ડિરેક્ટર-પ્રોડ્યુસર કરણ જોહરની બાયોગ્રાફી ‘ઍન અનસૂટેબલ બૉય’ વાંચતી વખતે તમારી આંખોમાં તાજ્જુબ હોઈ શકે, પણ એ પૂરી કરશો ત્યાં સુધીમાં કરણ જોહરની માસૂમિયત તમને અંદરથી ધ્રુજાવી દેવાનું કામ ચોક્કસ કરી લેશે
બુક ટૉક
કરણ જોહરની બાયોગ્રાફી ‘ઍન અનસૂટેબલ બૉય’
‘મને સતત એવું લાગતું કે હું આ દુનિયાનો છું જ નહીં. મને કોઈ સાથે રહેવું નહોતું, કોઈ સાથે વાત નહોતી કરવી. બસ, મને મારા રૂમમાં એકલા બેસીને રડ્યા કરવું હતું. કહો કે મને એ આદત પડી ગઈ હતી. હું વાત કરતો એમાં સ્ત્રીત્વ ઝળકતું, મારા હાવભાવમાં પણ એ જ ભાવ હતા. છોકરીઓ સાથે વાત કરવી મને વધારે સરળ લાગતું અને આ બધાને લીધે મારી સતત મજાક થતી. મને થતું કે હું શું કામ ઘરની બહાર નીકળું છું...’
કરણ જોહરની ઓળખ આપવાની કોઈને જરૂર છે નહીં. બૉલીવુડના નંબર વન પ્રોડ્યુસર-ડિરેક્ટર કરણ જોહરે પોતાની બાયોગ્રાફી ‘ઍન અનસૂટેબલ બૉય’માં પોતાના સેક્સ-ઓરિયેન્ટેશન વિશે સ્પષ્ટતા સાથે કશું કહ્યું નથી અને એ પછી પણ તેણે ક્યાંય કશું છુપાવ્યું નથી. બુક લૉન્ચ સમયે કરણ જોહરે મજાકમાં કહ્યું હતું, ‘જો હું વધારે સ્પષ્ટતા સાથે લખવા ગયો હોત તો કદાચ અત્યારે આ દેશમાં મારી અરેસ્ટ થઈ હોત.’
ADVERTISEMENT
‘ઍન અનસૂટેબલ બૉય’ની જો કોઈ સૌથી મોટી ખાસિયત હોય તો એ છે એમાં સમાવવામાં આવેલાં તમામેતમામ પાસાંઓ. વિવાદાસ્પદ બની જતી વાતને સ્પર્શ જ નથી કરવી એવું પણ કરણે કર્યું નથી તો કરણે એવું પણ નથી રાખ્યું કે આ વાત કરતી વખતે તે બાલિશ લાગશે. લખતી વખતે તેણે ભારોભાર નિર્દોષતા રાખી છે. કરણે પોતાના પપ્પા યશ જોહરની પણ વાતો ખુલ્લા મને લખી છે તો મમ્મી હીરુ જોહરની વાતો પણ કહી છે. ધર્મા પ્રોડક્શન્સના સીઈઓ અપૂર્વ મહેતા સાથે નાનપણમાં જ થયેલી દોસ્તીની વાત પણ તેણે કહી છે તો ફિલ્મ-ડિરેક્ટર આદિત્ય ચોપડા તેની લાઇફ માટે કેટલો મહત્ત્વનો છે એ વાત પણ કરણ જોહરે કહી છે.
‘ઍન અનસૂટેબલ બૉય’ની બીજી મોટી ખાસિયત, જો તમને હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં રસ હોય તો તમારા માટે આ બુક ખાસ છે. જો તમને કરણ જોહરની લાઇફમાં રસ હોય તો પણ આ બુક ખાસ છે અને બૉલીવુડ સાથે જોડાયેલા લોકોની પર્સનલ વાત જાણવામાં રસ હોય તો પણ આ બુક તમારા માટે મસ્ટ બની જાય છે.
વાત સાઉથ મુંબઈની દુનિયાની | ‘ઍન અનસૂટેબલ બૉય’ની શરૂઆતમાં કરણ જોહરે તેનાં પપ્પા-મમ્મીની વાત કરી છે અને એ પછી તે પોતાની વાતો પર આવ્યો છે. તે નિખાલસપણે સ્વીકારે છે કે નાનો હતો ત્યારે તેના મનમાં એવું જ હતું કે સાઉથ મુંબઈ અને ત્યાંના લોકોથી બેસ્ટ કોઈ હોય જ નહીં. પોતાનામાં રહેલો આ સુપિરિયોરિટી કૉમ્પ્લેક્સ અને ધીમે-ધીમે તેની લાઇફમાં આવતા જતા જિનેટિક ફેરફારોને કારણે આવનારા ઇન્ફિરિયોરિટી કૉમ્પ્લેક્સની વાતો કરતાં-કરતાં જ કરણે કહ્યું છે કે તેને જ્યારે બોર્ડિંગ સ્કૂલમાં મૂકવામાં આવ્યો ત્યારે તેની હાલત બિલકુલ એવી જ હતી જેવી ‘તારે ઝમીં પર’ના દર્શિલ સફરીની હતી. તે ભાગીને ફરી ઘરે પણ આવી ગયો અને માત્ર મમ્મીના મન ખાતર તે ફરી બોર્ડિંગમાં ગયો પણ ખરો. નાનપણમાં મળેલા દોસ્તો કેવા હોય છે એનું બેસ્ટ એક્ઝામ્પલ તમને ‘ઍન અનસૂટેબલ બૉય’માં મળે છે.
ધર્મા પ્રોડક્શન્સના સીઈઓ અપૂર્વ મહેતા વિશે ભાગ્યે જ કોઈ જાણે છે. આ અપૂર્વ કરણનો બોર્ડિંગ ફ્રેન્ડ છે અને બન્નેની દોસ્તી આજ સુધી અકબંધ રહી છે. કરણ જોહરની ‘ઍન અનસૂટેબલ બૉય’ પરથી ડૉક્યુમેન્ટરી બનાવવાનું કામ શરૂ થવાનું હતું. નેટફ્લિક્સ પર એ રિલીઝ કરવાનું પ્લાનિંગ પણ થઈ ચૂક્યું હતું, પણ એ પછી અચાનક જ એ પ્રોજેક્ટને અભેરાઈએ ચડાવી દેવામાં આવ્યો.
કહે છે કે ‘ઍન અનસૂટેબલ બૉય’ પરથી ફિલ્મ બનાવવાની ઍડ્વાઇસ અનેક લોકો પાસેથી મળ્યા પછી કરણ જોહરે ડૉક્યુમેન્ટરીનું કામ રોકાવી દીધું.
કેટલીક વાતોમાં પડદાનીતિ | આગળ કહ્યું એમ, કરણ જોહરે કેટલીક વાતોમાં સ્પષ્ટતા કરવાનું ટાળ્યું છે અને એની પાછળનું કારણ પણ બૉલીવુડ હોય એવું લાગે છે. ‘ઍન અનસૂટેબલ બૉય’માં તેણે પોતાના પહેલા પ્રેમની વાત કરી છે, જેની સાથે તેને મૅરેજ કરવાં હતાં પણ એ વ્યક્તિએ ફ્રેન્ડશિપ રાખી અને મૅરેજની ના પાડી દીધી! કરણે લખ્યું છે, ‘અય દિલ હૈ મુશ્કિલ’નો વિચાર પણ મને મારી એ જ રિલેશનશિપ પરથી આવ્યો હતો. એ ફિલ્મ નહોતી બનાવી ત્યાં સુધી હું જબરદસ્ત પેઇન વચ્ચે જીવતો, પણ હવે મને એ પેઇન રહ્યું નથી.
ફિઝિકલ ઓરિયેન્ટેશનની સ્પષ્ટતા કરવાનું ટાળ્યું એવી જ રીતે કરણે પોતાની વન-સાઇડ રિલેશનશિપ કોની સાથે હતી એ કહેવાનું પણ ટાળ્યું છે. આવી અનેક વાતો છે જેના વિશે તેણે ચર્ચા કરવાનું ટાળ્યું છે તો આ જ બાયોગ્રાફીમાં એ પણ સ્પષ્ટતા સાથે દેખાય છે કે તેણે બૉલીવુડની પોતાની રિલેશનશિપને ધ્યાનમાં રાખવાની કોશિશ કરી છે. ‘કુછ કુછ હોતા હૈ’ની રિલીઝ અટકાવવા માટે પોતાને અબુ સાલેમનો ફોન આવ્યો હતો, પણ એ કરણની ફિલ્મ સાથે રિલીઝ થતી ‘બડે મિયાં, છોડે મિયાં’ સાથે અબુના શું રિલેશન હતા એની ચર્ચા કરવાનું પણ તેણે ટાળી દીધું છે તો ‘કભી ખુશી કભી ગમ’ને વાહિયાત ફિલ્મ ગણાવનારા ક્રિટિક્સના રિવ્યુ વાંચ્યા પછી કરણ જોહર ડિપ્રેશનમાં આવી ગયો અને એ ફિલ્મ પછી તેણે તમામ ક્રિટિક્સને ગણકારવાનું બંધ કરી દીધું એ ‘ઍન અનસૂટેબલ બૉય’માં લખ્યું છે, પણ એ ક્રિટિક્સનાં નામ (એકને બાદ કરતાં) લખવાનું કરણે ટાળ્યું છે.
કરણે બુકમાં એક જગ્યાએ લખ્યું છે, ‘બધું કહીશ, પણ એ જ્યારે કહીશ ત્યારે મેં સંપૂર્ણપણે એકલા રહેવાનો નિર્ણય કર્યો હશે.’
આ પણ વાંચો: વાત એવા એજન્ટની, જેના માટે દેશથી આગળ કશું નથી
સ્ટોરી શૉર્ટકટ
‘ઍન અનસૂટેબલ બૉય’ કરણ જોહરની લાઇફ દર્શાવે છે, પણ એની સૌથી મોટી બ્યુટી એ છે કે કરણે પોતાની વાત કરતાં-કરતાં પોતે બનાવેલી કેટલીક ફિલ્મોના મેકિંગની વાત પણ એમાં કહી છે. ‘કુછ કુછ હોતા હૈ’ બનાવતી વખતે કરણ જોહરની જ નહીં, તેની ફૅમિલીની મનોદશા પણ કેવી હતી એ વાત પણ તેણે ‘ઍન અનસૂટેબલ બૉય’માં કરી છે તો પોતે એ ફિલ્મની સક્સેસ માણવા માટે એક મહિનો મુંબઈમાં રહી શક્યો નહીં એનો અફસોસ પણ તેણે બુકમાં દર્શાવ્યો છે. ‘કુછ કુછ હોતા હૈ’માં ગેસ્ટ અપીરન્સ સલમાન ખાને કર્યો, પણ એ એક રોલ માટે કરણ કેવી-કેવી વ્યક્તિઓના સેટ પર જઈને બેસતો અને તેને મળવામાં એ ઍક્ટર ત્રણ-ચાર દિવસ પસાર કરી નાખતા એ વાત કહેતી વખતે કરણ ક્યાંય ઈગો દર્શાવતો નથી તો સાથોસાથ આજના આ તબક્કે પહોંચ્યા પછી તે એ ઍક્ટરનાં વખાણ કરે છે, જે ખરેખર સમજવા જેવી હરકત છે.
સક્સેસ તરફ આગળ વધતા સૌકોઈના માટે ‘ઍન અનસૂટેબલ બૉય’ મહત્ત્વની છે તો નિષ્ફળતા જેણે જોઈ છે તેમના માટે પણ કરણ જોહરની આ બાયોગ્રાફી મહત્ત્વની છે.