કાંદિવલીમાં રહેતાં વૈશાલી રાવલ આજની જનરેશન ધર્મના સાચા જ્ઞાનથી વિમુખ ન રહે એ માટે પોતાની સોસાયટીનાં બાળકોને સનાતન ધર્મની વાર્તા, પુરાણો અને ગ્રંથો વિશે તેમ જ મંત્રોચ્ચાર કરતાં શીખવે છે
વૈશાલી રાવલ આજની જનરેશન ધર્મના સાચા જ્ઞાનથી વિમુખ ન રહે એ માટે પોતાની સોસાયટીનાં બાળકોને સનાતન ધર્મની વાર્તા, પુરાણો અને ગ્રંથો વિશે તેમ જ મંત્રોચ્ચાર કરતાં શીખવે છે
ગરુડપુરાણમાં કહેવામાં આવ્યું છે કે કયાં-કયાં કારણોસર વ્યક્તિએ મુસીબતોનો અને દુઃખનો સામનો કરવાનો વારો આવે છે. એમાં એક કારણ અધૂરું જ્ઞાન પણ છે. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે યોગ્ય જ્ઞાન હોવું જરૂરી છે. બધા પ્રકારની જાણકારી હશે તો વ્યક્તિ સારા-ખરાબ સમયમાં યોગ્ય નિર્ણય લઈ શકશે. મહાભારતમાં અભિમન્યુ અધૂરા જ્ઞાનને લીધે જ માર્યો ગયો હતો. તેને ચક્રવ્યૂહમાં પ્રવેશ કરવાનું તો આવડતું હતું, પરંતુ કેવી રીતે નીકળવું એની તેને ખબર નહોતી. આ ઘટના તો સૈકાઓ જૂની છે. આજની વાત કરીએ તો આજની જનરેશનને ધર્મની અધૂરી જાણકારી છે. જેમ કે વડીલોના કહેવાથી મંત્રોનો જાપ કરે છે, હનુમાન ચાલીસા વાંચે છે, હવન કરે છે પણ એની પાછળનું કારણ અને એનો મર્મ કે અર્થ જાણતા નથી. બસ, કરવા માટે કહ્યું એટલે કરવાનું એટલી જ ખબર હોય છે. આજની જનરેશનની આવી જ માનસિકતા સુધારવા અને ધર્મનું સાચું અને સચોટ જ્ઞાન આપવા કાંદિવલીનાં એક બહેન આગળ આવ્યાં છે અને કોઈ પણ પ્રકારની ફી કે પછી વળતર લીધા વિના પોતાની સોસાયટીનાં બાળકોને છેલ્લા આઠેક મહિનાથી સનાતન ધર્મની વાર્તાઓ, ભારતભૂમિના શૂરવીરોની વાતો, મંત્રોચ્ચાર, પાઠ અને ધર્મની અનેક બાબતોનું જ્ઞાન આપી રહ્યાં છે. અત્યારે તેઓ બાળકોને શિવતાંડવ પણ શીખવી રહ્યાં છે.
કાંદિવલીના ઠાકુર વિલેજમાં રહેતાં ૪૫ વર્ષનાં હાઉસવાઇફ વૈશાલી રાવલ કહે છે, ‘બાળકોને સ્કૂલમાં આજે દરેક વિષયનું જ્ઞાન આપવામાં આવે છે, પણ આધ્યાત્મિક જ્ઞાન જેની આજનાં સમયમાં ખાસ જરૂર છે એ આપવામાં નથી આવી રહ્યું અને બાળકોને આજે સમય અને સંજોગોના અભાવે ઘરમાંથી પણ આ જ્ઞાન મળી રહ્યું નથી. એટલે મેં આ બાબતે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલો ફાળો આપવાનો પ્રયત્ન કર્યો છે. ગયા વર્ષના જૂન મહિનાથી હું અઠવાડિયામાં એક વખત દોઢ કલાક મારી સોસાયટીનાં બાળકોને સનાતન ધર્મની વાર્તાઓ, હિન્દુ ધર્મ વિશેની જાણકારી, મંત્રોના અર્થ, ભગવદ્ગીતા, ભગવાનના નામના અર્થ, શિવસ્તોત્રમ અને શિવતાંડવ શીખવી રહી છું. આ મહાશિવરાત્રિ નિમિત્તે હું મહિના અગાઉથી તેમને શિવસ્તોત્રમ અને શિવતાંડવ શીખવી રહી છું. શિવતાંડવ મોટા લોકો માટે પણ કઠિન છે અને એમાં એક-એક શબ્દનો સરખો અને સ્પષ્ટ ઉચ્ચાર અને અર્થ સમજતાં વાર લાગે છે. પણ આ બાળકો છે એટલે તેમને શીખવવામાં ધીરજની જરૂર છે. ધીમે-ધીમે કરતાં તેમને ૧૦ શ્લોક સુધી તો આવડી ગયું છે. આ સિવાય શિવમહાપુરાણની કથાઓ, કોણે એની રચના કરી, કેવી રીતે પઠન કરી શકાય એ બધું શીખવું છું.’
ADVERTISEMENT
બાળકો પાસે સવાલ અનેક છે
ધર્મ, અધ્યાત્મ અને પૌરાણિક કથાઓ વિશે બાળકોના મનમાં અનેક સવાલો હોય છે, જેનો જવાબ તેમને બિઝી પેરન્ટ્સ પાસેથી નથી મળી રહ્યો એટલે વૈશાલીબહેન નાની-નાની વાતો અને સવાલોની જિજ્ઞાસા પૂરી કરે છે. તેઓ કહે છે, ‘હું તેમને આપણી પૌરાણિક કથા, એમાંનાં પાત્રોનો પરિચય, એમાં વપરાતા શબ્દોની સમજ વગેરે પણ સમજાવું છું. યક્ષ, ગંધર્વ, કિન્નર કોણ કહેવાય; દેવી, દેવતાઓનાં ઉપનામ કેવી રીતે પડ્યાં અને એની પાછળનું રહસ્ય વગેરે જણાવું છું. તેમ જ ચોક્કસ સમયાંતરે તેમની પરીક્ષા પણ લઉં છું જેથી તેમને કેટલી ખબર પડી છે એની જાણ થઈ શકે. આજે મહત્તમ બાળકોને ધર્મનું ઊંડું અને સ્પષ્ટ જ્ઞાન નથી, જેને લીધે તેઓ ઘણી વખત ભગવાન છે કે નહીં એની સામે પણ પ્રશ્ન કરે છે અને તેમના પ્રશ્નના ઘણાખરા જવાબો પેરન્ટ્સ પાસે પણ હોતા નથી અથવા તો હોય છે છતાં તેઓ પાસે સમજાવવાનો સમય હોતો નથી, જેને લીધે બાળકોનો ધર્મ ઉપરથી રસ અને વિશ્વાસ ઓછો થતો જાય છે. હું આ વસ્તુ વર્ષોથી જોતી આવી છું અને મારે એના માટે કંઈક કરવું હતું, એટલે બસ મને જેવી તક સાંપડી કે તરત મેં આ બીડું ઝડપી લીધું.’
કઈ રીતે શરૂ થયું આ કાર્ય?
આધ્યાત્મિક જ્ઞાન આપવાનો વિચાર કેવી રીતે આવ્યો એ વિશે જાણકારી આપતાં વૈશાલીબહેન કહે છે, ‘મને ઘણાં વર્ષોથી આ બાબતે કંઈ કરવાની ઇચ્છા હતી. હું પોતે આધ્યાત્મિક બાબતોની સાથે નાનપણથી સંકળાયેલી છું. હિન્દુ ધર્મનાં અનેક પુસ્તકો મેં વાંચ્યા છે અને જ્યાંથી જે માહિતી મળે છે એ ભેગી કરતી આવી છું. આ ઉપરાંત હું ભૂતકાળમાં સ્કૂલમાં શિક્ષિકા તરીકે પણ ઘણાં વર્ષો નોકરી કરી ચૂકી છું એટલે મને બાળકોને કેવી રીતે ભણાવવાં એનું પણ જ્ઞાન હતું જ. એક દિવસ મને સવારે એવું સ્વપ્ન આવ્યું કે હું બાળકોની વચ્ચે બેસેલી છું, નથી હાથમાં કોઈ પુસ્તકો કે નથી કોઈ આધ્યાત્મિક વાતાવરણ છતાં ખૂબ જ નિર્મળ વાતાવરણ હતું અને દરેકના ચહેરા પર તેજ અને આનંદ હતાં. મારી આંખ ખૂલી ગઈ. મને આ કોઈ નિર્દેશ જેવું લાગ્યું, કેમ કે મને વર્ષોથી બાળકો માટે આધ્યાત્મિક લેવલનું કંઈ કરવાની ઇચ્છા હતી. અને આટલો આનંદ અને તેજ ચહેરા ઉપર ત્યારે જ જોવા મળે જ્યારે તમે મનથી ઈશ્વરની નજીક પહોંચી ગયા હો. બસ, ત્યારથી મેં મારી સોસાયટીમાં કહેવા માંડ્યું કે હું બાળકોને આવું કંઈક શીખવવા માગું છું, જો તમારાં બાળકોને રસ હોય તો મારા ઘરે મોકલજો. પછી ધીરે-ધીરે બાળકોની સંખ્યા વધવા લાગી. આજે લગભગ ૨૦ જેટલાં બાળકો મારાં ઘરે આવે છે. હું બધી વાર્તાઓ તેમને ગમે એવી સ્ટોરીની જેમ કહું છું એટલે તેમને રસ પડે છે. ઘરમાં જગ્યા મર્યાદિત હોઈ હું વધુ બાળકોને સમાવી શકતી નથી છતાં જે આવે તેને વેલકમ કરું છું. મારું આમ કરવા પાછળનો અભિગમ તેમનામાં હિન્દુત્વ પ્રત્યે કટ્ટરતા કે પછી અન્ય ધર્મ પ્રત્યે ઓરમાયું વર્તન લાવવાનો નથી કે નથી મારે કોઈ નેતા ઊભો કરવો, પણ હું માત્ર તેમને પોતાના ધર્મ વિશે સાચી અને સવિસ્તર માહિતી મળે એ જ ઇચ્છું છું.’
પેરન્ટ્સને પણ બહુ ગમે છે
પેરન્ટ્સ પાસેથી મળી રહેલા પ્રોત્સાહક રિસ્પૉન્સને લીધે મને ખૂબ જ પ્રોત્સાહન મળે છે એમ જણાવતાં વૈશાલીબહેન આગળ કહે છે, ‘જ્યારથી બાળકો સનાતન ધર્મ અને અન્ય આધ્યાત્મિક વાર્તા વિશે જાણવા લાગ્યાં ત્યારથી તેઓ ઘરે પણ આ વિશે વધુ વાત કરતાં થયાં. ઘરે જઈને પેરન્ટ્સને વિવિધ પ્રશ્નો પણ પૂછતાં. એ જોઈને પેરન્ટ્સ ખૂબ જ ખુશ છે. એક વાલીએ મને આવીને કહ્યું કે મારાં બાળકો નેક્સ્ટ ક્લાસ ક્યારે થશે એની રાહ જુએ છે, તેમને ધર્મ વિશે જાણવાની આતુરતા વધી ગઈ છે, બીજા ક્લાસમાંથી આવીને થાકી ગયાં હોવા છતાં આ ક્લાસમાં તરત જ આવવા રેડી હોય છે. બીજા પેરન્ટે મને એમ પણ કહ્યું કે મારા બાળકને પહેલાં ધર્મ વિશે જાણવાની જરાય ઇચ્છા નહોતી, પણ હવે એ વાતો જાણવાની તાલાવેલી રાખે છે; બહાર ગયા હોય તો રિલેટિવ્સને પણ સમજાવવા લાગે છે. બસ, આ રિસ્પૉન્સ જ મારી સૌથી મોટી કમાણી અને આશીર્વાદ છે. હું ઇચ્છું છું કે ભવિષ્યમાં મારા આ ભગીરથ કાર્યમાં વધુ ને વધુ બાળકો સંકળાય.’

