રૂઢિચુસ્ત પારસી કુટુંબમાં જન્મેલી એક સ્ત્રી. કોઈ નિશાળનો ઉંબરો પણ ચડી નહોતી.
ખુશરો બાગ
રૂઢિચુસ્ત પારસી કુટુંબમાં જન્મેલી એક સ્ત્રી. કોઈ નિશાળનો ઉંબરો પણ ચડી નહોતી. હા, ઘરે રહીને ગુજરાતી અને અંગ્રેજી વાંચતાં-લખતાં શીખેલી. પિતા અને પતિ બન્નેનાં કુટુંબ માલેતુજાર. એટલે જીવનના અભાવોનો અનુભવ નહીં અને છતાં પોતાની જમાત માટે અને લોકો માટે તેમણે જે કામ કર્યાં એ ભલભલાને પ્રેરણા આપે એવાં. તેમનું નામ જરબાઈ નશરવાનજી વાડિયા. જન્મ ૧૮૫૨માં, બેહસ્તનશીન થયાં ૧૯૨૬માં. ૧૯૦૭માં પતિનું અવસાન થતાં જરબાઈને વારસામાં મળ્યા ૯ લાખ રૂપિયા. ધાર્યું હોત તો પોતાને માટે અને પોતાના કુટુંબીજનો માટે એ રકમને મૂડી તરીકે સાચવી શક્યાં હોત, પણ ના, તેમના મનમાં વસ્યાં હતાં ગુજરાતના જુદા-જુદા ગામમાંથી મુંબઈ આવતાં સ્ત્રી-પુરુષો. એ બધાં મુંબઈ આવતાં રોટલો રળવા. અને એ જમાનામાં મુંબઈમાં રોટલો સહેલાઈથી મળી રહેતો, પણ ઓટલાનું શું?
એટલે જરબાઈએ નક્કી કર્યું પારસીઓ માટે ઘર બાંધવાનું. સૌથી પહેલાં તો લાલબાગમાં જમીન ખરીદી. પછી તએના પર આઠ મકાન બાંધવાનું શરૂ કર્યું. બાંધકામ પર તેઓ પોતે સતત નજર રાખતાં. પારસીઓના રીતરિવાજથી તો માહિતગાર હોય જ. રાંધવા માટે હજી ઇલેક્ટ્રિક કે ગૅસનો વપરાશ શરૂ થયો નહોતો એટલે એ જમાનામાં ચૂલો વપરાતો અને એને માટે પારસી ઘરોમાં ચોવીસ કલાક અગ્નિ રખાતો. એ માટેનું ખાસ સાધન એ ‘ચૂલાવાટી.’ જરબાઈએ ખાસ આગ્રહ રાખીને દરેક ફ્લૅટમાં આવી ચૂલાવાટી રખાવેલી. મકાનો બંધાયા પછી એ કોને ભાડે આપવાં અને ભાડું કેટલું લેવું એ પણ જરબાઈએ પોતે જ નક્કી કરેલું. વખત જતાં બીજાં નવાં મકાનો ઉમેરાયાં અને કુલ આંકડો થયો ૩૨. પતિની યાદ કાયમ રાખવા માટે આ વસાહતને જરબાઈએ નામ આપ્યું ‘નવરોજી બાગ.’
ADVERTISEMENT
સાર્થ ગુજરાતી જોડણીકોશ પાસેથી તો આશા રાખી જ ન શકાય, પણ ભગવદ્ગોમંડળ જેવો મહાકાય કોશ પણ ‘બાગ’ શબ્દ વસાહત માટે, કૉલોની માટે પણ વપરાય છે એવું નોંધવાની તસ્દી લેતો નથી. માત્ર મુંબઈમાં જ નહીં, ગુજરાતમાં પણ પારસીઓ કૉલોની માટે ‘બાગ’ શબ્દ વાપરે જ છે અને ફક્ત પારસીઓ જ શું કામ? મુંબઈમાં ચર્ની રોડ સ્ટેશનથી થોડે દૂર બિન-પારસીઓની વસાહતનું નામ છે ‘તારા બાગ.’ એવી જ રીતે લગ્ન જેવા પ્રસંગોએ વાપરવાની મોટી જગ્યા માટે પણ ‘બાગ’ શબ્દ વપરાય છે, જેમ કે ભાટિયા બાગ, હીરા બાગ વગેરે.
ખેર, પારસીઓના રહેણાક માટે મકાનો તો બાંધ્યાં, પણ એના નિભાવ માટેના ખર્ચનું શું? એ માટે ૧૯૧૭માં જરબાઈએ શરૂ કર્યું નવરોજી નસરવાનજી વાડિયા બિલ્ડિંગ ટ્રસ્ટ ફન્ડ. એના પહેલા ટ્રસ્ટીઓ હતા જરબાઈના સૌથી મોટા બેટા ખરશેદજી વાડિયા, સર જમશેદજી જીજીભાઈ, મંચેરજી પેસ્તનજી ખરેઘાટ અને જરબાઈ પોતે. ૧૯૨૩માં જરબાઈના સૌથી નાના બેટા રુસ્તમનું અવસાન થયું. તેમની યાદને સાચવવા માટે જરબાઈએ ભાયખલામાં બંધાવ્યો રુસ્તમ બાગ અને એ મકાનોના બંધકામ પર પણ પોતે જ દેખરેખ રાખી. આ બાગનાં મકાનોમાં આજે ૩૩૦ કુટુંબ રહે છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમણે રુસ્તમ બાગની શતાબ્દી બહુ ધામધૂમથી ઊજવી. આખા બાગમાં ઠેર-ઠેર રંગોળી કરી. બધાં મકાનો પર રોશની કરવામાં આવી. પહેલો કાર્યક્રમ હતો જરબાઈના જીવન અને તેમણે કરેલાં કામો વિશેનું ભાષણ. બીજો કાર્યક્રમ હતો ૯૦ કરતાં વધુ ઉંમરના ૧૧ રહેવાસીઓનાં સન્માન. આ બાગમાં એક વૃક્ષ તો ૧૫૦ વર્ષ જૂનું છે. એ જમાનામાં પણ મકાનોના નકશા બની રહ્યા હતા ત્યારે જરબાઈએ ખાસ સૂચના આપેલી કે આ જગ્યાએ જે ઝાડ આવેલાં છે એને ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે મકાનો બાંધી શકાય એ રીતે પ્લાન બનાવવા.
૧૯૨૬ના મે મહિનાની આઠમીએ જરબાઈ ખોદાયજીને પ્યારાં થઈ ગયાં એ પછી પણ તેમના પોરિયાઓએ પારસીઓના રહેણાક માટે ‘બાગ’ બંધાવવાનું ચાલુ રાખ્યું. ભાયખલા સ્ટેશન અને માર્કેટ નજીક જરબાઈએ ૧૩,૫૦૦ ચોરસ વારનો એક પ્લૉટ ખરીદી રાખ્યો હતો. જરબાઈ બેહસ્તનશીન થયા પછી તેમના પોરિયાઓએ એ પ્લૉટ પર ૧૩૬ કુટુંબ રહી શકે એવાં પાંચ મકાન બાંધીને એને નામ આપ્યું ‘જર બાગ.’ આ ઉપરાંત ખુશરો બાગ અને નેસ બાગનાં મકાનો પણ બાંધ્યાં. આ વાડિયા કુટુંબે પારસીઓના રહેણાકના ‘બાગ’ બાંધવા પાછળ કેટલા પૈસા ખર્ચ્યા હશે? નવરોઝ બાગ ૨૦ લાખ ૨૫ હજાર, રુસ્તમ બાગ ૩૬ લાખ, જર બાગ ૧૫ લાખ અને ખુશરો બાગ ૨૭ લાખ. એટલે કે કુલ એક કરોડ રૂપિયા અને યાદ રહે આ આંકડા વીસમી સદીના પહેલા ત્રણેક દસકાના છે.
રહેઠાણની જેમ પારસીઓની તબિયતની ચિંતા પણ જરબાઈ રાખતાં એથી તેમણે જુદી-જુદી હૉસ્પિટલોને મોટી રકમનાં દાન આપેલાં. ખંડાલામાં આવેલું ધર્માદા દવાખાનું, ડૉ. રુસ્તમ બિલિમોરિયા ટીબી સૅનેટોરિયમ, ડૉ. તેહમૂલજી નરીમાનવાલા હૉસ્પિટલ, પારસી જનરલ હૉસ્પિટલ, જહાંગીર મર્ઝબાન પ્રસૂતિગૃહ, બાંદરા શિરીનબાઈ કામા પ્રસૂતિગૃહ વગેરેને તેમણે મોટી રકમનાં દાન આપેલાં. વારસામાં મળેલી રકમમાંથી આપેલાં દાન ઉપરાંત જરબાઈએ પોતાની આવકમાંથી કુલ ૮ કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા.
જરબાઈની જેમ તેમના વારસદારો પણ પોતાના જમાના કરતાં આગળનું વિચારતા હતા. જરબાગ તો બાંધ્યો, પણ બીજું શું કરી શકાય? મુંબઈમાં જ નહીં, આખા હિન્દુસ્તાનમાં એ વખતે બાળકો માટેની અલાયદી એક પણ હૉસ્પિટલ નહોતી. બાળકોની સારવાર માટે પણ મોટાઓ માટેની દવા અને પદ્ધતિ વાપરતા. સર નેસ વાડિયા અને સર ખુશરો વાડિયાને વિચાર આવ્યો બાળકો માટેની અલાયદી હૉસ્પિટલ બાંધવાનો અને તેમણે પરેલમાં બાંધી બાઈ જરબાઈ વાડિયા હૉસ્પિટલ ફૉર ચિલ્ડ્રન.
કોલાબા વિસ્તારમાં આવેલો ખુશરો બાગ ૮૪,૦૦૦ ચોરસ વાર જમીન પર બંધાયો છે. એનું બાંધકામ ૧૯૩૪માં શરૂ થયું અને પૂરું થયું ૧૯૫૯માં. લગભગ ૧૯૫૦ સુધી આ બાગની બાજુમાં ગંદાં પાણીનાં ખાબોચિયાં બારેમાસ રહેતાં એટલે ભાડું ઘણું ઓછું હોવા છતાં પારસીઓ ત્યાં રહેવા જવાનું પસંદ કરતા નહીં, એ વખતે ત્યાંના ફ્લૅટનું વધુમાં વધુ ભાડું મહિને ૪૦ રૂપિયા હતું છતાં! આજે અહીં ૫૦૦ જેટલાં પારસી કુટુંબો રહે છે. આ બાગમાંના ફ્લૅટ ક્યારેય વેચાતા નથી. ફક્ત પારસીઓને ભાડે અપાય છે. આ બાગની એક વિશિષ્ટતા એ છે કે એની અંદર જ અગિયારી આવેલી છે – શેઠ નસરવાનજી હીરજી કરાણી અગિયારી. અહીં જે પવિત્ર આતશ છે એ ૧૮૪૭ના માર્ચની ૧૬મીએ નિઝામ સ્ટ્રીટ પર પ્રગટાવવામાં આવ્યો હતો. આ નિઝામ સ્ટ્રીટ આજે પણ મોજૂદ છે અને મોહમ્મદ અલી રોડ તથા ન્યુ કાઝી સ્ટ્રીટને જોડે છે. પછીથી અહીંના આતશને સોડાવૉટરવાલા અગિયારી ખાતે ખસેડવામાં આવ્યો. ૧૯૩૫ના ફેબ્રુઆરીની ૨૨-૨૩ની મધરાતે તેમની પધરામણી ખુશરો બાગની અગિયારીમાં કરવામાં આવી. આ બાગની અંદર રમતગમત માટે સર ખુશરો વાડિયા પૅવિલિયન છે. આ ઉપરાંત અહીં કમ્પ્યુટર સેન્ટર, જિમ્નેશ્યમ, સ્પોર્ટ્સ ક્લબ જેવી સગવડ છે. અહીં રહેતાં બાળકોને જરથુસ્તી ધર્મના પાયાના સિદ્ધાંત શીખવવામાં આવે છે અને તેજસ્વી વિદ્યાર્થીઓને ભણવા માટે સ્કૉલરશિપ પણ અપાય છે.
વાડિયા કુટુંબે પહેલ કર્યા પછી બીજાઓએ પણ પારસીઓનાં રહેઠાણ માટે ‘બાગ’ બનાવ્યા. મુંબઈમાં આવા ૩૦ બાગ આવેલા છે. ધમધમતા રસ્તાને કિનારે આવેલા પીળા રંગે રંગેલાં એક માળનાં મકાન. મકાનોની વચ્ચેની જગ્યામાં પાર્ક કરેલી નાની-મોટી મોટર અને એની બાજુમાં પોતાના ઘરમાં જ ફરતાં હોય એવાં મોર અને ઢેલ. આવું દૃશ્ય મુંબઈમાં જોવું હોય તો ખરેઘાટ પારસી કૉલોની જવું પડે. હ્યુજ રોડ તરફથી જવું હોય તો ખાસ્સાં પગથિયાં ચડવાં પડે. આમ તો બીજા ‘બાગ’ જેવી જ આ ખરેઘાટ કૉલોની, પણ એની અંદર આવેલી બે સ્મૃતિ સંદૂકો એને મુંબઈના બધા પારસી બાગમાં અદકેરું સ્થાન અપાવે છે. એક, વિશ્વયુદ્ધ દરમ્યાન શહીદ થયેલા પારસી સૈનિકોનું સ્મારક અને બીજું પારસી કોમની ગઈ કાલને સાચવીને બેઠેલું અલ્પાઈવાલા મ્યુઝિયમ. એની શરૂઆત તો ફક્ત એક વ્યક્તિના ખાનગી સંગ્રહથી થયેલી. એ વ્યક્તિ એટલે ફરામજી દાદાભાઈ અલ્પાઈવાલા. તેઓ બેહસ્તનશીન થયા પછી તેમનો આખો સંગ્રહ મુંબઈની પારસી પંચાયતને સોંપાયો. પંચાયતે ૧૯૫૪માં પારસી પંચાયત મ્યુઝિયમ શરૂ કરેલું. ૧૯૮૧માં એનું નામ બદલીને ફરામજી દાદાભાઈ અલ્પાઈવાલા મ્યુઝિયમ રાખવામાં આવ્યું.
દાદર કે માટુંગાના કોઈ રસ્તા પર ઊભા રહીને તમે કોઈને પૂછો કે મંચેરજી જોશી પારસી કૉલોની ક્યાં આવી, તો મોટા ભાગે જવાબ મળે કે માહિત નાહી એટલે કે ખબર નથી, પણ જો એને બદલે એમ પૂછો કે દાદર પારસી કૉલોની ક્યાં આવી, તો નાનું બાળક પણ તમને રસ્તો બતાવશે. બીજી ઘણી ખરી પારસી કૉલોનીઓમાં મકાનોની આજુબાજુ દીવાલ બંધાયેલી છે. આજની પરિભાષામાં એને ગેટેડ કમ્યુનિટી કહે છે, પણ દાદર પારસી કૉલોનીનાં મકાનો એ ગેટેડ કમ્યુનિટી નથી. માત્ર મુંબઈની નહીં, પણ આખી દુનિયાની પારસીઓની આ મોટામાં મોટી વસાહત છે. ૨૦૦૯માં આખા મુંબઈમાં પારસીઓની વસ્તી હતી આશરે ૪૫,૦૦૦. એમાંનાં દસ હજાર પારસીઓ આ દાદર પારસી કૉલોનીમાં રહેતા હતા! મંચેરજી જોશીએ પોતે બનાવેલાં ‘ફાઇવ ગાર્ડન્સ’ પણ આ કૉલોનીમાં જ આવેલાં છે.
૧૮૯૦ના દાયકામાં મુંબઈમાં ભયંકર પ્લેગ ફાટી નીકળેલો અને કેટલાયે લોકોએ જીવ ગુમાવેલા. આમ થવાનું એક કારણ હતું શહેરની ગીચ વસ્તી અને એને પરિણામે થતી ગંદકી. પ્લેગ ગયા પછી તળ મુંબઈમાંથી લોકોને બીજે ખસેડીને વસ્તી ઓછી કરવાની યોજના ઘડાઈ. એમાં આ દાદર પારસી કૉલોની એ પહેલું પગથિયું. ૧૮૯૯-૧૯૦૦માં સરકારે દાદર, માટુંગા, વડાલા, સાયન સ્કીમ બનાવી. તળમુંબઈના લોકોને અહીં જગ્યા આપીને પોતાનાં મકાન બાંધવા આમંત્રણ આપ્યું. અલબત્ત, મકાનો કેવાં હોવાં જોઈએ, કેવી રીતે બંધાયાં હોવાં જોઈએ એ વિશેના નિયમોનું પાલન કરવાનું ફરજિયાત હતું. અંગ્રેજીમાં જેને ટાઉન પ્લાનિંગ કહે છે એ રીતે મુંબઈમાં અમલમાં મુકાયેલી પહેલી જ યોજના. આ યોજના હેઠળ ઘરો બાંધવા માટે મંચેરજી જોશીએ ઘણી મહેનત કરી. એનું પરિણામ એ આ દાદર પારસી કૉલોની.
પારસીઓએ મુંબઈ શહેરને બીજી પણ અનેક ભેટ આપી છે, એની વાતો હવે પછી.
deepakbmehta@gmail.com

