણી એવી થર્ડ પાર્ટી ઍપ્લિકેશન્સ હશે જેને કારણે યુઝર્સ અને ગૂગલ બંનેના ડેટા કોઈ ત્રીજી વ્યક્તિ પાસે ચાલી જવાનું જોખમ રહેશે.

હવે ગૂગલની આ દલીલ સામે એક કડવી વાસ્તવિકતા એ જાણી લો કે પોતાને સિસ્ટમ-ફ્રેન્ડ્લી, પ્રો-મોબાઇલ યુઝર અને સોશ્યલ મીડિયા ઍક્ટિવ પર્સનાલિટી તરીકે ગણાવતા આપણે જાણે-અજાણે દર સેકન્ડે એટલા મોટા પ્રમાણમાં આપણા પર્સનલ ડેટા ત્રાહિત વ્યક્તિ અને કંપનીઓને આપી રહ્યા છીએ કે હવે તમારું પોતાનું પર્સનલ અને પ્રાઇવેટ જેવું કશું જ રહ્યું નથી. તમારો રજેરજનો ડેટા ચાઇના અને અમેરિકા જેવા દેશ પાસે દર સેકન્ડે જઈ રહ્યો છે. છાશવારે નવા ખરીદાતા મોબાઇલમાંથી ૯૦ ટકા મોબાઇલ ચાઇનીઝ કંપનીઓના છે અને એમાં વપરાતી ૮૦ ટકા ઍપ્લિકેશન્સ અમેરિકન કંપનીઓની.


તમારા વાઇટલ સ્ટૅટિસ્ટિક્સથી લઈને તમે કયા સમયે ક્યાં, કોની સાથે ફરો છો એની રજેરજ માહિતી પણ આ બંને દેશો પાસે પહોંચતી રહે છે.

બિગ બૉસ ચાહતે હૈ કી...

તમે બિગ બૉસ રિયલિટી શો જોયો છે? બસ, એટલું જાણી લો કે બિગ બૉસ ખરેખર રિયલિટી શો નહીં પરંતુ રિયલિટી છે. તમારા-મારા જીવન પર સતત કોઈ નજર રાખી રહ્યું છે, તમારી એક-એક અંગત બાબત કોઈક જોઈ રહ્યું છે. હવે ધારો કે આપણા જેવા સામાન્ય માણસની બધી ગતિવિધિઓની જેમ જ દરેક ગવર્નમેન્ટ એજન્સી અને ક્રિટિકલ ડિપાર્ટમેન્ટ્સ પર પણ કોઈ આમ જ બાજનજર રાખીને બેઠું હોય તો? કહી દઈએ કે આ ધારો કે...વાળી ધારણા નથી પરંતુ વાસ્તવિકતા છે.

વાસ્તવિકતા એ છે કે અમેરિકા અને ચાઇનાની સરકાર અને જે કંપનીની ઑપરેટિંગ સિસ્ટમ આપણે વાપરી રહ્યા છીએ એ કંપની જો એક થઈ જાય તો તેઓ ભેગા મળી આપણને ચાહે ત્યારે બિગ બૉસની રમતની જેમ રમાડી શકે છે, કારણ કે જનસામાન્યની જ નહીં પરંતુ સરકારની ગતિવિધિઓ પણ તે લોકો આ ઑપરેટિંગ સિસ્ટમને કારણે મૉનિટર કરી શકે છે.

એક સાવ સામાન્ય ઉદાહરણ દ્વારા વાતને સમજીએ. શું ક્યારેય તમે એ બાબત નોટિસ કરી છે કે માત્ર ટાઇમપાસ ખાતર તમે કોઈ બ્યુટી પ્રોડક્ટ વિશે મોબાઇલમાં સર્ચ કર્યું હશે અને બીજી જ મિનિટથી તમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુ-ટ્યુબ કે બ્રાઉઝર વગેરે દરેક પ્લૅટફૉર્મ પર એ સંદર્ભની પ્રોડક્ટ્સની ઍડ્વર્ટાઇઝમેન્ટ્સ આવવી શરૂ થઈ જાય છે. આ તમે અજાણતા આપેલા ડેટાનો પ્રતાપ છે. તમારા પર્સનલ મોબાઇલમાં શું જોઈ રહ્યા છો, શું કરી રહ્યા છો એ બધું જ કોઈક ત્રીજી વ્યક્તિ, કંપની કે ઈવન ત્રીજા દેશની સરકાર સુધ્ધાં જોઈ રહી છે.

સચોટ શબ્દોમાં એક જ વાક્યમાં કહીએ તો કોઈ દેશ જ્યારે ચાહે ત્યારે તમારી અને તમારા દેશની ખૂબ સરળતાથી વાટ લગાડી શકે છે, કારણ કે એની પાસે તમારા અંગત એવા બધા જ ડેટા છે જે કોઈ ત્રીજી તો છોડો પણ બીજી વ્યક્તિને પણ ખબર ન હોવા જોઈએ. ટૂંકમાં હવે ‘અંગત’ એ માત્ર શબ્દ રહી ગયો છે. વાસ્તવમાં ‘અંગત’ કહી શકાય એવું કંઈ જ રહ્યું નથી અને ‘ડેટા’ એ સૌથી શક્તિશાળી બ્રહ્માસ્ત્ર છે જે આપણે જાણતાં-અજાણતાં કોઈ બીજા દેશને મફતમાં પ્રોવાઇડ કરાવી રહ્યા છીએ.

ભારત અને BharOS

આખા વિશ્વમાં હાલ લગભગ ૨.૮ બિલ્યન જેટલા લોકો ઍન્ડ્રૉઇડ ઑપરેટિંગ સિસ્ટમ વાપરે છે અને લગભગ એક બિલ્યન યુઝર્સ iOS. એમાં માત્ર ભારતમાં જ આશરે ૧૦૦ કરોડ લોકો સ્માર્ટફોન વાપરે છે. ગર્વભેર કહેવું પડે કે ઑપરેટિંગ સિસ્ટમ બાબતે ભારત હવે આત્મનિર્ભર બની ચૂક્યું છે.

ભારતે પોતાની ઇન્ડિપેન્ડન્ટ ઍન્ડ્રૉઇડ સિસ્ટમ બનાવી છે, જેને નામ આપવામાં આવ્યું છે BharOS. દરેક ભારતીય મોબાઇલ યુઝર હવે ‘અંગત’’ શબ્દને સાચા અર્થમાં અંગત રાખી શકશે. IIT મદ્રાસ દ્વારા બનાવવામાં આવેલી આ મોબાઇલ ઑપરેટિંગ સિસ્ટમ એક ઓપનસોર્સ ઑપરેટિંગ સિસ્ટમ છે જેને કારણે ઍન્ડ્રૉઇડ અને iOS જેવી ઑપરેટિંગ સિસ્ટમ પર હવે ભારતે નિર્ભર નહીં રહેવું પડે.

હાલ આ સિસ્ટમ ટેસ્ટિંગ ફેઝમાં છે અને ગયા સપ્તાહમાં જ ભારત સરકારના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ડિપાર્ટમેન્ટ દ્વારા BharOSને મંજૂરી આપતાં જાહેરાત કરવામાં આવી કે આ ઑપરેટિંગ સિસ્ટમને સરકાર દ્વારા ફન્ડિંગ કરવામાં આવશે. ખૂબ નજીકના સમયમાં આપણા જેવા જનસામાન્ય માટે પણ ઉપલબ્ધ થનારી આ ઓપનસોર્સ ઑપરેટિંગ સિસ્ટમને કારણે સૌથી મોટો ફાયદો થશે ડેટા સેફ્ટી અને સિક્યૉરિટીનો.

BharOS શું છે?

સાવ સામાન્ય શબ્દોમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો દરેક સ્માર્ટફોનમાં એક ઑપરેટિંગ સિસ્ટમ હોય છે જે એ ફોનનું બધું જ કામકાજ કરતી હોય છે. દાખલા તરીકે કારનું એન્જિન. કોઈ પણ કાર એના એન્જિન વિના નકામી છે. એ જ રીતે કોઈ પણ મોબાઇલ ઑપરેટિંગ સિસ્ટમ વિના નકામો છે. હાલમાં મુખ્યત્વે બે ઑપરેટિંગ સિસ્ટમ વિશ્વ આખું વાપરે છે : ઍન્ડ્રૉઇડ અને iOS. આ બંને સિસ્ટમ ઓપનસોર્સ ઑપરેટિંગ સિસ્ટમ છે. મતલબ કે વિશ્વનો કોઈ પણ યુઝર એ વાપરી શકે. એ માટે તેણે કોઈ ફી કે ચાર્જિસ ચૂકવવા નથી પડતા. જોકે એનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે આ સિસ્ટમના ઉપયોગ દરમિયાન યુઝર જાણે-અજાણે તેના બધા જ ડેટા જે-તે ઑપરેટિંગ સર્વિસ પ્રોવાઇડર કંપનીને આપી દેતો હોય છે, કારણ કે તે સર્વિસ પ્રોવાઇડરનું સર્વર વાપરી રહ્યો છે.

તમે કોઈ પણ મોબાઇલ હાથમાં લો છો ત્યારે એ બરાબર કામ કરે એ માટે જરૂરી છે એ ફોનના હાર્ડવેર અને સૉફ્ટવેર વચ્ચે સરખું જોડાણ (સિન્ક્રોનાઇઝેશન) થવું જોઈએ. જેમ કે કઈ ઍપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ થશે, કઈ રીતે કામ કરશે, કયા ડેટાનો ઉપયોગ કરશે આ બધું જ ફોનના હાર્ડવેર અને સૉફ્ટવેરના પ્રૉપર જોડાણને કારણે શક્ય બને છે, અને એ જોડાણ કરે છે તમારા ફોનમાં વપરાતી ઑપરેટિંગ સિસ્ટમ. મતલબ કે તમારા ફોનનું હાર્ડવેર અને સોફ્ટવેર બંને ચલાવે છે આ ઑપરેટિંગ સિસ્ટમ.

હવે ભારતે પોતાની એક ઓપનસોર્સ ઑપરેટિંગ સિસ્ટમ બનાવી છે. આ સિસ્ટમ એક ઇન્ડિજિનિયસ ઑપરેટિંગ સિસ્ટમ છે જેને કારણે બ્રાઉઝરથી લઈને ઘણી ઍપ્લિકેશન્સ આ ઑપરેટિંગ સર્વિસના પ્લૅટફૉર્મ પર ઉપલબ્ધ થઈ જશે. આ સિસ્ટમનો મોટો ફાયદો એ થશે કે દરેક ભારતીયનો કોઈ પણ ડેટા કોઈ બીજા દેશમાં નહીં જાય અને એ પોતાના દેશ સુધી જ સીમિત રહીને સુરક્ષિત રહેશે.

શા માટે BharOS જબરદસ્ત છે?

આ ઑપરેટિંગ સિસ્ટમ યુઝર પ્રાઇવસી બાબતે જબરદસ્ત ધ્યાન રાખીને બનાવવામાં આવી છે. એમાં કોઈ પણ ડિફૉલ્ટ ઍપ્લિકેશન નહીં હોય. વળી પ્રી-ઇન્સ્ટૉલ્ડ ઍપ્લિકેશન ન હોવાને કારણે એ ફોનમાં જેટલી સ્પેસ ઉપલબ્ધ હશે એ મહત્તમ વાપરવા મળશે. આ ભારતીય ઑપરેટિંગ સિસ્ટમમાં NOTA પણ હશે. મતલબ કે નેટિવ ઓવર ધી ઍર. એનો અર્થ થાય કોઈ પણ ઍપ્લિકેશનનું અપડેટ હશે તો એ એની જાતે જ અપડેશન લઈ લેશે. એ માટે યુઝરે મૅન્યુઅલી ધ્યાન આપવાનું નહીં રહે.

આ ઑપરેટિંગ સિસ્ટમમાં એક સૌથી મહત્ત્વની બાબત જે હશે એ છે PASS (પ્રાઇવેટ ઍપ સ્ટોર સર્વિસ). આ એક એવી સર્વિસ છે જેના દ્વારા ઑપરેટિંગ સિસ્ટમ તમને એક લિસ્ટ ઑફ ઍપ્લિકેશન આપી શકશે કે ફલાણી-ફલાણી ઍપ્લિકેશન પર તમે આંખ બંધ કરીને ભરોસો કરી શકો છો અને ડાઉનલોડ કરી શકો છો. એ તમારા માટે ૧૦૦ ટકા સુરક્ષિત છે અને તમારો કોઈ ડેટા આ ઍપ્લિકેશન દ્વારા લેવામાં કે એનો કોઈ ખોટો ઉપયોગ કરવામાં નહીં આવે.

સબ ખેલ હૈ ડેટા કા

આજે ભારતના ઍન્ડ્રૉઇડ સ્માર્ટફોન યુઝર્સમાંથી ૯૫ ટકા યુઝર્સ મૅપ જોવાથી લઈને કોઈ બીજી વસ્તુ શોધવા માટે ગૂગલ વાપરે છે. અમેરિકાસ્થિત ગૂગલ કંપની પાસે અમેરિકી સરકાર કઈ રીતે અલગ-અલગ તોડજોડ દ્વારા ડેટા માઇનિંગ કરતી રહે છે એ વિશે ૨૦૧૩ની સાલમાં અમેરિકન અખબાર ‘ધ ગાર્ડિયન’ અને ‘ધ વૉશિંગટન પોસ્ટ’ દ્વારા આખો એક રિપોર્ટ પણ બહાર પાડવામાં આવ્યો હતો. યુએસ ઇન્ટેલિજન્સ એજન્સીના પ્રિઝમ પ્રોગ્રામ વિશેનો આખો કાચો ચિઠ્ઠો એ અહેવાલમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં તેમણે બેબાક થઈને એ જણાવ્યું હતું કે કઈ રીતે અમેરિકી સરકાર ગૂગલ, માઇક્રોસૉફ્ટ, ફેસબુક, ઍપલ જેવી કંપની પાસે પાછલા બારણે યુઝર્સના પ્રાઇવેટ ડેટા મગાવતી હોય છે.

આટલી માહિતી બાદ જે ખુલાસાઓ મળ્યા એ જાણીને તમને નવાઈ લાગશે. જ્યારે આ રિપોર્ટ બહાર આવ્યો અને વિશ્વને ખબર પડી ત્યારે અમેરિકાના ડિરેક્ટર ઑફ નૅશનલ ઇન્ટેલિજન્સ જે. એમ. ક્લેપરે ખુલાસો આપતાં કહ્યું હતું કે ડેટા માઇનિંગ કોઈ પણ અમેરિકન ​સિટિઝન પર નહોતું થઈ રહ્યું, પરંતુ એનો ઉપયોગ દેશની બહારના યુઝર્સનો ઍક્સેસ કરવા માટે થઈ રહ્યો હતો. મતલબ કે અમેરિકાની બહાર રહેતા તમારા-મારા જેવા માણસો અથવા સરકારો બાબતે ક્લેપર વાત કરી રહ્યા હતા.

બીજી એક માહિતી પણ ચોંકાવનારી છે. અભ્યાસ અનુસાર સાઇબર અટૅક્સના મામલે પ્રાયોરિટીવાઇઝ આખા વિશ્વમાં ભારત ટોચના પાંચ દેશોમાં આવે છે. આ બધી જ પરિસ્થિતિ જોતાં ભારતે જેટલું બને એટલું તાકીદે ડેટા અને ઑપરેટિંગ સિસ્ટમ માટે ઇન્ડિપેન્ડન્ટ બનવું જ પડે એમ હતું અને ભારતની કાબેલિયત જુઓ કે IIT મદ્રાસે સરકારની આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત સરકારનું ફન્ડિંગ મેળવ્યું, સરકારની શરતો અનુસાર જ એક નૉન-પ્રૉફિટ ઑર્ગેનાઇઝેશનનું સ્વરૂપ જાળવી રાખી એક આંખે આખી નવી ઑપરેટિંગ સિસ્ટમ તૈયાર કરી જેનું હાલ નામ રાખવામાં આવ્યું છે BharOS.

Whatsapp-channel Whatsapp-channel

29 January, 2023 01:51 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK