વિનેશ ફોગાટનો ચૂંટણીમેદાનમાં પ્રવેશ BJP અને અન્ય પક્ષો સામે મોટો પડકાર બની શકે છે. રમતગમતની દુનિયામાં તેની સફળતા અને લડાયક વ્યક્તિત્વએ તેને લોકોમાં લોકપ્રિય બનાવી છે.
ક્રૉસલાઇન
વિનેશ ફોગાટનો ચૂંટણીમેદાનમાં પ્રવેશ
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં મહિલા પહેલવાન વિનેશ ફોગાટના પ્રવેશથી ગરમી આવી ગઈ છે. કૉન્ગ્રેસે તેને જીંદની જુલાના બેઠક પરથી ટિકિટ આપી છે. કૉન્ગ્રેસ છેલ્લે ૨૦૦૫માં જુલાના વિધાનસભા બેઠક જીતી હતી. એ પછી આ વિસ્તાર ભારતીય રાષ્ટ્રીય લોક દળ (INLD) અને પછી જનનાયક જનતા પાર્ટી (JJP)નો ગઢ બની ગયો હતો.
વિનેશ આંતરરાષ્ટ્રીય સ્તરની કુસ્તીબાજ છે. તેણે કૉમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને અન્ય ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું નામ રોશન કર્યું છે. તે પ્રથમ વખત ચૂંટણી લડી રહી છે અને તે એની શરૂઆત તેના સાસરેથી કરી રહી છે. વિનેશ હરિયાણાના ચરખી દાદરી જિલ્લાના બલાલી ગામની વતની છે. તેણે ૨૦૧૮માં સાથી-કુસ્તીબાજ સોમવીર રાઠી સાથે લગ્ન કર્યાં હતાં જે હરિયાણાના જીંદ જિલ્લાના બખ્તા ખેડા ગામનો રહેવાસી છે. આ ગામ જાલના લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. સોમવીર રાઠીના પિતા રાજપાલ ભૂતપૂર્વ સૈનિક છે અને ૨૦૦૦થી ૨૦૦૫ સુધી તેઓ ગામના સરપંચ હતા.
ADVERTISEMENT
હકીકતમાં વિનેશને મેદાનમાં ઉતારીને કૉન્ગ્રેસ પક્ષ જાટ મતોને મજબૂત કરવા ઉપરાંત મહિલાઓ, રમતવીરો અને યુવાનોમાં પોતાનો આધાર વધારવાનો પ્રયાસ કરી રહી છે. ભારતીય કુસ્તી સંઘના તત્કાલીન અધ્યક્ષ અને BJPના સંસદસભ્ય બ્રિજભૂષણ સિંહ સામે યૌનશોષણના આરોપ સાથે વિનેશ ચર્ચામાં આવી હતી. અન્ય પહેલવાનો સાથે મળીને તેણે દોઢ વર્ષ પહેલાં દિલ્હીના જંતરમંતર પર મોરચો ખોલ્યો હતો. હવે એ મોરચો ચૂંટણીના મેદાનમાં મંડાયો છે.
ગયા વર્ષે વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિત મોટા ભાગના કુસ્તીબાજો બ્રિજભૂષણ સિંહ સામેના વિરોધ-પ્રદર્શનમાં જોડાયાં હતાં. બજરંગ પુનિયાએ પણ વિરોધમાં પોતાનો પદ્મશ્રી પુરસ્કાર પાછો કર્યો હતો. લોકસભાના ચૂંટણીપ્રચાર દરમ્યાન આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને હવે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં મોટો મુદ્દો બની રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં જાટ સમુદાય અને ખેડૂતોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો, જેનાથી કૉન્ગ્રેસને ફાયદો થયો હતો.
કુસ્તીબાજોના વિરોધને કારણે BJPએ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં બ્રિજભૂષણ સિંહની ટિકિટ રદ કરવી પડી હતી. બ્રિજભૂષણ સિંહ ૬ વખત સંસદસભ્ય રહી ચૂક્યા છે અને તેમનાં પત્ની કેતકી સિંહ એક વખત લોકસભાનાં સંસદસભ્ય રહી ચૂક્યાં છે એટલું જ નહીં, બ્રિજભૂષણ સિંહનો એક દીકરો બીજી વખત ધારાસભ્ય બન્યો છે, જ્યારે બીજો દીકરો તેની જગ્યાએ સંસદસભ્ય બન્યો છે. ૨૦૨૪માં BJPએ બ્રિજભૂષણની જગ્યાએ તેમના પુત્ર કરણ સિંહને સ્થાન આપ્યું હતું, જે જીતવામાં સફળ રહ્યો હતો.
ત્યારથી બ્રિજભૂષણ સિંહ સતત સમાચારોમાં જીવંત છે અને વિનેશે હવે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે એટલે ચૂંટણીપ્રચારમાં પણ આ મુદ્દો છવાઈ જશે. હરિયાણાના રાજકારણમાં જાટ સમુદાયનો મોટો પ્રભાવ છે અને જુલાના જાટ બહુમતી ધરાવતો વિસ્તાર છે. વિનેશ ફોગાટ પોતે જાટ સમુદાયમાંથી આવે છે. પ્રાદેશિક સમીકરણો અને જાતિના અંકગણિતને ધ્યાનમાં રાખીને કૉન્ગ્રેસે જાટ ઉમેદવાર પસંદ કરીને આ સમુદાયના મત મેળવવાનો પ્રયાસ કર્યો છે.
વધુમાં રમતગમતની દુનિયામાં તેની સફળતા અને લડાયક વ્યક્તિત્વએ તેને લોકપ્રિય બનાવી છે. જુલાના જેવા ગ્રામીણ વિસ્તારમાં રમતગમત સાથે સંકળાયેલી મહિલા ઉમેદવાર હોવું એ એક મોટું સકારાત્મક પાસું છે. વિનેશ અહીંની યુવા પેઢી અને રમતપ્રેમીઓમાં પ્રેરણારૂપ છે.
વિનેશ ફોગાટનો ચૂંટણીમેદાનમાં પ્રવેશ BJP અને અન્ય પક્ષો સામે મોટો પડકાર બની શકે છે. તેની લોકપ્રિયતા અને પ્રતિષ્ઠાને પડકારવી સરળ નહીં હોય. રમતમાં તેની સફળતા અને રાજકીય ક્ષેત્રે નવી હોવાને કારણે મતદારો માટે તે એક નવો ચહેરો છે, જે વિરોધ પક્ષના ઉમેદવારો માટે અઘરી વાત છે.
ખેડૂત અંદોલન, કુસ્તીબાજોનાં ધરણાં અને પૅરિસમાં તેને ગેરલાયક ઠેરવવાથી વિનેશ એક સાર્વજનિક ચહેરો બની ગઈ છે. યુવા પેઢી અને મહિલાઓમાં તેની પ્રત્યે જબરદસ્ત લાગણી છે. બ્રિજભૂષણ સિંહ સામે તેણે મોરચો ખોલ્યા પછી ધીમે-ધીમે તે BJPના વિરોધનો ચહેરો બની ગઈ છે. યુવાનો અને મહિલાઓ તેને શોષણ સામે લડતી વ્યક્તિ તરીકે જુએ છે.
આ બધાં કારણોને ધ્યાનમાં લઈને કૉન્ગ્રેસ પાર્ટીએ તેને ટિકિટ આપવાનો મજબૂત અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. રમતગમતની દુનિયામાં તેની પ્રતિષ્ઠા, મહિલા સશક્તીકરણની છબિ અને યુવા મતદારોમાં તેની લોકપ્રિયતા કૉન્ગ્રેસ માટે ચૂંટણી-સમીકરણ બદલી શકે છે. વિનેશ ફોગાટ પોતાની નવી રાજકીય સફરમાં કેવું પ્રદર્શન કરે છે અને શું તે હરિયાણા વિધાનસભાની ચૂંટણી ૨૦૨૪માં કૉન્ગ્રેસને જીત અપાવવામાં સફળ થાય છે એ જોવું રસપ્રદ રહેશે.
મણિપુરમાં BJPના ધારાસભ્યો જ મુખ્ય પ્રધાનના વિરોધમાં
પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ૧૬ મહિના પછી પણ શાંતિ પુનઃ સ્થાપિત થઈ શકી નથી એ ભારત માટે મોટી ચિંતાનું કારણ છે. મણિપુરમાં છેલ્લા કેટલાક મહિનાથી સ્થિતિ થોડી નિયંત્રણમાં હતી, પરંતુ હવે હવાઈ બૉમ્બધડાકા, RPG અને અત્યાધુનિક શસ્ત્રો માટે ડ્રોનના ઉપયોગ પછી પરિસ્થિતિ વધુ બગડી છે.
મણિપુરની પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે ત્યાં હિંસામાં સામેલ બન્ને સમુદાય પાસે હવે એવાં શસ્ત્રો છે જેનો ઉપયોગ સામાન્ય રીતે યુદ્ધમાં થાય છે. સેના એટલી મજબૂર છે કે એણે ડ્રોન વિરોધી પ્રણાલીઓ તહેનાત કરવી પડે છે. લોકોએ પર્વત અને ખીણોમાં બંકર બનાવ્યાં છે.
મણિપુરમાં હિંસા અટકાવવા માટે હજારો સૈનિકો, અર્ધ-લશ્કરી દળો અને પોલીસ-કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યાં છે, પરંતુ તેઓ હિંસા રોકવામાં નિષ્ફળ રહ્યાં છે. તેમની વચ્ચે સંકલનનો અભાવ પણ કારણ હોઈ શકે. છેલ્લા કેટલાક દિવસથી લોકોએ સૈનિકોની જમાવટ વિશે પણ નારાજગી વ્યક્ત કરી છે.
વ્યક્તિગત રીતે આ મુખ્ય પ્રધાન એન. બીરેન સિંહની નિષ્ફળતા છે. તેમના પર બે કોમ વચ્ચે પક્ષપાત કરવાનો આરોપ છે. બીરેન સિંહ મૈતેઇ સમુદાયમાંથી આવે છે. મણિપુરમાં મૈતેઇ રાજકીય રીતે પ્રભાવશાળી છે. તાજેતરમાં તેમનો ઑડિયો લીક થયા બાદ હિંસા ફાટી નીકળી હતી. આ વાઇરલ થયેલા ઑડિયોમાં બીરેન સિંહની હિંસામાં સંડોવણીની વાત કરવામાં આવી હતી.
એ ઑડિયો-ક્લિપમાં બીરેન સિંહ ‘ઑપરેશન શરૂ કરવા’નું શ્રેય લે છે. મણિપુર સરકારે તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે લીક થયેલી ઑડિયો-ક્લિપ બનાવટી હતી. કુકી સમાજના લોકો આ ઑડિયોના આધારે મુખ્ય પ્રધાનનું રાજીનામું માગી રહ્યા છે અને વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે.
મણિપુર વંશીય હિંસાના કેસની તપાસની દેખરેખ માટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક દત્તાત્રેય પડસળગીકરની નિમણૂક કરી હતી. તેમને મોકલવામાં આવેલા મેમોરેન્ડમમાં કુકી ઑર્ગેનાઇઝેશન ફૉર હ્યુમન રાઇટ્સ ટ્રસ્ટે મણિપુરના મુખ્ય પ્રધાનના લીક થયેલા ઑડિયો સંબંધિત સમાચારોનો ઉલ્લેખ કર્યો હતો અને કાર્યવાહીની માગણી કરી હતી.
એ દરમ્યાન BJPના ૭ ધારાસભ્યોએ મુખ્ય પ્રધાન બીરેન સિંહ વિરુદ્ધ તપાસપંચની માગણી કરી છે. કુલ ૧૦ કુકી ધારાસભ્યોએ તપાસની માગણી કરી છે, જેમાંથી ૭ સત્તાધારી BJPના છે. તેમણે કહ્યું કે ‘હિંસાની ઘટનાઓની તપાસ માટે એક પંચની રચના થવી જોઈએ. જો એન. બીરેન સિંહ દોષી સાબિત થાય છે તો તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.’ એક સંયુક્ત નિવેદનમાં ધારાસભ્યોએ કહ્યું કે ‘મુખ્ય પ્રધાન બીરેન સિંહની ભૂમિકા શંકાસ્પદ છે. તેમણે કુકી સમુદાયના નરસંહારની છૂટ આપી છે.’
આ ધારાસભ્યોએ કહ્યું કે મુખ્ય પ્રધાને મૈતેઇ સમુદાયનાં ઉપદ્રવી તત્ત્વોને હિંસામાં સાથ આપ્યો છે. તેમના વલણમાંથી મુક્તિ આપી છે. ધારાસભ્યોએ જણાવ્યું કે મુખ્ય પ્રધાને હિંસાને મુક્ત હાથ આપ્યો છે. આ ધારાસભ્યો કહે છે કે ‘રાજ્યભરમાંથી પોલીસ દળ પાસેથી લગભગ ૫૦૦૦ હથિયાર લૂંટી લેવામાં આવ્યાં છે, પરંતુ આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આ હથિયારનો ઉપયોગ હિંસા ભડકાવવા માટે કરવામાં આવ્યો હતો.’
મણિપુરમાં અત્યાર સુધી ૨૦૦થી વધુ લોકોનાં મોત થયાં છે. મણિપુરની લગભગ ૫૩ ટકા વસ્તી મૈતેઇઓની છે અને તેઓ મોટા ભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે નાગા અને કુકી સહિત આદિવાસીઓ ૪૦ ટકા છે અને મુખ્યત્વે પર્વતીય જિલ્લાઓમાં રહે છે. હિંસાને કારણે હજારો લોકો રાહત શિબિરમાં રહે છે.
રાહુલની વિદેશયાત્રાનો વિવાદ
ભારતમાં લોકશાહી શોરબકોર પેદા કરવાના માર્ગે વધી રહી છે. સોશ્યલ મીડિયા હોય કે વ્યક્તિગત ટીકા, રાજકારણનું એક એવું સ્વરૂપ ઊભરી રહ્યું છે જેમાં શિષ્ટાચારની મર્યાદાઓનો કોઈ અવકાશ નથી. એમાં વ્યક્તિગત આરોપ-પ્રત્યારોપ કરીને લોકોનું ધ્યાન આકર્ષિત કરવાની કવાયત ચાલી રહી છે.
લોકસભામાં વિપક્ષના નેતા તરીકે વરણી થયા પછી પહેલી વાર વિદેશયાત્રાએ ગયેલા કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીનાં નિવેદનોએ દેશમાં રાજકીય તોફાન સરજ્યું છે. ત્રણ દિવસની તેમની યાત્રામાં અલગ-અલગ કાર્યક્રમોમાંથી આવેલાં નિવેદન સમાચાર બન્યાં હતાં અને એની સામે સત્તાધારી BJPના નેતાઓનાં નિવેદન પણ આવ્યાં હતાં.
BJPએ રાહુલને વિદેશી ધરતી પર ભારતનું ‘અપમાન’ કરવા બદલ નિશાન બનાવ્યા છે. એની સામે કૉન્ગ્રેસના પ્રવક્તાઓએ વડા પ્રધાનની જૂની વિદેશયાત્રાઓ વખતનાં ‘ભારત વિરોધી’ નિવેદનો ખોદી કાઢ્યાં હતાં.
BJPના વરિષ્ઠ નેતા અને ગૃહપ્રધાન અમિત શાહે રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું છે કે દેશવિરોધી અને વિભાજનકારી નિવેદનો આપવાં એ રાહુલ ગાંધીની આદત બની ગઈ છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કૉન્ગ્રેસ હંમેશાં ક્ષેત્રવાદ, ધર્મ અને ભાષાના આધારે વિખવાદ પેદા કરતી રહી છે અને રાહુલ ગાંધીનું નિવેદન તેમના આ રાજકારણનો પર્દાફાશ કરે છે.
અમેરિકાના વર્જિનિયામાં ભારતીય-અમેરિકન સમુદાય સાથે વાતચીતમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) કેટલાક ધર્મો, ભાષાઓ અને સમુદાયોને બીજા કરતાં નીચા સમજે છે. તેમણે કહ્યું કે અસલી લડાઈ એ છે કે એક સિખને પાઘડી પહેરવાનો અથવા ભારતમાં ગુરુદ્વારાની મુલાકાત લેવાનો અધિકાર હોવો જોઈએ કે નહીં.
આ પહેલાં તેમણે BJPની વૈચારિક સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાન સાધ્યું હતું. ટેક્સસમાં એક જનસભાને સંબોધતાં ગાંધીએ કહ્યું હતું કે RSS માને છે કે ભારત ‘એક વિચાર’ છે, પરંતુ કૉન્ગ્રેસ એને ‘વિચારોની વિવિધતા’ માને છે.
એના જવાબમાં કેન્દ્રીય પ્રધાન અને BJPના નેતા હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે ‘તેમણે સિખ સમુદાય વિશે જે પણ કહ્યું એ તથ્યાત્મક રીતે ખોટું છે. મને ખબર નથી કે તેમને આવી વાતોની પ્રેરણા ક્યાંથી મળે છે. સિખ સમુદાયને ક્યારેય કોઈ મુશ્કેલી હતી તો તેમના પિતાના કાર્યકાળ દરમ્યાન હતી.’
ચાહે રાહુલ હોય કે મોદી, સાચી વાત તો એ છે કે ‘વિદેશની ધરતી પર દેશનું અપમાન’ જેવું કશું હોતું નથી. ઇન્ટરનેટના જમાનામાં વાત ઘરમાં બેસીને કરો કે બહાર જઈને, એ એટલી જ સારી રીતે દુનિયાના ખૂણે-ખૂણે ફેલાય છે. એટલે દિલ્હીમાં બોલો તો અપમાન ન કહેવાય અને ડલાસ જઈને બોલો તો અપમાન કહેવાય એવો તર્ક ગેરવાજબી છે. મૂળ ટ્રૅજેડી એ છે કે કશું નક્કર કરવાને બદલે લોકશાહી બયાનબાજી બનીને રહી ગઈ છે.