કોઈ ન ઇચ્છે કે પ્રેમાળ જીવનસાથીનો સાથ કદી છૂટે, પરંતુ જો અચાનક એક અકસ્માતમાં એવું થાય તો જીવનના એ કારમા આઘાતને પચાવીને હિંમતભેર જિંદગીનો સામનો એકલા હાથે કેવી રીતે કરવો એનું પ્રેરણાદાયી ઉદાહરણ છે કાંદિવલીમાં રહેતાં ૪૨ વર્ષનાં અલ્પા અનુવાડિયા
પતિ, સાસુ-સસરા અને બાળકો સાથે અલ્પા અનુવાડિયા.
વર્ષો પહેલાં રાજ કપૂરે કહ્યું હતું કે ધ શો મસ્ટ ગો ઑન! જીવનમાં ગમેતેવી વિકટ પરિસ્થિતિ આવે તોય જીવવું જ પડે, જીવતાં શીખવું જ પડે. આપણા માટે નહીં પણ સ્વજનો માટે. કાંદિવલીમાં રહેતાં ૪૨ વર્ષનાં અલ્પા અનુવાડિયા પર આ સ્થિતિ બંધ બેસે છે. અઢી વર્ષ પહેલાં એક આકસ્મિક ઘટનામાં પતિનો સંગાથ ગુમાવ્યા બાદ આજે અલ્પાબહેન એકલા હાથે બાળકો અને સાસુ-સસરાની જવાબદારી ઉઠાવી રહ્યાં છે. ધીરે-ધીરે પોતાની સ્કિલ્સને ડેવલપ કરીને એકસાથે બે નોકરી અને સાઇડમાં બીજાં નાનાં-મોટાં કામ કરતાં અલ્પાબહેન પોતાના જેવી મહિલાઓને પણ હિંમત રાખીને જીવતાં શીખવાડી રહ્યાં છે.
ADVERTISEMENT
અબાકસ શીખવી રહેલાં (ઉપર) અને ટ્યુશનનાં બાળકો સાથે અલ્પા અનુવાડિયા.
સ્મૂધ ચાલી રહેલી ગાડીમાં લાગી બ્રેક
પતિના અવસાને જીવનને ૩૬૦ ડિગ્રી ફેરવી નાખ્યું છે એવું માનનારાં અલ્પાબહેન તેમના જીવનના ટર્નિંગ પૉઇન્ટ વિશે જણાવે છે, ‘૨૦૦૬માં મારાં લગ્ન હરેન સાથે થયાં હતાં. અમે બન્ને પહેલાં ઘાટકોપરની HVK તન્ના કૉલેજમાં સાથે ભણતાં હતાં. એ સમયે વિચાર્યું નહોતું કે કૉલેજમાં સાથે ભણતા છોકરા સાથે જ મારે જીવન વિતાવવાનું છે. મારા પતિની આવક પણ સારી, સાસુ-સસરા પણ સ્વભાવે સારા મળ્યા તો અમે હૅપી ફૅમિલીની જેમ રહેતાં હતાં. મને સામાજિક કાર્યોમાં રસ હતો તો સમય વિતાવવા માટે એકથી પાંચ ધોરણનાં ટ્યુશન લેતી હતી. કોઈ ગરીબ બાળક આવે તો તેની પાસે ફીઝ ન લેતી. જીવન બહુ જ હૅપી અને સ્મૂધ ચાલી રહ્યું હતું. પરંતુ ૨૦૨૨ની પચીસમી સપ્ટેમ્બરના દિવસે અચાનક આવેલા ફોને મારું જીવન બદલી નાખ્યું.
એક અકસ્માતે જિંદગી બદલી નાખી
વાત એમ છે કે મારા પતિ બૅન્ગલોરની કંપનીમાં સૉફ્ટવેર એન્જિનિયર તરીકે જૉબ કરતા હતા. તેમને ક્રિકેટ રમવું બહુ જ ગમતું. જ્યાં મૅચ થાય ત્યાં ભાગ લેવા પહોંચી જાય. ‘મિડ-ડે કપ’ની પણ ઘણી મૅચ તેમણે રમી હતી. રવિવારનો દિવસ હતો તો તેઓ ટૂ-વ્હીલર લઈને સવાર-સવારમાં મૅચ રમવા જતા હતા. વરસાદની ઋતુ હતી એટલે રોડ ભીના હતા અને એમાં તેમની બાઇક સ્કિડ થઈ ગઈ. તાત્કાલિક તેમને હૉસ્પિટલ લઈ જવાયા હતા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. જોકે આ વાત કંપની તરફથી આવેલા ફોનમાં મને જણાવી નહોતી. ‘હરેનને ઈજા પહોંચી છે અને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તો તમે આવી જજો’ મને આટલું જ કહેવામાં આવ્યું હતું. મેં ક્યારેય એકલા ટ્રાવેલ કર્યું નહોતું. બૅન્ગલોર ક્યારેય જોયું નહોતું તેથી આટલું જલદી બૅન્ગલોર કેવી રીતે પહોંચું, ત્યાં પહોંચીને હૉસ્પિટલ કેવી રીતે શોધું એનું ટેન્શન આવી રહ્યું હતું. વહેલી સવારે બધાને કૉલ કર્યા. એક ફૅમિલી ફ્રેન્ડ વહારે આવ્યા. તેમણે મારી ફ્લાઇટની ટિકિટ કાઢી દીધી અને જેમ-તેમ કરીને હું બૅન્ગલોર પહોંચી. ત્યાં મને હરેનના કલીગ્સ કહેતા હતા કે તમારે હિંમત રાખવી પડશે, થોડા કઠણ બનવું પડશે. મને હતું કે ગંભીર ઈજા પહોંચી હશે એટલે મને આ લોકો આવું કહે છે. ત્યાં મને હૉસ્પિટલને બદલે શબઘરમાં લઈ ગયા. તેમના મૃત્યુની જાણ થતાં જ મારા પગ નીચેથી જમીન ખસકી ગઈ. મારી હસતી-રમતી દુનિયા તેમના જવાથી વેરવિખેર થઈ ગઈ.’
શરૂ થયો ટફ ટાસ્ક
ઘરના એકમાત્ર દીકરાનું અવસાન થયા બાદ ઘરના સંચાલનની જવાબદારી અલ્પાબહેને પોતાના ખભે લીધી. જીવનમાં આવેલા અણધાર્યા બદલાવને જણાવતાં તેઓ કહે છે, ‘જ્યારે હરેનનું અવસાન થયું ત્યારે મારી દીકરી દિયા ૧૪ વર્ષની અને દીકરો વિવાન છ વર્ષનો હતો. બન્ને બાળકોના ભવિષ્યની ચિંતાએ મારી ઊંઘ ઉડાડી નાખી હતી, કારણ કે અત્યાર સુધી મારા પતિ જ આખા ઘરની આર્થિક જવાબદારી ઉઠાવતા હતા. હું બન્ને બાળકોનો ઉછેર એકલા હાથે કેવી રીતે કરી શકીશ? મેં મારા જીવનમાં ક્યારેય મોત જોયું નહોતું અને અચાનક આ ઘટનાએ મને અંદરથી પૂરી રીતે ઘમરોળી નાખી હતીં. આ સમય મારા જીવનનો સૌથી કપરો સમય હતો. સમય જતાં મેં પોતાની જાતને તેમના વગર જીવવા પ્રિપેર કરી. મેં એક ડાયરીમાં એ બધા જ પ્રશ્નો ઉતાર્યા જે દુનિયા મને પૂછવાની હતી અને સાથે એના જવાબ પણ શોધીને લખતી હતી. પહેલેથી જ પ્રિપેર્ડ હોઈએ કે શું જવાબ આપવો છે તો આપણો અડધો ટાસ્ક ઈઝી થઈ જાય છે એવું મારું માનવું છે. ડાયરીમાં લખવાની આ પ્રૅક્ટિસે મને મનથી મજબૂત બનાવી.’
ઘર ચલાવવાની જવાબદારી ઉઠાવી
સૌથી પહેલાં કમાવાનું શરૂ કરવા રોજગારની તક શોધવા લાગેલાં અલ્પાબહેન કહે છે, પહેલેથી હું ટ્યુશન લેતી હતી એટલે થોડો પ્રચાર કરીને બાળકોની સંખ્યા વધારી. પણ ઘર ચલાવવામાં આટલી આવક પૂરતી નહોતી. હું તૈયાર ઘીની વાટ બનાવવાનું કામ ઘરે લાવતી. એમાં મારાં સાસુ-સસરા પણ હેલ્પ કરાવતાં હતાં. આ સાથે હું કાપડમાં ટિકલી અને મોતી ટાંકવાનું કામ પણ કરતી. એ સમયે મારા પતિની LIC પૉલિસીના પૈસા પણ રિલીઝ કરવામાં એજન્ટ નાટક કરતા હતા. એનાથી કંટાળીને મને થયું કે હું આ એક્ઝામ આપી દઉં છું, પાસ થઈ તો મારા જેવા અન્ય લોકોને સરળ અને સાચો રસ્તો દેખાડીશ જેથી હું અત્યારે જે પ્રકારે હેરાન થઈ રહી છું એવું બીજાને ન થવું પડે. સપ્ટેમ્બરમાં મારા પતિનો દેહાંત થયો અને જાન્યુઆરીમાં મેં એજન્ટ બનવા માટેની પરીક્ષા આપી અને પહેલી જ વારમાં હું પાસ થઈ. આજે મારી કમાણીનો આ પણ એક સ્રોત બની ગયો છે. મારા ગુર્જર સુતાર સમાજે પણ બહુ મદદ કરી છે. સમાજના અગ્રણીઓ આર્થિક મદદ કરવા તૈયાર હતા, પણ મદદ લેવામાં મારું સ્વાભિમાન ઘવાતું હતું. મેં તેમને કહ્યું કે મને કોઈ કામ આપો, એના બદલે મને મહેનતાણું આપજો. તેઓ મારી વાતથી સહમત થયા અને આજે મલાડમાં હું વિશ્વકર્મા ચૅરિટેબલ ટ્રસ્ટમાં અઠવાડિયે એક વાર જૉબ પર જાઉં છું.’
બાળકોની પિતા માટેની ઝંખના
પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ અલ્પાબહેન માતાની સાથે પિતાનો રોલ પણ પ્લે કરી રહ્યા છે ત્યારે આ વિશે તેઓ વધુ જણાવે છે, ‘વિવાન આજે ત્રીજા ધોરણમાં છે. તેને તેના પપ્પા પ્રત્યે બહુ જ પ્રેમ હતો અને હજી પણ છે. મને દરરોજ તે એક જ પ્રશ્ન પૂછે કે દુનિયામાં કરોડો લોકો છે તો ભગવાને મારા જ પપ્પાને ઉપર કેમ બોલાવ્યા? આ સવાલનો જવાબ આપવો મારા માટે દરરોજ અઘરો બને તોય હું તેને એક જ વાત કહું કે તારા પપ્પા બહુ સારા હતા અને ભગવાનને તે ગમ્યા એટલે તેમણે બોલાવ્યા. જોકે મારી દીકરી મનથી બહુ જ મજબૂત થઈ ગઈ છે. તે મને હિમ્મત આપતી હોય કે મમ્મી, જે થવાનું હતું એ થઈ ગયું પણ હવે આપણે ભવિષ્યનો વિચાર કરવાનો છે તો આપણે આગળ ફોકસ કરીએ. અત્યારે મારી દીકરી ૧૧મા ધોરણમાં છે અને દીકરો ત્રીજામાં ભણે છે.’
અબાકસે નવી દિશા આપી
ગણતરીની સેકન્ડમાં તરત જ ગણિતના મોટા-મોટા હિસાબો ઇમૅજિનેશનથી કાઉન્ટ કરી શકાય એવા અબાકસે પણ અલ્પાબહેનની લાઇફમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. અબાકસ ટીચર તરીકેની જર્ની વિશે વાત કરતાં તેઓ જણાવે છે, ‘હરેનના અવસાન બાદ જીવનને જોવાનો દૃષ્ટિકોણ જ બદલાઈ ગયો હતો. હવે મારે ઘર ચલાવવાની સાથે આર્થિક જરૂરિયાતો પૂરી કરવાની હતી. મારી આ જર્નીમાં સાસુ-સસરા અને દીકરી મારી હિંમત બન્યાં. તેમણે પહેલેથી જ મને વહુની જેમ નહીં, દીકરીની જેમ રાખી છે. પતિ હતા ત્યારે હું મારાં બાળકોને એક્સ્ટ્રા-કરિક્યુલમ ઍક્ટિવિટી કરાવતી હતી. મેં દીકરાનું અબાકસ ક્લાસમાં ઍડ્મિશન કરાવ્યું હતું, પણ તેમના ગયા બાદ પૈસાની કટોકટી આવી હોવાથી બે ટંકનો રોટલો મળી રહે એ ટાસ્ક પૂરો કરવાનું ફોકસ હતું. તેથી મેં ટીચરને કહેલું મારો દીકરો કાલથી શીખવા નહીં આવે. તેમણે મને સ્કૂલમાં બોલાવીને કહ્યું, તારો છોકરો ભલે મારી પાસેથી નહીં શીખે, પણ તું શીખીશ. તેમણે મને એક પણ પૈસો લીધા વિના આખો કોર્સ શીખવાડ્યો. એક ટૂલ હોય એની મદદથી ગણિતના મોટામાં મોટા હિસાબો પળવારમાં સૉલ્વ કરવાનું મેં શીખ્યું. સર્ટિફાઇડ કોર્સ કરીને મને મીરા રોડની ઓસ્વાલ સ્કૂલમાં બાળકોને અબાકસ ભણાવવાની તક આપી. એ સમયે તો મેં મજબૂરીમાં કોર્સ શીખ્યો હતો, પણ શીખ્યા બાદ મને એ ગમવા લાગ્યું, તક દેખાવા લાગી. મેં વૉટ્સઍપ પર ચાલતાં ગ્રુપ્સમાં પબ્લિસિટી કરવાનું શરૂ કર્યું. બહુ જ મહેનત કરીને દેશ-વિદેશમાંથી સ્ટુડન્ટ્સ મેળવ્યા અને આજે હું સવારે પાંચ વાગ્યાના બૅચમાં ભણાવું છું. કેરલાની એક મહિલા મારા પાસેથી અબાકસની ટ્રેઇનિંગ લેતી હતી. તેના ભાઈના દીકરાનું લિવર ડૅમેજ થઈ ગયું હતું અને તેણે એ ડોનેટ કર્યું હતું. બેડ પર રહીને તે અબાકસ શીખતી હતી અને એ શીખ્યા બાદ તેનામાં પૉઝિટિવ ચેન્જ આવ્યા. મારા જીવનમાં પણ અબાકસે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અત્યારે હું SPRJK કન્યાશાળામાં બાળકોને અબાકસ ભણાવવા જાઉં છું.’
NGO શરૂ કર્યું
અલ્પાબહેનને પહેલેથી જ સામાજિક કાર્યોમાં રુચિ હતી. કોરોનાકાળમાં સ્થાનિક નેતાઓની મદદથી લોકોને રેમડેસિવિર અપાવવાની સાથે પૉઝિટિવ હોય એવા લોકોના ઘરે રૅશન કિટ પહોંચાડવાનું કામ પણ તેમણે કર્યું છે. સામાજિક કાર્યોમાં તેમની આ જ રુચિને આગળ વધારીને એક વર્ષ પહેલાં તેમના જ સમાજની જરૂરિયાતમંદ સ્ત્રીઓને પૂરતી સહાય મળે એ હેતુથી હેલ્પ ઑફ હન્ડ્રેડ નામના નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO)ની સ્થાપના કરી. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘સમાજ કે બીજી બાજુએ મદદ મળે એ પૂરતી નથી હોતી. ધારો કે કોઈને ૨૦,૦૦૦ની જરૂર હોય તો સમાજ તેને ૧૦૦ ટકા મદદ નથી કરી શકતો. આ કમીને પૂરી કરવા માટે મેં NGO શરૂ કરવાનો નિર્ણય લીધો. જે સ્ત્રી એકલી રહેતી હોય, બાળકો કે હસબન્ડ ન હોય અથવા દવા ચાલતી હોય એવી સ્ત્રીઓને હું આર્થિક મદદ પણ કરું છું. NGOના માધ્યમથી હું મારા સમાજની મહિલાઓને એટલું જ કહું છું કે આપણે મોજશોખ માટે તો હજારો રૂપિયા ખર્ચ કરી નાખીએ છીએ તો આપણે કોઈની મદદ માટે ૧૦૦ રૂપિયા તો કાઢી જ શકીએ છીએ.’
ટૅલન્ટની કમી નથી
અલ્પાબહેન આટલી પ્રવૃત્તિઓ તો કરે જ છે સાથે તેમને મેંદી લગાવતાં પણ આવડે છે. ઊનના દોરા ગૂંથીને કીચેઇન અને રાખડી બનાવવામાં પણ તે પાવરધાં છે. બર્થ-ડે કે સંગીત સંધ્યામાં ઍન્કરિંગનું કામ પણ સારુંએવું કરી લે છે. તેમણે સમાજનાં ઘણાં ફંક્શન્સમાં ઍન્કરિંગ કર્યું છે. આ ઉપરાંત સીવણકામ પણ આવડે. બે કાપડને ભેગાં કરી એમાં બંધબેસતી હેવી બૉર્ડર લગાવીને સાડી ડિઝાઇન કરવાની પણ કળા તેમનામાં છે. ઑર્ડર આવે તો સમય કાઢીને કરી આપે.
જીવનને મન મૂકીને માણી લેવું
અલ્પાબહેન આ બધી પ્રવૃત્તિઓની સાથે જીવન પણ મન મૂકીને જીવી રહ્યાં છે. તેઓ કહે છે, ‘અમે મારા સમાજની જ પાંચ લેડીઝનું ‘અનોખી લેડીઝ’ નામનું ગ્રુપ બનાવ્યું છે. અમે સમયાંતરે નાની પિકનિક અરેન્જ કરીએ છીએ. મારા પતિના ગયા બાદ એક વાત તો સમજાઈ ગઈ કે જીવનનો કોઈ ભરોસો નથી, જેટલું છે એ મન મૂકીને માણી લેવું જોઈએ. તેથી અમે અમારા સમાજની લેડીઝ માટે પિકનિક અરેન્જ કરીએ. દરેક સ્ત્રી પાસેથી એકદમ ઓછા ૧૦૦-૨૦૦ રૂપિયા લઈએ એમાં તેમનું ટ્રાવેલિંગ, ફરવાનું અને નાસ્તો આવી જાય. થોડા સમય પહેલાં અમે ૭૦ બહેનોને લઈને સંજય ગાંધી નૅશનલ પાર્ક ગયાં હતાં.

