Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જયા કિશોરીની આધ્યાત્મિકતા સાચી કે આભાસી?

જયા કિશોરીની આધ્યાત્મિકતા સાચી કે આભાસી?

Published : 10 November, 2024 12:32 PM | Modified : 10 November, 2024 12:49 PM | IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

થોડા સમય પહેલાં બે લાખ રૂપિયાની બ્રૅન્ડેડ અને કસ્ટમાઇઝ્‍ડ હૅન્ડબૅગ સાથે ઍરપોર્ટ પર જોવા મળેલાં કથાકાર જયા કિશોરીને સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ટ્રોલ કરવામાં આવ્યાં. ત્યારે તેમણે સ્પષ્ટતા કરી હતી કે હું સાધ્વી નથી, સામાન્ય છોકરી જ છું.

જયા કિશોરી

જયા કિશોરી


થોડા સમય પહેલાં બે લાખ રૂપિયાની બ્રૅન્ડેડ અને કસ્ટમાઇઝ્‍ડ હૅન્ડબૅગ સાથે ઍરપોર્ટ પર જોવા મળેલાં કથાકાર જયા કિશોરીને સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ટ્રોલ કરવામાં આવ્યાં. ત્યારે તેમણે સ્પષ્ટતા કરી હતી કે હું સાધ્વી નથી, સામાન્ય છોકરી જ છું. જોકે અધ્યાત્મનો ઉપદેશ આપીને જસ્ટ ૨૯ વર્ષની ઉ‍ંમરે આધ્યાત્મિક વક્તા તરીકેની પૂજનીય ઇમેજ બનાવ્યા પછી અચાનક તેમણે સંન્યાસી જેવી છબિને બદલીને પારિવારિક ઇમેજ ઊભી કરવાની શરૂ કરી છે ત્યારે સવાલ એ થાય કે શું તેઓ ખરેખર આધુનિક યુગનાં મીરાં છે કે પછી આ પહેલાં જે જોવા મળેલું એ આભાસી વ્યક્તિત્વ હતું? આ ચર્ચાઓ જોરમાં છે ત્યારે જાણીએ વિશાળ ફૅન-ફૉલોઇંગ ધરાવતાં જયા કિશોરી કઈ રીતે આ શિખર પર પહોંચ્યાં


એક યુવાન છોકરીએ તેની આધ્યાત્મિક સફર માત્ર છ વર્ષની ઉંમરે જ શરૂ કરી દીધી હતી. આ એક એવી ઉંમર છે જ્યારે સામાન્ય રીતે કોઈ પણ બાળકને એ ખબર નથી હોતી કે તેણે જીવનમાં શું કરવું છે અથવા જીવન પાસેથી તેને શું જોઈએ છે. કદાચ આ જ કારણથી તે યુવાન છોકરી કહે છે કે મેં અધ્યાત્મના માર્ગને પસંદ નથી કર્યો, અધ્યાત્મના માર્ગે મને પસંદ કરી છે. માત્ર સાત વર્ષની ઉંમરે તેણે સાવર્જનિક કાર્યક્રમોમાં વક્તવ્ય આપવાની શરૂઆત કરી દીધી હતી અને ઉત્તરોત્તર તે અધ્યાત્મ અને મોટિવેશનલ સ્પીકર તરીકે દેશભરમાં એટલી પ્રસિદ્ધ થઈ ગઈ કે આજે હવે તેના ફૉલોઅર્સ તેને ‘આધુનિક યુગની મીરાં’ તરીકે ઓળખાવે છે.



કોણ છે આધુનિક યુગની મીરાં?


સામાન્ય રીતે એક સાત વર્ષનું બાળક રમતગમતમાં વ્યસ્ત હોય. કદાચ વધુ સ્માર્ટ કે એક્સ્ટ્રૉવર્ટ હોય તો કોઈક પર્ફોર્મન્સમાં આગળ પડતું હોય, ડાન્સ, સ્પોર્ટ્સ કે સૉન્ગ્સમાં પાવરધું હોય. પણ જ્યારે કોઈક બાળક માત્ર સાત જ વર્ષની ઉંમરે સ્ટેજ પર ઊભા રહી ભાષણ કરવા માંડે ત્યારે સ્વાભાવિક છે કે તેનામાં બીજાં સામાન્ય બાળકોથી કંઈક વધુ પ્રતિભા હોવાનો વિશ્વાસ થાય. ‘શ્રીમદ ભગવદ્ ગીતા’ની ૭ દિવસની મનોવૈજ્ઞાનિક કથા અને ‘કથા નાની બાઈનો માયરો’ના ત્રિદિવસીય પ્રવચનથી અત્યાધિક ખ્યાતિ જેને પ્રાપ્ત થઈ એવી ભારતની આ યુવા કથાકાર અને મોટિવેશનલ સ્પીકરનું નામ છે જયા કિશોરી! જેને લોકો જયાજી અથવા આધુનિક યુગની મીરાં તરીકે ઓળખે છે. અચ્છા કૃષ્ણની ભક્તિમાં લીન એવી આ યુવાન કથાકારનું નામ જયા કઈ રીતે, કોણે અને શા માટે રાખ્યું ? જયાનો અર્થ થાય મા દુર્ગા એ તો આપણે સૌ જાણીએ છીએ. અને કિશોરીજીને તેનું આ નામ પણ મા દુર્ગાના સંદર્ભે જ મળ્યું હતું. વાત કંઈક એવી છે કે જયાના જન્મ બાદ જ્યારે તેના નામકરણની વાત આવી ત્યારે દાદીએ તેનું નામ જયા રાખ્યું હતું કારણ કે જયાનાં દાદીને પોતાને મા દુર્ગામાં અતૂટ શ્રદ્ધા હતી અને તેઓ કાયમ તેમની જ ભક્તિ કરતાં હતાં.

તારીખ હતી ૧૩ જુલાઈ અને વર્ષ હતું ૧૯૯૫નું જ્યારે રાજસ્થાનના નિવાસી શિવશંકર શર્મા અને સિનિયા શર્માના ઘરે જયા નામની આ છોકરીનો જન્મ થયો. ત્યાર બાદ તેમને ત્યાં બીજું પણ કન્યારત્ન જન્મ્યું જેનું નામ રાખવામાં આવ્યું ચેતના. કલકત્તાની મહાદેવી બિરલા વર્લ્ડ ઍકૅડેમી સ્કૂલથી સ્કૂલિંગ પૂર્ણ કર્યું અને ત્યાર બાદ ઓપન યુનિવર્સિટી દ્વારા BCom ગ્રૅજ્યુએશનની ડિગ્રી મેળવી.


નવ વર્ષની ઉંમરે સંસ્કૃતમાં લિંગાષ્ટકમ, શિવતાંડવ સ્તોત્ર અને રામાષ્ટકમ જેવા અનેક સ્તોત્રનું પઠન કરતી થઈ ગયેલી જયા કહે છે, ‘મારા વ્યક્તિગત અનુભવને આધારે કહું છું કે પોતાની અંદરના બાળકને હંમેશાં જીવંત રાખો, કારણ કે બાળકને ખબર નથી હોતી કે તેને શું કરવું છે. તે તો બસ તેની સામે જ્યારે-જ્યારે જે-જે ચીજો આવે છે એ કરતું જાય છે. અને મારી સાથે અદ્દલ એવું જ થયું છે. મારી એ ઉંમર એવી ઉંમર હતી કે જ્યારે મને ખબર નહોતી કે મારે શું કરવું છે કે મારે કંઈક બનવું છે. બસ, મને અધ્યાત્મ તરફ વળવું ગમતું હતું. ભક્તિ, ભજનો વગેરે મને આકર્ષતાં હતાં અને હું એ તરફ ખેંચાતી થઈ. જ્યારે મને ભાન થયું કે જીવનમાં કશુંક કરવું જોઈએ, કંઈક બનવું જોઈએ ત્યારે સાચું પૂછો તો એ વખતે હું ઑલરેડી કશુંક કરી રહી હતી, કશુંક બની ચૂકી હતી. આ ઈશ્વરીય સંકેત નથી તો બીજું શું છે?’

પ્રસિદ્ધિની શરૂઆત

સાત વર્ષની ઉંમરે વક્તવ્ય અને નવ વર્ષની ઉંમરે સ્તોત્રનું પઠન કરવું એ એક અસામાન્ય બાળપ્રતિભા છે એ રીતે લોકો જોતા તો હતા પરંતુ આ છોકરીને હજી એવી પ્રસિદ્ધિ નહોતી મળી કે લોકો તેને પોતાના નામે ઓળખતા થઈ જાય. પણ ત્યાર પછીનું એક વર્ષ, જયા દસ વર્ષની થઈ અને લોકચાહના અને લોકઓળખ મેળવવાના પહેલા તબક્કાની શરૂઆત થઈ જ્યારે માત્ર દસ વર્ષની ઉંમરે તેણે સુંદરકાંડનું પઠન અને પ્રવચન કર્યું. આ એક એવો પ્રસંગ સાબિત થયો જ્યારે જયા એક અસામાન્ય પ્રતિભા અને જન્મથી જ અધ્યાત્મના રંગે રંગાયેલા બાળક તરીકે ઓળખ મેળવવા માંડી. ધીરે-ધીરે તેણે પોતાના ત્રિદિવસીય કાર્યક્રમની શરૂઆત કરી જેને તેઓ ‘નાની બાઈનો માયરો’ તરીકે ઓળખાવે છે. પછી તો આ સફર એવી વિસ્તરી કે તેણે સાત દિવસીય ભાગવત સપ્તાહ પણ કરવા માંડી, ભજનના ઑડિયો-વિડિયો આલબમ્સ બહાર પાડવા માંડ્યાં અને સાથે જ પ્રેરણાત્મક પ્રવચનો પણ આપવા માંડ્યાં. આજે યુવાન વયની જયા કિશોરી, જેને લોકો કિશોરીજી, જયાજી, મીરાંબાઈ વગેરે જેવાં અનેક નામોએ બોલાવે છે તેનાં લાખો ફૉલોઅર્સ છે. તેની યુટ્યુબ ચૅનલ, ઇન્સ્ટા ચૅનલ પર લાખોની સંખ્યામાં વ્યુઝ, લાઇક્સ અને કમેન્ટ્સ મળે છે. જયા કિશોરી આજે ન માત્ર એક અધ્યાત્મ ગુરુ તરીકે ખ્યાતિ મેળવી રહી છે પરંતુ સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર અને મોટિવેશનલ સ્પીકર તરીકે પણ તેની ખ્યાતિ દિવસે-દિવસે વધતી જઈ રહી છે.

સફર કહાં સે કહાં તક

બાળક હતી ત્યારે જ પોતાને અધ્યાત્મની પ્રેરણા મળી ગઈ હોવાનું કહેતી કિશોરીને ગોવિંદ રામ મિશ્રા નામના ગુરુ મળ્યા જેમની છત્રછાયામાં રહી તેણે પોતાની અધ્યાત્મની સફરની શરૂઆત કરી. ગુરુએ તેમની શિષ્યને ‘કિશોરી’ નામ આપ્યું અને જયા નામની આ છોકરી ઓળખાવા માંડી જયા કિશોરી તરીકે. જયા જ્યારે ગુરુ પાસે પ્રેરણા અને જ્ઞાન મેળવી રહી હતી ત્યારે ગુરુએ જોયું તેમની શિષ્યાને કૃષ્ણ પ્રત્યે અદમ્ય લગાવ છે. તે સતત કૃષ્ણ તરફ આકર્ષિત રહે છે અને તેની ભક્તિ કર્યે રાખે છે. આથી તેમણે આશીર્વાદ આપતાં પોતાની શિષ્યા કિશોરીને ‘કિશોરીજી’ તરીકે સંબોધી અને ઉપાધિ તરીકે કિશોરીજીનું ઉપનામ આપ્યું.

બાલ્યાવસ્થામાંથી ધીરે-ધીરે કિશોર અવસ્થા તરફ વ્યક્તિ પહોંચે ત્યારે ઉંમરના દરેક પડાવે તેની રુચિ-અરુચિ ડેવલપ થતી જાય છે. જયાનો જે ઘરમાં જન્મ થયો ત્યાં પહેલેથી જ અધ્યાત્મનું વાતાવરણ તો હતું જ. આ જ કારણે તેની રુચિ ભક્તિ અને કૃષ્ણ તરફ વધવા માંડી. જોકે ૨૯ વર્ષની આ યુવતી પોતાને કોઈ સંન્યાસી કે સાધુસંત નથી જ ગણાવતી અને તે પોતાનાં પ્રવચનો કે ઇન્ટરવ્યુમાં પણ કહેતી રહે છે કે સ્પિરિચ્યુઆલિટીનો અર્થ એ નથી કે તમે બધું છોડી-છાડીને સંન્યાસ લઈ લો. સંસારમાં રહીને પણ અધ્યાત્મિક રહી શકાય છે. હું સંસારી છું અને યોગ્ય સમય આવ્યે લગ્ન પણ કરીશ જ.

આશા ભોસલે અને લ‌તા મંગેશકરને પોતાના પ્રિય ગાયક તરીકે ગણાવતાં જયા કિશોરી માત્ર અધ્યાત્મની જ વાત કરે છે અને સંસારના બાકીના બધા જ રસો ત્યાગયોગ્ય છે એવું નથી કહેતાં. તેઓ કહે છે કે ‘સંસારમાં રહીને પણ સાંસારિક ચીજો, પ્રલોભનો, માયાને તમે તમારા મસ્તિષ્ક પર હાવી ન થવા દો એ જ અધ્યાત્મ છે. તે કહે છે કે  ભક્તિ અને આધ્યાત્મિક વાતો સિવાય હું સંસારના બીજા આયામોમાં પણ રસ લઉં જ છું. જેમ કે રાજકારણ ક્ષેત્રે મને નેતા તરીકે નરેન્દ્ર મોદી ગમે છે તો ગાયક તરીકે લતાજી અને આશાજી મારાં ફેવરિટ છે. યોગ મને પ્રિય અને યોગસાધનાને હું કાયમ પ્રોત્સાહન આપતી જ રહું છું. હું ક્લાસિકલ ડાન્સ પણ કરું છું અને હાર્મોનિયમ પણ વગાડું છું. ભક્તિનો અર્થ એ નથી કે તમે બધું છોડીને ઈશ્વરના શરણે જવાનું કહી સંસારનો ત્યાગ કરી દો. અધ્યાત્મનો અર્થ એ છે કે તમે તમારા જીવનમાં બધું પ્રામાણિકતાથી કરતા રહી સતત ઈશ્વરના શરણમાં રહો. તમારું ધ્યાન સતત ઈશ્વરમાં રહે.’

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત દ્વારા જયા કિશોરીને ‘આદર્શ યુવા આધ્યાત્મિક ગુરુ’ તરીકે જે અવૉર્ડ મળ્યો છે એ એકમાત્ર અવૉર્ડ તેના નામે નથી બોલાતો. આ સિવાય અનેક અવૉર્ડ્સ તેને મળી ચૂક્યા છે. ૨૦૧૮ની સાલમાં તેને ઍન્ડ્રૉઇડ અને ios માટે પોતાની એક ઑફિશ્યલ મોબાઇલ ઍપ્લિકેશન પણ લૉન્ચ કરી હતી. એનું નામ છે જયા કિશોરીજી ઑફિશ્યલ ઍપ. કહેવાય છે કે જયા કિશોરી તેમની સપ્તાહ કે કથા પ્રવચનો દ્વારા જે કંઈ આવક થાય છે એ રાજસ્થાન, ઉદયપુરના નારાયણ સેવા ટ્રસ્ટને દાન કરે છે. આ ટ્રસ્ટ દ્વારા ગરીબ બાળકોને ભણાવવાથી લઈને ભોજન ઇત્યાદિનું કામ કરવામાં આવે છે અને સાથે દિવ્યાંગ બાળકોની સેવા અને તેમનો ઇલાજ કરવામાં આવે છે. અંદાજે ૧૦ કરોડની નેટવર્થ ધરાવતાં જયા કિશોરી આજે તો અંદાજે એક સપ્તાહના ૧૨ લાખ રૂપિયા ચાર્જ કરે છે.

જો તે પોતાને માત્ર કોઈ અધ્યાત્મ ગુરુ નહીં ગણાવીને એક સામાન્ય સ્ત્રી તરીકે ગણાવે છે તો શું જે યુવતી લોકોને મોટિવેશનનાં લેક્ચર્સ આપે છે તેને ક્યારેય નિરાશા કે ડિપ્રેશન જેવી લાગણીનો અનુભવ કે એહસાસ થયો હશે? જી હા, કોરોનાનો એ કાળમુખો સમય જયા કિશોરીને પણ ડરાવી ગયો હતો. મા-બાપ પ્રત્યે લાગણી ધરાવતી એ છોકરીને એ સમયે ડિપ્રેશન જેવી લાગણીનો અનુભવ થયો કે જ્યારે સતત એવા વિચારો આવતા હતા કે  જો મારાં મા-બાપને કશુંક થઈ ગયું તો મારી જિંદગીનું શું થશે? એ કઈ રીતે બદલાઈ જશે અને હું આગળ શું કરીશ? કારણ કે જયા તેમના પરિવાર સાથે એટલી જોડાયેલી રહે છે કે તેમની કોઈ પણ ઇવેન્ટમાં કે કથામાં હંમેશાં તેની સાથે બેમાંથી કોઈ એક પેરન્ટ સાથે હોય જ છે. આથી જ તે ઘણી વાર કહે છે કે હું મારું ઘર મારી સાથે લઈને ફરું છું અને તેથી જ ઘર ખાસ મિસ નથી કરતી, કારણ કે એ હંમેશાં મારી સાથે હોય છે.

ડિજિટલ ઇન્ફ્લુઅન્સર કહો કે કથાકાર કહો કે ભજનિક કહો અથવા મોટિવેશનલ સ્પીકર. એક વાત તો નક્કી છે, માત્ર ૨૯ વર્ષની વયે અને એ પણ અધ્યાત્મ જેવા વિષયને કારણે આટલી લોકચાહના મેળવવી અને પ્રસિદ્ધિના આ શિખરે પહોંચવું સહેલું તો નથી જ. એથીયે વિશેષ આ શિખરે પહોંચ્યા બાદ ત્યાં ટકી રહેવું, અત્યંત કઠિન કામ છે. મળેલી લોકપ્રિયતાને અંકે કરી લેવા જયા કિશોરીએ જે રીતે પેઇડ સોશ્યલ મીડિયા પ્રમોશન્સ લેવાનું શરૂ કર્યું છે અને ધનિકોનાં લગ્નમાં ડિઝાઇનર કપડાં પહેરીને હાજરી આપવામાં આવે છે એ તેમના ચાહકોને થોડુંક ખટકવા ચોક્કસ માંડ્યું હશે.

અંગત જીવનમાં શું છે ખાસ?

શું જયા કિશોરી માત્ર એક અધ્યાત્મ ગુરુ છે? ના, જયા કિશોરી પોતે જ આ બાબતને નકારતાં સ્પષ્ટતા કરે છે, ‘હું બીજી કોઈ પણ સ્ત્રીની માફક જ એક સામાન્ય સ્ત્રી છું. હું મારા પરિવાર સાથે રહેવાનું પસંદ કરું છું. જો ક્યારેક હું રજા માણું તો પણ મારા ફેવરિટ સમય તરીકે હું એ સમયે મારા પરિવાર સાથે જ વિતાવવાનું પસંદ કરું છું.’

આપણા દેશમાં અને સમાજમાં એક સામાન્ય સમજ એવી છે કે કોઈક વ્યક્તિ સ્પિરિચ્યુઆલિટી તરફ વળે કે અધ્યાત્મની વાત કરે એનો અર્થ એ છે કે તે સંસારનાં બીજાં મહદ અંશનાં કાર્યોને તિલાંજલિ આપી દેવી જોઈએ. જયા કિશોરી એવું નથી માનતાં, એવું નથી કહેતાં અને નથી એવું કરતાં. તેઓ પોતાની રજાના દિવસો દરમિયાન સૌથી વધુ તેના પરિવાર સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે અને સાથે બેસી ચા પીવી કે નાસ્તો-ભોજન કરવા એ બધું તો ખરું જ પણ તે પરિવાર સાથે કોઈક નવી મૂવી કે વેબ-સિરીઝ આવી હોય તો રજાના સમયમાં એ પણ જોવાનું પસંદ કરે છે એટલું જ નહીં, ડિઝની હૉટસ્ટાર પર રિલીઝ થયેલી ‘સ્પેશ્યલ ઑપ્સ’ તેની હમણાં સુધીની ફેવરિટ વેબ-સિરીઝ છે.

હા, એ ખબર છે કે માત્ર કથાકાર કે મોટિવેશનલ સ્પીકર તરીકે જ જયા કિશોરીને ઓળખતા તમામ માટે આ વાતો જાણવી કદાચ નવી હશે અને કેટલાક એવા વાચક પણ હશે જેમને આ વાતો માનવામાં નહીં આવે. પરંતુ જયા કિશોરી પોતે કહે છે કે તે પરિવાર સાથે બેસી વેબ-સિરીઝ અને ફિલ્મો તો જુએ જ છે વળી એ સિવાય યુટ્યુબ પર અપલોડ થયેલી કન્ટેન્ટ પણ જોતા રહેતા હોય છે જેમાં સ્ટૅન્ડઅપ કૉમેડીથી લઈને બીજી વૅલ્યુએબલ કન્ટેન્ટ્સ જોવી તેને ગમે છે.

એટલું જ નહીં, લગ્ન તો તે કરશે જ કારણ કે તે કોઈ સંન્યાસી નથી એમ જણાવતાં જયા પોતાના ભાવિ પરણેતર વિશે કહે છે કે તે મારા જેવો હોય એવી ઇચ્છા ખરી, જે સ્પિરિચ્યુઅલ હોય પણ સાથે જ મૉડર્ન પણ હોય. મતલબ કે ભગવાનને તો માને જ સાથે આજની મૉડર્ન ચીજવસ્તુઓને પણ સમજે અને સ્વીકારે. તે કહે છે કે ભગવાન દરેક વ્યક્તિને દરેક વસ્તુ એના યોગ્ય સમયે મોકલી જ આપે છે. તો મારો જીવનસાથી પણ ભગવાન યોગ્ય સમયે મારા સુધી મોકલી જ આપશે.

Whatsapp-channel Whatsapp-channel

10 November, 2024 12:49 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK