કારણ કે તે કલાકાર એ સ્તરનો છે. પોતાનું બધેબધું હોમવર્ક ઘરેથી કરીને આવે અને સીન પહેલાં તેને પોતાની તો એકેએક લાઇન ખબર જ હોય, સાથોસાથ એ સીનમાં તેના જે સાથી કલાકાર હોય તેની પણ લાઇન તેને મોઢે હોય
જેડી કૉલિંગ
અતુલ કુલકર્ણી હોય એટલે દિગ્દર્શકે અને લેખકે ઑન-ટોઝ જ રહેવું પડે
‘હૅપી ફૅમિલી : કન્ડિશન્સ અપ્લાય’ના કાસ્ટિંગ વખતે અમારા મનમાં ક્લૅરિટી હતી કે અમારું જે વર્ષોનું કાસ્ટિંગ હતું એનાથી જુદું કરવું છે અને કંઈક સરપ્રાઇઝિંગ એલિમેન્ટ મળે એવી ઑડિયન્સ સામે લઈ આવવી છે.
આપણે વાત કરીએ છીએ, ‘હૅપી ફૅમિલી : કન્ડિશન્સ અપ્લાય’ વેબ-શો અને એના કાસ્ટિંગની. એમાં લાસ્ટ વીકમાં આપણે વાત કરી શોમાં હેમલતા બનતાં રત્ના પાઠક શાહની અને એ પછી હવે વાત કરવાની છે અન્ય કાસ્ટિંગની. અન્ય કાસ્ટિંગની વાત કરતાં પહેલાં તમને એક વાત કહેવાની શરૂ કરી હતી.
ADVERTISEMENT
અઢી દશકા પહેલાં એક નાટક આવ્યું હતું ‘ગાંધી વિરુદ્ધ ગાંધી’. આ ગુજરાતી નાટકમાં ગાંધીજીનું પાત્ર જેણે કર્યું હતું તે અતુલ કુલકર્ણીને સ્ટેજ પર જોઈને હું આભો રહી ગયો હતો. મરાઠી માણસ અને તે માણસ આટલી અદ્ભુત ગુજરાતી બોલે! બસ, એ દિવસથી નક્કી કર્યું હતું કે એક વખત અતુલ સાથે કામ કરવું છે, પણ ક્યારેય એવી તક આવી નહીં અને જોતજોતામાં પચ્ચીસ વર્ષ થઈ ગયાં. જોકે આ વખતે મને ચાન્સ મળ્યો અને મેં એ ઝડપી લીધો. અતુલ કુલકર્ણીએ હેમલતાના દીકરા રમેશનું એવું તે અદ્ભુત કૅરૅક્ટર કર્યું છે કે વાત ન પૂછો. તેની બૉડી-લૅન્ગ્વેજથી માંડીને ઍક્સેન્ટ સુધ્ધાંમાં તે ગુજરાતીપણું લાવ્યો છે અને તે કૉમેડી પણ એવી કરે છે કે સાવ જ નિર્દોષ ભાવ સાથે એ નીકળી જાય અને તમે ખડખડાટ હસી પણ પડો.
સામાન્ય રીતે કેવું હોય કે કૉમેડીમાં તમે એવું ઍક્સ્પેક્ટ કરો કે એવી વ્યક્તિ હોય જે લુકમાં ફની લાગે, જેને સ્ટિરિયોટાઇપ્ડ કાસ્ટિંગ કહેવાય. અમે એવું ક્યારેય નથી કર્યું. અમે હંમેશાં કૅરૅક્ટર પર ગયા છીએ. હું એક વ્યક્તિનો બહુ મોટો ફૅન છું અને મારા તમામ પ્રોજેક્ટ્સમાં હું તેને લેવાનો પ્રયાસ કરતો રહું છું. એ વ્યક્તિ એટલે દેવેન ભોજાણી. દેવેન જાડો છે એટલે અમે કાસ્ટ કરીએ છીએ એવું બિલકુલ નથી. તે જાડો છે એટલે કૉમેડીમાં ડબલ ડોઝ ઉમેરાઈ જાય છે એ પણ એટલું જ સાચું છે, પણ હકીકત એ છે કે દેવેનની અભિનયક્ષમતા અદ્ભુત છે અને એટલે જ અમે તેને સારામાં સારાં પાત્રોમાં કાસ્ટ કર્યો છે. દેવેનની અભિનયક્ષમતાનું જો તમારે વેરિએશન જોવું હોય તો તમે તેનું દરેક નાટક અને સિરિયલ જોઈ લો. ‘એકબીજાને ગમતાં રહીએ’માં લેજન્ડ સરિતાબહેન સામે તેણે જે અભિનય કર્યો છે એ આજે પણ કોઈને ભુલાયો નથી. ‘બા, બહૂ ઔર બેબી’નો ગટ્ટુ પણ ક્યાં કોઈને ભુલાયો છે તો ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’નો દુષ્યંત હોય કે ‘ભાખરવડી’નો અન્ના હોય અને એવાં તો બીજાં કેટલાંય પાત્રો પોતાની અભિનયક્ષમતાના જોરે દેવેને યાદગાર બનાવી દીધાં છે. અમે દેવેન સાથે અઢળક કામ કર્યું છે અને એ બધાં કામને દેવેન ભોજાણીએ ચાર ચાંદ લગાવી દીધાં છે. હેમલતાના દીકરાના કૅરૅક્ટરમાં અમે પહેલાં દેવેનનો જ વિચાર કરતા હતા, પણ અમારી કાસ્ટિંગ માટે વાત ચાલતી હતી એ દરમ્યાન ઍમેઝૉને સરસ વાત કરી.
ઍમેઝૉનની ટીમે કહ્યું કે દેવેન ભોજાણી અદ્ભુત ઍક્ટર છે, પણ તમે તમારા કાસ્ટિંગને જરા જુદી રીતે જુઓ. એ જોશો તો તમને કાસ્ટિંગમાં પણ વેરિએશન મળશે. અમે વિચારે લાગ્યા અને એ વિચાર કરતાં જ અમને અતુલ કુલકર્ણી યાદ આવ્યો અને પચ્ચીસ વર્ષની અમારી જે ઇચ્છા હતી એ પૂરી થઈ. અતુલે જે કામ કર્યું છે એ અદ્ભુત છે. મને ઍક્ટર તરીકેની તેની આખી પ્રોસેસ જોવાની બહુ મજા આવી. મજા પણ આવી અને ઘણું જાણવા-શીખવા પણ મળ્યું. અતુલ માત્ર સિનિયર જ નહીં, સુપર્બ ઍક્ટર એટલે તેના જેવા ઍક્ટર સાથે કામ કરવામાં દિગ્દર્શક કે લેખકે ઑન-ટોઝ જ રહેવું પડે, પણ એમાં તમારો પણ ગ્રોથ થાય. અતુલની ખાસિયત કહું. તે શૂટ પહેલાં જ પોતાનું હોમવર્ક કરીને આવે. જો તમે જરાય ઓગણીસ-વીસ હો તો તમને કૅમેરા લાઇન, ઍન્ગલથી માંડીને પેપર પર લખેલી લાઇન સુધ્ધાંમાં એવી વાત કરે, એવું સજેશન આપે કે તમને સમજાઈ જાય કે આ માણસ સંપૂર્ણ સર્વગુણસંપન્ન એવો અભિનેતા છે. હું કહીશ કે આ જે ડેવલપમેન્ટ છે એ માત્ર કામ કરવાથી ન આવે, પણ કામ પ્રત્યે જે નિષ્ઠા અને પ્રામાણિકતા તમે દાખવો એનાથી એ ડેવલપ થાય.
જો તમે વેબસિરીઝ જોઈ હોય તો એમાં તમે અતુલનો એક ગાવાવાળો એપિસોડ જોયો હશે. એ જોઈને તમને પણ સમજાયું હશે કે અતુલ નાનામાં નાની વાતમાં પણ એટલું ઝીણું ચકાસી લે કે પોતે ખોટો ન પડે અને તેની સાથે રહેલા બીજા લોકો પણ ક્યાંય ગલત પુરવાર ન થાય. ખરું કહું તો હું પોતે આ આખી પ્રોસેસ દરમ્યાન બહુ શીખ્યો.
તમને ખબર જ છે કે અત્યારે હું કેટલી જગ્યાએ, કહો કે કેટલા મોરચે ભાગ-ભાગ કરું છું. હું ઍક્ટિંગ કરતો હોઉં ત્યારે બીજી ૨પ જગ્યાએ મારું ધ્યાન હોય. પ્રોડક્શન પણ સંભાળતો હોઉં અને ક્રીએટિવ પણ જોતા જવાનું હોય તો એની સાથોસાથ બીજું ઘણું જોતા જવાનું હોય. ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ અને ‘વાગલે કી દુનિયા’ના ક્રીએટિવ અને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની સાથોસાથ હમણાં ‘ખિચડી’નું કામ ચાલુ થયું છે અને એમાં હું ઍક્ટિંગ પણ કરું છું. ‘હૅપી ફૅમિલી : કન્ડિશન્સ અપ્લાય’ના પોસ્ટ-પ્રોડક્શન અને માર્કેટિંગનું કામ પણ ચાલુ હતું તો બીજી પણ બે વેબસિરીઝના પોસ્ટ-પ્રોડક્શનનું કામ ચાલુ છે. આ ઉપરાંત અસોસિએશનની પણ જવાબદારીઓ હોય. જોકે અતુલ કુલકર્ણી પાસેથી હું એટલું શીખ્યો કે તમે જ્યારે જ્યાં હો, જે કરતા હો એમાં જ તમારે ઓતપ્રોત રહેવાનું. ‘ખિચડી’નો હિમાંશુ હોઉં તો એ જ કરવાનું. આ બધી થિયરી આમ તમને ખબર જ હોય, પણ અતુલ જેવા ઍક્ટરની કામ કરવાની રીત અને એમાં આવતી અન્ડરલાઇન થતી પ્રક્રિયાને જોઈને સમજાયું કે આ બધી બાબત પર ફોકસ કરવાનું હોય.
અમારી બહુ જ સરસ દોસ્તી જામી છે, બની છે. બહુ જ મજા આવે છે કે અમને અતુલ કુલકર્ણી જેવા નૅશનલ લેવલના અને ખૂબબધું કામ કરી રહેલા કલાકાર સાથે કામ કરવા મળ્યું. અતુલે રમેશના પાત્રને જીવંત કરી દીધું. તમને બહુ રિયલ લાગે અને વેબસિરીઝમાં જે હ્યુમર છે એ હ્યુમર બહુ સારી રીતે, બહુ સિન્સિયરલી રજૂ કરવા માટે અમને આવી જ એક વ્યક્તિ જોઈતી હતી, જે સિન્સિયરિટી સમજે અને તમારી સામે એવી રીતે રજૂ કરે જાણે કે એ સહજ છે.
હેમલતા અને રમેશ પછી વાત આવી હેમલતાની પુત્રવધૂ અને રમેશની પત્નીની. એમાં પણ અમારી વાત સ્પષ્ટ હતી. અમને એવી વાઇફ જોઈતી હતી જેની ખ્વાહિશ વર્ષો પહેલાં ગુજરાતી સાસુઓ રાખતી. ગોરી ગુજરાતણ. તમને યાદ હોય તો દશકાઓ પહેલાં એવું જ હતું. બધા દીકરાની મા એવી જ અપેક્ષા રાખે કે અમારા દીકરાને તો દૂધ જેવી ગોરી વહુ મળે. અમે શોધાશોધ શરૂ કરી ગોરી ગુજરાતણની. આ વખતે અમારા મનમાં ક્લૅરિટી હતી કે અમારે જે વર્ષોનું કાસ્ટિંગ હતું એનાથી જુદું કરવું છે અને કંઈક સરપ્રાઇઝિંગ એલિમેન્ટ મળે એવું કરવું છે. પાત્ર માટે કલાકારોની શોધ શરૂ થઈ અને એ શોધ વચ્ચે અમારી સામે અચાનક જ નામ આવ્યું આયેશા ઝુલ્કાનું.
ગોરી ગુજરાતણમાં એકદમ બંધબેસતી અને હું તો એક સમયે આયેશાનો બહુ મોટો ફૅન પણ હતો. ‘જો જીતા વહી સિકંદર’નું પેલું ગાયન ‘પહલા નશા, પહલા ખુમાર...’ આપણને બધાને યાદ જ છે. અમે તરત જ એક્સાઇટ થઈ ગયા અને તેમની સાથે વાત કરી અને તે પણ તરત જ રાજી થઈ ગયા. બસ, અમે પલ્લવીના કૅરૅક્ટરમાં એટલે કે અતુલ કુલકર્ણીની વાઇફના કૅરૅક્ટરમાં આયેશા ઝુલ્કાને ફાઇનલ કર્યાં. આયેશા ઝુલ્કા સાથેની ઇન્ટરેસ્ટિંગ વાતો અને એક સરપ્રાઇઝ કહેવાય એવી વાત તમને હજી કરવાની છે, પણ એ નેક્સ્ટ વીક કરીએ.
સો, ડોન્ટ ગો ઍની વેર. મિલતે હૈ એક છોટે સે બ્રેક કે બાદ...
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)