Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બ્રેઇલ સે ભી બઢિયા

બ્રેઇલ સે ભી બઢિયા

Published : 04 January, 2023 05:06 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

દરેક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને બ્રેઇલ લિપિ ચોક્કસપણે ખૂબ મદદરૂપ થઈ છે પરંતુ આજની તારીખે હવે ટેક્નૉલૉજીને કારણે એવાં ઘણાં ડિવાઇસ અને ઍપ્સ છે જે જોઈ ન શકતી વ્યક્તિને જ્ઞાન અને સહુલિયત બન્ને આપે છે

બ્રેઇલ સે ભી બઢિયા

વર્લ્ડ બ્રેઇલ ડે

બ્રેઇલ સે ભી બઢિયા


લુઈ બ્રેઇલે જ્યારે બ્રેઇલ લિપિ શોધી ત્યારે એ બ્લાઇન્ડ્સ માટેની સૌથી મોટા આશીર્વાદરૂપ સાબિત થઈ હતી. આજની તારીખે પણ દરેક સ્કૂલ જતા બ્લાઇન્ડ બાળકને બ્રેઇલ લિપિમાં જ ભણાવવામાં આવે છે. પરંતુ ૨૧મી શતાબ્દીમાં બ્લાઇન્ડ વ્યક્તિઓ માટે ટેક્નૉલૉજી વરદાન બનીને આવી છે. બ્રેઇલથી જેટલું એમનું જીવન સરળ બન્યું હતું એનાથી કેટલાય ગણું વધારે ટેક્નૉલૉજીના સહારે જીવન સરળ બન્યું છે. આજે જાણીએ એવાં કયાં ડિવાઇસ કે સૉફ્ટવેર્સ છે જે બ્લાઇન્ડ્સને કામ લાગી શકે છે. 


ચશ્માં વાંચશે | હાલમાં ફુટબૉલર મેસીની એક જાહેરખબર આવેલી, જેમાં બ્લાઇન્ડ લોકો માટેના એક ડિવાઇસને તે પ્રમોટ કરી રહ્યો હતો. આ ડિવાઇસ એવું હતું કે એને ચશ્માં પર સાઇડમાં પહેરવાનું અને એના દ્વારા દરેક લખેલી વસ્તુ એ વ્યક્તિ વાંચી શકે, કારણ કે સામે લખેલી વસ્તુને એ ડિવાઇસનો કૅમેરા કૅચ કરે અને વાંચે, જે કાન પાસે જ આવેલા એના સ્પીકર દ્વારા સાંભળી શકાય એટલું જ નહીં, સામે જે માણસ હોય તેનો ચહેરો સ્કૅન કરીને એ તમને જણાવે કે આ કોણ છે. જોકે ભારતમાં એ ડિવાઇસ ક્યારે મળશે એની ખબર નથી. 



સ્ક્રીન રીડિંગ સૉફ્ટવેર | આ કૅટેગરીમાં એક નહીં, ઘણાં સૉફ્ટવેર્સ છે જેમાં JAWS (જૉબ અસેસ વિથ સ્પીચ) ખાસ્સું પ્રખ્યાત છે. બ્રેઇલનો જેમ સ્પર્શ કરીને વ્યક્તિ વાંચી શકે એમ આજની તારીખે સ્ક્રીન પર જે લખ્યું છે એ વાંચીને બોલનારાં સૉફ્ટવેર્સ આવે છે. કમ્પ્યુટરમાં એ માટે સાઉન્ડ કાર્ડ વાપરવામાં આવે છે, જે સ્પીચ પ્રોડ્યુસ કરે છે જેને સ્પીકર કે હેડફોન દ્વારા સાંભળી શકાય છે. એને કી-બોર્ડ દ્વારા કન્ટ્રોલ કરી શકાય છે. ખાસ કરીને એની ઝડપ અને વૉલ્યુમ પર કન્ટ્રોલ કરી શકાય છે.


આ પણ વાંચો : માનવ તરીકે કયો અધિકાર તમારી પાસે હોવો જ જોઈએ?

રિફ્રેશ કરી શકાય એવું બ્રેઇલ ડિસ્પ્લે| 


ઘણી વાર એવું થાય કે જે લખેલું છે એ ફક્ત કોઈ બોલી દે તો એ સાંભળીને સમજી શકાય છે તો પછી એ અક્ષરોનો સ્પર્શ કરીને અનુભવ કરવાની જરૂર શું? પણ એવું નથી હોતું. કોઈ પણ માનવીય અનુભવ જ્યારે એકથી વધુ ઇન્દ્રિય દ્વારા થાય છે ત્યારે એ વધુ અસરકર્તા હોય છે. જો એક બ્લાઇન્ડ વ્યક્તિ સાંભળવાની સાથે એ શબ્દોનો સ્પર્શ કરી શકે તો એ વધુ સારી રીતે સમજી શકે. પ્લાસ્ટિકની પિન દ્વારા આ ડિસ્પ્લે બને છે. એને સ્ક્રીન રીડિંગ સૉફ્ટવેર સાથે જોડીને વાપરવામાં આવે તો એ વધુ ઉપયોગી બને છે.

વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ ટેક્નૉલૉજી | એક સમય હતો જ્યારે પર્સનલ ડિજિટલ અસિસ્ટન્ટ હતા, જે મદદરૂપ હતા. હવે એનું ઍડ્વાન્સ્ડ વર્ઝન વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ ટેક્નૉલૉજી છે. ઍલેક્સા, સીરી, ગૂગલ એ એના જ પ્રકાર છે જેમાં વૉઇસને ઓળખીને તરત ટાસ્ક પૂરો થતો હોય છે. ઘણાં વર્ષો સુધી બ્લાઇન્ડ વ્યક્તિઓની એ ફરિયાદ હતી કે બ્રેઇલ બુક્સ ઘણી ઓછી છે, છપાતી જ નથી. એકની એક બુક વાંચીને કેટલું જ્ઞાન મળે? અને એટલે એમનું જ્ઞાન સીમિત રહી જતું હતું. એ જ્ઞાનને આવા ડિવાઇસથી વિસ્તારી શકાય છે. 

બ્રેઇલ કીબોર્ડ | તમે બ્લાઇન્ડ છો અને તમે બ્રેઇલ ખૂબ સારી રીતે જાણો છો તો તમે કમ્પ્યુટર પર ફટાફટ કામ કરી શકો એ માટે બ્રેઇલ કીબોર્ડ પણ આવે છે, જેમાં સ્વિચની ઉપર બ્રેઇલ અક્ષરો કોતરાયેલા હોય છે. એના દ્વારા તમે ફટાફટ ટાઇપ કરી શકો છો અને તમને જરૂરી દરેક કામ જેમ કે મેઇલ કરવા કે કોઈ પણ માહિતીને લખવાનું કામ સરળતાથી કરી શકો છો.

આ પણ વાંચો :  રડવું એ તો સંવેદનશીલતાની નિશાની છે

પ્રજ્ઞાચક્ષુઓ માટે ઉપયોગી કેટલીક ઍપ્સ  

વૉઇસ ઓવર - આ એક પ્રકારનું સ્ક્રીન રીડર સૉફ્ટવેર છે 

ટૉક બૅક - દરેક ફોનમાં આવતાં ઇન-બિલ્ટ સૉફ્ટવેર થકી બ્લાઇન્ડ વ્યક્તિ સરળતાથી ફોનનો વાપરી શકે. એક બોલકો ફોન હોય તો એ કેવો હોય જે દરેક ઇન્ફર્મેશન બોલીને આપે જેના વડે સરળતાથી બ્લાઇન્ડ વ્યક્તિ ફોનનો ઉપયોગ કરી શકે છે. લગભગ દરેક બ્લાઇન્ડ વ્યક્તિ આજની તારીખે આ સૉફ્ટવેર થકી જ ફોન વાપરી રહી છે.  

સીરી કે ગૂગલ અસિસ્ટન્ટ: 

બન્નેનું કામ સરખું છે. એક આઇફોનમાં ચાલે છે અને બીજું ઍન્ડ્રૉઇડ ફોનમાં.  

ગૂગલ મૅપ: કોઈ પણ જગ્યાએ જવું હોય તો ઑડિયો સાથે તમને રસ્તાનું માર્ગદર્શન મળી રહે છે. 

મૂવિટ-Moovit: જે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરે છે જેમ કે બસ, લોકલ કે મેટ્રો એમના માટે બધી જ માહિતી ઑડિયો થકી જાણી અને સમજી શકાય છે. 

માઇક્રોસૉફ્ટ સાઉન્ડસ્કેપ: આ ઍપ્લિકેશનમાં ઑડિયો ૩D ટેક્નૉલૉજી વાપરવામાં આવે છે. એક બ્લાઇન્ડ વ્યક્તિ આના થકી પોતાની આજુબાજુના વાતાવરણનો ક્યાસ કાઢી શકે છે જે IOS પર ઉપલબ્ધ છે.

ઇવેલિટી: બંધ જગ્યાઓમાં દિશાસૂચક તરીકે આ ઍપ કામ કરે છે. લાઇબ્રેરી કે મોટા હૉલ કે હોટેલમાં અંદર-અંદર જગ્યાઓ શોધવા એ બ્લાઇન્ડ વ્યક્તિ માટે ખાસ્સી મદદગાર થાય છે. જોકે આ ઍપ હજી બધા દેશોમાં ઉપલબ્ધ નથી. 

માય મોવીઓ - જે બ્લાઇન્ડ વ્યક્તિઓ પગપાળા ફરે છે એમને દિશાનું માર્ગદર્શન આપવા આ ઍપ કામની છે. 

આઇરા અને બી માય આઇઝ:  આ ઍપ વડે બ્લાઇન્ડ લોકો નૉર્મલ લોકો સાથે સરળતાથી જોડાઈ શકે છે. 

સીઇંગ AI: આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ: દરેક પ્રકારના ડૉક્યુમેન્ટથી લઈને કોઈ પણનો ફોટો ઓળખી બતાવતી આ ઍપ બ્લાઇન્ડ લોકો માટે ઘણી ઉપયોગી છે. રંગો અને ચહેરાઓ પણ ઓળખી બતાવે છે. 

Whatsapp-channel Whatsapp-channel

04 January, 2023 05:06 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK