કામના કલાકો આપણે ઘટાડી શકીએ એમ નથી, પરંતુ એ કલાકોમાં પસાર થતું આપનું બેઠાડુ જીવન ચોક્કસ બદલી શકીએ છીએ. ઊઠ-બેસ કરીને કામ કરવાની આ પદ્ધતિ કેટલી હેલ્ધી છે એ સમજીએ
હેલ્થ ઇઝ વેલ્થ
બેઠાડુ જીવનનો તોડ છે કન્વર્ટિબલ ડેસ્ક
આજકાલ ઘણી ઑફિસોમાં બેસી પણ શકાય અને ઊભા-ઊભા પણ કામ કરી શકાય એ પ્રકારની કન્વર્ટિબલ ડેસ્કનો ઉપયોગ શરૂ થયો છે. કામના કલાકો આપણે ઘટાડી શકીએ એમ નથી, પરંતુ એ કલાકોમાં પસાર થતું આપનું બેઠાડુ જીવન ચોક્કસ બદલી શકીએ છીએ. ઊઠ-બેસ કરીને કામ કરવાની આ પદ્ધતિ કેટલી હેલ્ધી છે એ સમજીએ
બેઠાડુ જીવન એ દરેક રોગની જડ છે. જે વ્યક્તિ દિવસના કલાકો બેઠાં-બેઠાં પસાર કરે છે એ એની ઉંમર અને હેલ્થ બંને ઘટાડે છે એ ઘણાં રિસર્ચમાં સાબિત થઈ ચૂક્યું છે. પરંતુ આજની તારીખે એક ઍવરેજ નોકરિયાત માણસ દિવસના ૮-૧૨ કલાક કામ કરે છે. આ લોકોમાં કામનો પ્રકાર બેઠાડુ હોય એવા લગભગ ૭૦ ટકા લોકો ગણી શકાય. બાકીના ૨૦ ટકા લોકોની જૉબ સ્ટૅન્ડિંગ હોય છે. દિવસના ૮-૧૦ કલાક સતત ઊભા રહેવાનું હોય છે. બાકી બચેલા ૧૦ ટકા લોકોની જૉબ મૂવમેન્ટવાળી હોય છે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ફરતા રહેવાનું હોય છે. જે લોકોને સતત બેઠું રહેવાનું છે અને જેમને સતત ઊભા રહેવાનું છે એ બંને પ્રકારની જૉબ લાંબા ગાળે હેલ્થ માટે હાનિકારક હોય છે.
ADVERTISEMENT
વધુપડતું બેસવાને કારણે
કોઈ પણ પ્રકારની ઑફિસ જૉબ મોટા ભાગે સિટિંગ જૉબ જ હોય છે. વળી આજકાલ કમ્પ્યુટર પર જ કામ કરવામાં આવે છે અને કોઈ પણ પ્રકારનાં ગૅજેટ્સ આપણને એની સાથે ચોંટાડી રાખવાની ટૅલન્ટ ધરાવે છે. ફોન હાથમાં લો કે ઑફિસનું કામ, કલાકો ક્યાં નીકળી જાય છે એનો અંદાજ પણ આપણને આવતો નથી. વળી ઑફિસમાં સવારે ૯થી પાંચની જૉબ હોય તો પણ એટલા કલાક તો સતત બેઠા જ રહેવાનું હોય છે. આટલા કલાકો બેસવાથી શું થાય છે? એ વાતનો જવાબ આપતાં જુહુનાં જાણીતાં ફિઝિયોથેરપિસ્ટ ડૉ. વિભૂતિ કાણકિયા કહે છે, ‘બેઠાડુ જીવનશૈલીને કારણે તાત્કાલિક આવતી તકલીફોમાં સાંધાનો દુખાવો એક સામાન્ય પ્રૉબ્લેમ છે. નબળા સ્નાયુઓ અને એને કારણે નબળાં હાડકાં, નબળું પાચન અને એને કારણે થતાં ગૅસ, ઍસિડિટી અને બ્લોટિંગ. પણ આજકાલ લગભગ દરેક વ્યક્તિમાં જોવા મળે છે. આ બધું જ્યારે લંબાય તો ધીમે-ધીમે બેઠાડુ જીવનને કારણે ઓબેસિટી ઘર કરી જાય છે અને એને કારણે જ ડાયાબિટીઝ, હાઈ બ્લડ-પ્રેશર, હાર્ટ ડિસીઝને નિમંત્રણ મળે છે.’
સતત ઊભા રહેવાને કારણે
આમ તો ઊભા રહેવાને ખૂબ જ સારું પૉશ્ચર માનવામાં આવે છે. હૉસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી હોય કે સેલ્સમૅનશિપ, દરેક જગ્યાએ નોકરિયાત વ્યક્તિએ ઘણા કલાકો સતત ઊભા રહેવું પડે છે. ગમે તેટલું સારું પૉશ્ચર હોય, પરંતુ કલાકો ઊભા રહેવું હેલ્થ માટે સારું નથી. એ વિશે વાત કરતાં ડૉ. વિભૂતિ કાણકિયા કહે છે, ‘એને લીધે તેમના જીવનમાં પણ ઘણી તકલીફો આવે છે. એવું જ સતત ઊભા રહેવાને કારણે પણ થાય છે. બાકી જો ઊભા રહેવાની વાત કરીએ તો સતત વધારે કલાકો ઊભા રહેવાથી સ્પાઇનને રેસ્ટ મળતો નથી એને કારણે બૅકપેઇન, પગમાં સ્વેલિંગ અને એડીનો દુખાવો શરૂ થઈ શકે છે. ડીપ વેઇન થ્રૉમ્બોસિસ એક એવી તકલીફ છે જે ઊભા રહેતા હોય એ લોકોના જીવનમાં લાંબા ગાળે જોવા મળે છે. જો તમે ઓબીસ હો તો વધુપડતું સ્ટૅન્ડિંગ તમારાં ઘૂંટણને ખરાબ કરી શકે છે.’
લાંબા સમય સુધી એક જ સ્થિતિ
હકીકતે ન બેસવું ખરાબ છે કે ન ઊભા રહેવું, બંનેમાં જે પ્રૉબ્લેમ છે એ લાંબા સમય સુધી એક જ પૉશ્ચરમાં રહેવાનો પ્રૉબ્લેમ છે. એ વિશે વાત કરતાં ફિઝિયોથેરપિસ્ટ ડૉ. નીલેશ મકવાણા કહે છે, ‘થાય છે એવું કે એક જ પૉશ્ચરમાં જ્યારે તમે લાંબા સમય સુધી રહો છો ત્યારે શરીર અકળાઈ જાય છે. શરીરને હેલ્ધી રહેવા માટે મૂવમેન્ટ મળવી અતિ જરૂરી છે જે તમારા જૂના પૉશ્ચરને તોડે, કારણ કે એક જ પૉશ્ચરમાં સાંધાઓ પર ઘણો લોડ આવે છે. એ પ્રેશર સાંધાની તકલીફોને જન્મ આપે છે. વળી એક જ જગ્યાએ બેઠા રહેવાથી માનસિક હેલ્થ પર પણ અસર પડે છે. કામમાં સમજાતું નથી પરંતુ એ મૉનોટોનીને તોડવી જરૂરી રહે છે. આમ ઊભા રહેવાથી શરીરનું સર્ક્યુલેશન ઘણું સારું થાય છે અને બેસવાથી જૉઇન્ટ અને સ્નાયુઓને આરામ મળે છે. કમર અને પીઠને ટેકો મળે છે એટલે એ રિલૅક્સ થઈ શકે છે, જે પણ જરૂરી છે. તકલીફ ફક્ત એક જ છે કે કોઈ પણ એક પૉશ્ચરમાં લાંબો સમય ન રહેતાં મૂવમેન્ટ કરતા રહેવી જરૂરી છે.’
એક જ પૉશ્ચરમાં જ્યારે તમે લાંબા સમય સુધી રહો છો ત્યારે શરીર અકડાઈ જાય છે. શરીરને હેલ્ધી રહેવા માટે મૂવમેન્ટ મળવી અતિ જરૂરી છે જે તમારા જૂના પૉશ્ચરને તોડે, કારણ કે એક જ પૉશ્ચરમાં સાંધાઓ પર ઘણો લોડ આવે છે. એ પ્રેશર સાંધાની તકલીફોને જન્મ આપે છે. - ડૉ. નીલેશ મકવાણા
ઊઠ-બેસ બેસ્ટ
સવાલ એ છે કે ઑફિસ જેવા સેટ-અપમાં મૂવમેન્ટ કઈ રીતે લાવવી? આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ઊભા રહેવું હેલ્ધી છે અને વચ્ચે-વચ્ચે બેસવું પણ જરૂરી છે. આ કન્સેપ્ટને સમજીને થોડાં વર્ષોથી કન્વર્ટિબલ ડેસ્કનો કન્સેપ્ટ માર્કેટમાં આવ્યો છે. આજકાલ ઘણી જુદી-જુદી ઑફિસોમાં એ જોવા પણ મળે છે. એક એવી ડેસ્ક જેમાં ઊભા રહીને કામ કરી શકાય છે અને એને જ ફોલ્ડ કરીએ તો બેસીને કામ થઈ શકે છે. અમુક ઑફિસો એવી છે જ્યાં લૅપટૉપ જ હોય છે. એક આખો એરિયા સ્ટૅન્ડિંગ છે અને બીજો એરિયા સિટિંગ. એટલે વ્યક્તિ થોડી વાર ઊભા રહીને તો થોડી વાર બેસીને કામ કરે. આ પ્રકારની ડેસ્કનો ઉપયોગ એ છે કે તમે સતત પૉશ્ચર બદલી શકો છો, જે શરીરમાં એક મૂવમેન્ટ આપશે અને એને કારણે બેઠાડુ જીવનથી થતી તકલીફો દૂર થશે.
શું ધ્યાન રાખવું?
આ પણ વાંચો : સ્ત્રીઓ ક્યાં સુધી ઇમોશનલ લેબરનો ભાર વેંઢારશે?
જો કન્વર્ટિબલ ડેસ્ક ઑફિસ સેટ-અપમાં રાખવાનો વિચાર હોય તો અમુક વસ્તુઓ ધ્યાન રાખવી જરૂરી છે. ડેસ્કની હાઇટ, ખુરશીની હાઇટ, હાથ રાખવા માટેની જગ્યાનું પ્રોવિઝન વગેરે ઠીક હોવું જોઈએ. એ વિશે વાત કરતાં ડૉ. નીલેશ મકવાણા કહે છે, ‘ઑફિસમાં તકલીફ એવી હોય છે કે દરેક ફર્નિચર એકસરખું આવતું હોય છે. એક ૬ ફીટનો માણસ અને એક સાડાચાર ફીટનો માણસ બંને યોગ્ય પૉશ્ચર સાથે ઊભા રહીને કે બેસીને કામ કરી શકે છે કે નહીં એ જોવું જરૂરી છે. એની હાઇટનું ઍડ્જસ્ટમેન્ટ ન હોય તો આ ડેસ્કના સેટ-અપ સાથે તકલીફ વધશે. એકસરખું ફર્નિચર ક્યારેય ઑફિસમાં કામ કરતા લોકોની હેલ્થ માટે સારું ગણાતું નથી, કારણ કે દરેકની જરૂરત અલગ હોય છે એ સમજવું જરૂરી છે.’
૫૦ મિનિટનો રૂલ
ડૉ. વિભૂતિ કાણકિયા
ઊઠ-બેસ કરવાનો આઇડિયા સારો જ છે પરંતુ એમાં પણ સમયની મર્યાદાને સમજવી જરૂરી છે. એ વિશે વાત કરતાં ડૉ. વિભૂતિ કાણકિયા કહે છે, ‘જો તમે આવી ડેસ્ક વાપરતા પણ હો તો એનો પણ ઉપયોગ કઈ રીતે કરવો એ તમને આવડવું જોઈએ. કોઈ પણ પૉશ્ચરમાં બેસવાનું હોય કે ઊઠવાનું, બંનેમાં ૪૫-૫૦ મિનિટની અવધિ નક્કી કરી લેવી. એટલે કે જો તમને બેઠાં-બેઠાં ૪૫ મિનિટ થઈ ગઈ હોય તો ૧૦ મિનિટ આજુબાજુ થોડો વૉક કરવો. એ મૂવમેન્ટ પછી તમે ઊભા-ઊભા કામ કરો. એની ૫૦ મિનિટ થઈ જાય પછી ફરી આ જ રીતે પૉશ્ચર બદલો. કોઈ પણ એક પૉશ્ચરમાં ૫૦ મિનિટથી વધુ સમય ન પસાર કરો સિવાય કે ક્યારેક કોઈ મીટિંગ હોય, જે લાંબી ચાલે તો વાત જુદી છે. નૉર્મલ દિવસોમાં આ રીતે બદલી શકો છો. એ બંને પૉશ્ચર વચ્ચે વૉક કરવો કે સ્ટ્રેચ કરવું પણ એટલું જ મહત્ત્વનું છે. આ રીતે તમે કામ કરતાં-કરતાં પણ તમારી હેલ્થ જાળવી શકો છો.’