જામનગરનું જૂનું નામ નવાનગર હતું. બહુ ઓછાં સ્ટેટ એવાં હતાં જેમણે પોતાના રાજ્યની સ્થાપના પહેલાં ટાઉન પ્લાનિંગ કર્યું હોય. જામનગર એ સ્ટેટમાંનું એક છે
જામનગર શહેર પાસે બે તળાવ છે જે ખાસ બનાવવામાં આવ્યાં હતાં. શહેરમાં પાણીનો જથ્થો હોય એ વાસ્તુની દૃષ્ટિએ પણ બહુ લાભદાયી ગણાય છે.
શ્રીયંત્રની વાતોમાંથી થોડો બ્રેક લઈને આજે વાત કરવી છે ગુજરાતના જામનગર શહેરની. જામનગર મારે અવારનવાર જવાનું બન્યું છે પણ રિલાયન્સની રિફાઇનરી આવ્યા પછી ત્યાં જવાનું વધી ગયું એવું કહું તો ચાલે. રિલાયન્સ કંપનીની જે કૉલોની છે એમાં બારથી ૧૪ જેટલાં મંદિરોનું નિર્માણ કરવાની તક મળી તો રિલાયન્સને કારણે જ જામનગર જિલ્લામાં પણ ૧૦૦ જેટલાં મંદિરોનું સર્જન કરવાની તક મળી. એ મંદિરોમાંથી અમુક મંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો તો અમુક મંદિર નવાં પણ બનાવ્યાં. જામનગરમાં રિલાયન્સ આ રીતે પણ બહુ ઍક્ટિવ છે એ બહુ ઓછા લોકોને ખબર હશે. સામાન્ય રીતે એવું બને કે કોઈ મંદિરનું નિર્માણ કરાવે તો પછી એ મંદિરનો વહીવટ ત્યાર પછી એ જ સંભાળે; પણ જામનગરમાં રિલાયન્સે ૧૦૦થી વધુ જે મંદિરો બનાવ્યાં એ મંદિરોમાંથી એક પણ મંદિરનો વહીવટ રિલાયન્સે પોતાના હસ્તક રાખ્યો નથી, જ્યારે એ મંદિરમાં સારસંભાળ આજે પણ રિલાયન્સ હસ્તક છે. સમયાંતરે મંદિરની મરમ્મત કરવાથી માંડીને મંદિરમાં કંઈ ઉમેરો કરવાનો હોય તો એ રિલાયન્સ તરત જ કરાવે. આ બહુ સારી વાત છે; પણ આપણે અત્યારે વાત રિલાયન્સની નહીં, જામનગરની કરવાની છે.
જામનગરનું જૂનું નામ નવાનગર હતું. આપણા દેશનાં બહુ ઓછાં રજવાડાં એવાં હતાં જેમણે પોતાના રાજ્યની સ્થાપના કરતાં પહેલાં ટાઉન પ્લાનિંગ કર્યું હોય. જૂજ રજવાડાં એવાં હતાં જેમણે ટાઉન પ્લાનિંગ સમયે ૧૦૦ અને ૨૦૦ વર્ષ પછીના શહેરનો વિચાર કરીને આયોજન કર્યું હોય. જામનગર એવું જ રાજ્ય હતું. હા, ગોંડલ પણ એવું જ રાજ્ય હતું જેણે ૧૦૦ વર્ષ પછીના શહેરનો વિચાર કરીને બધું પ્લાનિંગ કર્યું હોય. જામનગરની વાત કરીએ તો જામનગરમાં આજથી ૨૦૦ વર્ષ પહેલાં દોઢસો ફુટના રસ્તા બનાવવામાં આવ્યા હતા અને જ્યાં એ સાઇઝના રસ્તા નહોતા બનાવ્યા ત્યાં પણ એમણે પ્લાનિંગ રાખીને એ મુજબના જ પ્લૉટ બનાવીને એની ફાળવણી કરી હતી. પહેલાંના સમયનું જે ટાઉન પ્લાનિંગ હતું એ અદ્ભુત હતું એ તો સૌકોઈએ સ્વીકારવું પડે. તમે સાઉથ મુંબઈનું પ્લાનિંગ જોશો તો તમને સમજાશે કે ભવિષ્યનો કેવો વિચાર કરીને બધું તૈયાર કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
જામનગરનું ટાઉન પ્લાનિંગ ફ્રાન્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. જામનગર એક એવું રાજ્ય હતું જેમાં બબ્બે તળાવ ઊભાં કરવામાં આવ્યાં હતાં અને એ તળાવ બનાવવાનો વિચાર પણ ફ્રાન્સને જોઈને કરવામાં આવ્યો હતો. પૅરિસમાં બે લેક છે જે બન્ને શહેરની મધ્યમાં છે, જેને જોઈને જામસાહેબે નક્કી કર્યું હતું કે શહેરમાં તળાવ બનાવવામાં આવશે. આ વાત છે ૧પ૪૦ પહેલાંની. જામસાહેબે જેવું નક્કી કર્યું કે હવે તે પોતાનું નવું નગર ઊભું કરશે. તેમણે અનેક દેશોની મુલાકાત લીધી અને એમાં તેમને ફ્રાન્સ સૌથી વધુ ગમ્યું. ત્યાર પછી તેઓ ફ્રાન્સમાં મહિનાઓ સુધી રોકાયા. ત્યાંના અનેક આર્કિટેક્ટને મળ્યા અને તેમના નગરમાં રહેતા અનેક આર્કિટેક્ટને ફ્રાન્સ મોકલ્યા. એ આર્કિટેક્ટે ફ્રાન્સનો સ્ટડી કરીને પોતપોતાની રીતે નવા શહેરનું ટાઉન પ્લાનિંગ આપ્યું અને એ પ્લાનિંગમાંથી માસ્ટર પ્લાન તૈયાર થયો જેના પર આજનું જામનગર તૈયાર થયું. જામનગરની અનેક વાતો એવી છે જે આપણે જાણીએ તો ખરેખર આંખો ફાટી જાય.
રાજ્યને મળતા દરિયાકિનારાનો લાભ લેવાનું વિચારનારા પહેલા રાજવી જામસાહેબ હતા. તેમણે જામનગરમાં બંદર બનાવ્યું અને એ બંદરનો ઉપયોગ માત્ર પૅસેન્જરોની અવરજવર પૂરતું જ નહીં, માલ લાવવા-મૂકવામાં એટલે કે ટ્રાન્સપોર્ટ તરીકેનો પણ ઉપયોગ શરૂ કર્યો. એક સમય હતો જ્યારે નવાનગરનું પોર્ટ દેશનું શ્રેષ્ઠ પોર્ટ ગણાતું અને લોકો ખાસ એ પોર્ટ જોવા જતા.

