યુરોપિયન દેશ ક્રોએશિયાની ટેબલ-ટેનિસની ટીમમાં તેની પસંદગી થઈ છે. મુંબઈની આ ગુજરાતી ગર્લે પોતાના પૅશન અને મહેનતથી પુરવાર કર્યું કે ઝુકતી હૈ દુનિયા, બસ ઝુકાનેવાલા ચાહિએ
૨૧ વર્ષની ખેયા શાહ
ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને નૅશનલ લેવલ પર ટેબલ-ટેનિસ રમી ચૂકેલી ૨૧ વર્ષની ખેયા શાહને કાંડામાં ઇન્જરીને કારણે ટેબલ-ટેનિસ પર પર્મનન્ટ પૂર્ણવિરામ મૂકવાનું ડૉક્ટરે કહી દીધેલું. સતત જાકારા પછી પણ તે અટકી નહીં અને એનું જ પરિણામ છે કે યુરોપિયન દેશ ક્રોએશિયાની ટેબલ-ટેનિસની ટીમમાં તેની પસંદગી થઈ છે. મુંબઈની આ ગુજરાતી ગર્લે પોતાના પૅશન અને મહેનતથી પુરવાર કર્યું કે ઝુકતી હૈ દુનિયા, બસ ઝુકાનેવાલા ચાહિએ
તમે આખી લાઇફ કોઈ એક મિશન પર ખર્ચી નાખી હોય અને એક સવારે તમને એવું કહેવામાં આવે કે તમારે એ મિશન છોડી દેવાનું છે, કહેવામાં આવે કે હવે તમે એ દિશામાં આગળ નહીં વધી શકો ત્યારે તમારા પર શું વીતે?
ADVERTISEMENT
કાંદિવલી-વેસ્ટમાં રહેતી અને હવે ટેબલ-ટેનિસમાં યુરોપના ક્રોએશિયા દેશને રીપ્રેઝન્ટ કરતી જૈન પરિવારની ૨૧ વર્ષની ખેયા શાહ સાથે આવું બન્યું હતું. નાનપણથી ટેબલ-ટેનિસને ધર્મ બનાવીને એની પાછળ લાગી ગયેલી ખેયા જ્યારે નૅશનલ ટીમમાં સિલેક્ટ થાય એવી આશા જાગી ત્યારે જ તેને કહેવામાં આવ્યું કે તેણે આ ગેમ છોડી દેવી પડશે. આવું કહેવા પાછળનું કારણ હતું ખેયાના કાંડાના સાંધાને જોડતા સ્નાયુની સિરિયસ ઇન્જરી. જોકે એ પછી પણ ખેયા પેશન્સ સાથે લાગેલી રહી અને મેડિક્લ એક્સપર્ટ્સના આશ્ચર્ય વચ્ચે તે ગેમમાં ફરી એન્ટર થઈ. આજે તે ક્રોએશિયાને ટેબલ-ટેનિસમાં રીપ્રેઝન્ટ કરે છે. ખેયા કહે છે, ‘બહુ પેઇન વચ્ચે પણ મેં રમવાનું ચાલુ રાખ્યું હતું. મને યાદ છે કે એક મૅચમાં હું સતત હારતી હતી અને પેઇનને કારણે રડતી હતી ત્યારે મને પપ્પાએ કહ્યું કે ગેમ છોડી દે; પણ મેં તેમને કહ્યું કે ના, ભલે હું પૉઇન્ટ સાથે હારતી, પણ ટેબલ પર હું નહીં હારું. બસ, આ વાત જરા જુદી રીતે મારા માટે મોટિવેશન બની અને મેં નક્કી કર્યું કે હું ટેબલ પર હારીશ, પણ પીડા સામે નહીં હારું.’
ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી કરી શરૂઆત
પપ્પા કેતનભાઈ ટીચર અને મમ્મી વંદનાબહેન હાઉસવાઇફ. બન્નેની એકની એક દીકરી એવી ખેયા નાનપણમાં બહુ ઇન્ટ્રોવર્ટ હતી. કેતનભાઈ એ દિવસો યાદ કરતાં કહે છે, ‘એ વખતે અમે થાણેમાં રહેતા. ખેયા નીચે કોઈ સાથે રમવા જાય નહીં અને અમને ટેન્શન થાય. એક દિવસ સોસાયટીના ક્લબ-હાઉસમાં મેં તેને ટેબલ-ટેનિસ રમવા માટે પરાણે મોકલી. એ સમયે ખેયા ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં હતી. અમારી સોસાયટીમાં ટેબલ-ટેનિસનો ટ્રેઇનર આવતો. ખેયાએ જે રીતે બૅટ પકડ્યું એ જોઈને જ તે ટ્રેઇનરે મને કહ્યું કે ખેયાનું ઑબ્ઝર્વેશન બહુ શાર્પ છે, તે બેસ્ટ ટેબલ-ટેનિસ પ્લેયર બની શકે છે.’
બન્યું પણ એવું. એક વર્ષમાં તો ખેયાએ ટેબલ-ટેનિસમાં સોસાયટીના ત્રીસ અને ચાલીસ વર્ષના પ્લેયરોને હરાવવાનું શરૂ કરી દીધું તો સ્કૂલમાં પણ તેણે એ જ કમાલ દેખાડવા માંડી. ખેયા કહે છે, ‘એ સમયે હું હીરાનંદાની ફાઉન્ડેશન સ્કૂલમાં ભણતી. શરૂઆત સ્કૂલ-ટુર્નામેન્ટથી થઈ અને અન્ડર-ટેન ટુર્નામેન્ટમાં હું પહેલી વાર ડિસ્ટ્રિક્ટ રમી જેમાં મને ગોલ્ડ મેડલ મળ્યો.’
ડિસ્ટ્રિક્ટ પછી સ્ટેટ અને એ પછી નૅશનલ સ્કૂલ કૉમ્પિટિશનમાં અનેક ટુર્નામેન્ટ જીતનારી ખેયા ત્યાર પછી તો ટેબલ-ટેનિસમાં મહારાષ્ટ્રને પણ રીપ્રેઝન્ટ કરવા માંડી અને ૨૦૧૪ પછી લાગલગાટ તેણે નૅશનલ સ્કૂલ ચૅમ્પિયનિશપમાં મહારાષ્ટ્રને બ્રૉન્ઝ, સિલ્વર અને ગોલ્ડ એમ મેડલ પણ અપાવ્યા. એ પછી તે મહારાષ્ટ્રની કૅપ્ટન બની. ત્યાર બાદ ખેયાની લાઇફમાં સૂર્યાસ્ત દેખાવાનો શરૂ થયો. કેતનભાઈ કહે છે, ‘૨૦૧૯ના વર્ષ દરમ્યાન તેને સતત રિસ્ટ-પેઇન રહ્યા કરે. ઓછું પેઇન હતું ત્યારે તો તે બોલી પણ નહીં, પણ ગેમના રિઝલ્ટ પર એની અસર દેખાવા લાગી એટલે તેણે અમને વાત કરી. નૅચરલી, આપણે પહેલાં ફૅમિલી ડૉક્ટરને મળીએ. તેમણે થોડી એક્સરસાઇઝ અને ફિઝિયોથેરપી લખી આપી એનાથી ખેયાને રાહત થઈ. એ સમયે ખેયાની નૅશનલની તૈયારી ચાલતી અને ભણવામાં તે ટેન્થમાં હતી. નૅશનલની તૈયારી હોય એટલે સ્વભાવિક છે કે પ્રૅક્ટિસ પણ એ લેવલની જ હોય. થોડાં અઠવાડિયાંઓમાં ફરીથી પેઇન શરૂ થયું.’
એ નૅશનલ ટુર્નામેન્ટમાં ખેયા હારી. રમતી જાય અને પેઇન સાથે તે રડતી પણ જાય.
લૉકડાઉન અને આરામ
૨૦૧૯માં પણ પેઇન અકબંધ રહેતાં એક્સપર્ટ્સને દેખાડવામાં આવ્યું અને ખબર પડી કે ખેયાના સ્નાયુના તંતુ ૮૦ ટકાથી વધારે ફાટી ગયા છે, જેના માટે ઑપરેશન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ખેયા કહે છે, ‘અમે ઘણા ડૉક્ટરના ઓપિનિયન લીધા, પણ બધાનું કહેવું એ જ હતું કે સર્જરી પછી મૅચ રમી શકાય એ લેવલ પર તો રિસ્ટ કામ ન કરી શકે, નૉર્મલ બધું કામ થાય. મેં સર્જરી ટાળવાની અને ફિઝિયોથેરપી પર ફોકસ કરવાનું નક્કી કર્યું. મારે ગેમ છોડવી નહોતી.’
એ વર્ષે ખેયાએ નાની મૅચો છોડી પણ ખરી, પણ નસીબના જોરે ૨૦૨૦ના બે જ મહિનામાં લૉકડાઉન આવ્યું અને ખેયાને બરાબર રેસ્ટ મળ્યો. કેતનભાઈ કહે છે, ‘છ મહિના તે બિલકુલ ઘરે જ હતી. એ પછી તેણે ઘરમાં જ પ્રૅક્ટિસ ચાલુ કરી. એમાં પણ તેને પેઇન નહોતું એટલે અમે વાતને પૉઝિટિવ રીતે લીધી; પણ જેવું લૉકડાઉન ખૂલ્યું, પ્રૅક્ટિસ શરૂ થઈ કે તરત પેઇનની શરૂઆત થઈ ગઈ. હવે અમારી પાસે સર્જરી સિવાય કોઈ ઑપ્શન નહોતો.’
સર્જરી અને છ મહિના
ખેયાએ કાંદિવલીમાં જ સર્જરી કરાવી અને એ પછી છ મહિનાના રેસ્ટ પછી તેણે પ્રૅક્ટિસ શરૂ કરી. જે બૅટ પહેલાં તે બ્રશની જેમ હવામાં ફેરવતી એ બૅટ હવે વજનદાર લાગતું હતું. ખેયા કહે છે, ‘મારે કેટલીક ટેક્નિક ચેન્જ કરવી પડશે એવું મને લાગ્યું એટલે મેં એમાં પણ ધ્યાન આપ્યું. જો તમે ટેબલ-ટેનિસમાં લૉન્ગ પિમ્પલ બૅટ વાપરતા હો તો તમારે રિસ્ટને એકદમ સ્પીડમાં ઑલમોસ્ટ ૨૭૦ ડિગ્રી જેટલું ક્લૉક અને ઍન્ટિ-ક્લૉકવાઇઝ ફેરવવાનું હોય. મેં ટેક્નિક ચેન્જ કરી બૅટને એ રીતે ફેરવવાનું અને ફિંગરના સપોર્ટ સાથે ઝડપ લાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં પેઇન થતું, પણ એ પેલા પેઇન કરતાં ઘણું ઓછું હતું અને મને એટલી ખબર હતી કે મારે જો ટેબલ પર ફરી જવું હોય તો આ પેઇન સહન કરતાં શીખવું પડશે.’
પહેલાં કોવિડ અને પછી સર્જરી. આમ બે વર્ષના ગૅપ પછી ૨૦૨૨માં ખેયા પહેલી વાર મહારાષ્ટ્ર સ્ટેટ ટુર્નામેન્ટ રમવા માટે નાશિક ગઈ. એ ટુર્નામેન્ટમાં ખેયાની પસંદગી બે કૅટેગરીમાં થઈ હતી. જે છોકરી લાઇફમાં ક્યારેય ક્વૉર્ટર ફાઇનલ પહેલાં હારી નહોતી તે છોકરી એ ટુર્નામેન્ટની બન્ને કૅટેગરીના પહેલા જ રાઉન્ડમાં હારી ગઈ. ખેયા કહે છે, ‘મારી લાઇફનો સૌથી મોટો સેટબૅક. હવે મને બધા કહેતા હતા કે હું ફિનિશ થઈ ગઈ છું, મારી ગેમ ઓવર થઈ ગઈ જે બહુ ડિપ્રેસિવ હતું. આ સમયે મને મારા કોચ સચિન શેટ્ટીએ કહ્યું કે તું આ માહોલમાંથી નીકળી જા અને પ્રૅક્ટિસ પર જ ધ્યાન આપ.’
સચિન શેટ્ટીએ જ યુરોપના ક્રોએશિયાની એક ક્લબમાં ખેયા પ્રૅક્ટિસ કરી શકે એવી અરેન્જમેન્ટ કરી અને ખેયા બધું ભૂલીને ક્રોએશિયા જઈને પ્રૅક્ટિસ પર લાગી ગઈ. ખેયા કહે છે, ‘લોકો તમને જજ કરવા માંડે ત્યારે તમારી મહેનત પર અસર થાય, પણ ત્યાં તો મને કોઈ જજ કરનારું નહોતું એટલે મને મારી હારથી કોઈ ફરક નહોતો પડતો અને હાર પણ મારી સાથે લાંબો સમય રહેવાની નહોતી.’
પ્રૅક્ટિસ દરમ્યાન છ જ મહિનામાં એવો તબક્કો આવી ગયો કે ખેયાના ત્યાંના સ્થાનિક કોચ રોનાલ્ડ રેડજેપે ખેયાને ઑફર કરી કે ક્રોએશિયામાં રમાતી ટેબલ-ટેનિસ લીગમાં તું પાર્ટ બન. આપણે ત્યાં IPL છે એ જ લેવલની આ લીગ હોય છે. ખેયાએ એમાં ભાગ લીધો અને એ ટુર્નામેન્ટમાં તેણે ટેબલ-ટેનિસમાં વર્લ્ડમાં ૩૧મા નંબરે આવતી અમેરિકન એમી વેન્ગને હરાવી અને આખું ક્રોએશિયા ખેયાનું દીવાનું બની ગયું. ખેયા કહે છે, ‘મારી એ જીત પછી મને સ્ટાર પ્લેયર જેવી ટ્રીટમેન્ટ મળવા માંડી. થોડા દિવસ પહેલાં મને પૂછવામાં આવ્યું કે હું ક્રોએશિયાને ઇન્ટરનૅશનલ લેવર પર રીપ્રેઝન્ટ કરીશ? મેં હા પાડી અને ગવર્નમેન્ટ સાથે મારો કૉન્ટ્રૅક્ટ પણ થઈ ગયો. મારું ડ્રીમ છે ઇન્ડિયા વતી ઑલમ્પિક્સ રમી ગોલ્ડ મેડલ લાવવાનું, જે માટે હું એક-બે વર્ષમાં ઇન્ડિયા આવીશ એ પણ નક્કી છે.’
ક્રોએશિયાને ખેયા રીપ્રેઝન્ટ કરશે એ સત્તાવાર રીતે જાહેર થયા પછી ભારતના ક્રોએશિયા ખાતેના ઍમ્બૅસૅડરે પણ ખેયાને મળવા બોલાવી હતી અને તેને કૉન્ગ્રેચ્યુલેશન્સ આપ્યાં. છેને ખરેખર પ્રાઉડની વાત.

