સિનિયોરિટીના દમ પર માનની માગણી કેટલા અંશે યોગ્ય છે એ આજે સમજવાની કોશિશ કરીએ
વર્ક કલ્ચર
પ્રતીકાત્મક તસવીર
હું કંપનીમાં સિનિયર છું, નવા નિશાળિયાઓ કરતાં હું બહોળો અનુભવ ધરાવું છું. શું આ વાત પૂરતી છે કે લોકો મને માન આપે? મોટા ભાગના સિનિયર એક્ઝિક્યુટિવ પોતાના જુનિયર્સ પાસેથી પરાણે માનની અપેક્ષા રાખે છે અને એ ન મળે ત્યારે નવી જનરેશનને ભાંડવાનું કામ કરે છે. સિનિયોરિટીના દમ પર માનની માગણી કેટલા અંશે યોગ્ય છે એ આજે સમજવાની કોશિશ કરીએ
બનાવ-૧ઃ ૪૫ વર્ષના સંજીવભાઈ ખૂબ સ્ટ્રગલ કરીને આગળ વધ્યા છે. નવી કંપનીમાં તેઓ સિનિયર મૅનેજરની પોસ્ટ પર છે અને તેમની નીચે ૨૦ લોકો કામ કરે છે. કામના પહેલા દિવસે તેમના નીચે કામ કરનારા લોકોએ વેલકમ સંજીવ લખીને તેમને એક બુકે ગિફ્ટમાં આપેલો, જે તેમને રુચ્યું નહીં. નામથી લોકો સંબોધે એનો અર્થ એ થયો કે તેઓ મને માન આપી રહ્યા નથી. એ દિવસે એણે ઑફિસમાં બધાને કહ્યું કે બધા તેને બૉસ કહીને જ બોલાવશે.
ADVERTISEMENT
બનાવ-૨ઃ એક અતિ મહત્ત્વની મીટિંગમાં એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની વાત ચાલી રહી હતી જેમાં નવા આવેલા લોકો પોતાના આઇડિયા આપી રહ્યા હતા. બૉસને એ આઇડિયા ગમ્યા પણ ખરા પરંતુ કંપનીના વેટરન કર્મચારી રોનકભાઈએ ચાહીને કામ કરવામાં દાંડાઈ બતાવી. નવા નિશાળિયાને શું ભાન પડે? જેમ કામ થતું આવ્યું છે એમ જ થશે નહીંતર હું આમાં સાથ નહીં આપી શકું એવું તેમણે બૉસને સ્પષ્ટ કહી સંભળાવ્યું. બૉસ પણ પ્રેશરમાં આવી ગયા, કારણ કે તેમને પણ રોનકભાઈના કામની જરૂર હતી. કંપનીના ભલા છતાં બૉસ વિવશ થઈ ગયા અને તેમણે રોનકભાઈનો ઈગો પોષવો પડ્યો.
એક હોય છે જ્ઞાન અને એક હોય છે જ્ઞાનનો પ્રયોગ કરવાનું જ્ઞાન. એટલે કે એક થિયરી હોય છે અને બીજું પ્રૅક્ટિકલ. થિયરીવાળું જ્ઞાન યુવાનો ભણીને કામે ચડે છે અને એ કામ કરતાં- કરતાં જે જ્ઞાન મળે છે કે એ થિયરીને આપણે કઈ રીતે કામે લગાડવી એ છે અનુભવ. દરેક સિનિયર વ્યક્તિ પાસે જ્ઞાનની સાથે અનુભવ પણ હોય છે, જેનું મૂલ્ય ઘણું છે. એક સમય હતો જ્યારે બૉસને ખૂબ માનથી બોલાવવામાં આવતા. તેમનું માન જાળવવા માટે જ્યારે એ ઑફિસમાં આવે ત્યારે બધા તેમની ખુરશી પરથી ઊભા થઈ જતા. તેમનો પડ્યો બોલ ઝીલી લેવાતો. બૉસ જ નહીં, સિનિયર્સ પણ એ જ રીતે વર્તતા. જુનિયર હંમેશાં સિનિયર્સને બટર પૉલિશ કરતા રહેતા. સારી રીતે જોઈએ તો સતત એમની પાસેથી શીખવા ઉત્સુક પણ રહેતા. જુનિયર્સને પોતાના આઇડિયાઝ શૅર કરવાની આઝાદી નહોતી. આજનું વર્ક કલ્ચર ઘણું અલગ છે. આજે બૉસને બધા નામથી બોલાવતા થઈ ગયા છે. મોટા ભાગે દરેકને એ આઝાદી અને સ્પેસ મળતી હોય છે કે એ કંપનીના ભલા માટે પોતાના આઇડિયાઝ આપી શકે, ભલે એ સાવ નવા હોય. દરેક વસ્તુ સિનિયર્સને પૂછીને કરવી એવું વર્ક કલ્ચર અત્યારે ભાગ્યે જ જોવા મળે છે. આ બદલાવ સાથે જુનિયર્સ ભલે ખુશ હોય, પણ સિનિયર્સને તકલીફ હોઈ શકે છે.
માન હોવું અને દેખાડવું
પહેલાં તો જ્યારે આપણે વાત કરીએ છીએ કે સિનિયર તરીકે માન મળવું જોઈએ તો એ માનના બે પ્રકાર છે. એ વિશે સ્પષ્ટતા કરતાં અચીવ ધાય સેલ્ફના એક્ઝિક્યુટિવ કોચ અને ફાઉન્ડર અરવિંદ ખિંવેસરા કહે છે, ‘એક માન અપાય છે, એક માન દેખાડાય છે. જ્યારે તમે બૉસ આવે અને ખુરશી પરથી ઊભા થઈ જાઓ ત્યારે તમે તેમને માન આપો છો એવું દેખાય છે. પરંતુ ખુરશી પરથી ઊભા થઈ જનારા કૅન્ટીનમાં જઈને બૉસને ગાળો પણ આપતા હોય છે. ઘણા સિનિયર્સને જુનિયરના વર્તનમાં માન જોઈતું હોય છે. સંબોધન, શિષ્ટાચારમાં માન જોઈતું હોય છે. આજની જનરેશનને એ શીખવવું પડે છે. જો તમને એ વાતનું ખરાબ લાગતું હોય કે તેઓ ગ્રીટ નથી કરતા કે નામથી બોલાવે છે તો તેમને કહી દો. તેઓ કરવા લાગશે, પણ એ માન છે એવી ભ્રમણામાં ન જીવો. એ માન નથી. માન મનથી હોય છે. જુનિયર કોઈ કામમાં અટકી જાય અને તેને લાગે કે હું આમને પૂછી લઉં કે આમાં શું કરી શકાય તો એ માન છે. એનો અર્થ એ કે જુનિયર માને છે કે તમે જ છો જેની મદદ એ લઈ શકે એમ છે.’
આ પણ વાંચો : તમારું ડોગી ગરમીને હૅન્ડલ કરી શકે છે?
કમાવું પડે છે
એક સમય હતો કે લોકો વડીલો પ્રત્યે હંમેશાં માન દેખાડતા. વર્ક કલ્ચરમાં જ નહીં, સામાજિક સ્તરે પણ એવું જ હતું કે મોટા છે એટલે માન મળવું જોઈએ. હવે એવું રહ્યું નથી. એ બાબતે વાત કરતાં લાઇફ શેપર્સના ફાઉન્ડર અને સક્સેસ કોચ અમિત કાપડિયા કહે છે, ‘એક સમય હતો કે માન મેળવવા માટે સિનિયર હોવું પૂરતું હતું. આજે એવું નથી. લોકો એવું કહેતા પણ જોવા મળે કે આજની જનરેશન વડીલોનું માન રાખતી નથી. એવું જરાય નથી. એનું માન વ્યક્તિએ કમાવું પડે છે. તમે ફક્ત સિનિયર છો એટલે એ તમને માન આપશે એવું નથી હોતું. તમારા કામની સમજ, તમારી આવડત જ્યારે તેઓ જોશે ત્યારે આપોઆપ માન આપશે. જ્યારે તેમને સમજાશે કે આ વ્યક્તિ પાસેથી ઘણું શીખવાનું છે ત્યારે એ માન આપશે. જો એક સિનિયર કર્મચારી તરીકે તમે તમારા જુનિયરને આગળ વધવાનો મોકો આપો, એની સ્ટ્રેંગ્થને વિકસાવો, એને પ્રગતિનો સાચો માર્ગ બતાવો તો એ ચોક્કસ તમને માન આપશે.’
લીડરશિપમાં બદલાવ
એક સમયે ઑથોરિટેટિવ લીડરશિપ હતી, આજે ટ્રાન્સફૉર્મેટિવ લીડરશિપને પ્રાધાન્ય આપવામાં આવે છે. એ વિશે વાત કરતાં અમિત કાપડિયા કહે છે, ‘હું કહું એમ થઈ જવું જોઈએ. એક સમયે આ પ્રકારની લીડરશિપ હતી. હવે ઘણો બદલાવ આવી રહ્યો છે. પહેલાં એક સમય હતો કે સિનિયર્સને પૂછી-પૂછીને જ આગળ વધાતું હતું. હવે એવું નથી રહ્યું. નવા લોકો કે આજની પેઢી જ્યારે કામ પર લાગે છે ત્યારે જ્ઞાનની કોઈ કમી તેમની પાસે હોતી નથી. ઊલટું એ નવી પેઢી છે એટલે તેમની પાસે અઢળક ફ્રેશ આઇડિયાઝ હોય છે. વધારાનું ટેક નૉલેજ હોય છે, જે કદાચ સિનિયર કર્મચારીઓ પાસે નથી હોતું. આ પરિસ્થિતિમાં તેમના પર હુકમ ચલાવો તો ગાડી આગળ નહીં ચાલે. સમજવાનું એ છે કે સમયની સાથે કામ વિશેનું જ્ઞાન નવા ભણી-ગણીને આવેલા નિશાળિયાઓ પાસે વધુ જ હોવાનું. જેમ કે એક પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન એ લોકો આધુનિક ટેક્નૉલૉજીના ઉપયોગ સાથે જેવું બનાવશે એવું એક સિનિયર માણસ નહીં કરી શકે. પરંતુ ક્લાયન્ટની જરૂરિયાત શું છે એ સિનિયરને વધુ ખબર હશે. આમ બંનેનું સાયુજ્ય ત્યારે થશે જ્યારે સિનિયર-જુનિયરના ટેક્નિકલ નૉલેજને વખાણે અને જુનિયર એ સિનિયરની સૂઝબુઝને વખાણે. આમાં માન એકતરફી નથી, બંને તરફી છે. ગિવ ઍન્ડ ટેક છે. આ પરિસ્થિતિમાં વ્યક્તિ આગળ વધી શકે.’
માન ક્યારે મળે?
મોટા ભાગે વર્ક સેટ-અપમાં પૅનિક ઊભું થતું જ હોય છે. ટાઇમ પર સબમિશન ન થાય. કોઈ ગુફ-અપ થઈ જાય. જોઈતું કંઈ હોય અને બની કંઈ જાય. ડિમાન્ડ પ્રમાણે કામ પૂરું ન થાય તો આ પરિસ્થિતિમાં સિનિયર્સ પાસે અનુભવ છે. પ્રૉબ્લેમ્સ આવે ત્યારે કઈ રીતે ક્રાઇસિસમાં કામ કરવું, શું કરવાથી પ્રૉબ્લેમ સૉલ્વ કરી શકાય કે શું કરવાથી મુસીબતમાંથી બચી શકાય એ સૂઝવું અને સુઝાડવાનું કામ સિનિયર્સનું છે. એક અનુભવી વ્યક્તિ પ્રૉબ્લેમ આવે ત્યારે પ્રૉબ્લેમ પર નહીં, એના સોલ્યુશન પર ફોકસ કરે છે એમ સ્પષ્ટ કરતાં અરવિંદ ખિંવેસરા કહે છે, ‘આવા સમયે જો તમે જુનિયર્સની સ્ટ્રેંગ્થને સમજીને એમના પર ગુસ્સે થયા વગર શાંત રહીને પ્રૉબ્લેમ સૉલ્વ કરો છો તો તમારું માન આપોઆપ જુનિયર્સના મનમાં પ્રસ્થાપિત થાય છે. કંપનીના ભલાની સાથે-સાથે જ્યારે તમે તમારા કર્મચારીને સાચવતા શીખો છો તો ત્યાં માન ઊભું થાય છે. જો તમે તમારા જુનિયરની ઇમોશનલ અને પ્રૅક્ટિકલ જરૂરિયાતોનું માન રાખો છો તો તેના મનમાં તમારા માટે માન આપોઆપ ઉદ્ભવે છે. જો તમે આ પ્રકારના સિનિયર કર્મચારી હો તો તમારે માન માટે તમારી સિનિયોરિટીને કામે લગાડવાની જરૂર નથી. માન આપોઆપ મળવા લાગશે.’