નાનાં બાળકોનું વિઝ્યુઅલાઇઝેશન ડેવલપ કરવા અને મોટા થયા પછી એકાગ્રતા વધારવા મોટેથી વાંચવાની ટેક્નિક ઘણી અકસીર કામ કરે છે
સ્પેશ્યલ સ્ટોરી
પ્રતીકાત્મક તસવીર
સભ્ય સમાજમાં મનમાં વાંચન કરો અને બીજાને ડિસ્ટર્બ ન કરોની થિયરી ચાલે છે, પણ હકીકતમાં મોટેથી વાંચવાના અઢળક ફાયદાઓ છે. નાનાં બાળકોનું વિઝ્યુઅલાઇઝેશન ડેવલપ કરવા અને મોટા થયા પછી એકાગ્રતા વધારવા મોટેથી વાંચવાની ટેક્નિક ઘણી અકસીર કામ કરે છે. આ ટેક્નિક કોના માટે વધુ અસરકારક છે એ જાણો
એક સમય હતો જ્યારે માણસે લિપિની શોધ જ નહોતી કરી, પરંતુ આપણી પાસે ભાષા હતી અથવા તો કહીએ કે બોલી હતી. ધીમે-ધીમે લિપિ આવી, પરંતુ જ્યાં સુધી લર્નિંગનો સંબંધ છે આપણા પૂર્વજો બોલીને કે ગાઈને યાદ રાખતા. બાળકો ત્યારે લખી-લખીને નહીં, સાંભળી-સાંભળીને યાદ રાખતાં. ગીતા એટલે ગાયતે ઇતિ ગીતા. જે ગાવામાં આવે છે એ ગીતા. વેદો, ઉપનિષદો અને બીજા ગ્રંથોને એ સમયે સાંભળીને યાદ રખાતા. ગુરુઓ જોરથી શ્લોકનું ઉચ્ચારણ કરે અને શિષ્યો સાંભળી-સાંભળી એની પાછળ ખુદ પોતે ગાઈ-ગાઈને લાખો શ્લોકો યાદ રાખતા. એ પણ આજનાં સ્ટુડન્ટ્્સની જેમ શૉર્ટ ટર્મ મેમરી નહીં. ધોરણ પત્યું, એક્ઝામ પતી એટલે બધું પતી ગયું. મગજમાંથી પણ જતું રહ્યું એવું નહીં. એક વખત શ્લોક કંઠસ્થ થયા પછી એ જીવો ત્યાં સુધી યાદ રહેતા. આ મેથડ ભલે વર્ષો જૂની રહી, પરંતુ એનું મહત્ત્વ આજે પણ એટલું જ છે.
ADVERTISEMENT
હજી પણ ઘણા વિદ્યાર્થીઓ જોરથી વાંચીને ભણે છે અને તેમને એ જ રીતે યાદ રહે છે. અમુક લોકો એવા પણ છે જેઓ મોટેથી વાંચતાં બાળકો પ્રત્યે ગુસ્સો કરતા હોય છે, કારણ કે તેમને
લાગે છે કે એને લીધે અવાજ ખૂબ થાય છે અને શાંતિ રહેતી નથી. જોકે હકીકતમાં જોરથી વાંચવું ઘણાં સ્ટુડન્ટ્સ માટે અતિ ઉપયોગી છે. કઈ રીતે એ જરા સમજીએ.
કેમ ઉપયોગી?
પહેલાંના લોકો આ રીતે લાખો શ્લોક કંઠસ્થ કરી લેતા. કોઈ પણ માહિતીને લૉન્ગ ટર્મ મેમરી બનાવવા માટે ઉપયોગી એવી આ ટેક્નિક વિશે વાત કરતાં સ્પીચ-થેરપિસ્ટ મેઘા શાહ કહે છે, ‘મગજને જુદી-જુદી રીતે સ્ટિમ્યુલેટ કરો તો મેમરી વધુ શાર્પ બને છે. મનમાં વાંચો એના કરતાં જોરથી વાંચો ત્યારે ઑડિટરી સેન્સિસ સ્ટિમ્યુલેટ થાય છે એટલે વધુ યાદ રહે છે એવું બને. વાંચવા કરતાં ગાતાં-ગાતાં કંઠસ્થ કરો તો એ વધુ સારું યાદ રહે છે. એનું કારણ સમજવા જેવું છે. તમે ડાબેરી હો તો લૉજિક માટે તમારું જમણું મગજ કામ કરતું હોય છે, પરંતુ જ્યારે તમે સાથે ગાઓ પણ છો ત્યારે તમે એકસાથે તમારું જમણું અને ડાબું બંને મગજ કામે લગાડો છો. આમ એ વધુ સારી રીતે યાદ રહે છે. મેમરી માટે એવું કહી શકાય કે જેટલું મગજને વધુ સ્ટિમ્યુલેટ કરશો એટલું એ વધુ યાદ રહેશે.’
આમ જેટલી વધુ ઇન્દ્રિયને તમે કામે લગાડશો એટલું વધુ યાદ રહેશે. કાન પણ એક ઇન્દ્રિય છે. વાંચવામાં ફક્ત આંખનો જ વપરાશ થાય તો એક ઇન્દ્રિય જ વપરાય છે, પરંતુ જો તમે સાથે મોટેથી બોલશો તો આંખની સાથે કાન પણ ઉમેરાય છે અને એને કારણે એક ઇન્દ્રિયનો અનુભવ વધે છે. આમ ટેક્નિકલી મનમાં વાંચો એના કરતાં મોટેથી વાંચો તો વધુ યાદ રહે.
આ પણ વાંચો : સ્ત્રીઓ ક્યાં સુધી ઇમોશનલ લેબરનો ભાર વેંઢારશે?
નાનાં બાળકો માટે બેસ્ટ
એકદમ નાનાં બાળકોને પહેલાં શબ્દો ઓળખતાં નથી આવડતું, વાંચતાં નથી આવડતું. તેઓ સાંભળી-સાંભળીને જ શબ્દો અને ભાષા શીખે છે. આજકાલ ઘણાં માતા-પિતા પોતાના બાળકને રાત્રે વાર્તાની ચોપડી વાંચીને સંભળાવતાં હોય છે. આ આદત ખૂબ સારી છે એમ જણાવતાં અંધેરીના કાઉન્સેલિંગ સાઇકોલૉજિસ્ટ ડૉ. કીર્તિ સચદેવા કહે છે, ‘જ્યારે આપણે બાળકને વાર્તા જોરથી વાંચીને સંભળાવીએ છીએ ત્યારે આ આદત બાળકને ઘણી મદદરૂપ થાય છે. એનાથી બાળકની ક્રીએટિવિટી અને વિઝ્યુઅલાઇઝેશનની કળા વિકસે છે. એક મોટું ઝાડ હતું. તો તમે અહીં તેને ઝાડ બતાવતા નથી, પરંતુ તેના મગજમાં ઝાડનો એક આકાર ઊપસી આવે છે જે આ ઉંમરમાં બાળકના મેન્ટલ ગ્રોથ માટે ઘણું ઉપયોગી સાબિત થાય છે. આ સિવાય તેનું ભાષાજ્ઞાન વધે છે અને સૌથી વધુ ઉપયોગી એવી રીડિંગની આદત તેને પડે છે. જેવું તે થોડું મોટું થાય અને ખુદ વાંચતું થાય ત્યારે તેને કહેવું નથી પડતું કે તું વાંચ, પરંતુ તે જાતે જ બુક્સ લઈને બેસે છે. આ બધું એટલે શક્ય બને છે, કારણ કે તમે તેને મોટેથી વાંચીને વાર્તા સંભળાવતા હતા.’
બોર્ડની એક્ઝામ આપવાવાળાં કે પછી કૉલેજમાં ભણતાં સ્ટુુડન્ટ્સને મોટેથી વાંચે તો તેનું મન ભટકે નહીં. સમયને વેડફતો બચાવવાની આ એક પ્રકારની ટ્રિક છે - ડૉ. કીર્તિ સચદેવા, સાઇકોલૉજિસ્ટ
ધ્યાનમાં સરળતા રહે
મોટા ભાગના વિદ્યાર્થીઓને એક મોટી તકલીફ હોય છે અને એ છે વાંચતાં-વાંચતાં થતા વિચારવાયુની. ચોપડી હાથમાં છે અને વ્યક્તિ મગજ અને મનથી બીજે ક્યાંક પહોંચી ગઈ છે. આ ધ્યાન ભટકવાની તકલીફ ત્યારે નથી રહેતી જ્યારે તમે મોટેથી વાંચો છો. એ વિશે વાત કરતાં ડૉ. કીર્તિ સચદેવા કહે છે, ‘ખાસ કરીને બોર્ડની એક્ઝામ આપવાવાળાં કે પછી કૉલેજમાં ભણતાં સ્ટુુડન્ટ્સને ઘણા કલાકો સતત બેઠા-બેઠા વાંચવાનું હોય છે. થાય છે એવું કે ધ્યાનના અભાવે બાળકો ચાર-પાંચ કલાક વાંચવા બેઠાં હોય, પરંતુ એમાંથી કામનું તો માત્ર એકાદ કલાક જેટલું જ રિફર થયું હોય, કારણ કે એટલા કલાક સતત ધ્યાન રાખવું મુશ્કેલ બની જતું હોય છે. આવામાં તે મોટેથી વાંચે તો તેનું મન ભટકે નહીં. સમયને વેડફતો બચાવવાની આ એક પ્રકારની ટ્રિક છે.’
કોને વધુ ઉપયોગી?
જો તમે એવું માનતા હો કે જોરથી વાંચવાથી દરેક વ્યક્તિને લાભ થાય છે તો એવું નથી. હા, એકાગ્રતા વધારવા માટે દરેક વ્યક્તિને લાભ થાય છે, પરંતુ એકાગ્રતા સિવાય જ્યારે આપણે મેમરીની વાત કરીએ છીએ ત્યારે દરેક વ્યક્તિને મોટેથી વાંચવાથી ફાયદો થતો નથી. એવી અમુક ખાસ વ્યક્તિઓ હોય છે જેમને આ લાભ થાય છે એમ જણાવતાં મેઘા શાહ કહે છે, ‘અમે બાળકોની જે એપ્ટિટ્યુડ ટેસ્ટ લઈએ છીએ એમાં એ પણ ચકાસીએ છીએ કે બાળક કયા પ્રકારનું લર્નર છે. એક હોય છે વિઝ્યુઅલ લર્નર. ઘણાં બાળકો ફોટોગ્રાફિક મેમરી ધરાવતાં હોય છે. જે એક વખત જોઈએ લે એટલે તેમને યાદ રહી જાય. એવાં બાળકો પુસ્તકમાં નજર ફેરવે પછી જ તેમને યાદ રહે છે. વાંચે (ભલે મનમાં હોય કે જોરથી) અથવા કોઈ બોલે ત્યારે સાંભળીને તેમને યાદ નથી રહેતું. જેમ કે તેમણે ઘોડો જોયો હોય તો જ તેમને યાદ રહે. બાકી એનું વર્ણન સાંભળ્યું હોય તો યાદ ન રહે. બીજી કૅટેગરીમાં આવે છે ઑડિટરી લર્નર. એટલે કે જે બાળકો અવાજના માધ્યમથી વધુ સમજે અને યાદ રાખે છે. આવાં બાળકો જોરથી વાંચે તો તેમને ખૂબ ફાયદો થાય, કારણ કે તેમની સાંભળવાની શક્તિ વધુ ઍક્ટિવ છે.’
બાકીની કૅટેગરી વિશે
જણાવતાં ડૉ. કીર્તિ સચદેવા કહે છે, ‘આ પ્રકારમાં ત્રીજા નંબરે આવે છે કાઇનેસ્થેટિક લર્નર. જે બાળકો અનુભવ પરથી જ શીખે તેઓ આ કૅટેગરીમાં આવે છે અને ચોથા છે રીડિંગ ઍન્ડ રાઇટિંગ લર્નર. એમાં એવાં બાળકો આવે જેઓ લખેલા શબ્દો થકી જ શીખે છે. વિઝ્યુઅલ લર્નરની જેમ જ. જોકે અહીં ખુદ લખવાનું પણ ઉમેરાયેલું છે. શબ્દો જુએ અને લખે ત્યારે વધુ સારી રીતે શીખી શકે છે કે યાદ રાખી શકે છે. આમ બધાં બાળકો મોટેથી વાંચે એટલે તેમને યાદ રહી જાય એવું નથી. વિઝ્યુઅલ લર્નર અને રીડિંગ-રાઇટિંગ લર્નરને મોટા ભાગે મનમાં વાંચવું ગમે. કાઇનેસ્થેટિક જોરથી વાંચતા પણ હોય તો એવું નથી કે એ થકી જ તે શીખી શકે, પરંતુ ઑડિટરી લર્નર એવા છે જેઓ ફક્ત કાનથી સાંભળીને શીખી શકે. એમાં પણ જો એ ખુદના અવાજમાં હોય તો વધુ ઉપયોગી સાબિત થાય છે.’