હેલ્થ, ટેક્નૉલૉજી, ફૅમિલી અને તમારી અંદર રહેલી ટૅલન્ટ માટેની જહેમત આ વર્ષે લેવાની છે અને જાતને પણ ન્યાય આપવાનો છે
જેડી કૉલિંગ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
હું નાસ્તો કરતાં-કરતાં મને જોવી હોય એ વેબ-સિરીઝ જોવાનું કામ કરું છું, તો જમવાની સાથે હું મારું વાંચવાનું કામ કરતો જાઉં. ઘરથી ઑફિસ કે ઑફિસથી સેટ પર જવાના ટ્રાવેલિંગ-ટાઇમમાં તમારે માટે આ આર્ટિકલ પણ તૈયાર કરી લઉં.
આપણે વાત કરતા હતા ટેક્નૉલૉજીની કે આ વર્ષે રેઝોલ્યુશન લેજો કે ટેક્નૉલૉજીને અવગણવી નથી, પણ એની સાથે આગળ વધતા જવું છે, શીખતા જવું છે અને તમને અગાઉ કહ્યું એમ, હેલ્થનું બરાબર ધ્યાન રાખવાનું છે. હવે દુનિયા જે રીતે બદલાવાની છે એ જો તમારે જોવી હોય, એ નવી દુનિયા તમારે માણવી હોય તો તમારે સ્વાસ્થ્યની બાબતમાં વધુ તકેદારી રાખવી પડશે. હું તો રાખું જ છું અને હજી પણ રાખવાનો છું. ખાવાની બાબતમાં પણ હવે સજાગ રહેવું જોઈએ અને ચાલવાનું પણ ચાલુ કરી દેજો. ચાલવાની વાત પરથી મને મારી બા યાદ આવી ગયાં.
ADVERTISEMENT
મારી બા અત્યારે ચોર્યાસી વર્ષનાં છે, તેમણે ની-રિપ્લેસમેન્ટ કરાવ્યું છે, હું હમણાં જ મારાં બા-બાપુજીને મળવા ગયો ત્યારની વાત છે. હું ઑફિસ જવા માટે નીચે ઊતરતો હતો ત્યારે મારાં બા પણ મારી સાથે નીચે ઊતર્યાં, ‘ચાલ થોડું ચાલી લઉં’ કહીને. આજે પણ તેઓ પ્રયત્ન કરે છે કે નિયમિત ચાલી શકાય. તેમના ઘરની સામે જે પાર્ક છે એ પાર્કમાં બે-ચાર કે પાંચ-છ રાઉન્ડ મારી જ લે. મને થયું કે હું આ મા-બાપથી ઇન્સ્પાયર થઈને મારી હેલ્થ બાબતમાં સજાગ થયો છું તો તમે પણ ઇન્સ્પાયર થઈને થોડું વૉક લેવાનું ચાલુ રાખજો. સ્વાસ્થ્યથી મોટું કશું નથી. લોકો કહે છે કે હેલ્થ ઇઝ વેલ્થ, પણ હું કહીશ કે હેલ્થ ઇઝ ધ બિગેસ્ટ વેલ્થ. જો એ તમારી પાસે હશે તો તમને કોઈ અટકાવી કે રોકી નહીં શકે.
નવી વાત પર આવીએ. નવા વર્ષની રજાઓ માર્ક કરી લેજો. કૅલેન્ડર માત્ર તારીખ કે વાર જોવા પૂરતું નથી, એ પ્લાનિંગ બનાવવા માટે પણ છે. જ્યાં પણ બે-ત્રણ દિવસ સાથે રજા દેખાય એને નોટ કરી લેવાની અને એ દિવસોમાં ક્યાં જઈ શકાય એનું પ્લાનિંગ કરી લેવાનું. સીઝન મુજબ નાની-નાની ટ્રિપનું પ્લાનિંગ કરજો અને વચ્ચે-વચ્ચે થોડી રજા લેતા જજો. મજા આવશે, એની જવાબદારી હું લઉં છું. પરિવાર સાથે સમય આપતા રહેશો તો ભવિષ્યમાં અફસોસ નહીં થાય. હવેનો સમય પણ એવો છે કે આપણાં દીકરા-દીકરીઓ વહેલાં મોટાં થવા માંડ્યાં છે. તેમને પ્રાઇવસી વહેલી જોઈએ છે અને મોટાં થાય એટલે આપણે તેમને એ આપવી રહી. તેમની સાથે-સાથે રહેવાનો સમય ઓછો થતો જાય છે. આવતી કાલ સવારે એ બહારગામ ભણવા જાય, અબ્રૉડ જાય કે ધારો કે તેનાં મૅરેજ થઈ જાય તો સડન્લી આપણને થાય કે આપણે એકલા થઈ ગયા અને પછી એ અફસોસની ભરપાઈ અઘરી થઈ જાય. એવું ન બને એટલે આ વર્ષે રેઝોલ્યુશનમાં આ નાના-નાના ફૅમિલી વેકેશનને પણ કાઉન્ટ કરજો અને વચ્ચે સમય મળે ત્યારે પણ બધું જ સંતાનો સાથે પ્લાન કરીને કરતા રહેવાનું. તેમને સાથે રાખ્યાં હશે તો તેમનામાં પણ જબરદસ્ત ઉત્સાહ આવશે અને એ તમને નવી દુનિયા દેખાડશે.
આજકાલ બહાર ખાવાનું એટલું સરસ મળે છે કે...
મારું તો ડાયટ ચાલે છે એટલે હું કશું વધારે બોલતો નથી, પણ હા, હેલ્ધી ફૂડ પણ બહુ સરળતાથી મળે છે એટલે મહિનામાં એકાદ-બે સારાં ડિનર પણ સંતાનો સાથે પ્લાન કરજો. અલગ-અલગ દેશોની રેસ્ટોરાં આપણે ત્યાં ચાલુ થઈ ગઈ છે જેની તમને ખબર પણ નહીં હોય, પણ તમારાં સંતાનોને ખબર હશે. તેમની ઇચ્છા મુજબ જીવજો, મજા કરજો અને હા, આ મજામાં મ્યુઝિકને સામેલ કરજો. હું હમણાં વૉક લેતાં-લેતાં ઘણી વાર મ્યુઝિક સાંભળું છું. આપણા દેશનું મ્યુઝિક છેલ્લાં ૨૦-૨૫ વર્ષમાં ઘણું બદલાયું છે, પણ એ જો મ્યુઝિક સાંભળશો તો તમને સમજાશે. મ્યુઝિક એક થેરપી છે, એ મનમાં હૅપી-હૉર્મોન્સ જન્માવે, તમને ખુશ રાખે એટલે ખુશ રહેવાનો આ સરળ રસ્તો અપનાવજો.
તમે આ વર્ષે જીવનમાં કંઈક ઍડ્વેન્ચર અને સ્પોર્ટ્સને ઉમેરી શકો છો, પણ પહેલાં મ્યુઝિકની વાત પૂરી કરી લઉં. મેં તમને કહ્યું એમ, હમણાં-હમણાં મેં મ્યુઝિક સાંભળવાનું શરૂ કર્યું છે. એમાં એટલો ચેન્જ છે કે આપણે ધાર્યું પણ ન હોય. આપણે હંમેશાં એવી ફરિયાદ કરતા રહીએ છીએ કે મ્યુઝિક તો જૂનું જ સારું, પણ સાવ એવું નથી. નવા કલાકારોનો જે આખો કાફલો આવ્યો છે એ એટલો સરસ છે કે આપણે ધાર્યું પણ ન હોય.
આ પણ વાંચો : વાત ૨૦૨૨ના વર્ષની
તમે ટીવીની એક-એક ચૅનલ પર મ્યુઝિકના જે પ્રોગ્રામ આવે છે એમાં જે બાળકો આવે છે એ જોશો તો તમને સમજાશે. સિન્ગિંગમાં અને ડાન્સમાં જે છે એ અદ્ભુત કલાકારો છે. હું તો એ જોતો હોઉં ત્યારે મને થાય કે આપણે તો આટલી ઉંમરે સોસાયટીમાં રમવા સિવાય કંઈ કરતા નહોતા અને આ છોકરાઓ તો જુઓ, ક્યાંથી ક્યાં પહોંચી ગયાં. ખરેખર એ જે ટૅલન્ટ છે એ ગૉડ્સ ગિફ્ટ જ કહેવાય.
તમે પણ એ દિશામાં આગળ વધી શકો છો અને તમારામાં ટૅલન્ટ હોય તો તમે એના ક્લાસિસ કરી શકો છો. તમારામાં જે ટૅલન્ટ હોય એ ટૅલન્ટને એમ જ પડ્યું રહેવાને બદલે એને આગળ વધારો. ભલે શોખ પૂરતું એ આગળ વધે, પણ આગળ વધારો. ક્યારેક તમને જ સંતોષ થશે કે તમે સરસ રીતે તમારી જાતને ન્યાય આપ્યો. હું તો કહીશ કે આ વર્ષે રેઝોલ્યુશન લો કે તમે તમારી જાતને પણ ન્યાય આપશો અને એ બધું કરવા માટે તમારે ક્યાંયથી સમય બચાવવાની જરૂર નથી. એક વાર રેઝોલ્યુશન પાસ કરશો તો આપોઆપ એને માટે સમય નીકળવા માંડશે, સમય મળવા જ માંડશે.
હું તો મારી લાઇફને બેટર બનાવવા માટે સતત પ્રયાસ કરતો રહું છું અને એને માટે ઘણી વાર હું બધું ડબલ કરતો જાઉં છું. હું નાસ્તો કરતાં-કરતાં મને જોવી હોય એ વેબ-સિરીઝ જોવાનું કામ કરું છું, તો જમવાની સાથે હું મારું વાંચવાનું કામ કરતો જાઉં. ઘરથી ઑફિસ કે ઑફિસથી સેટ પર જવાના ટ્રાવેલિંગ-ટાઇમમાં તમારે માટે આ આર્ટિકલ પણ તૈયાર કરી લઉં અને આ તો મેં ફિક્સ જ કરી નાખ્યું છે. ‘મિડ-ડે’ની ઑફિસથી આર્ટિકલની ફાઇનલ કૉપી મને આવે તો એનાં કરેક્શન કે પછી એમાં કંઈ સજેશન હોય તો એ બધું પણ હું ટ્રાવેલિંગ દરમ્યાન પતાવી લઉં. સમય શોધવાનો છે. આપણી પાસે પુષ્કળ સમય છે, બસ, આપણને એની ખબર નથી. આ જે વધારાનો કે પછી હિડન સમય છે એનો ઉપયોગ હવે તમે તમારા માટે કરવાનું શરૂ કરો, જેનો સીધો ફાયદો એ થશે કે તમને સંતોષ થશે. તમારી જાત માટે તમને નાઝ થશે અને એ થશે તો તમે આપોઆપ ખુશ રહેવાના શરૂ થઈ જશો. મલ્ટિટાસ્કિંગ એવી એક કળા છે જે વ્યક્તિમાં પડેલી જ હોય. બસ, એને માટે આપણે જાતને ટ્રેઇન કરવાની હોય.
ફરીથી આવીએ તમારી ટૅલન્ટ પર, તો આજ સુધી ભલે તમે જવાબદારી અને ફરજ વચ્ચે એ દિશામાં ધ્યાન ન આપ્યું, પણ હવે એના પર ધ્યાન આપજો અને આ વર્ષે એ ટૅલન્ટને આગળ ધપાવજો. ૪૦-૫૦ વર્ષની ઉંમરે આજે પહોંચી ગયા છો ત્યારે કહેવાનું કે ક્યારે આપણાં ૧૦૦ વર્ષ પૂરાં થઈ જાય એ કોઈ નથી જાણતું એટલે બહેતર છે કે એ પૂરાં થાય એ પહેલાં તમારાં જે સપનાં હતાં એ સપનાંઓને એક દિશા આપવાનું કામ ૨૦૨૩માં કરજો.
રેઝોલ્યુશન પર આ જ વાત હજી આગળ વધારવી છે, પણ એની સાથોસાથ તમને એક ફિલ્મની વાત કહેવી છે, પણ આજે, અહીં જ વિરામ લઈએ. મળીએ નેક્સ્ટ ગુરુવાર. મિલતે હૈં એક છોટે સે બ્રેક કે બાદ...
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)