આજે પ્રવાસી ભારતીય દિવસ છે ત્યારે મળીએ કેટલાક નૉન-રેસિડન્ટ ઇન્ડિયન્સ (NRI)ને જેઓ ભારતની યુવા પેઢીને ભણતરમાં યથાશક્તિ મદદ કરી રહ્યા છે
પ્રવાસી ભારતીય દિવસ
જલ્પા અને કેદાર ઉપાધ્યાય પુત્રી કેયા સાથે અને કૌશલ શેઠ, હિતેશ પટેલ અને મલય પટેલ
આ વિચારને ભારત સરકાર જ નહીં, ભારતની બહાર રહેતા ગુજરાતીઓ પણ ખૂબ સપોર્ટ કરી રહ્યા છે. આજે પ્રવાસી ભારતીય દિવસ છે ત્યારે મળીએ કેટલાક નૉન-રેસિડન્ટ ઇન્ડિયન્સ (NRI)ને જેઓ ભારતની યુવા પેઢીને ભણતરમાં યથાશક્તિ મદદ કરી રહ્યા છે. ચાલો, બિરદાવીએ બહાર રહીને પણ દેશ માટે પોતાનાથી બનતું કરવાના તેમના જઝ્બાને
ભારતીય વ્યક્તિ દુનિયાના ગમે એ છોરમાં રહે, તે ભારત માટે લાગણી ધરાવે જ છે. સમગ્ર દુનિયાના ખૂણેખાંચરે ફેલાયેલા આપણા લોકો ભલે બીજા દેશના વતની થઈ ગયા હોય, પરંતુ ભારત માટે કશું કરવાનું હોય તો તેમની તત્પરતા નજરે ચડે એવી છે. એક ભાવના મોટા ભાગના કેટલાક નૉન-રેસિડન્ટ ઇન્ડિયન્સ (NRI)માં દૃઢપણે જોવા મળે છે અને એ છે બનતું કરી છૂટવાની ભાવના. પછી ભલે એ પોતાના ભારતમાં વસતા પરિવાર માટે, પોતાની કમ્યુનિટી માટે, પોતાની ધાર્મિક સંસ્થાઓ માટે અને આખરે દેશ માટે હોય. આજે પ્રવાસી ભારતીય દિવસ છે. ભારતના વિકાસમાં વિશ્વના જુદા-જુદા દેશોમાં રહેતા ભારતીયોનું યોગદાન ઘણું છે અને આ યોગદાનને લોકો જાણે અને સમજે એ માટે આ દિવસ ઊજવવામાં આવે છે. આજે મળીએ કેટલાક એવા NRIને જેઓ ભારતનાં બાળકોને ભણતરમાં મદદરૂપ થઈને પોતાનું યોગદાન આપી રહ્યા છે, કારણ કે તેમનું માનવું છે કે એક દેશને બુલંદ કરવો હોય તો એના ભણતરમાં ઇન્વેસ્ટ કરવું જરૂરી છે. જ્ઞાન વધશે તો પ્રગતિ આપોઆપ આવશે.
ADVERTISEMENT
ભણતરની જરૂર
ઑસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં રહેતા કેદાર ઉપાધ્યાય અને તેમનાં પત્ની જલ્પા ઘણાં વર્ષોથી ત્યાં રહે છે, પરંતુ દિલથી બંને ભારતીય અને પાક્કા ગુજરાતી છે. કેદારે અત્યાર સુધીમાં ગુજરાતમાં બે છોકરીઓ અને એક છોકરાનું ભણતર સ્પૉન્સર કર્યું છે. એ વિશે વાત કરતાં તે કહે છે, ‘દેશની બહાર રહેતો દરેક ભારતીય ઇચ્છે છે કે દેશ પ્રગતિ કરે. એની પ્રગતિમાં અમે કોઈ રીતે એક નાનકડો ભાગ પણ ભજવી શકીએ તો એ અમારું અહોભાગ્ય કહેવાય. હું અંગત રીતે માનું છું કે આપણા દેશ પાસે અઢળક પોટેન્શિયલ છે. જરૂર છે તો થોડા સપોર્ટની. મને કોઈ ટ્રસ્ટમાં કે મંદિરમાં દાન કરવાનું કહે તો હું નથી કરતો, પણ કોઈ જરૂરતમંદને ત્યાં રૅશન પહોંચાડવાનું હોય હું તૈયાર મળું. ભૂખ પહેલી જરૂરિયાત છે અને બીજી જરૂરિયાત શિક્ષણ છે, કારણ કે શિક્ષણ હશે તો ભવિષ્યમાં ભૂખની સમસ્યા નહીં રહે.’
તેમનાં પત્ની જલ્પા કહે છે, ‘અમે ગુજરાત ગયેલા ત્યારે અમારે ત્યાં રસોઈ કરવા આવેલાં બહેનના બાળકની ભણતર માટેની નિષ્ઠા જોઈને અમે તેને સ્પૉન્સરશિપ આપી, કારણ કે એ છોકરીને સાયન્સ લેવું હતું. સ્કૂલની ફી તો સસ્તી હતી, પરંતુ ટ્યુશન-ફીના પૈસા તેની મમ્મી પાસે નહોતા. તેને મદદ કરી ત્યારે અમને થયું કે આ મદદ જ સાચી છે. એ પછી બીજાં બે બાળકો આવાં અમને મળ્યાં અને અમે તેમને કહ્યું કે બસ, તમે ભણો, બાકીની ચિંતા રહેવા દો.’
ભણતર દ્વારા બદલાવ
હાલમાં રાજકોટમાં રહેતા કૌશલ શેઠ પોતાના સમગ્ર પરિવાર સાથે યુકેના વતની હતા ત્યારે ત્યાંના ઘણા લોકો સાથે તેઓ જોડાયા હતા. એક દિવસ પોતાના ભારતથી બહાર રહેતા મિત્રો સાથે બેઠા હતા ત્યારે તેમના એક મિત્રના પાડોશી ગુજરી ગયા એવી વાત થઈ. તેના બાળકને ભણવા માટે પૈસાની જરૂર હતી. બધા મિત્રોએ ભેગા થઈને એની વ્યવસ્થા કરી આપી. જોકે આ એક નાની મદદે તેમને એટલો મોટો સંતોષ આપ્યો કે તેમણે આખી દુનિયામાં ફેલાયેલા તેમના મિત્રોને આ વાતની જાણ કરી અને બધાએ નક્કી કર્યું કે આ કામ આપણે કરીએ અને શરૂઆત થઈ હેલ્પિંગ હૅન્ડ્સ ફાઉન્ડેશન, રાજકોટની. રાજકોટને તેમણે બેઝ બનાવીને કામ શરૂ કરવાનું વિચાર્યું.
જોકે આ ટ્રસ્ટનું ઑફિશ્યલ નામકરણ એક વર્ષ પહેલાં જ થયું છે, પરંતુ એ પહેલાં એ એક વૉટ્સઍપ ગ્રુપ જ હતું એમ કહીએ તો ચાલે. પાછળથી એ એક ટ્રસ્ટ બન્યું. એના ફાઉન્ડર કુલ ૧૬ વ્યક્તિ છે જેમાંથી ૧૩ લોકો NRI છે. આ ગ્રુપમાં કુલ ૧૭૬ મેમ્બર છે જેમાંથી ૫૦ મેમ્બર ભારતની બહાર રહે છે. એ વિશે વાત કરતાં ઑસ્ટ્રેલિયામાં રહેતા મલય પટેલ કહેપ છે, ‘અમે બધા પ્રતિબદ્ધ થયા કે આપણે એજ્યુકેશન માટે કામ કરવું છે. પછી રાજકોટમાં રહેતા કૌશલ શેઠ અને હિતેશ પટેલ જેવા અમારા મિત્રો દરેક સ્કૂલમાં ફરી વળ્યા. અમે સ્કૂલોને પૂછ્યું કે તમારે ત્યાં કોઈ જરૂરતમંદ છે? સ્કૂલોમાંથી અમને જેના વિશે જાણ થાય કે આ વ્યક્તિએ એક-દોઢ વર્ષથી ફી નથી ભરી તો તેના ઘરે જઈ, બધી તપાસ કરી, સ્કૂલનો રિપોર્ટ જોઈને અમે નક્કી કરીએ કે આ બાળકની ફી અમે ભરીશું. પહેલાં આ કામ રાજકોટ પૂરતું સીમિત હતું. ધીમે-ધીમે અમે આખા ગુજરાતને કવર કરતા થયા છીએ.’
આ પણ વાંચો : બ્રેઇલ સે ભી બઢિયા
મળે છે સંતોષ
એકદમ ઇન્ફૉર્મલ રીતે ચાલુ થયેલી મદદે આજે ઘણું મોટું નેટવર્ક ઊભું કર્યું છે. ૨૦૨૨માં આ ટ્રસ્ટે ૧૮ લાખ રૂપિયા સુધીની જુદાં-જુદાં બાળકોની ફી ભરી. પોતાના સંતોષ વિશે વાત કરતાં કૌશલ શેઠ કહે છે, ‘ઘણા એવા છે જેમની ફાઇનલ યરની કે માસ્ટર્સની ફી અમે ભરી હોય. આવા સ્ટુડન્ટ્સ અમને કહે છે કે બસ, અમારો કોર્સ પતે અને અમે પગભર થઈશું તો અમે પણ આ કામમાં જોડાઈ જઈશું. સાચું કહું તો આનાથી વિશેષ અમને શું જોઈએ? અમે બધા મિત્રોને આ કામથી કોઈ નામ જોઈતું નથી, પણ અમને બધાને જે મળી રહ્યું છે એ છે ભારોભાર સંતોષ. અમે ફાઉન્ડર મેમ્બર્સ ક્યારેય એકસાથે ભેગા થયા જ નથી; કારણ કે એમાંથી પાંચ જણ યુકેના, ત્રણ અમેરિકાના, બે ઑસ્ટ્રેલિયાના, બે જર્મનીના અને એક નાઇજીરિયાનો છે. છતાં અમે બધા અમારી ત્રેવડ મુજબ કોઈ પણ વિદ્યાર્થીને અમારી પાસેથી નિરાશ પાછો ન જવા દઈએ એવો પ્રયાસ કરીએ છીએ.’
ફક્ત પૈસા દ્વારા જ નથી થતી મદદ
૨૦-૨૧ વર્ષની વયે દરેક યુવાનને પોતાની કરીઅરની પડી હોય છે, તેને પૈસા કમાવા હોય છે કે આગળ વધવું હોય છે; પરંતુ લંડનમાં જ મોટી થયેલી ખુશ્બૂ શાહ પાંડેનું ગ્રૅજ્યુએશન પત્યું પછી તેને લાગ્યું કે મારે સમાજને ઉપયોગી થાય એવું કોઈ કામ કરવું છે. આ કામ માટે તેણે ભારત પર પોતાની પસંદગી ઢોળી. એ વિશે વાત કરતાં ખુશ્બૂ કહે છે, ‘૨૧ વર્ષની વયે હું મારી જાતે પ્રોફેશનલ કામ કરીને પૈસા કમાતી હોઉં એવી જોઈ નથી શકતી. મારે એવું કોઈ કામ કરવું હતું જે લોકોનું જીવન બદલે. મને થયું કે જો મારે કોઈ સેવાનું કામ કરવું હોય તો ભારત જ આવવું જોઈએ. હું બીજી કોઈ જગ્યાએ સર્વિસ આપું એના કરતાં ભારતમાં આવીને મારા લોકો માટે હું કામ કરું એ મને વધારે સારો આઇડિયા લાગ્યો હતો. એટલે હું તકની તલાશમાં હતી. મને એક સમાજસેવી સંસ્થા ફૂડ ફૉર લાઇફ, વૃંદાવન વિશે ખબર પડી જેમની વૃંદાવનમાં જ એક સ્કૂલ અને એક અનાથાશ્રમ છે. તેમને વૉલન્ટિયર્સની જરૂર હતી. હું એ માટે રાજી થઈ. રહેવાની એ લોકો અમને વ્યવસ્થા કરી આપવાના હતા એ જાણીને મને હાશ થઈ, કારણ કે રહેવાનો ખર્ચ વધી જાત. ખાવાનો બહુ ખર્ચ હતો નહીં એટલે મને લાગ્યું કે વાંધો નથી, પોસાશે. આ સ્કૂલ ગરીબ બાળકોની હતી જેમને હું અંગ્રેજી શીખવતી હતી. આઠ મહિના માટે વૃંદાવનમાં રહેવાનું હતું અને મારું મન અહીં એવું લાગ્યું કે હું પાંચ વર્ષ અહીં રોકાઈ ગઈ.’
આ પણ વાંચો : સભાનતા કે શરમિંદગી?
ભણતર સાથે ઘડતર
ખુશ્બૂ શાહ પાંડે પોતાની એક સ્ટુડન્ટ સાથે
૨૦૦૮માં ખુશ્બૂ ભારત આવી હતી. પરિવાર વગર, મિત્રો વગર તે એકલી જ અહીં રહી અને પોતાના જીવનનાં પાંચ વર્ષ તેણે આ બાળકોના ભણતર અને ઘડતરને આપ્યાં. ખુશ્બૂ વૃંદાવન રહીને ખુદ હિન્દી શીખી અને ગરીબ બાળકોની બે જુદી-જુદી સ્કૂલમાં બાળકોને અંગ્રેજી ભણાવ્યું. આ સિવાય અનાથાશ્રમમાં બાળકોની સાથે રહી. એ અનુભવ વિશે વાત કરતાં ખુશ્બૂ કહે છે, ‘જે બાળકો ગરીબ છે, અનાથ છે, જેમનું કોઈ નથી તેમને ભણાવવા વધુ જરૂરી છે. વળી બાળકની જરૂરિયાત ફક્ત શેલ્ટર, કપડાં અને ખાવાનું નથી. તેમને પ્રેમ જોઈએ, હૂંફ જોઈએ અને તેમને સાંભળી શકે એવા લોકો જોઈએ. મેં પ્રયાસ એ જ કર્યો કે મારા ત્યાં હોવાથી એ બાળકોના જીવનમાં હું કોઈ બદલાવ લાવી શકું.’
લંડન પાછા જઈને હજી પણ ખુશ્બૂ ત્યાંની એક સ્કૂલમાં ટીચરનું જ કામ કરે છે. ભારતમાં બાળકોને ભણાવીને તેણે તેમનું જ નહીં, ખુદનું પણ જીવન પરિવર્તિત કર્યું છે એમ તેનું માનવું છે. ભવિષ્યમાં જ્યારે સામાજિક જીવન થાળે પડે ત્યારે મોકો શોધીને તે ફરી આ પ્રકારના કામમાં જોડાઈ શકે એવી તેની ઇચ્છા છે.