Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કાનૂન મંત્રાલય અને સુપ્રીમ કોર્ટ વચ્ચેનો ટકરાવ ટળી ગયો

કાનૂન મંત્રાલય અને સુપ્રીમ કોર્ટ વચ્ચેનો ટકરાવ ટળી ગયો

Published : 28 May, 2023 02:39 PM | IST | Mumbai
Raj Goswami

હદ તો ત્યારે થઈ હતી જ્યારે રિજિજુએ એવું કહી દીધું હતું કે અમુક નિવૃત્ત જજો ભારતવિરોધી ગૅન્ગનો હિસ્સો બની ગયા છે અને તેઓ ભારતની ન્યાયપાલિકા વિરોધ પક્ષની ભૂમિકા ભજવે એ માટે પ્રયાસ કરે છે.

કિરેન રિજિજુ

ક્રૉસલાઇન

કિરેન રિજિજુ


હદ તો ત્યારે થઈ હતી જ્યારે રિજિજુએ એવું કહી દીધું હતું કે અમુક નિવૃત્ત જજો ભારતવિરોધી ગૅન્ગનો હિસ્સો બની ગયા છે અને તેઓ ભારતની ન્યાયપાલિકા વિરોધ પક્ષની ભૂમિકા ભજવે એ માટે પ્રયાસ કરે છે. એવા લોકોએ કિંમત ચૂકવવી પડશે એવું રિજિજુ બોલ્યા હતા. નિવૃત્ત જજોને ગૅન્ગ ગણવા એ વધારે પડતું જ હતું અને સુપ્રીમ કોર્ટ તેમ જ હાઈ કોર્ટમાં ૩૦૦ જેટલા વરિષ્ઠ વકીલોએ એક નિવેદનમાં આકરો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે કાનૂનપ્રધાને તેમનું દાદાગીરીભર્યું બયાન પાછું લેવું જોઈએ


ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકારનું મોટા ભાગનું કમ્યુનિકેશન વડા પ્રધાન કરે છે. તેમના પ્રધાનો ઔપચારિક વાતો સિવાય મીડિયા સાથે વાત કરતા નથી. અધિકારીઓ તો વળી તદ્દન છેટા રહે છે. શું કહેવું, કેટલું કહેવું, ક્યારે કહેવું, કોને કહેવું વગેરે વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)માંથી નક્કી થાય છે. આઝાદ ભારતના ઇતિહાસમાં નરેન્દ્ર મોદીની પીએમઓ ટીમ સૌથી વધુ તાકતવર અને સક્રિય છે. માહિતીઓનું કેટલું મહત્ત્વ છે એ માત્ર પીએમઓના બાબુઓને જ ખબર છે. એક પણ વાત કે માહિતી આમતેમ અથડાઈને અકસ્માત ન કરે એનું તેઓ બહુ ધ્યાન રાખે છે. અન્ય મંત્રાલયના બાબુઓ પણ પીએમઓના ‘સિનિયરો’ને પૂછીને પાણી પીએ છે.



એટલે ગયા અઠવાડિયે કાયદાપ્રધાન કિરેન રિજિજુની અચાનક બદલી કરી નાખવામાં આવી ત્યારે જનતા તો ઠીક, સરકારના લોકો પણ ઊંઘતા ઝડપાયા. સરકારના મોટા ભાગના લોકોને તો તેમની બદલીના સમાચાર ન્યુઝ-ચૅનલોની હેડલાઇન્સ પરથી મળ્યા હતા. રાષ્ટ્રપતિના હસ્તાક્ષરવાળી એક ઔપચારિક જાહેરાત સિવાય સરકારમાંથી બીજી કોઈ સત્તાવાર કે બિનસત્તાવાર માહિતી ઉપલબ્ધ નહોતી કે બે વર્ષથી દેશમાં કાયદો-વ્યવસ્થાને ‘સુધારવાનું’ ઉત્તમ કામ કરી રહેલા રિજિજુને કેમ પાણીચું આપવામાં આવ્યું.


તેમને કાનૂન મંત્રાલયમાંથી ભૂવિજ્ઞાન મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. ભૂવિજ્ઞાન મંત્રાલયનું પણ એક મહત્ત્વ છે, પરંતુ બહુબધા લોકોને તો આવું કોઈ મંત્રાલય પણ અસ્તિત્વમાં છે એની જાણ રિજિજુની બદલી થઈ ત્યારે ખબર પડી. રિજિજુ એકલા જ ન ગયા. તેમના ડેપ્યુટી એસ. પી. સિંહ બઘેલને પણ કાનૂન મંત્રાલયના રાજ્યપ્રધાનપદેથી હટાવીને સ્વાસ્થ્ય મંત્રાલયમાં મૂકવામાં આવ્યા.

રિજિજુના સ્થાને રાજસ્થાનના દલિત નેતા અને સંસદીય બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન અર્જુન રામ મેઘવાળને લાવવામાં આવ્યા. તેઓ તેમના વર્તમાન મંત્રાલય ઉપરાંત કાનૂન મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સંભાળશે. અર્થાત્, તેઓ રાજ્યપ્રધાન તરીકે કામ કરશે, કૅબિનેટ પ્રધાન તરીકે નહીં. બીજી રીતે કહીએ તો કાનૂન મંત્રાલયનું કદ નીચે કરવામાં આવ્યું છે. કૅબિનેટની બેઠકમાં તમામ કૅબિનેટ પ્રધાનો હાજરી આપે છે. રાજ્યકક્ષાના (સ્વતંત્ર હવાલો) પ્રધાનને તેમના મંત્રાલયને લાગતો વિષય હોય તો વિશેષ આમંત્રણથી બેઠકમાં બોલાવવામાં આવે છે.


રિજિજુ ૮ જુલાઈ ૨૦૨૧ના રોજ રવિશંકર પ્રસાદની જગ્યાએ કાનૂનપ્રધાન બન્યા હતા. એ મોટી જવાબદારી હતી. એ વખતે ૧૨ પ્રધાનોની ફેરબદલ કરવામાં આવી હતી. એમાં પ્રસાદનું નામ હતું એ ત્યારે પણ ચર્ચાનો વિષય બન્યું હતું. પ્રસાદ એ વખતે કમ્યુનિકેશન, ઇલેક્ટ્રૉનિક ઍન્ડ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી પ્રધાન પણ હતા.

કહેવાય છે કે સોશ્યલ મીડિયાની તોતિંગ કંપની ટ્‍‍વિટર સાથે તેમણે જે રીતે લડાઈ છેડી હતી અને દુનિયાભરમાં સરકારની બદનામી થતી હતી એનાથી નારાજ થઈને તેમની બદલી કરવામાં આવી હતી. તેમના ભાગે સરકારની નીતિઓ અને નિર્ણયોને જનતા સુધી પહોંચાડવાનું કામ હતું, પરંતુ વિવાદોને લઈને તેઓ ‘બડબોલા’ પ્રધાન તરીકે જાણીતા થયા હતા.

કંઈક એવું જ તેમના અનુગામી રિજિજુ સાથે થયું હોવાનું મનાય છે. કોઈ પ્રધાનનો વિભાગ અચાનક બદલી નાખવાનો વડા પ્રધાનનો સ્વભાવ નથી. ઊલટાનું તેમની છાપ એવી છે કે ગમે એવી ટીકાઓ વચ્ચે પણ પ્રધાનોનું રક્ષણ કરે છે. સવાલ એ છે કે રિજિજુને કેમ હટાવવામાં આવ્યા? મીડિયામાં અમુક તર્ક-વિતર્કો ચાલી રહ્યા છે.

સૌથી મોટું કારણ એ આગળ ધરવામાં આવે છે કે રિજિજુ ન્યાયતંત્રને લઈને ઘણા આક્રમક થઈ ગયા હતા. તેમણે એવાં બયાનો કર્યાં હતાં જેનાથી સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે ટકરાવની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી.

જેવી રીતે રવિશંકર પ્રસાદ સોશ્યલ મીડિયા ટ્‍‍વિટર સામે પોલીસકેસથી લઈને સર્ચ ઑપરેશન જેવાં આક્રમક પગલાં લેવા સુધી પહોંચી ગયા હતા એવી રીતે રિજિજુ પણ આવતાંવેંત ઍન્ગ્રી યંગ મૅનની ભૂમિકામાં આવી ગયા હતા. એમાં છેલ્લા છ મહિનામાં તે જજોની પસંદગી અને પેન્ડિંગ કેસો જેવા અનેક મુદ્દાઓ પર અથડામણ ઊભી કરી ચૂક્યા હતા.

એક નોંધપાત્ર ઘટનામાં તેમણે સુપ્રીમ કોર્ટને સીધી જ નિશાન બનાવી હતી. તેમણે કહ્યું હતું કે ‘મને ખબર છે કે જજોની નિમણૂક કરવાની કોલેજિયમ સિસ્ટમથી દેશના લોકો ખુશ નથી. બંધારણની વાત કરીએ તો એ નિમણૂકોનો અધિકાર સરકારનો હોવો જોઈએ. ભારત સિવાય દુનિયામાં ક્યાંય એવી વ્યવસ્થા નથી કે જજો જાતે જ જજોની નિમણૂક કરે. ત્રીજું, કાનૂનપ્રધાન તરીકે મેં એ જોયું છે કે અડધો સમય તો જજો કોને જજ બનાવવા એમાં જ રચ્યાપચ્યા રહે છે. તેમનું પ્રાથમિક કામ ન્યાય તોળવાનું છે.’

એવી જ રીતે સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટોમાં જજોની નિમણૂકની ફાઇલ કાનૂન મંત્રાલયમાં અટકી પડી હતી ત્યારે સુપ્રીમ કોર્ટે નારાજ થઈને કહ્યું હતું કે સરકાર અમને કોઈ એવું પગલું ભરવા મજબૂર ન કરે જેથી મુસીબત ઊભી થાય. આ આકરો પ્રતિભાવ હતો અને ફાઇલને ઊંચી મૂકવાને બદલે રિજિજુએ સામે બાંયો ચડાવી હતી કે અહીં કોઈ ચેતવણી ન આપી શકે.

તેમણે કહ્યું હતું કે ‘કોલેજિયમ કહે એટલે સરકારે જો માત્ર સહી કરી દેવાની હોય તો પછી સરકારનું કામ જ શું છે? સરકાર જો ફાઇલ પર બેસી રહેતી હોય તો એ સરકારમાં મોકલતા જ નહીં. જાતે જ નિમણૂક કરી લેજો.’

હમણાં એપ્રિલ મહિનામાં સજાતીય લગ્નોને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી વખતે પણ તેમણે પડકારના અંદાજમાં કહ્યું હતું કે લગ્ન જેવી બાબતોનો ફેંસલો અદાલતોમાં ન થાય. તેમણે કહ્યું હતું કે ‘લગ્નનો નિર્ણય લોકો કરે છે અને લોકોની ઇચ્છાનું ધ્યાન સંસદ રાખે છે. એટલે કોર્ટે આમાં ન પડવું જોઈએ અને સરકાર પર છોડી દેવું જોઈએ.’

હદ તો ત્યારે થઈ હતી જ્યારે દિલ્હીમાં એક મીડિયા સમૂહના વાર્ષિક કાર્યક્રમમાં રિજિજુએ એવું કહી દીધું હતું કે અમુક નિવૃત્ત જજો ભારતવિરોધી ગૅન્ગનો હિસ્સો બની ગયા છે અને તેઓ ભારતની ન્યાયપાલિકા વિરોધ પક્ષની ભૂમિકા ભજવે એ માટે પ્રયાસ કરે છે. એવા લોકોએ કિંમત ચૂકવવી પડશે એવું રિજિજુ બોલ્યા હતા. નિવૃત્ત જજોને ગૅન્ગ ગણવા એ વધારે પડતું જ હતું અને સુપ્રીમ કોર્ટ તેમ જ હાઈ કોર્ટમાં ૩૦૦ જેટલા વરિષ્ઠ વકીલોએ એક નિવેદનમાં આકરો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે કાનૂનપ્રધાને તેમનું દાદાગીરીભર્યું બયાન પાછું લેવું જોઈએ.

બીજી એક ઘટનામાં રિજિજુએ જનહિતની ‘ફાલતુ’ અરજીઓ અને જામીનઅરજીઓ પર સુપ્રીમ કોર્ટ સમય બરબાદ કરે છે એવો ટોણો માર્યો હતો. બીજા જ દિવસે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ચંદ્રચૂડ સામે એક એવા કેદીના કેસની સુનાવણી આવી હતી જેને વીજળીની ચોરી માટે ૧૮ વર્ષની સજા થઈ હતી. એ વખતે તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ માટે કોઈ કેસ નાનો કે મોટો નથી હોતો.

ટૂંકમાં, રિજિજુની આ આક્રમકતાથી સંકેત તો એવો જ જતો હતો કે તેઓ જે પણ કહી રહ્યા છે એ સરકારનો મત છે અને સરકારના ઉચ્ચ નેતૃત્વની એમાં સહમતી છે. મતલબ કે સરકાર સુપ્રીમ કોર્ટને દબાવીને કહ્યાગરી બનાવવા માગે છે અને એટલા માટે જરૂર પડે તો લડાઈ કરવાના મૂડમાં છે. એમ તો અગાઉ ગૃહપ્રધાન અમિત શાહ અને રવિશંકર પ્રસાદ પણ કહી ચૂક્યા હતા કે સુપ્રીમ કોર્ટ વ્યવહારુ બનીને ફેંસલા આપે.

તો પછી રિજિજુના કિસ્સામાં કેમ આવું થયું? પહેલો તર્ક એ છે કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીનું જે રીતે ધોવાણ થયું એના પરથી સરકારમાં એવો મૂડ બન્યો છે કે એણે એની વૈચારિક આક્રમકતાને ઓછી કરીને આક્રમક શાસન પર ધ્યાન આપવું જરૂરી છે. રિજિજુનાં બયાનોથી તો એવું જ ફલિત થતું હતું કે સરકાર ટકરાવ કરવાને જ શાસન ગણે છે.

રિજિજુને હટાવીને સરકાર એવો સંકેત આપવા માગે છે કે એ સાર્વજનિક રીતે લડાઈ-ઝઘડા વહોરવાને બદલે સહકાર અને સહમતીથી શાસન દૃઢ કરવા માગે છે. પરોક્ષરૂપે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ઘનખડ માટે પણ આમાં સંકેત છે કે તેઓ ન્યાયપાલિકા સામે બયાનબાજી ન કરે. રિજિજુની જેમ જ ઘનખડે પણ સુપ્રીમ કોર્ટ સામે મોરચો ખોલ્યો હતો.

બીજો તર્ક પહેલા તર્ક સાથે જોડાયેલો છે. ન્યાયપાલિકા દરેક સરકારને અપ્રિય જ લાગતી હોય છે. સત્તા જ્યારે નિરંકુશ થઈ જાય ત્યારે અદાલત બંધારણને આગળ કરીને ન્યાય કરે છે, જે સરકારને ગમતું નથી હોતું અને એમાં ટકરાવની સ્થિતિ બને છે. અગાઉની સરકારોમાં પણ આવું થયું હતું. બંધારણ હેઠળ કામ કરતી સ્વાયત્ત સત્તાઓ વચ્ચે આવો ટકરાવ અસહજ નથી, પરંતુ વર્તમાનમાં તો ટકરાવ અહંકાર અને ચીડનો હતો અને એ જોખમી દિશામાં જઈ રહ્યો હતો.

ખાસ કરીને લોકસભાની ચૂંટણી એક વર્ષ જ દૂર છે ત્યારે સરકાર નથી ઇચ્છતી કે વાત અહીંથી આગળ વધે. સરકારને પણ પ્રસંગોપાત્ત ન્યાયપાલિકાના સકારાત્મક સહકારની જરૂર પડતી હોય છે. ભૂતકાળમાં ઘણા કેસોમાં સુપ્રીમ કોર્ટે સરકારને અનુકૂળ ફેંસલા આપ્યા છે. એટલા માટે જ ન્યાયપાલિકા સરકારના દબાણમાં કામ કરે છે એવા આરોપો પણ થયા છે. એટલે સરકાર એવું પણ ન કહી શકે કે ન્યાયપાલિકા સરકારવિરોધી છે.

ટૂંકમાં, સરકાર નથી ઇચ્છતી ચૂંટણીના માહોલમાં સુપ્રીમ કોર્ટ સાથે બિનજરૂરી શિંગડાં ભરાવવામાં આવે. એટલા માટે એક બાજુ રિજિજુને ભૂવિજ્ઞાન જેવા અજાણ્યા વિભાગમાં મોકલીને કાનૂન મંત્રાલયમાં હાઈ-પ્રોફાઇલ કટકટ બંધ કરી છે અને બીજી બાજુ મેઘવાળ જેવા લો-પ્રોફાઇલ પ્રધાનને ત્યાં બેસાડીને ચૂંટણી સુધી બધું સમુંસૂતરું ચાલે એ પાકું કર્યું છે.

લાસ્ટ લાઇન

બંધારણની પાયાની પ્રાથમિકતા સત્તાનું વિભાજન અને એકબીજા પર દેખરેખની પ્રણાલી બનાવવાની હતી, કારણ કે માણસને એક ભ્રષ્ટ થતા પ્રાણીના રૂપમાં જોવામાં આવ્યો હતો જે કાયમ વધુ ને વધુ સત્તા ઇચ્છતો હતો. - રૉય મૂર, ભૂતપૂર્વ અમેરિકન જજ

Whatsapp-channel Whatsapp-channel

28 May, 2023 02:39 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK