Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > પુરુષો કરતાં સ્ત્રીઓને બચત કરવાની જરૂર વધુ

પુરુષો કરતાં સ્ત્રીઓને બચત કરવાની જરૂર વધુ

Published : 13 June, 2023 04:37 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

પુરુષો કમાતા હોવાને કારણે પોતાની આવકના ૩૦ ટકા જેવું અલગ-અલગ જગ્યાએ બચાવતા હોય છે

પ્રતીકાત્મક તસવીર

માઇન્ડ યૉર મની

પ્રતીકાત્મક તસવીર


વધતી જતી મોંઘવારીમાં આમ તો જેટલી બચત એ તમારું બોનસ એમ સમજવાનું રહ્યું. શાકભાજીવાળા પાસેથી ફ્રીમાં કોથમીર-મરચાં લઈને ૧૦ રૂપિયા બચાવતી કે દુકાનવાળા જોડે અડધો કલાક રકઝક કરીને ૫૦૦ રૂપિયાની કુરતી ૩૫૦ રૂપિયામાં લાવતી સન્નારીઓને બચતના પાઠ ગળથૂથીમાં મળ્યા હોય છે. સ્ત્રીઓની બચત પાછળ ભલે ગમે તેટલા જોક્સ બને, પણ હકીકત એ છે કે પુરુષો કરતાં સ્ત્રીઓને બચતની વધુ જરૂર છે. કઈ રીતે એ આજે સમજીએ

 


ઘરખર્ચમાંથી થોડું-થોડું બચાવતી હોય કે ઘરેણાના શોખના નામે સોનું ભેગું કરતી માનુનીઓ બચત કરી જાણે છે એમાં કોઈ શંકા નથી. પોતાની બચતમાંથી પતિને બિઝનેસમાં મદદ કરનારી અને ઘરમાં કોઈની લાંબી માંદગી વખતે પોતાનો છૂપો ખજાનો સામે લાવીને ઘરનો ભાર હળવો કરતી માનુનીઓ સમાજના દરેક ખૂણે છે. પણ આ બચત ઘણી નાના પાયે થતી બચત છે. પુરુષો કમાતા હોવાને કારણે પોતાની આવકના ૩૦ ટકા જેવું અલગ-અલગ જગ્યાએ બચાવતા હોય છે. આજે પણ બૅન્કિંગ, ઇન્વેસ્ટમેન્ટ, શૅરબજાર, મ્યુચ્યુઅલ ફન્ડ કે રિયલ એસ્ટેટ જેવા મોટા ઇન્વેસ્ટમેન્ટમાં પુરુષો આગળ પડતા છે. જે સ્ત્રીઓ કમાય છે એમાંની પણ મોટા ભાગે ઇન્વેસ્ટમેન્ટની બાબતમાં પોતાના પપ્પા કે પતિ પર નિર્ભર હોય છે. મને નહીં સમજાય કરીને આ બાબત છોડી દેવા જેવી નથી. ચોખાના ડબ્બામાં કે તકિયાની અંદર પતિથી છુપાડીને જેટલા પૈસા ભેગા થઈ શકે છે એના કરતાં ઘણા વધારે પૈસાની જરૂર ભવિષ્યમાં પડશે એ બાબતની ગંભીરતા સમજવાની જરૂર છે. વર્કિંગ વુમનને પણ એવું લાગે છે કે PPFમાં જમા થતા પૈસા તેની બચત છે. પણ એ પૂરતી નથી. હકીકત એ છે કે એક પુરુષ જેટલું બચતને પ્રાધાન્ય આપે છે એના કરતાં સ્ત્રીએ વધુ આપવું જોઈએ. એનાં કારણો આજે સમજવાની કોશિશ કરીએ. 

 
સ્ત્રી જીવે છે લાંબું 

 
આંકડાઓ કહે છે કે દુનિયામાં પુરુષો ઍવરેજ ૬૮.૯ વર્ષ જીવે છે, જ્યારે સ્ત્રીઓ ઍવરેજ ૭૩.૯ વર્ષ જીવે છે. પુરુષો કરતાં સ્ત્રીઓનું આયુષ્ય વધુ છે. ભારતમાં આ આંકડો પુરુષો માટે ૬૮.૨ વર્ષ અને સ્ત્રીઓ માટે ૭૦.૭ જેટલો છે. પુરુષો કરતાં સ્ત્રીઓ લાંબું જીવે છે એ બાબતે વાત કરતાં ફાઇનૅન્શિયલ એજ્યુકેટર પ્રિયંકા આચાર્ય કહે છે, ‘જેટલું લાંબું જીવન એટલા વધુ ખર્ચા. આપણે ત્યાં ઊલટું પતિ પહેલાં મારી જાય તો સ્ત્રીએ બાળકોના ભરોસે રહેવું પડે છે, કારણ કે તેની પોતાની આવક નથી હોતી. બાળકો ન રાખે તો ઘણી વલે થતી જોવા મળે છે. ઘડપણ માટે દરેક વ્યક્તિએ બચત કરવી જ જોઈએ. રિટાયરમેન્ટ પ્લાન પુરુષોના હોય છે. કમાતી સ્ત્રીઓના પણ હોય છે, પરંતુ ઘર સંભાળતી સ્ત્રીઓના નથી હોતા. હકીકતે જીવનજરૂરિયાતના પૈસા અને હેલ્થ ઇન્શ્યૉરન્સના પૈસાનો હિસાબ ધ્યાનમાં રાખીને ઘડપણ માટે દરેક સ્ત્રીએ બચત કરવી જોઈએ.’ 
 
સ્ત્રીની ઓછી કમાણી 
 
આજે પણ સ્ત્રીઓનો એક મોટો વર્ગ છે જે કમાતો નથી. પિયરથી કે સગાંવહાલાં તરફથી જે પૈસા મળે એ જ તેની કમાણી હોય છે. બાકી પતિની કમાણી જ પોતાની કમાણી છે એવું સમજીને જ જીવવાનું હોય છે. જોકે ધીમે-ધીમે કામકાજી સ્ત્રીઓની સંખ્યા વધી રહી છે. ઘણીબધી સ્ત્રીઓ ખુદ કમાય છે અને આત્મનિર્ભર છે. પરંતુ વર્ક પ્લેસ પર સ્ત્રી હોવાને કારણે તેને અમુક તકલીફોનો સામનો સતત કરવો જ પડે છે, જેમ કે ઓછો પગાર. એ વિશે વાત કરતાં પ્રિયંકા આચાર્ય કહે છે, ‘એક પુરુષ ૩૦ વર્ષ નોકરી કરે અને એક સ્ત્રી ૩૦ વર્ષ નોકરી કરે તો બંનેની કમાણીમાં એક દેખીતો ફરક હોય છે. એનાં ઘણાં કારણો છે. પુરુષ ફોકસ્ડ થઈને કામ કરી શકે છે એમ સ્ત્રી નથી કરી શકતી, કારણ કે પુરુષની જવાબદારીમાં નાણાકીય જવાબદારી તેની સર્વોચ્ચ પ્રાથમિકતા છે; જ્યારે સ્ત્રીની જવાબદારીમાં તેનું ઘર, તેનાં બાળકો કે બીજી સામાજિક જવાબદારીઓ પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે; જેને કારણે જીવનકાળમાં એક પુરુષને જેટલાં પ્રમોશન મળે છે એટલાં સ્ત્રીને નથી મળતાં. સ્ત્રીઓના પગાર પણ પુરુષો કરતાં ઓછાં રાખવાની માનસિકતા હજી પણ સમાજમાં એટલી જ છે. કમાશો ઓછું તો પૈસાની બચતની જરૂરિયાત પણ વધુ જ રહેવાની.’ 
 
કામમાં ગૅપ 
 
પુરુષો એક વખત કમાવાનું શરૂ કરે એ પછી રિટાયરમેન્ટ સુધી કામ જ કરતા હોય છે, સ્ત્રીઓનું એવું નથી એમ વાત કરતાં પ્રિયંકા આચાર્ય કહે છે, ‘આપણે ત્યાં મોટા ભાગે સ્ત્રીઓ લગ્ન થાય તો ૬ મહિના જેવો બ્રેક લે છે. નવું ઘર, નવા માહોલમાં ઍડ્જસ્ટ થવા માટે એ જરૂરી લાગતું હોય છે. બાળક આવે ત્યારે મૅટરનિટી લીવ સિવાય પણ બાળઉછેર સારો થાય એટલે ૨-૩ વર્ષ જૉબ છોડી દે છે અથવા પોતાની ક્ષમતાથી નીચેનું કામ સ્વીકારી લે છે. પૈસા ભલે ઓછા મળે પણ બાકીની જવાબદારીઓ સંતોષાવી જોઈએ એ તેની પ્રાથમિકતા રહેતી હોય છે. ઘરમાં વડીલ કોઈ મોટી બીમારીના શિકાર થયા હોય તો તેની દેખરેખ માટે પણ ઘણી સ્ત્રીઓ કામ મૂકી દે છે. સમાજમાં જે કૅરગિવર તરીકેનું કામ તે સંભાળે છે એ કામને કારણે તેના પ્રોફેશનલ કામમાં તેણે અઢળક રજાઓ અને મોટા ગૅપ લેવા પડે છે. ઘણી સ્ત્રીઓને ગૅપ પછી ફરીથી એકડેએકથી શરૂ કરવું પડે છે એટલે તેમના પે-સ્કેલ ઘટી જાય છે. આ રજાઓ અને ગૅપને કારણે તેમની આવક પર અસર થાય છે. એટલે જરૂરી છે કે તેની પાસે સારી બચત હોય જેને લીધે આ ગૅપ ભરી શકાય.’ 
શોખ પોષવા માટે 

દરેક ઘરમાં દરેક વસ્તુ માટે અલગથી એક બજેટ હોય છે. કિચનનું બજેટ, ફરવા જવાનું બજેટ, શૉપિંગનું બજેટ. પણ સ્ત્રીઓના અમુક ખાસ શોખ હોય છે, જેનું કોઈ બજેટ નથી હોતું જેમ કે ઘરેણાં. સોનું લેવા માટે ઘરમાં ક્યારેક અલગથી પૈસા કાઢવા મુશ્કેલ હોય છે એટલે જ કિટીના પૈસા થકી કે પોતાની બચત થકી જ સ્ત્રી ઘરેણાં ખરીદતી જોવા મળે છે એમ વાત કરતાં બિઝનેસ કોચ અરુણા ગોયલ કહે છે, ‘૨૧મી સદીમાં સ્ત્રી કમાતી હોય કે નહીં, પણ તેના પોતાના શોખ તો હોવાના જ. મિત્રો સાથે બહાર ફરવા જવું, સોલો ટ્રિપ કરવી, શૉપિંગ કરવી, પોતાની અંગત કાર હોવી કે પછી કોઈ કોર્સ કરવો. આ બધા માટે પૈસા તો જોઈએ જ. ઘણી વખત એવું થતું હોય છે કે ઘરમાં પૈસાની કમી ન હોય, પરંતુ સ્ત્રી જ્યારે અંગત શોખ માટે પૈસા માગે ત્યારે ઘરમાં બધાનાં નાક ચડી જતાં હોય છે. આવી પરિસ્થિતિમાં બંધાઈ જવા કરતાં સ્ત્રી પાસે પોતાની બચત હોય તો તે પોતાના શોખ પૂરા કરી શકે છે.’

સ્ત્રીઓના અંગત ખર્ચા વધુ 

એક જોક આજકાલ સોશ્યલ મીડિયા પર ફરતો થયો છે કે સમજી ન શકાયું કે એક જ પગારમાં મારાં હિન્દીનાં લેડી ટીચર દરરોજ અલગ સુંદર સાડી, મેકઅપ અને ઘરેણાં પહેરીને સ્કૂલમાં ભણાવવા આવતાં જ્યારે મૅથ્સના સર પાસે એક કાળું અને એક બ્લુ રંગનું એમ બે જ પૅન્ટ હતાં. એ વિશે વાત કરતાં અરુણા ગોયલ કહે છે, ‘એક પુરુષનો અગંત ખર્ચ અને એક સ્ત્રીનો અંગત ખર્ચ જોઈએ તો એમાં ઘણો ફરક છે. એક સ્ત્રી પર હંમેશાં પ્રેઝન્ટેબલ રહેવાનો ભાર રહે છે. એ ભાર સમાજ જ નહીં, એ પોતે પણ પોતા પર લાદતી હોય છે; જેને લીધે કપડાં, ઘરેણાં, ઍક્સેસરીઝ, મેકઅપ અને પાર્લરના ખર્ચા પુરુષોની સરખામણીમાં તેના પોતાના ઘણા વધારે રહે છે. આ ખર્ચાઓને પહોંચી વળવા માટે પણ તેને બચત તો જોઈશે જ. આવું પૈસાદાર સ્ત્રીઓ સાથે વધુ થાય છે. એક સમયે જ્યારે પૈસા હોય એ પૈસાને લીધે એક સ્ટાન્ડર્ડ સેટ થઈ ગયા પછી જ્યારે પૈસા નથી હોતા ત્યારે એ સ્ટાન્ડર્ડને પહોંચી વળવા સ્ત્રીઓ ખાસ્સી ખેંચાતી જોવા મળે છે. આવું ન થાય એટલે પણ તેણે અમુક પ્રકારની બચત રાખવી જરૂરી બને છે.’ 

  સ્ત્રીઓની જૉબમાં વારંવાર ગૅપ પછી એકડેએકથી શરૂ કરવું પડે છે એટલે પે-સ્કેલ ઘટે છે અને આવક પર અસર થાય છે. બચત હોય તો આ ગૅપ ભરી શકાય. - પ્રિયંકા આચાર્ય

Whatsapp-channel Whatsapp-channel

13 June, 2023 04:37 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK